Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Business News in Short: ઇન્ડિયન ઑઇલનો નફો ત્રણ ગણો વધ્યો તથા બીજા બિઝનેસ સમાચાર એક ક્લિકમાં

Business News in Short: ઇન્ડિયન ઑઇલનો નફો ત્રણ ગણો વધ્યો તથા બીજા બિઝનેસ સમાચાર એક ક્લિકમાં

31 July, 2021 01:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાણો યુરોપના અર્થતંત્રની સ્થિતિ, હિંદુસ્તાન ઝિંક કેમ વાપરશે ઇલેક્ટ્રિક વાહનો અને વિદેશી હૂંડિયામણની અનામત કેમ ઘટી તથા બીજા બિઝનેસ ન્યુૂઝ ટૂંકમાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વૉર્ટરમાં ત્રણ ગણો વધારે ચોખ્ખો નફો કર્યો છે. પાછલા વર્ષે સમાન ગાળામાં થયેલા ૧૯૧૦.૮૪ કરોડ રૂપિયાના સ્ટૅન્ડઅલોન નફાની સામે ૫૯૪૧.૩૭ કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું કંપનીએ સ્ટૉક એક્સચેન્જોને મોકલેલા ફાઇલિંગમાં જણાવ્યું છે.

દેશની આ સૌથી મોટી ઑઇલ રિફાઇનિંગ કંપનીનું રિફાઇનિંગ માર્જિન પ્રતિ બૅરલ ૬.૫૮ ડૉલર રહ્યું છે, જે એક વર્ષ પહેલાં ૧.૯૮ ડૉલર હતું. કંપનીની કામકાજની આવક ૭૪ ટકા વધીને ૧.૫૫ લાખ કરોડ રૂપિયા થઈ છે.



યુરોપમાં એપ્રિલ-જૂનમાં બે ટકા વૃદ્ધિદર નોંધાયો


યુરોપના અર્થતંત્રમાં ગયા એપ્રિલથી જૂનના સમયગાળામાં પાછલા ક્વૉર્ટરની તુલનાએ બે ટકાના દરે વૃદ્ધિ થતાં અર્થતંત્ર ફરી ગતિમાન થયાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જોકે હજી સુધી કોરોનાના રોગચાળા પૂર્વેની સ્થિતિ આવી નથી અને અમેરિકા તથા ચીનની તુલનાએ વૃદ્ધિદર ઓછો છે, એટલું જ નહીં, ડેલ્ટા વેરિઅન્ટને કારણે દરદીઓની સંખ્યા વધવા લાગી હોવાથી આ વૃદ્ધિ ટકવા બાબતે અનિશ્ચિતતા સર્જાઈ છે. યુરોપિયન યુનિયનની સ્ટૅટિસ્ટિક્સ એજન્સી યુરોસ્ટેટે જણાવ્યા મુજબ પ્રથમ ક્વૉર્ટરમાં વૃદ્ધિદરમાં ૦.૩ ટકાનો ઘટાડો થયો હતો.

હિન્દુસ્તાન ઝિન્ક હવે બૅટરીથી ચાલતાં ઇલેક્ટ્રિક વાહનો વાપરશે


ખાણકામ ક્ષેત્રની અગ્રણી કંપની હિન્દુસ્તાન ઝિન્કે આગામી પાંચ વર્ષમાં પોતાની આઠ ખાણમાં ડીઝલથી ચાલતાં વાહનોની જગ્યાએ બૅટરીથી ચાલતાં ઇલેક્ટ્રિક વાહનો વાપરવા માટે ૧ અબજ ડૉલર (આશરે ૭,૪૪૦ કરોડ રૂપિયા)નું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે, એમ કંપનીના સીઈઓ અરુણ મિશ્રએ શુક્રવારે જણાવ્યું હતું.

આ કાર્ય માટે કંપનીએ ફિનલૅન્ડના ટેક્નૉલૉજી ગ્રુપ નોર્મેટ ઓવાય સાથે કરાર કર્યો છે. મિશ્રએ વધુમાં કહ્યું હતું કે ડીઝલથી ચાલતાં વાહનો અને ઉપકરણોને લીધે પુષ્કળ ગરમી, ધુમાડા અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, જેને લીધે સતત ઑક્સિજનનો પુરવઠો કરવો પડે છે. વાહનોનું ચાર્જિંગ કરવા માટે સૌરઊર્જાનો ઉપયોગ કરવામાં આવશે.

જૂનમાં આઠ મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદન વધ્યું

ગયા જૂન મહિનામાં દેશનાં આઠ મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદન ૮.૯ ટકાના દરે વધ્યું હોવાનું શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ પરથી જાણવા મળે છે. નૅચરલ ગૅસ, સ્ટીલ, કોલસો અને વીજળી એ ચારેચાર ક્ષેત્રોમાં વૃદ્ધિ પ્રમાણમાં વધારે રહી હતી. આ ચાર ઉપરાંતનાં ક્ષેત્રો સ્ટીલ, ખાતર, સિમેન્ટ અને ક્રૂડ ઑઇલ છે. જૂનમાં ક્રૂડનું ઉત્પાદન ૧.૮ ટકાના દરે ઘટ્યું હતું, જ્યારે ખાતરમાં બે ટકાના દરે વૃદ્ધિ થઈ હતી.

ભેલની ખોટમાં નોંધપાત્ર ઘટાડો

સરકારી માલિકીની કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડે (ભેલ) ગયા એપ્રિલ-જૂન ગાળામાં ૪૪૮.૨૦ કરોડ રૂપિયાની કન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ કરી છે, જે પાછલા વર્ષે સમાન ગાળામાં થયેલી ૮૯૩.૧૪ કરોડની ખોટ કરતાં લગભગ અડધી ઓછી છે. સમીક્ષા હેઠળના ક્વૉર્ટરમાં કંપનીની કુલ આવક ૨,૦૮૬.૪૩ કરોડ રૂપિયાથી વધીને ૨,૯૬૬.૭૭ કરોડ રૂપિયા થઈ છે.

રાજકોષીય ખાધ અંદાજના  ૧૮ ટકા સુધી પહોંચી

દેશની ગત જૂન સુધીની રાજકોષીય ખાધ ૨.૭૪ લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી છે, જે વર્તમાન વર્ષના કેન્દ્રીય બજેટમાં સરકારે નક્કી કરેલા પ્રમાણના ૧૮.૨ ટકા જેટલી છે. સમગ્ર વર્ષ માટે સરકારે કુલ રાષ્ટ્રીય પેદાશના ૬.૮ ટકા એટલે કે ૧૫,૦૬,૮૧૨ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન રાખ્યું છે.

એનએસઈ આઇએફએસસીના ડેટ સિક્યૉરિટીઝ માર્કેટ પ્લૅટફૉર્મ પર આઇઆરએફસીના બૉન્ડનું લિસ્ટિંગ

ઇન્ડિયન રેલવે ફાઇનૅન્સ કૉર્પોરેશને (આઇઆરએફસી) વિદેશી ચલણમાં મૂલ્યાંકિત બૉન્ડ અને ગ્રીન બૉન્ડનું લિસ્ટિંગ એનએસઈ આઇએફએસસીના ડેટ સિક્યૉરિટીઝ માર્કેટ પ્લૅટફૉર્મ પર કરાવ્યું છે. એનએસઈના આઇએફએસસીએ નિવેદનમાં જણાવ્યા મુજબ ઉક્ત કંપનીએ ટુકડે-ટુકડે કુલ ૨.૨૫ અબજ ડૉલરના બૉન્ડ ઇશ્યુ કર્યા છે. એનએસઈએ માર્ચ ૨૦૧૮માં વિવિધ પ્રકારના બૉન્ડના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે આઇએફએસસી ખાતે ડેટ સિક્યૉરિટીઝ પ્લૅટફૉર્મ શરૂ કર્યું હતું.

તાતા મોટર્સ સૌથી વધુ રોકાણ કરશે જેએલઆરમાં

તાતા મોટર્સની વર્ચ્યુઅલ એજીએમને સંબોધતાં એના ચૅરમૅન એન. ચંદ્રશેકરને ગઈ કાલે જણાવ્યું હતું કે કંપની આવતા વર્ષમાં ૨૮,૯૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને એમાંનું મોટા ભાગનું રોકાણ તો માત્ર ને માત્ર જૅગ્વાર લૅન્ડ રોવર (જેએલઆર) માટે જ કરવામાં આવશે.

વિદેશી હૂંડિયામણની અનામતમાં ઘટાડો

દેશની વિદેશી હૂંડિયામણની અનામત ૨૩ જુલાઈએ પૂરા થયેલા સપ્તાહમાં ૧.૫૮૧ અબજ ડૉલર ઘટીને ૬૧૧.૧૪૯ અબજ ડૉલરના સ્તરે પહોંચી હતી. રિઝર્વ બૅન્કે જાહેર કરેલા આંકડાઓ મુજબ આની પહેલાંના એટલે કે ૧૬ જુલાઈએ સમાપ્ત થયેલા અઠવાડિયામાં અનામત ૮૩૫ મિલ્યન ડૉલર વધીને ૬૧૨.૭૩૦ અબજ ડૉલરના વિક્રમી સ્તરે પહોંચી હતી. થોડા વખતથી વધી રહેલી વિદેેશી હૂડિયામણની અનામતો હવે આ વખતે ઘટી છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2021 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK