Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારની આખા દિવસની મથામણ પર છેલ્લા કલાકમાં પાણી ફરી વળ્યું

બજારની આખા દિવસની મથામણ પર છેલ્લા કલાકમાં પાણી ફરી વળ્યું

28 October, 2021 12:29 PM IST | Mumbai
Anil Patel

એક્સિસ બૅન્ક તથા બજાજ ફાઇનૅન્સ બહેતર પરિણામ છતાં પ્રૉફિટ બુકિંગમાં ખરડાયા 

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


પરિણામ પૂર્વે લાર્સન અને આઇટીસીમાં સામસામા રાહ : ટીટીકે પ્રેસ્ટિજ સારા પરિણામ સાથે શૅર વિભાજન પાછળ ૧૧૫૦૦ના બેસ્ટ લેવલે ગયો : ડિસ્કાઉન્ટમાં પ્રાઇવેટ પ્લેસમેન્ટની યોજનાથી આઇઆરબી ઇન્ફ્રા ૧૦ ટકા તૂટ્યો : પારસમાં મંદીની સર્કિટની હેટટ્રિક, તત્વચિંતન સતત ત્રીજા દિવસે સર્વોચ્ચ શિખરે : એક્સિસ બૅન્ક તથા બજાજ ફાઇનૅન્સ બહેતર પરિણામ છતાં પ્રૉફિટ બુકિંગમાં ખરડાયા 

બુધવારે બજાર આગલા બંધથી દોઢસો પૉઇન્ટ ગેપમાં ઉપર ખૂલ્યા પછી ૬૧૫૭૬ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી ૨૦૭ પૉઇન્ટની પીછેહઠમાં ૬૧૧૪૩ તથા નિફ્ટી ૫૭ પૉઇન્ટના ઘટાડે ૧૮૨૧૧ નજીક બંધ રહ્યા છે. આખો દિવસ પૉઝિટિવ ઝોનમાં રહેલું માર્કેટ છેલ્લા કલાકમાં બગડ્યું હતું. જેમાં શૅરઆંક નીચામાં ૬૦૯૮૯ દેખાયો હતો. માર્કેટ બ્રેડ્થ રસાકસી સાથે પૉઝિટિવ બાયસમાં જોવાઈ છે. એનએસઈ ખાતે ૧૦૩૮ શૅર પ્લસ હતા. સામે ૯૨૬ કાઉન્ટર નરમ હતા. એશિયન પેઇન્ટસ બન્ને મેન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર તો એક્સીસ બૅન્ક ટૉપ લૂઝર રહ્યા છે. બજાજ ફાઇનૅન્સ સેકંડ વર્સ્ટ પર્ફોમર બન્યો છે. હેવી વેઇટ્સ રિલાયન્સ એક ટકો ઘટી ૨૬૩૩ની અંદર તો તેનો પાર્ટ પેઇડ શૅર પોણા બે ટકા ઘટી ૧૯૮૦ની નીચે બંધ હતો. પરિણામ પૂર્વે લાર્સન અડધા ટકાની આસપાસના ઘટાડે ૧૭૮૩ બંધ હતો, સામે આઇટીસી લગભગ એટલો જ સુધરી ૨૩૮ ઉપર જોવાયો છે. ટાઇટન ફ્લેટ હતો. પારસ ડિફેન્સ સતત ત્રીજા દિવસે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૦૩૯ નીચે દેખાયો છે. તત્વચિંતન તગડા પરિણામ પાછળ ઑલટાઇમ હાઈની હેટટ્રિકમાં ૨૮૦૫ વટાવી સાડા ત્રણ ટકા વધી ૨૬૩૮ હતો. આઇઆરબી ઇન્ફ્રાની બોર્ડ મીંટિંગમાં મંગળવારના ૨૯૪ના બંધ ભાવ સામે શૅરદીઠ ૨૧૨ની નીચેના ભાવે પ્રાઇવેટ પ્લેસમેન્ટ ધોરણે પ્રેફન્શિયલ ઇશ્યુ કરી ૫૩૪૭ કરોડ ઊભા કરવાનો નિર્ણય લેવાતા શૅર ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૨૬૫ બંધ આવ્યો છે. બુધવારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૪ શૅરના ઘટાડે દોઢ ટકો ડાઉન હતો. વેદાન્તા, જિંદાલ સ્ટીલ, સેઇલ અઢીથી સાડા ચાર ટકા તો તાતા સ્ટીલ દોઢ ટકો ડાઉન હતા.
દિવાળી પહેલાં સાત આઇપીઓ ૧૩૬૭૫ કરોડ રૂપિયા લઈ જશે
દિવાળી આડે એકાદ સપ્તાહ બાકી છે ત્યારે પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની ભીડ વધી ગઈ છે. અત્યાર સુધીમાં મેન બોર્ડમાં પાંચ અને એસએમઈ સેગમેન્ટમાં બે એમ કુલ મળીને સાત આઇપીઓની વિધિવત જાહેરાત થઈ ચૂકી છે જે કુલ મળીને ૧૩૬૭૫ કરોડ રૂપિયાની સાઇઝ આવરી લે છે. ગુરુવારે નાયકા અર્થાત એફએસએન ઈ-કૉમર્સ એક રૂપિયાના શૅરદીઠ ૧૦૮૫થી ૧૧૨૫ના ભાવે ૫૩૫૨ કરોડનો આઇપીઓ લઈને આવી રહી છે. કંપનીમાં કે તેના બિઝનેસ મોડલમાં ૧૧૨૫ના ભાવને લાયક કશું નથી. એક રૂપિયાના શૅરમાં ૧૧૨૫ના ભાવે રોકાણ કરવા કરતાં એટલા રૂપિયા ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચશો તો તે વધુ ખુશ થશે. વિરારની નિદાન લેબ ૧૦ના શૅરદીઠ ૧૨૫ના ભાવે ૫૦ કરોડનો અેસઅેમઈ-આઇપીઓ લાવી રહી છે તે પણ ગુરુવારે ખૂલે છે. કંપનીની સરેરાશ શૅરદીઠ કમાણી માંડ દોઢ રૂપિયો છે, હવે ૧૨૫નો ભાવ અપાય કે નહીં તે તમે નક્કી કરી લો. ૧ નવેમ્બરના રોજ એકસાથે ચાર આઇપીઓ ખૂલે છે. હૈદરાબાદી સિગાચી ઇન્ડ. ૧૦ના શૅરદીઠ ૧૬૧થી ૧૬૩ના ભાવે ૧૨૫ કરોડ રૂપિયાનો, બૅન્ગલોરની એસજેએસ એન્ટરપ્રાઇઝીસ ૧૦ના શૅરદીઠ ૫૩૧થી ૫૪૨ના ભાવે ૮૦૦ કરોડનો તથા પીબી ફિનટેક એટલે કે પૉલિસી બાઝાર બે રૂપિયાના શૅરદીઠ ૯૪૦થી ૯૮૦ના ભાવે ૬૦૧૭ કરોડનો આઇપીઓ સોમવારે લઈને આવી રહી છે. એ જ દિવસે એટલે કે ૧ નવેમ્બરના રોજ મુંબઈના વિક્રોલીની સુયોગ ગુરબક્ષાની ફ્યુની ક્યુલર રોડવેઝ પણ ૧૦ના શૅરદીઠ ૪૫ના ભાવે ૨૯૫૦ લાખનો અેસઅેમઈ-આઇપીઓ કરનાર છે. દરમ્યાન મોબીક્વીક પણ દિવાળી પૂર્વે મૂડીબજારમાં આવવા ઉત્સુક હોવાની વાત સંભળાય છે. તેની તારીખ દિવાળી પહેલાંની જાહેર થાય તો ૧૩૬૭૫ કરોડના ૦૭ આઇપીઓમાં બીજા ૧૯૦૦ કરોડ સાથે તે આઠમો આઇપીઓ ગણી લેવાનો. ગ્રે માર્કેટમાં નાયકાના પ્રીમિયમ ૬૬૦ તથા પૉલિસી બાઝારના ૨૧૦ની આસપાસ બોલાય છે. 
મારુતિનો નફો ૬૫ ટકા ડાઉન પણ શૅર તાતા મોટર્સનો નરમ
મારુતિ સુઝુકીએ સપ્ટે. ક્વૉર્ટરમાં ૬૫ ટકાના ઘટાડામાં ૪૭૫ કરોડનો ધારણા કરતાં ઓછો નેટ-પ્રૉફિટ કર્યો છે. શૅર જોકે ૭૨૭૪ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૭૪૫૯ થઈ અંતે અડધો ટકો વધી ૭૩૨૫ બંધ થયો છે. બીજી તરફ તાતા મોટર્સ જેના રિઝલ્ટ ૧ નવેમ્બરના રોજ છે તે બે ટકાના ઘટાડામાં ૪૯૮ બંધ રહી ઑટો ઇન્ડેક્સ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. તેનો ડીવીઆર પોણા બે ટકાની પીછેહઠમાં ૨૬૨ બંધ હતો. બીએસઈનો ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૧૦ શૅરની નરમાઈમાં ૧૬૦ પૉઇન્ટ ડાઉન હતો. એસ્કોર્ટસ તથા ટીવીએસ મોટર્સ સાધારણ સુધર્યો હતો. મહિન્દ્ર, અશોક લેલેન્ડ, બજાજ ઑટો, હીરો મોટોકોર્પ અડધાથી એકાદ ટકો ઢીલા હતા. ટાયર શૅરોમાં અપોલો પોણો ટકો, સિએટ દોઢ ટકા તો બિરલા ટાયર્સ ત્રણ ટકા ઢીલા હતા. જેકે ટાયર્સ સવા બે ટકા પ્લસ હતો. એમઆરએફ એક ટકો નરમ હતો. ઑટો પાર્ટસમાં અસાહી ઇન્ડિયા ૧૧.૩ ટકા, હિન્દુસ્તાન હાર્ડી ૧૦ ટકા, એનડીઆર ઑટો-સિમોન્ડ માર્શલ-કલ્યાણી ફોર્જિંગ્સ-પંકજ પીયૂષ પાંચ-પાંચ ટકા અપ હતા. જેટ અૅરવેઝ દોઢ ટકા કરતાં વધુ ઊંચકાઈને ૯૫ તો સ્પાઇસ જેટ દોઢ ટકો વધી ૫૭ નજીક બંધ હતા.  
ભાવવધારાની અસરમાં પેઇન્ટસ શૅરો સુધારામાં
ક્રૂડના ભાવવધારાના કારણે કાચા માલની પડતર વધતાં સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં પેઇન્ટસ કંપનીઓનાં પરિણામ ખરડાયાં છે. જેના પગલે કંપનીઓ તરફથી ૭થી ૧૦ ટકાના ભાવવધારાની જાહેરાત કરાઈ છે તેની અસરમાં બુધવારે એશિયન પેઇન્ટસ ઉપરમાં ૩૧૪૫ બતાવી સાડા ચાર ટકાની મજબૂતીમાં ૩૦૯૪, બર્ગર પેઇન્ટસ ઉપરમાં ૭૬૮ થઈ સાધારણ સુધારામાં ૭૩૫, શાલિમાર પેઇન્ટસ ૯૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨.૪ ટકા વધી ૯૩ની ઉપર, કંસાઇ નેરોબેક ઉપરમાં ૫૯૨ બતાવી દોઢ ટકો ઘટી ૫૫૯, એકઝોનોબલ ૨૧૪૯ની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ સવા ટકો વધી ૨૧૨૦ તથા ઇન્ડિગો પેઇન્ટસ ઉપરમાં ૨૪૭૦ થયા બાદ સવા ટકો વધી ૨૪૦૦ રૂપિયા બંધ હતા. સિરામિક્સ ટાઇલ્સ સેગમેન્ટમાં સેરા સેનિટરી સારા રિઝલ્ટ પાછળ સાડા ત્રણ ટકા વધીને ૫૪૮૩, ઓરિએન્ટ બેલ સાડા ત્રણ ટકા વધી ૮૩૦, એકસારો ટાઇલ્સ સવા બે ટકા વધી ૧૫૨ બંધ હતા. કજરિયા સિરામિક્સ સવા ત્રણ ટકા ગગડી ૧૨૨૮ થઈ છે. મુરુડેશ્વરમાં સાડા ત્રણ ટકાની મજબૂતી હતી. દરમ્યાન ટીટીકે પ્રેસ્ટિજ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૫૮ ટકાના વધારામાં ૧૦૩ કરોડથી વધુનો ચોખ્ખો નફો તેમ જ ૧૦ના શૅરનું એકમાં વિભાજન જાહેર થતાં ભાવ પાંચ ગણા કામકાજમાં ૧૧૫૦૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૭.૮ ટકા કે ૧૭૧૭ રૂપિયાની તેજીમાં ૧૧૩૬૫ બંધ આવ્યો છે.  
એક્સિસ બૅન્કમાં બહેતર પરિણામ છતાં સાડા છ ટકાની ખરાબી
એક્સિસ બૅન્ક તરફથી સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૮૬ ટકાના વધારામાં ૩૧૩૩ કરોડના વિક્રમી નફા સાથે સારા પરિણામ આવતાં ભાવ સુધરવાના બદલે હેવી પ્રૉફિટ બુકિંગ કામે લાગ્યું હતું. શૅર બમણા કામકાજમાં સાડા છ ટકા તૂટી ૭૮૭ બંધ આવ્યો છે. સ્ટેટ બૅન્કના પરિણામ ૩ નવેમ્બરના રોજ છે. શૅર ૫૨૭ નજીક નવી ટૉપ બનાવી સવા ટકાની આગેકૂચમાં ૫૧૯ બંધ થયો છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો તો એયુ બૅન્ક અડધો ટકો અપ હતા. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૫માંથી ૧૩ શૅર બુધવારે પ્લસ હતા, જેક બૅન્ક ૫.૪ ટકા, યુનિયન બૅન્ક પાંચ ટકા, કૅનેરા બૅન્ક ૩.૯ ટકા, કર્ણાટકા બૅન્ક ત્રણ ટકા અને બૅન્ક ઑફ બરોડા ૨.૭ ટકાની મજબૂતી સાથે મોખરે હતા. સામે ઇન્ડ્સઇન્ડ બૅન્ક, યસ બૅન્ક, બંધન બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક પોણા બેથી સવા ત્રણ ટકા ડાઉન હતા. બૅન્ક નિફ્ટી બારમાંથી આઠ શૅરની નરમાઈમાં ૦.૯ ટકા કે ૩૬૪ પૉઇન્ટ ડાઉન હતો. ફાઇનેન્સ ઇન્ડેક્સ ૧૨૦માંથી ૬૪ શૅરની નબળાઈમાં પોણા ટકા જેવો ઢીલો હતો. 
આજે ગુરુવારે જાહેર થનાર કંપની પરિણામ
આવાસ ફાઇનૅન્શિયલ, અદાણી ગ્રીન, અદાણી ટોટલ, ઓલસેક ટેક્નો., એપકોટેક્સ ઇન્ડ., એપીએલ એપોલો, અસિત સી. મહેતા, એયુ સ્મોલ બૅન્ક, ઑટો કોર્પ ગોવા, અવાન્ટેલ, બજાજ ફિનસર્વ, બજાજ હોલ્ડિંગ્સ, બનારસ બીડ, ભગવતી ઑટો, બ્લુ સ્ટાર, કાર ટ્રેડ, સીસીએલ પ્રોડક્ટસ, ચલેટ હોટેલ્સ, કેમકોન સ્પે. કેમિકલ્સ, સીઅેમઆઇ અેફપીઈ લિમિટેડ, કોરોમાંડલ ઇન્ટર., ડીબી કોર્પ, દિશમાન, ડીએલએફ, એડલવીસ, ઈઆઇઅેચ એસો. હોટલ, ઈકેઆઇ અૅનર્જી, ઇમામી પેપર, એમ્ફે ગ્લોબલ, ઇસબ ઇન્ડિયા, ફેરકેમ ઓર્ગો, ફોસેકો ઇન્ડિયા, ગાંધી સ્પે. ટ્યુબ્સ, ગણેશ ઇકોસ્પિઅર, જીએમએમ ફોડલર, ગુજરાત હેવી કેમિકલ્સ, ગુલશન પોલિ, હેસ્ટર બાયો, હિન્દુ. મીડિયા, અેચઅેસઆઇઅેલ, ઇન્ડિયન બૅન્ક, ઇન્ફીબીમ, ઇન્ટલેક્ટ ડિઝાઇન, ઇન્ટરગ્લોબ એવિએશન, આયોન  એક્સેચેન્જ, જિંદાલ સ્ટીલ (હિસ્સાર), જેકે ટાયર, જેએમ ફાઇ., કન્ટ્રોલ, જેઅેસડબ્લ્યુ હોલ્ડિંગ્સ, કલ્યાણી ફોર્જ, કર્ણાટકા બૅન્ક, કેવલ કિરણ કલોધિંગ્સ, કિર્લોસ્કર ઑઇલ, લોરસ લેબ, મહિન્દ્ર ફાઇ., મશીનો પ્લાસ્ટ, મહિન્દ્ર ઇપીસી, મારિકો, મોતીલાલ ઓસવાલ, એનટીપીસી, ઓરિએન્ટલ કાર્બન, પોષક લિમિટેડ, પ્રીમિઅર એકસ્ટલોઝીવ્સ, રત્નમણિ મેટલ્સ, આરબીએલ બૅન્ક, રિફેક્સ ઇન્ડ., રિલાયન્સ ઇન્ફ્રા, રિસ્પોન્સીવ ઇન્ડ, સૌરાષ્ટ્ર સિમેન્ટ, એસબીઆઇ કાર્ડસ, સેફલર ઇન્ડસ્ટ્રીઝ, શ્રી રેણુકા શુગર, સિએન્ટક્સ પ્લા., સાઉથ ઇન્ડિયન પેપર, સુબેક્સ, સુદર્શન કેમિકલ્સ, તાતા પાવર, ટ્રાન્સપોર્ટ કોર્પો. ઑફ ઇન્ડિયા, યુકો બૅન્ક, ઉમંગ ડેરી, યુરીઆઇ એએમસી, વી-ગાર્ડ, વેલિઅન્ટ ઓર્ગેનિક, વિવાન્ઝા બાયો, વેલસ્પન કોર્પ, વેલસ્પન એન્ટર., વેસ્ટલાઇફ ડેવ., ઝાયડસ વેલનેસ વગેરે વગેરે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2021 12:29 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK