VIP ઇન્ડસ્ટ્રીઝના દિલીપ પિરામલે ૩૨ ટકા હિસ્સો વેચવા માટે ઍગ્રીમેન્ટ કર્યું, કહ્યું કે...
VIP ઇન્ડસ્ટ્રીઝના દિલીપ પિરામલ
ભારતમાં સૂટકેસ, બ્રીફકેસ જેવું બ્રૅન્ડેડ લગેજ બનાવતી કંપની VIP ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન દિલીપ પિરામલ અને પ્રમોટર પરિવારે તાજેતરમાં જ તેમનો ૬૭૦૦ કરોડ રૂપિયાનો ૩૨ ટકા કન્ટ્રોલિંગ હિસ્સો વેચવા માટે મલ્ટિપલ્સ કન્સોર્ટિયમ સાથે ડેફિનિટિવ ઍગ્રીમેન્ટ કર્યું છે. VIP ઇન્ડસ્ટ્રીઝમાં ૩૨ ટકા હિસ્સાના વેચાણ પછી દિલીપ પિરામલ અને ગ્રુપનું કંપનીમાં શૅરહોલ્ડિંગ ૫૧.૭૩ ટકાથી ઘટીને ૧૯.૭૩ ટકા થઈ જશે. VIP ઇન્ડસ્ટ્રીઝ ભારતના અગ્રણી લગેજ ઉત્પાદકોમાંની એક છે. દિલીપ પિરામલ પાંચ દાયકાથી વધુ સમયથી કંપનીનું નેતૃત્વ કરી રહ્યા છે.
કંપનીમાં કન્ટ્રોલિંગ ૩૨ ટકા હિસ્સો વેચવા વિશે દિલીપ પિરામલે કહ્યું હતું કે ‘અમે એક પરિવારની માલિકીના વ્યવસાયમાં છીએ અને આગામી પેઢી એને ચલાવવા માટે ખૂબ ઉત્સુક નથી. પરિવારની યુવા પેઢીને વ્યવસાયનું સંચાલન કરવામાં રસ નથી. કંપનીની માર્કેટકૅપ જ્યારે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા હતી ત્યારે હિસ્સો ન વેચવાનો મને અફસોસ છે. અમારા અસ્તિત્વનાં ૫૩ વર્ષમાં VIP માર્કેટ-લીડર રહી છે, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં અમે બજારમાં અમારો હિસ્સો ગુમાવી રહ્યા છીએ. ગયા વર્ષે અમે ચારેય ક્વૉર્ટરમાં નુકસાન નોંધાવ્યું હતું. કંપની ઘણી મૅનેજમેન્ટ સમસ્યાઓનો સામનો કરી રહી છે. બે-ત્રણ વર્ષમાં અમે સારું પ્રદર્શન કરીશું. મારા માટે શૅરધારકોનાં હિતોનું રક્ષણ કરવું મહત્ત્વપૂર્ણ છે, જે મારા પોતાના હિત સાથે સુસંગત છે. આગળ વધવાનો એકમાત્ર વ્યવહારુ રસ્તો માલિકીના હિત સાથે નવી મૅનેજમેન્ટ ટીમ લાવવાનો હતો. અનેક રાઉન્ડની ચર્ચા પછી કંપનીને એક ખાનગી ઇક્વિટી રોકાણકાર મળ્યો છે. તેમનું ધ્યેય બે-ત્રણ વર્ષમાં તેમના રોકાણને બમણું અથવા ત્રણગણું કરવાનું છે. મને પૈસાની જરૂર નથી, મને મારા શૅર માટે સારા મૂલ્યની જરૂર છે. કંપની નોંધપાત્ર મૅનેજમેન્ટ સમસ્યાઓનો સામનો કરી રહી છે તેથી આગળનો રસ્તો શરૂઆતમાં પડકારજનક હશે. કંપની પાસે મજબૂત ફન્ડામેન્ટલ્સ છે અને ટૂંક સમયમાં ફરી આગળ વધશે. હું રોકાણકારોને ધીરજ રાખવાની વિનંતી કરું છું.’
ADVERTISEMENT
શૅરધારકો ચિંતિત
VIP ઇન્ડસ્ટ્રીઝની માર્કેટકૅપ ૬૬૨૫ કરોડ રૂપિયા છે. દિલીપ પિરામલની નેટવર્થ લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયા હોવાનું મનાય છે. બીજી તરફ આ કંપનીમાં રોકાણ કરનારા સામાન્ય રોકાણકારો ભારે નુકસાનમાં છે અને ચિંતિત છે, કારણ કે છેલ્લાં બે વર્ષથી શૅરના ભાવ સતત ઘટી રહ્યા છે. ૨૦૨૨માં VIP ઇન્ડસ્ટ્રીઝનો શૅર ૭૭૪ રૂપિયાના સ્તરે હતો અને હવે ભાવ ઘટીને ૪૬૭ રૂપિયા થઈ ગયો છે.

