02 December, 2025 12:45 PM IST | Christchurch | Gujarati Mid-day Correspondent
ક્રાઇસ્ટચર્ચમાં લોકલ યંગ ક્રિકેટર્સ સાથે બન્ને ટીમના કૅપ્ટન્સે કરાવ્યું અનોખું ટ્રોફી ફોટોશૂટ
યજમાન ન્યુ ઝીલૅન્ડ સામે T20 અને વન-ડે સિરીઝ હાર્યા બાદ આજથી વેસ્ટ ઇન્ડીઝ ૩ ટેસ્ટ-મૅચની સિરીઝમાં રમવા ઊતરશે. વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપ (WTC)ની પહેલી સીઝનની ચૅમ્પિયન ટીમ ન્યુ ઝીલૅન્ડ છેક આજથી પોતાની ૨૦૨૫-’૨૭ની સીઝનની શરૂઆત કરશે. અનુભવી બૅટર કેન વિલિયમસન ડિસેમ્બર ૨૦૨૪ બાદ પહેલી વખત કિવી ટીમ માટે ટેસ્ટ-મૅચ રમવા ઊતરશે. વેસ્ટ ઇન્ડીઝ વર્તમાન સીઝનમાં પાંચ ટેસ્ટ-મૅચ રમ્યું છે અને તમામમાં એને ઑસ્ટ્રેલિયા અને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
બન્ને ટીમ વચ્ચે ૪૯ ટેસ્ટ-મૅચ રમાઈ છે જેમાંથી ન્યુ ઝીલૅન્ડ ૧૭ અને વેસ્ટ ઇન્ડીઝ ૧૩ મૅચ જીત્યું છે જ્યારે ૧૯ મૅચ ડ્રૉ રહી છે. બન્ને ટીમ વચ્ચે ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ૧૮ ટેસ્ટ-સિરીઝ રમાઈ હતી, જેમાંથી ન્યુ ઝીલૅન્ડ ૮ અને વેસ્ટ ઇન્ડીઝ ૬ સિરીઝ જીત્યું છે જ્યારે ૪ સિરીઝ ડ્રૉ રહી છે. કૅરિબિયન ટીમ છેલ્લે ઑગસ્ટ ૨૦૧૨માં ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું એટલે કે કિવી ટીમે છેલ્લી ચારેય સિરીઝ જીત નોંધાવી હતી.
ન્યુ ઝીલૅન્ડની ધરતી પર વેસ્ટ ઇન્ડીઝ છેલ્લે ફેબ્રુઆરી ૧૯૯૫માં ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું. ૩૦ વર્ષ પહેલાં આ જ ટૂર દરમ્યાન કૅરિબિયન ટીમ ન્યુ ઝીલૅન્ડમાં ટેસ્ટ-મૅચ જીત્યું હતું. ન્યુ ઝીલૅન્ડમાં વેસ્ટ ઇન્ડીઝ ૧૨માંથી માત્ર ૩ ટેસ્ટ સિરીઝ જીત્યું છે. યજમાન ન્યુ ઝીલૅન્ડ ૬ સિરીઝ જીત્યું છે જ્યારે અન્ય ૩ સિરીઝ ડ્રૉ રહી હતી.