કિંગ કોહલીનું ૧૦,૦૦૦ ટેસ્ટ રન બનાવવાનું સ્વપ્નું રહી જશે અધૂરું?

11 May, 2025 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિતને પગલે વિરાટે પણ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે. આ માઇલસ્ટોનથી માત્ર ૭૭૦ રન દૂર, BCCIએ ફરી વિચાર કરવાની આપી સલાહ.

વિરાટ કોહલી

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) 2025-’27ની સીઝન પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ખેલાડી રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ-ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું છે. અહેવાલ અનુસાર ૩૬ વર્ષના કોહલીએ ભારતીય ક્રિકેટ બોર્ડને જાણ કરી દીધી છે કે તે ટેસ્ટ-ક્રિકેટ છોડી રહ્યો છે. BCCIએ જૂન મહિનામાં ઇંગ્લૅન્ડની મહત્ત્વપૂર્ણ ટેસ્ટ-ટૂર હોવાથી તેને પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. BCCIએ હજી સુધી તેની વિનંતીનો જવાબ આપ્યો નથી. અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટનાં કેટલાંક મોટાં નામો કોહલીને આ વિશે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન કોહલીએ ૨૦૧૩માં નિવેદન આપ્યું હતું કે ‘મારો એક ધ્યેય છે કે હું ટેસ્ટ-ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન ફટકારું, જે હું પ્રાપ્ત કરવા માગું છું.’ કોહલી ૧૨૩ ટેસ્ટમાં ૩૦ સેન્ચુરી અને ૩૧ ફિફ્ટીની મદદથી ૯૨૩૦ રન ફટકારી ચૂક્યો છે અને પોતાના ૧૦,૦૦૦ રનના માઇલસ્ટોનથી ફક્ત ૭૭૦ રન દૂર છે.

ટેસ્ટ ક્રિકેટમાં ફરી કૅપ્ટન્સી કરવાની ઇચ્છા પૂરી ન થઈ એટલે વિરાટ કોહલીએ લીધો રિટાયરમેન્ટનો નિર્ણય 
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ-ક્રિકેટમાં ફરી કૅપ્ટન્સી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ ભારતીય ક્રિકેટ બોર્ડે આ વિનંતી ન સ્વીકારતાં તેણે ટેસ્ટ-ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો હોય એવું માનવામાં આવી રહ્યું છે. અહેવાલ અનુસાર રોહિત શર્માના આ ફૉર્મેટમાંથી બહાર થયા બાદ ખાલી પડેલા પદ પર નવો કૅપ્ટન તૈયાર થાય એ પહેલાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની નવી સીઝનની શરૂઆતમાં વિરાટ અસ્થાયી કૅપ્ટન બનવા માગતો હતો.

અહેવાલ અનુસાર હેડ કોચ ગૌતમ ગંભીર અને ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ અસ્થાયી સમાધાનની ઇચ્છા રાખતા નથી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇન્જરીને કારણે આ ફૉર્મેટમાં ફુલ ટાઇમ નેતૃત્વ સંભાળી શકે એમ ન હોવાથી શુભમન ગિલ (કૅપ્ટન) અને રિષભ પંત (વાઇસ-કૅપ્ટન)ને ભારતીય ટેસ્ટ-ટીમનું નેતૃત્વ મળશે એવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અંબાતી રાયુડુએ ટેસ્ટ-ક્રિકેટ ન છોડવા કોહલીને અપીલ કરી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલના IPL કૉમેન્ટેટર અંબાતી રાયુડુએ સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલીના રિટાયરમેન્ટના સમાચાર બાદ એક ટ્વીટ કરી હતી. ૩૯ વર્ષના રાયુડુએ લખ્યું હતું કે ‘વિરાટ કોહલી, કૃપા કરીને નિવૃત્તિ ન લો. ભારતીય ટીમને તમારી અગાઉ કરતાં હમણાં વધુ જરૂર છે. તમારામાં હજી પણ ઘણું (ક્રિકેટ) બાકી છે. તમારા વિના ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ-ક્રિકેટ પહેલાં જેવું નહીં રહે. કૃપા કરીને પુનર્વિચાર કરો.’

ટેસ્ટ-ક્રિકેટને વિરાટની જરૂર છે : લારા 
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ પ્રતિભાશાળી ક્રિકેટર બ્રાયન લારાએ ગઈ કાલે વિરાટ કોહલી માટે સ્પેશ્યલ પોસ્ટ કરી હતી. કોહલી સાથેનો IPL દરમ્યાનનો જૂનો ફોટો શૅર કરીને તેણે લખ્યું કે ‘ટેસ્ટ-ક્રિકેટને વિરાટની જરૂર છે. તેને મનાવવામાં આવશે. તે ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી. તેની બાકીની ટેસ્ટ-કરીઅર દરમ્યાન ૬૦થી વધુ 
બૅટિંગ-ઍવરેજ રાખશે.’

૪૬.૮૫ની ઍવરેજ અને ૫૫.૫૮ના સ્ટ્રાઇક-રેટથી ટેસ્ટ-ક્રિકેટમાં રન કરનાર વિરાટ આ ફૉર્મેટ હમણાં નહીં છોડશે એવી આશા ૫૬ વર્ષના બ્રાયન લારાએ વ્યક્ત કરી હતી.

રોહિત અને વિરાટની જોડી એક રનથી કયો મહારેકૉર્ડ ચૂકી ગઈ? 
રોહિત શર્માએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતાં તે વિરાટ કોહલી સાથે એક મોટો રેકૉર્ડ બનાવતાં ચૂકી ગયો છે. તેઓ એક રનથી ત્રણેય ફૉર્મેટમાં ૧૦૦૦ કે એથી વધુ રનની પાર્ટનરશિપ કરનાર પહેલી જોડી બનતા રહી ગયા છે. બન્નેએ વન-ડેમાં ૯૯ ઇનિંગ્સમાં ૫૩૧૫ રન, T20માં ૪૨ ઇનિંગ્સમાં ૧૩૫૦ રન અને ટેસ્ટમાં ૨૬ ઇનિંગ્સમાં ૯૯૯ રનની ભાગીદારી કરી હતી. જો વિરાટ ટેસ્ટમાંથી નિવૃત્તિનો નિર્ણય ટાળશે તો તે કે. એલ. રાહુલ સાથે આ રેકૉર્ડ બનાવી શકે છે. તેમની વચ્ચે વન-ડેમાં ૩૦ ઇનિંગ્સમાં ૧૪૯૧ રન, T20માં ૨૭ ઇનિંગ્સમાં ૧૦૧૫ રન અને ટેસ્ટમાં ૨૦ ઇનિંગ્સમાં ૮૮૧ રનની પાર્ટનરશિપ થઈ છે. 

virat kohli test cricket ambati rayudu indian cricket team cricket news sports news