17 July, 2025 07:07 AM IST | London | Gujarati Mid-day Correspondent
જોફ્રા આર્ચરે
ટેસ્ટ-ક્રિકેટમાં ચાર વર્ષ બાદ શાનદાર વાપસી કરનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ભારત સામેની લૉર્ડ્સ ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. ૨૦૨૧ બાદ પહેલી ટેસ્ટ રમીને જીત મેળવનાર ૩૦ વર્ષનો આર્ચર કહે છે, ‘મને લાગે છે કે હું થોડો ભાવુક થઈ ગયો હતો (ઇંગ્લૅન્ડની જીત પછી). આ સફર ખૂબ લાંબી રહી છે. હું તમને કહી શકતો નથી કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં કેટલા કીબોર્ડ યોદ્ધાઓ (સોશ્યલ મીડિયા યુઝર્સ) મારી પાછળ હતા.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘ટેસ્ટમાં વાપસી કરવામાં ઘણો સમય લાગ્યો. પુનર્વસન અને તાલીમમાં ઘણો સમય લાગ્યો પરંતુ આવી ક્ષણો એને સાર્થક બનાવે છે. દર્શકોએ મને ઉત્સાહી કર્યો. સલામત રસ્તો એ શ્રેષ્ઠ રસ્તો છે એથી હું વાપસી માટે બહુ ચિંતિત નહોતો. હું સફળ વાપસી કરીને ખુશ થયો છું.’
લૉર્ડ્સની બે ફાઇનલ મૅચથી પ્રેરિત થયો હતો જોફ્રા આર્ચર
લૉર્ડ્સ ટેસ્ટ-મૅચ દરમ્યાન આ મેદાનમાં રમાયેલી બે યાદગાર ફાઇનલ મૅચની વર્ષગાંઠ પણ હતી. એક હતી ૨૦૦૨ની નૅટવેસ્ટ ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટની ૧૩ જુલાઈની ફાઇનલ અને બીજી વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૯ની ૧૪ જુલાઈની ફાઇનલ મૅચ. ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે ખુલાસો કર્યો હતો કે આ બે ફાઇનલ મૅચ યાદ અપાવીને તેણે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને સારા પ્રદર્શન માટે પ્રેરિત કર્યો હતો. ૨૦૦૨માં ઇંગ્લૅન્ડ પર ભારતની જીત બાદ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ શર્ટ ઉતારીને બાલ્કનીમાં ઉજવણી કરી હતી અને ૨૦૧૯માં ઇંગ્લૅન્ડનું પહેલું વર્લ્ડ કપ ટાઇટલ જિતાડવામાં આર્ચર અને બેન સ્ટોક્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું.