ટુવાલચોર ઇગા સ્વિયાટેકને ટાઇટલ જીત્યા બાદ વિમ્બલ્ડન તરફથી સ્પેશ્યલ ટુવાલ ગિફ્ટમાં મળ્યો

14 July, 2025 09:14 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ટુર્નામેન્ટના ટુવાલ યાદગીરી માટે તેની ટેનિસ બૅગમાં ભરતી કેદ થતી રહી છે જેને કારણે તેને મજાકમાં ટુવાલચોર કહેવામાં આવે છે.

વિમ્બલ્ડન વિમેન્સ સિંગલ્સની ટ્રોફી વીનસ રોઝવૉટર ડિશ સાથે ઇગા સ્વિયાટેક.

પોલૅન્ડની ઇગા સ્વિયાટેકે શનિવારે સેન્ટર કોર્ટ પર અમેરિકન અમાન્ડા અનિસિમોવાને ૬-૦, ૬-૦ના અનોખા ડબલ બૅગલ સ્કોરથી હરાવીને તેનું પ્રથમ વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. વિમ્બલ્ડન અધિકારીઓએ સ્વિયાટેકને સ્પેશ્યલ ટુવાલ ભેટમાં આપ્યો હતો. આ ટુવાલ પર ‘વિમ્બલ્ડન ચૅમ્પિયન ઇગા સ્વિયાટેકની મિલકત’ લખ્યું હતું.

૨૪ વર્ષની આ પોલૅન્ડની સ્ટાર ટેનિસ પ્લેયર ચાર ફ્રેન્ચ ઓપન અને એક યુએસ ઓપન જીતી ચૂકી છે. તે ઘણી વાર કૅમેરામાં ડઝનબંધ ટુર્નામેન્ટના ટુવાલ યાદગીરી માટે તેની ટેનિસ બૅગમાં ભરતી કેદ થતી રહી છે જેને કારણે તેને મજાકમાં ટુવાલચોર કહેવામાં આવે છે. વિમ્બલ્ડનમાં સતત આઠમી વાર વિમેન્સ સિંગલ્સમાં નવી ચૅમ્પિયન પ્લેયર મળી છે.  

ઇગા સ્વિયાટેકને મળ્યો આ સ્પેશ્યલ ટુવાલ. 

૧૦૦મી ગ્રૅન્ડ સ્લૅમ મૅચ જીતીને પોલૅન્ડ માટે જીત્યું પહેલું વિમ્બલ્ડન ટાઇટલ

ક્લે, ગ્રાસ અને હાર્ડ ત્રણેય ટેનિસ કોર્ટ પર ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર આ ટેનિસ પ્લેયર ઓપન એરામાં વિમ્બલ્ડન ટાઇટલ જીતનાર પોલૅન્ડની પહેલી પ્લેયર બની છે. પોતાના પહેલા છ ગ્રૅન્ડ સ્લૅમ જીતનારી ઇગા સ્વિયાટેકે શનિવારે ૧૨૦મી ગ્રૅન્ડ સ્લૅમ મૅચમાં પોતાની ૧૦૦મી જીત નોંધાવી હતી.

ડબલ બૅગલ એટલે શું?

ડબલ બૅગલ એટલે જ્યારે કોઈ પ્લેયર ૬-૦, ૬-૦ના સ્કોર સાથે મૅચ જીતે છે. બૅગલ શબ્દ શૂન્યના આકાર પરથી આવ્યો છે. ઓપન એરા (૧૯૬૮થી) આ રીતે વિમ્બલ્ડન ફાઇનલ જીતનાર ઇગા સ્વિયાટેક પહેલી મહિલા છે. વિમ્બલ્ડન વિમેન્સ સિંગલ્સ ફાઇનલમાં આવી ઘટના ૧૧૪ વર્ષ પહેલાં બની હતી. 

poland wimbledon sports news sports london