Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મારી ૧૦ લાખ કરોડની સંપત્તિ કોણે ચોરી લીધી?

મારી ૧૦ લાખ કરોડની સંપત્તિ કોણે ચોરી લીધી?

05 February, 2023 12:52 PM IST | Mumbai
Deven Choksi

છેલ્લા એક વીકમાં અદાણી ગ્રુપ ઑફ કંપનીઓમાં થયેલા કરોડોની માર્કેટ વૅલ્યુના ધોવાણનો આંચકો પચાવવાનું ઇન્ડિવિજ્યુઅલ કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે સહેલું નથી. હાલની પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને મનમાં કેટલાક પ્રશ્નો ઉદ‍્ભવ્યા હશે જે સ્વાભાવિક છે.

પ્રતીકાત્મક તસવીર

Column

પ્રતીકાત્મક તસવીર


હું હમણાં ૨૦૦૦ના દાયકાની મારી એ યાદોને તાજી કરી રહ્યો છું, જ્યારે હું ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ પર રિસર્ચ કરી રહ્યો હતો. એ સમય દરમ્યાન મને અદાણી એન્ટરપ્રાઇઝના નિર્માણ સફરના ખૂબ નજીકના સાક્ષી બનવાનો મોકો મળ્યો હતો. મુન્દ્રા પોર્ટ, કોલબેઝ પાવર પ્લાન્ટ, ગુજરાતથી શરૂ કરીને છેક ઉત્તર ભારત સુધી જતી પાવર ટ્રાન્સમિશન લાઇન્સ જેવાં અનેક ક્ષેત્રે મહાકાય નિર્માણોમાં વ્યસ્ત અદાણીને આવા જબરદસ્ત નિર્માણ માટે બે દાયકાથીય વધુ સમય લાગ્યો છે, પણ તેમની એ દાયકાઓની મહેનત ત્યારે દેદીપ્યમાન થાય છે જ્યારે આ અસ્કયામતો માત્ર રાષ્ટ્રને સેવાઓ પૂરી પાડે છે. એટલું જ નહીં, કચ્છ અને ગુજરાતમાં રહેતા લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે પણ નિમિત્ત બને છે. સમય વીતતાં અદાણી અને ગ્રુપ કંપનીઓ ગુજરાતના આખા એક રીજનના લોકોને રોજગારી પૂરી પાડનારો સ્રોત તો બની જ, સાથે જ કચ્છ અને ગુજરાતના અન્ય પ્રદેશોમાં તો તેમણે સ્કૂલ-કૉલેજો, હૉસ્પિટલ્સ, રસ્તાઓ, ઍરપોર્ટ અને રેલવે જેવાં અનેક સામાજિક ઉપયોગ હેતુ માળખાંઓનું પણ નિર્માણ કર્યું. 

જ્યારે એક એન્ટરપ્રાઇઝનો જન્મ થાય છે ત્યારે માનવજીવન કેવી રીતે બદલાય છે એ જોવાનો મોકો મને મળ્યો છે. 
આજે ૩ દાયકા કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં અદાણી ગ્રુપમાં જે પ્રતિબદ્ધતા, ઉત્સાહ અને ઊર્જા જોવા મળે છે એ વર્ષોની મહેનત અને આજે કરેલી પ્રગતિરૂપે દેખાય છે. આજે તો હવે અદાણી એકલા ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતભરમાં વિસ્તરી ચૂક્યા છે. આજે જ્યારે આપણે ભારતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍસેટનો એક મહાકાય પોર્ટફોલિયો બનાવવાની વાતો કરી રહ્યા હોઈએ ત્યારે અદાણી જૂથનું નામ સૌથી પહેલાં જીભ પર આવે એ સ્વાભાવિક છે.
અદાણી દ્વારા બનાવવામાં આવેલા મહાકાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ આજે દેશની મોટા ભાગની વસ્તીને મળી રહ્યો છે. 
૨૦.૩૭ GWની ક્ષમતા ધરાવતો ગ્રીન પાવર પ્રોજેક્ટ, ઘરેલુ જ નહીં, અનેક ઇન્ડસ્ટ્રીઝને ગૅસનું વિતરણ, ૧૮,૭૯૫ કિલોમીટર લાંબી અને ૩૮,૬૦૦ MVA પાવર ટ્રાન્સમિશન લાઇન અને ૧૩.૬૫



GWનો થર્મલ પાવર.
૫૩૮ એમએમટીપીએની કાર્ગો હૅન્ડલિંગ ક્ષમતા ધરાવતાં ૧૩ પોર્ટ્સ અને ટર્મિનલ્સ, ૭ ઍરપોર્ટ, ૫૦૦૦ કિલોમીટર કરતાં વધુ લાંબા રોડ્સ અને ૬૨૦ કિલોમીટર લાંબી રેલવેલાઇન તથા ૧.૪ મિલ્યન ચોરસ ફુટ વિસ્તારમાં ફેલાયેલાં વેરહાઉસિસ. ૬.૭૨ GWના પાવર સ્ટોરેજ કૅપેસિટીવાળી સૌર ઊર્જા ઉત્પાદનક્ષમતા, કમ્પ્યુટિંગ અને સ્ટોરેજ સેવાઓ, ૬૭.૫ એમએમટીપીએ ક્ષમતા ધરાવતી દેશની બીજા ક્રમાંકની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની એસીસી અને અંબુજા સિમેન્ટ્સ, પેટ્રોકેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ, માઇનિંગ, ૦.૩૪ મિલ્યન ગ્રાહકોને સેવા આપવા માટે ડિજિટલ ઍપ્લિકેશન તથા ઍરપોર્ટથી લઈને પાવર ઉત્પાદન અને એફએમસીજી ક્ષેત્રે કોહિનૂર ફૉર્ચ્યુન જેવી જાણીતી બની ચૂકેલી બ્રૅન્ડ્સ.
ઉદ્યોગો રાતોરાત બંધાતા નથી. એ વર્ષોની સખત મહેનતનું પરિણામ હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે શૂન્યમાંથી સર્જન કરવાનું હોય. 
એક ઇન્વેસ્ટર તરીકેના મારા છેલ્લા ૩ દાયકાના અનુભવને આધારે કહું છું કે મેં એવા કેટલાક સાહસિક અને શ્રેષ્ઠ બિઝનેસમેન જોયા છે જેમણે ભારતમાં એક શ્રેષ્ઠ વ્યવસાયોની સ્થાપના કરી હોય અને મેં જોયું છે કે કોઈ પણ એમ્પાયરના સર્જન પાછળ એ વ્યક્તિ મહત્ત્વની હોય છે જે નિર્ણય લેતી હોય છે. વ્યવસાય કોઈ પણ હોય, તેણે પડકારમાંથી પસાર થવું જ પડતું હોય છે, પરંતુ એ માટે પડકારો અને પરિસ્થિતિઓ વચ્ચેથી માર્ગ કાઢી, કુશળતાપૂર્વક એમાંથી બહાર કઈ રીતે નીકળવું અને સકારાત્મક વલણ રાખી પ્રતિકૂળ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેનો મક્કમ નિર્ધાર જરૂરી હોય છે. એ માટે સૌથી મહત્ત્વના હોય છે આત્મવિશ્વાસ અને ઉત્સાહ, જેના હેઠળ આવા ઉદ્યોગ સાહસિક ગમે એવા પડકારનો સામનો કરી શકે. એટલું જ નહીં, એમાંથી બહાર નીકળ્યા બાદ એ એન્ટરપ્રાઇઝને અન્ય કરતાં વધુ સારી બનાવે છે.


તાતા હોય, બિરલા હોય કે અંબાણી; તેમણે બનાવેલા વ્યવસાયમાં પડકારો અને પ્રતિકૂળતાઓ આવતી જ રહે છે. ઇતિહાસમાં એવા અનેક દાખલા છે કે તેમની સમક્ષ આવેલી દરેક પરિસ્થિતિઓમાં તેઓ સ્થિર અને નિશ્ચિત અભિગમ સાથેનું વલણ રાખી એમાંથી કુશળતાપૂર્વક બહાર નીકળ્યા છે.
છેલ્લા એક સપ્તાહમાં, અદાણી ગ્રુપ ઑફ કંપનીઓમાં લગભગ ૧૦ લાખ કરોડની માર્કેટ વૅલ્યુનું ધોવાણ થયું છે. આ જૂથમાં પોતાનાં નાણાં રોક્યાં હોય એવા અનેક રોકાણકારો માટે આટલું મોટું ધોવાણ આંચકારૂપ પુરવાર થાય એ સ્વાભાવિક છે અને એ પણ થોડા કલાકોમાં! શક્ય છે કે આ દિવસોમાં અનેક રોકાણકારોનો વિશ્વાસ પણ ડગી ગયો હશે, પછી સામાન્ય રોકાણકાર હોય કે સંસ્થાગત, આટલો મોટો આંચકો પચાવવો કોઈ પણ વ્યક્તિ માટે સહેલો નહીં રહ્યો હોય.
હાલની પરિસ્થિતિને કારણે ઇક્વિટીમાં રોકાણ કરનાર જ નહીં, પરંતુ દરેક વ્યક્તિને મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા હશે જે સ્વાભાવિક છે. દરેકના મનમાં એક વાર તો એવો વિચાર આવ્યો જ હશે કે અદાણીમાં શું ખોટું થયું હશે?


ચાલો કેટલીક હકીકતો સમજવાનો પ્રયત્ન કરીએ, જેને કારણે કદાચ એવું શક્ય બને કે ઘણી ચિંતાઓ, પ્રશ્નો, આશંકાઓ અને ધારણાઓનું નિરાકરણ થઈ જાય. 

૧. ઉધાર અને દેવું ફરીથી ચૂકવવાની ક્ષમતા
અદાણી અને તેમની ગ્રુપ-કંપનીઓ મળીને હાલમાં ૩૦ બિલ્યન ડૉલર જેટલું કંપનીનું કુલ દેવું છે, જેની સામે કંપની પાસે ૪ બિલ્યન ડૉલર જેટલી રોકડ છે, એમ કંપની મૅનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ દેવાની સામે, કંપનીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍસેટ્સ જે માત્ર દેવા સામે બૅન્કો પાસે ગીરવી નથી મૂકી, બલકે એ કંપનીને નફો કમાવી આપતી મિલકત છે. એટલું જ નહીં, આ બધી મિલકતોમાંથી કોઈ એક અસ્કયામત પણ આજ સુધી બૅન્કો માટે નૉન-પર્ફોર્મિંગ ઍસેટ નથી.
ગ્રુપ-કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોન પણ બૅન્કનાં ધારાધોરણની અંદર રહીને અને ટ્રૅક રેકૉર્ડ જાળવી રાખીને લેવામાં આવી છે. કંપનીનો ડેટ ઇક્વિટી રેશિયો ૧ઃ૩ કરતાં ઓછો છે અને એ ૧ઃ૪ની નિર્ધારિત મર્યાદામાં છે. ભારતીય બૅન્કો સુરક્ષિત છે. સરળ શબ્દોમાં કહીએ તો, અદાણી ગ્રુપની કંપનીઓ દ્વારા જનરેટ થતો રોકડ પ્રવાહ એવી બૅન્કો માટે જોખમ ઊભું કરી રહ્યો નથી, જેમણે તેમને ભંડોળ આપ્યું છે.
ભારતીય બૅન્કો પાસે લીધી હોય એવી લોન અદાણી ગ્રુપની કુલ લોનના માત્ર ૩૦ ટકા જેટલી છે. બાકીનું દેવું ઇન્ટરનૅશનલ બૉન્ડ્સ દ્વારા લેવામાં આવ્યું છે. વિદેશથી લીધેલી લોનના વ્યાજદર સરેરાશ ૪.૫ ટકાથી વધુ નથી. કંપનીની કામગીરી નફાકારક હોવાથી, અદાણીના મૅનેજમેન્ટે સ્થાનિક તેમ જ વૈશ્વિક બન્ને ભંડોળની પુન: ચુકવણી ક્ષમતામાં કોઈ જોખમ ન હોવાનું જણાવ્યું છે.
અદાણી અને એની ગ્રુપ-કંપનીઓનો વ્યવસાય નફાકારક છે. એટલું જ નહીં, આગામી બે દાયકા કે એથી વધુ સમય સુધી રોજિંદા વ્યવહાર અને ચુકવણી સંબંધિત કોઈ મુશ્કેલી નહીં આવે એટલો રોકડ પ્રવાહ કંપની ધરાવે છે.

૨. વૅલ્યુએશન ઃ
પાછલાં ૩૦ વર્ષ દરમ્યાન બનેલી કંપનીની મોટા ભાગની અસ્કયામતોનું બજારમૂલ્ય આજે નોંધપાત્ર રીતે ઊંચું છે, કારણ કે જ્યારે એનું નિર્માણ થયું હતું ત્યારે ભારતીય રૂપિયાનું ડૉલર સામે આટલા મોટા પ્રમાણમાં ડીવૅલ્યુએશન નહોતું થયું. 
જો આ અસ્કયામતો આજે નવેસરથી બનાવવાની હોય તો સ્વાભાવિક રીતે જ એને ૩૦ વર્ષ જેટલો અથવા એથી વધુ સમય લાગશે. એટલું જ નહીં, એનો ખર્ચ પણ બેથી ત્રણ ગણો વધુ હશે.
આજના વૅલ્યુએશન પ્રમાણે જો કંપનીની અસ્કયામતોનું મૂલ્યાંકન કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ એના રિપ્લેસમેન્ટ ખર્ચ કરતાં નીચે અથવા એને અનુરૂપ રહેવાનું.
મને લાગે છે કે કંપનીની લોન, મિલકત અને વૅલ્યુએશન બાબતે જે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે એ ઇરાદાપૂર્વક શરૂ કરાયેલી રમત છે, જેની પાછળ કોઈ ગણતરીપૂર્વકનું કાવતરું રચાયું હોય એવી શક્યતાને નકારી શકાય નહીં.  
 
છેલ્લા ૭ દિવસમાં કઈ રીતે અદાણી ગ્રુપ-કંપનીઓના રોકાણકારોનાં નાણાં અને કંપનીની માર્કેટ-વૅલ્યુને પણ ઇરાદાપૂર્વક હાનિ પહોંચાડવા માટે ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કેવી રીતે થયો હશે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો ક્રમ આ મુજબ છે...
 ૧. અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા ૧૦,૫૦૦ કરોડ રૂપિયાના રિન્યુએબલ્સના વ્યવસાયોને ભંડોળ પૂરું પાડવા માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની રકમના શૅરની જાહેર-ઑફર (એફપીઓ) વિશેની જાહેરાત કરવામાં આવી. બાકીનાં નાણાં ઍરપોર્ટ, રોડ કન્સ્ટ્રક્શન, કૉર્પોરેટ ઑપરેશન માટે લીધેલી લોનની ભરપાઈ માટે ૪૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ કંપની વાપરવાની હતી. 
૨. ઇશ્યુના ભાગરૂપે, ઍન્કર રોકાણકારોએ એફપીઓની પૂર્વસંધ્યાએ લગભગ ૬૦૦૦ કરોડ રૂપિયાનું બુક બિલ્ડિંગ પણ કરી લીધું હતું. 
૩. હિંડનબર્ગ રિસર્ચ (એચઆર) નામના ગ્લોબલ ટ્રેડર દ્વારા એફપીઓની પૂર્વસંધ્યાએ અદાણી જૂથનાં ઓવરસીઝ બૉન્ડ્સમાં વેચાણ કર્યું અને ત્યાર બાદ અદાણી અને ગ્રુપ-કંપનીઓ પર અલગ-અલગ આરોપ લગાડવા માંડ્યા.
તેમની જાહેરાતમાં ચિંતાજનક શું છે?
(એ) એચઆરે જાહેર કર્યું કે તેઓ અદાણી ગ્રુપના વેચવા (શૉર્ટ સેલિંગ) માટે ટૂંકા બૉન્ડ માટે નૉન-ટ્રેડેડ ઇન્ડિયન ઇક્વિટીઝ ડેરિવેટિવ્ઝ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે છે.
(બી) અદાણી ગ્રુપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા માટે ઇન્ટરનૅશનલ બૉન્ડ્સ દ્વારા ભંડોળ એકત્ર કર્યું છે. એચઆરે એ બૉન્ડધારકો પાસેથી બૉન્ડ ઉછીનાં લઈ એને શૉર્ટ કર્યાં, જેને કારણે બૉન્ડધારકોમાં ગભરાટ પેદા થવા માંડ્યો અને બૉન્ડ યીલ્ડ વધીને ૨૦થી ૩૦ ટકા જેટલું થઈ ગયું. 
(સી) બીજી તરફ સ્થાનિક ડેરિવેટિવ માર્કેટ સ્પિનમાં ગયાં, કારણ કે ટ્રેડર્સે અદાણી ગ્રુપના શૅરના ડેરિવેટિવ્ઝમાં શૉર્ટ કરવા માંડ્યા અને વધુ ઘટાડાતરફી મૂવમેન્ટનો માહોલ સરજ્યો. 
(ડી) એચઆર દ્વારા આ રિપોર્ટ બહાર પાડવાનો ટાઇમિંગ એટલો જબરદસ્ત રીતે મૅનેજ કરવામાં આવ્યો હતો કે એક તરફ જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ એફપીઓ હેઠળ ભંડોળ ઊભું કરી રહ્યું હતું ત્યારે બીજી તરફ રોકાણકારોમાં ગભરાટ ફેલાવી અદાણી અને ગ્રુપ-કંપનીના શૅરોમાં સેલિંગ પ્રેશર બનાવવાનો પ્રયત્ન કરી શકાય. 
(ઈ) જ્યારે રિપોર્ટમાં દર્શાવેલી દરેક માહિતી કંપનીએ એના એફપીઓ પ્રોસ્પેક્ટ્સમાં જાહેર કરી જ હતી એમાં કોઈ પણ નવી માહિતી નહોતી, પરંતુ ગભરાટ પેદા કરવા માટે એનો આયોજનબદ્ધ બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો.

૪. કંપનીએ રિપોર્ટ સંદર્ભે દરેકેદરેક મુદ્દે પૂરતા ખુલાસા પણ આપ્યા, પણ એથી બજારમાં કોઈ ખાસ ફરક પડ્યો નહીં, કારણ કે ભાવ સંબંધે જે નુકસાન થવાનું હતું એ પહેલેથી જ થઈ ચૂક્યું હતું. આખરે પરિણામ એ આવ્યું કે ઇન્ટરનૅશનલ બૅન્ક્સે કંપનીનાં ઇન્ટરનૅશનલ બૉન્ડ્સ કૉલેટરલ તરીકે સ્વીકારવાની ના પાડી દીધી અને એની નકારાત્મક અસર બજારમાં પણ દેખાઈ.
અધૂરામાં પૂરું, વળી એમએસસીઆઇ દ્વારા ઇન્ડેક્સમાંથી અદાણીના શૅરને પડતા મૂકવાની શક્યતા દર્શાવવામાં આવી, જેને કારણે ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સમાં પણ પૅનિક સર્જાયું. એટલું જ નહીં, બૅન્કિંગ એજન્સી અને રેગ્યુલેટર્સ પણ કંપનીની બૅલૅન્સશીટ અને બીજાં પેપર્સ ચકાસવા માટે માગવા માંડ્યાં. આટલા બધા નકારાત્મક સમાચાર કોઈ પણ ટ્રેડર્સ માટે અદાણી જૂથના શૅરોમાં વેચાણ કરવા માટે પૂરતા હતા.

૫. કંપનીના ચૅરમૅન ગૌતમ અદાણીએ તેમની કંપનીનો એફપીઓ પૂર્ણ સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો હોવા છતાં રદ કર્યો અને તમામ ઇન્વેસ્ટર્સને તેમનાં નાણાં પાછાં કરવાની જાહેરાત કરી. અદાણી ગ્રુપની કંપનીઓમાં સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર એલઆઇસી છે, જેમણે પણ તેમના રોકાણ વિશે સ્પષ્ટતા કરી. એસબીઆઇએ ધિરાણકર્તા તરીકે અદાણી જૂથને આપવામાં આવેલી લોન અને એની સુરક્ષા વિશે સ્પષ્ટતા કરી.

એચઆરે ક્યારેય પોતે અદાણી બૉન્ડને શૉર્ટ કરવા માટે વાપરેલા ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટનો ખુલાસો કર્યો નહોતો, ન તો તેમણે કરેલા શૉર્ટ્સના સોદા વિશેની વિગતો જણાવી હતી.  
ભારતીય બજારોની પારદર્શિતા અને અખંડિતતા માટે આપણે એવી માગણી કરવી જોઈએ કે ભવિષ્યમાં ભારતના રોકાણકારોનાં હિતોનું રક્ષણ કરવા માટે, ઇન્ડિયન રેગ્યુલેટર બૉડીઝ અમેરિકા જેવા અને એના સમકક્ષ દેશોની મદદ લઈ એવા ઇન્ટરનૅશનલ ટ્રેડર્સને આઇડેન્ટિફાય કરવાનો પ્રયત્ન કરે જે પોતાના લાભ માટે કોઈ પણ ભારતીય કંપનીની માહિતીનો દુરુપયોગ કરી અથવા ખોટી કે ભરમાવનારી કહાની બનાવીને ઉપયોગ કરે.  

ભારતીય બજારોની સલામતી માટે, ઇન્ટરનૅશનલ ટ્રેડર્સ પાસે તેમની ઓળખ અને તેઓએ કરેલા ટ્રેડ્સને લગતી માહિતીઓ જણાવવાની ફરજ પાડવામાં આવવી જોઈએ. જ્યારે તેઓ ભારતીય કંપની પાસેથી ખુલાસો માગે છે ત્યારે તેઓની માહિતી પણ જાહેર થાય એ જરૂરી છે.  
પાછલા અઠવાડિયે ભારતીય બજારોમાં ચાલતી સમગ્ર ચર્ચા અને પૅનિક બાબતે સંસદમાં પણ ઘોંઘાટ થયો હતો. ત્યારે આપણાં બજારોની વિશ્વસનીયતા અને રોકાણકારોનો વિશ્વાસ જરૂરી કામ કરીને પુનઃ સ્થાપિત થાય એ મહત્ત્વનું છે.

જે રીતે રોકાણકારોની સલામતી માટે બજારનું પરિપ્રેક્ષ્ય જરૂરી છે એ જ રીતે ભારતના પરિપ્રેક્ષ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍસેટની સલામતી પણ એટલી જ જરૂરી છે.
અદાણી એ ભારતમાં એકમાત્ર શુદ્ધ ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ટરપ્રાઇઝ છે. સૌર, પવન, હાઇડ્રોજન જેવા ગ્રીન પાવર સેગમેન્ટ્સ આપણી આગામી પેઢી માટે પણ છે, માત્ર કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે જ નહીં, પરંતુ આપણા દેશના મોંઘા વિદેશી હૂંડિયામણને બચાવવા માટે પણ છે, જે આપણે કોલસા અને ક્રૂડ ઑઇલ જેવા અશ્મીભૂત ઈંધણ ખરીદવા માટે ખર્ચીએ છીએ.
આગામી પચીસ વર્ષમાં જ્યારે આપણે ૧૦૦ વર્ષના થઈશું ત્યારે આપણને આપણા દેશની ઊર્જા સુરક્ષા માટે અદાણી જેવા ઘણા વધુ સાહસિકોની જરૂર પડશે. આ સમય છે, આપણે આપણા સંસદસભ્યોને અપીલ કરવી જોઈએ કે તેઓ આગળ આવીને આવતી કાલના ભારતનું નિર્માણ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે. આ સમય છે કે આપણે આપણી આંતરિક ઉદાસીનતાઓને ભૂલી જઈએ અને એવાં સાહસોનું નિર્માણ કરીએ જે આપણે આપણી આગામી પેઢીને સુરક્ષિત રીતે ભેટ આપી શકીએ.
આપણે બુદ્ધિજીવીઓના દેશમાં છીએ. દલીલો અને અધિકારો ખોટા સાબિત કરવામાં આ તક વેડફીએ નહીં! સાથે મળીને કામ કરીએ અને વૈશ્વિક દળો દ્વારા ઊભા કરાયેલા પડકારોનો સામનો કરવા માટે ઊભા થઈને ભારતનું નિર્માણ કરીએ.

બજેટ ૨૦૨૩ ભારતને આગામી ૩-૪ વર્ષમાં પાંચ ટ્રિલ્યન ડૉલરના અર્થતંત્ર તરફ લઈ જશે. ૧૧૦ લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને જોતાં આગામી ૧૦-૧૨ વર્ષમાં આપણી બજારની સંપત્તિ પણ ૩ ગણી કે એથી વધુ વધશે. હું ભારતની શક્યતાઓ વિશે આશાવાદી છું અને અમારી યાત્રાને વધુ સુંદર બનાવવા માટે આવાં તોફાનોને માર્ગ સાફ કરવાની તક તરીકે ગણીશ.

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 12:52 PM IST | Mumbai | Deven Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK