બૅન્ગલોર IPL પ્લેઑફમાં પહેલી વખત ૨૫૦+ રન ફટકારીને પાંચમી વખત ફાઇનલમાં પહોંચ્યું

27 May, 2026 09:25 AM IST  |  Dharamshala | Gujarati Mid-day Correspondent

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સતત બીજી વખત IPLની ફાઇનલમાં રમશે, ૨૦૨૩ બાદ બીજી વખત ગુજરાત ટાઇટન્સે ક્વૉલિફાયર 2 રમવી પડશે : કૅપ્ટન રજત પાટીદારની ઇનિંગ્સની મદદથી બૅન્ગલોરે પ્લેઑફનો સૌથી મોટો ૨૫૪-૫નો સ્કોર કર્યો, ગુજરાત ૧૯.૩ ઓવરમાં ઑલઆઉટ, ૧૬૨ રન જ માર્યા

૩૩ બૉલમાં ૯૩ રન ઝૂડનાર બૅન્ગલોરના કૅપ્ટન રજત પાટીદારને શાનદાર ઇનિંગ્સ રમવા બદલ શુભેચ્છા આપતો ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ

ધરમશાલાના મેદાન પર ગઈ કાલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ગુજરાત ટાઇટન્સને ૯૨ રનથી હરાવ્યું હતું. બૅન્ગલોરે અમદાવાદમાં ૩૧ મેએ રમાનારી ફાઇનલ મૅચમાં ડાયરેક્ટ એન્ટ્રી મારી છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોર ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૬, ૨૦૨૫ બાદ હવે પાંચમી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ગુજરાત હવે ૨૯ મેએ મુલ્લાંપુરમાં એલિમિનેટર મૅચની વિજેતા ટીમ સામે ક્વૉલિફાયર ૨ મૅચ રમશે.

કૅપ્ટન રજત પાટીદારે તોફાની અંદાજમાં ૯૩ રન ફટકારીને બૅન્ગલોરનો સ્કોર ૨૫૪-૫ કર્યો હતો. છેલ્લી ૬ ઓવરમાં બૅન્ગલોરે ૧૧૪ રન ઝૂડ્યા હતા. IPL પ્લેઑફના ઇતિહાસમાં પહેલી વખત કોઈ ટીમે ૨૫૦ રનનો આંકડો પાર કર્યો હતો. જવાબમાં ગુજરાત ૮૮ રને ૮ વિકેટ ગુમાવવા છતાં ૧૯.૩ ઓવપમાં ૧૬૨-૧૦ના સ્કોર સુધી પહોંચ્યું હતું. પાંચ જેટલાં જીવતદાનનો ફાયદો ઉઠાવીને ૨૧ બૉલમાં ફિફ્ટી ફટકારનાર રજત પાટીદાર મૅચનો હીરો રહ્યો હતો.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર બૅન્ગલોરે પોતાની હોમગ્રાઉન્ડની બહારનો સૌથી મોટો અને ઑવરઓલ ત્રીજો સૌથી મોટો સ્કોર ખડકી દીધો હતો. ઓપનર વિરાટ કોહલીએ પચીસ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સની મદદથી ૪૩ રન કરીને શાનદાર શરૂઆત આપી હતી. સાથી ઓપનર વેન્કટેશ ઐયરે ૭ બૉલમાં ૧૯ રન અને ત્રીજા ક્રમે રમનાર દેવદત્ત પડિક્કલે ૧૯ બૉલમાં ૩૦ રનનું યોગદાન આપ્યું હતું.

ચોથા ક્રમે રમવા આવેલા કૅપ્ટન રજત પાટીદારે ૨૮૧.૮૨ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. તેણે ૩૩ બૉલમાં પાંચ ફોર અને ૯ સિક્સની મદદથી અણનમ ૯૩ રન ઝૂડ્યા હતા. કૃણાલ પંડ્યાએ ૨૮ બૉલમાં ૪૩ રન અને જિતેશ શર્માએ પાંચ બૉલમાં ૧૫ રન કર્યા હતા. ગુજરાત માટે જેસન હોલ્ડરે ૪ ઓવરમાં ૩૯ રન આપીને બે વિકેટ લીધી હતી. ૫૦ પ્લસ રન આપીને કૅગિસો રબાડાએ બે વિકેટ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક વિકેટ લીધી હતી.

રન-ચેઝ દરમ્યાન ગુજરાતના ઓપનર્સ ૩.૧ ઓવરમાં ૨૭ રનના સ્કોર પર તંબુભેગા થઈ ગયા હતા. સાઈ સુદર્શન ૯ બૉલમાં ૧૪ રન કરીને હિટ-વિકેટ આઉટ થયો હતો., જ્યારે શુભમન ગિલ ૭ બૉલમાં બે રન કરીને બોલ્ડ થયો હતો. જૉસ બટલરે ૧૧ બૉલમાં ૨૬૩.૬૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૨૯ રન કર્યા હતા. ઇમ્પૅક્ટ પ્લેયર રાહુલ તેવતિયાએ ૪૩ બૉલમાં ૮ ફોર અને ૪ સિક્સની મદદથી ૬૮ રન કરીને હારનું અંતર ઘટાડ્યું હતું.

૫.૪ ઓવરમાં ૫૧ રનના સ્કોર પર બૅન્ગલોરના બોલિંગ યુનિટે ગુજરાતની અડધી ટીમને ડગઆઉટમાં મોકલી દીધી હતી. બૅન્ગલોર તરફથી ફાસ્ટ બોલર જેકબ ડફીએ ૪ ઓવરમાં ૩૯ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. સ્પિનર કૃણાલ પંડ્યા સહિત ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને રસિખ સલામ દારને બે-બે સફળતા મળી હતી. 

600
સતત ૪ સીઝનમાં આટલા પ્લસ રન કરનાર પહેલો બૅટર બન્યો વિરાટ કોહલી.

18
એક IPL સીઝનમાં પાવરપ્લેમાં આટલી હાઇએસ્ટ વિકેટ લીધી કૅગિસો રબાડાએ. મોહમ્મદ શમીનો ૨૦૨૩નો ૧૭ વિકેટનો રેકૉર્ડ તોડ્યો. 

31
એક IPLમાં સીઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ આટલી વિકેટ લીધી ગુજરાતના ફાસ્ટ બોલર્સે.અગાઉ મુંબઈના બોલર્સે ૨૦૧૩માં ૩૦ વિકેટ લીધી હતી.

IPL નૉકઆઉટ/પ્લેઑફમાં સૌથી મોટો ટીમ-સ્કોર

૨૦૨૬માં ગુજરાત સામે બૅન્ગલોર - ૨૫૪/૫
૨૦૨૩માં મુંબઈ સામે ગુજરાત - ૨૩૩/૩  
૨૦૨૫માં મુંબઈ સામે ગુજરાત - ૨૨૮/૫ 
૨૦૧૪માં ચેન્નઈ સામે પંજાબ - ૨૨૬/૬  
૨૦૧૨માં દિલ્હી સામે ચેન્નઈ - ૨૨૨/૫

IPL 2026 indian premier league royal challengers bangalore gujarat titans dharamsala venkatesh iyer virat kohli devdutt padikkal rajat patidar krunal pandya jitesh sharma bhuvneshwar kumar sai sudharsan shubman gill jos buttler washington sundar rashid khan kagiso rabada mohammed siraj prasidh krishna cricket news sports sports news