Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બહારના ઓમાઇક્રોન અને ઘરની રિલાયન્સે શૅરબજારને લગાવ્યું ૭૬૫ પૉઇન્ટનું ગ્રહણ

બહારના ઓમાઇક્રોન અને ઘરની રિલાયન્સે શૅરબજારને લગાવ્યું ૭૬૫ પૉઇન્ટનું ગ્રહણ

04 December, 2021 11:26 AM IST | Mumbai
Anil Patel

બૅન્કિંગના ૩૬માંથી ઘટેલા ૨૧ શૅરમાં કોટક મહિન્દ્ર વર્સ્ટ પર્ફોર્મર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાવરગ્રિડ નવી ટૉપ બનાવીને બજારમાં ટૉપ લૂઝર બન્યો : બૅન્કિંગના ૩૬માંથી ઘટેલા ૨૧ શૅરમાં કોટક મહિન્દ્ર વર્સ્ટ પર્ફોર્મર : રોકડું સામા પ્રવાહે સુધારામાં રહેતાં માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ દેખાઈ : ૬૩ મૂન્સ, તાન્લા, હૅપિએસ્ટ માઇન્ડ્સ, ઓરમ, બ્લૅક બૉક્સ તેજીની સર્કિટમાં બંધ : ટેગા ઇન્ડનો ઇશ્યુ છેલ્લા દિવસે જબરા રશમાં ૨૨૦ ગણો છલકાયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને ૪૪૦ થઈ ગયાં

છેલ્લા બે દિવસમાં ૧૩૯૬ પૉઇન્ટ વધી ગયા પછી ભારે થાક લાગ્યો હોય એમ બજાર શુક્રવારે ૭૬૫ પૉઇન્ટ ભાંગી પડ્યું છે. સેન્સેક્સ ૫૭૬૯૬ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં તો એ ઉપલા મથાળેથી ૧૧૧૭ પૉઇન્ટ ગગડીને ૫૭૬૪૦ના તળિયે ગયો હતો. નિફ્ટી ૨૦૫ પૉઇન્ટની ખરાબીમાં ૧૭૧૯૭ થયો છે. સેન્સેક્સના ૩૦માંથી ૪ તથા નિફ્ટીના ૫૦માંથી ૧૨ શૅર પ્લસ રહી શક્યા છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પોણો ટકો વધ્યો છે. સાઇડ હીરોમાં રિયલ્ટી ઇન્ડેક્સે ફ્લૅટ રહીને ટેકો આપ્યો હતો. કોરોનાનું ખતરનાક વર્ઝન ગણાવાતો ઓમાઇક્રોન ભારતમાં પગલાં પાડી ચૂક્યો છે. ખરેખર શું થશે એની કોઈને ખબર નથી. ઓમાઇક્રોનના વ્યાપ તેમ જ એની અસરને લઈને તમામ નિષ્ણાતોની હાલત જ્યોતિષીઓ જેવી થઈ છે. ઍની વે, જૂજ અપવાદ સિવાય તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં જોવાયાં છે. બૅન્કિંગ, ફાઇનૅન્સ, હેલ્થકૅર, આઇટી, એફએમસીજી, એનર્જી પ્રમાણમાં વધુ ઢીલા હતા. સ્મૉલ કૅપ તેમ જ મિડ કૅપ ઇન્ડેક્સ એકંદર સામા પ્રવાહે હતા, પરંતુ બ્રૉડર માર્કેટનો બીએસઈ-૫૦૦માંથી ૨૬૮ જાતો નરમ હતી. નિફ્ટી ખાતે યુપીએલ બે ટકાથી વધુ, ભારત પેટ્રો બે ટકાની નજીક, ઇન્ડિયન ઑઇલ દોઢેક ટકો તો ઓએનજીસી સવા ટકા આસપાસના સુધારામાં વધેલા ડઝન શૅરોમાં મોખરે હતા. સેન્સેક્સ ખાતે લાર્સન પોણો ટકો વધી ૧૮૦૨ બંધમાં ટૉપ ગેઇનર હતો. પાવરગ્રિડ ૨૧૬ ઉપરની નવી ટૉપ બનાવ્યા પછી ચાર ટકાથી વધુના ધબડકામાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર થયા છે.
એક બાર ફિર, ઓહ રિલાયન્સ
આહ એચડીએફસી ટ‍્વિન્સ
તાજેતરના તમામ સુધારાને એક જ દિવસે ભૂંસી નાખતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શુક્રવારે નીચામાં ૨૪૦૦ થઈ પોણાત્રણ ટકાથી વધુ લથડી ૨૪૧૪ બંધ થયો છે. આને કારણે સેન્સેક્સને સર્વાધિક ૨૦૩ પૉઇન્ટનો માર પડ્યો હતો. એનર્જી ઇન્ડેક્સ જે ૨૫માંથી ૧૫ શૅર વધવા છતાં સૌથી વધુ સવાબે ટકા કે ૧૮૦ પૉઇન્ટ કટ થયો છે એમાં રિલાયન્સનો ફાળો ૧૭૭ પૉઇન્ટ હતો. અદાણી ટોટલ સાડાત્રણ ટકા તો ગુજરાત ગૅસ સાડાત્રણ ટકાની નજીક માઇનસ હતા. ઑઇલ ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી પાંચ શૅરની નરમાઈમાં ૧૨૫ પૉઇન્ટ ઘટ્યો, એમાંય રિલાયન્સ ૧૦૯ પૉઇન્ટ નડ્યો છે. રિલાયન્સની ૪૫ ટકા માલિકીની સબસિડિયરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રા ચારગણા કામકાજમાં ખરાબ બજારમાં દસેક ટકા ઊછળીને ૭૭૯ રૂપિયા દેખાઈ છે. જયકૉર્પ પોણાચાર ટકાની મજબૂતીમાં ૧૨૬ હતો. એચડીએફસી ૧.૪ ટકા તથા એની બૅન્ક પોણા ટકાથી વધુ ઘટતાં બજારને આ બન્ને શૅર ૧૧૨ પૉઇન્ટમાં પડ્યા હતા. કોટક મહિન્દ્ર બૅન્ક અઢી ટકા ડાઉન હતા. એમાં બીજા ૬૦ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૧માંથી ૧૧ શૅરના સુધારામાં ૨૦૭ પૉઇન્ટ કે પોણો ટકો પ્લસ હતો. અદાણી ગ્રીન ૪ ટકા વધી ૧૩૯૫, લાર્સન પોણો ટકો સુધરી ૧૮૦૨ તો એસકેએફ બે ટકા વધી ૩૮૮૯ બંધ હતા. ટિમકેન સવાપાંચ ટકા તૂટી ૨૦૧૭ તથા થર્મેક્સ દોઢ ટકાની નરમાઈમાં ૧૭૫૬ બંધ રહ્યા છે. 
તાતા ટેલિ સતત ૧૪મી ઉપલી સર્કિટે નવી વિક્રમી સપાટીએ
તાતા ગ્રુપની ૭૪.૬ ટકા માલિકીની તાતા ટેલિ સર્વિસિસ મારફાડ તેજીમાં સતત ૧૪મી ઉપલી સર્કિટ મારીને પાંચ ટકા વધી ગઈ કાલે ૧૨૯ ઉપર નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. શૅરની ફેસવૅલ્યુ ૧૦ની છે, સામે બુકવૅલ્યુ માઇનસ ૧૧૬ રૂપિયાની છે. ગયા વર્ષે કંપનીની આવક ૧૦૪૩ કરોડ રૂપિયા હતી, સામે ચોખ્ખી ખોટ ૧૯૯૬ કરોડ નોંધાઈ હતી. આ ખોટ કેવળ એક વર્ષનો કિસ્સો નથી, છેલ્લાં પાંચ વર્ષથી સતત ખોટ થઈ રહી છે. આ આંકડો કુલ મળીને ૧૮,૫૭૫ કરોડ રૂપિયાએ પહોંચી ગયો છે.  ૨૦૨૦ની બીજી માર્ચે શૅર લગભગ પોણાબે રૂપિયાના ઑલટાઇમ તળિયે ગયો હતો. મતલબ કે છેલ્લા ૨૧ મહિનામાં શૅર આશરે ૭૧૨૫ ટકા વધી ગયો છે. બાય ધ વે, વર્ષ પૂર્વે ભાવ ૬.૮૫ના તળિયે હતો, ત્યાંથી હાલમાં ૧૭૯૦ ટકા ઊછળી ચૂક્યો છે. સાદી ભાષામાં કહીએ તો વર્ષમાં ૧ના ૧૮ થઈ ગયા. દરમ્યાન ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં પણ કંપનીએ ૬૩૨ કરોડની ચોખ્ખી ખોટ કરી છે. આમ છતાં માર્કેટ કૅપ ભાવમાં ૨૫,૩૦૦ કરોડને વટાવી ગયું છે. કઈ ગ્રોથ સ્ટોરી કામે લાગી છે એ સમજાતું નથી. હાલના ભાવે રોકાણમાંથી લાંબા ગાળે શું મળશે એની ખબર પડતી નથી, પણ શૅર વધતો જાય છે. બજારના સત્તાવાળા તેમ જ સેબીએ આ વિશે કંપનીનો વિસ્તૃત જવાબ માગવો જોઈએ અને એની લોકોને જાણ કરવી જોઈએ એમ તમને લાગે છે ખરું? તો પકડો કૉલર એ લોકોના, દરમ્યાન ગઈ કાલે ટેલિકૉમ ક્ષેત્રે સ્ટરલાઇટ ટેક્નૉ ૪.૮ ટકા, વોડાફોન ક્ષેત્રે સ્ટરલાઇટ ટેક્નૉ ૪.૮ ટકા, વોડાફોન ૧૨.૭ ટકા, જીટીપીએલ ૩.૫ ટકા, તાતા કમ્યુ સવાબે ટકા પ્લસ હતા. ભારતી ઍરટેલ ૧.૯ ટકા ઘટી ૭૧૮ તથા એનો પાર્ટ પેઇડ બે ટકા ઘટી ૩૮૬ બંધ હતા. 
ટેક મહિન્દ્ર બેસ્ટ લેવલ બતાવી પાછો પડ્યો, રામકો ૨૦ ટકા અપ 
શુક્રવારે આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૨૭ શૅરના સુધારા વચ્ચે ૨૨૯ પૉઇન્ટ નરમ હતો. ટેક મહિન્દ્ર ૧૬૩૭ની વિક્રમી સપાટી બતાવી ૧.૮ ટકા ઘટી ૧૬૦૦ રહ્યો છે. અન્ય ફ્રન્ટલાઇન જાતોમાં એચસીએલ ટેક્નૉ સવા ટકો ઘટી ૧૧૭૧, ઇન્ફી પોણો ટકો ઘટી ૧૭૩૫, ટીસીએસ નહીંવત્ નરમાઈમાં ૩૬૪૦, વિપ્રો એક ટકો ઘટીને ૬૪૦ બંધ હતા. ઓરિઓનપ્રો સૉલ્યુશન્સ સતત ૭મી તેજીની સર્કિટમાં ૨૮૪ના સર્વોચ્ચ શિખરે જઈ છેલ્લે ત્રણ ટકા વધીને ૨૭૯ હતો. રામકો સિસ્ટમ્સ ૧૪ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૭૦ વટાવી અંતે ત્યાં જ બંધ હતો. એક્સેલ્યા ૪.૨ ટકા, સુબેક્સ ૩.૫ ટકા, તાન્લા પ્લૅટફૉર્મ પાંચ ટકા અપ હતા. બ્લૅક બૉક્સ જેનું જૂનું નામ એસીજી નેટવર્ક હતું, હૅપિએસ્ટ માઇન્ડ, ૬૩ મૂન્સ, ઓરમ પ્રોપટેક એચસીએલ ઇન્ફો, બ્રાઇટકૉમ પાંચ ટકા જેવા વધીને બંધ હતા. લાર્સન ઇન્ફોટેક અને લાર્સન ટેક્નૉ દોઢ ટકા નરમ હતા. માઇન્ડ ટ્રી એક ટકો ડાઉન હતો. માસ્ટેક ૧.૮ ટકા ઢીલો હતો. ડિશ ટીવી હસ્તગત કરવા ભારતી ગ્રુપને રસ હોવાના અહેવાલ પાછળ બીજા દિવસે ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધી ૧૯ રૂપિયા ઉપર જઈ ત્યાં જ બંધ હતો. ઝી એન્ટર ૨.૩ ટકા સુધરી ૩૫૦ હતો. ઝી મીડિયામાં પાંચ ટકાની તેજી હતી. ઝી લર્ન ૧૮ ગણા વૉલ્યુમમાં ઉપરમાં સાડાચૌદ નજીક જઈ ૧૩.૪ ટકા ઊછળી ૧૩.૮૦ હતો. ટીવી૧૮ બ્રૉડકાસ્ટ એક ટકો વધી ૪૧ રૂપિયા અને નેટવર્ક૧૮ મીડિયા ૩.૨ ટકા વધી ૭૫ હતા. પીવીઆર ૨.૯ ટકા પ્લસ હતો. આઇનોક્સ લિઝર બે ટકા ઘટ્યો હતો. બાય ધ વે, ગુજરાત ફ્લુરોમકેમ વૉલ્યુમ સાથે ૨૫૪૦ની એક વધુ નવી ટૉપ બનાવી ૭.૪ ટકાની મજબૂતીમાં ૨૪૮૮ જોવાયો છે. આઇનોક્સ વિન્ડ ૯.૬ ટકા ઊંચકાયો છે. આઇનોક્સ વિન્ડ એનર્જી ૨.૮ ટકા નરમ હતો. અગાઉની હિન્દુજા વેન્ચર્સ અને હાલની નેક્સ્ટ ડિજિટલ ઉપરમાં ૫૧૦ બતાવી ૧૦ ટકાના જમ્પમાં ૪૭૩ બંધ રહી છે.
કોટક મહિન્દ્રની આગેવાનીમાં બૅન્ક નિફ્ટી ૩૦૦ પૉઇન્ટ ડૂલ
બૅન્ક નિફ્ટીના બારમાંથી પાંચ શૅર પ્લસ હતા, પીએનબી યથાવત્ હતો. કોટક મહિન્દ્ર બૅન્ક સર્વાધિક ખરડાઈ બૅન્ક નિફ્ટી ખાતે તેમ જ ૩૬માંથી માઇનસ રહેલા ૨૧ શૅરમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. પંજાબ સિંધ બૅન્ક પોણાબે ટકા અને આઇડીબીઆઇ બૅન્ક એક ટકો ઢીલા હતા. ઉજ્જીવન સ્મૉલ બૅન્ક સર્વાધિક સાડાત્રણ ટકાની મજબૂતીમાં સવાઓગણીસ બંધ આવ્યો છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર બે ટકા, ધનલક્ષ્મી બૅન્ક તથા સીએસબી બૅન્ક દોઢેક ટકા પ્લસ હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૦માંથી ૬૩ શૅરના ઘટાડે એક ટકો ડાઉન હતો. ઉજ્જીવન ફાઇ. પાંચ ટકાના ઉછાળે ૧૪૩ થયો છે. રિલાયન્સ કૅપિટલ એક વધુ નીચલી સર્કિટે સાડાપંદર જોવાયો છે. આઇએફસીઆઇ પણ પાંચેક ટકા ડૂલ હતો. મારુતિ સુઝુકી ૧.૭ ટકા, મહિન્દ્ર દોઢ ટકો, ટીવીએસ મોટર્સ સવા ટકો, બજાજ ઑટો એક ટકાથી વધુ ઘટતાં ઑટો ઇન્ડેક્સ ૧૮૧ પૉઇન્ટ કે પોણો ટકો માઇનસ હતો. હીરો મોટોકૉર્પ તથા મોટર્સ સામાન્ય વધ-ઘટમાં સામસામા રાહે હતા. હાઇટેક ગિયર બાર ટકા, જેબીએમ ઑટો ૧૦.૬ ટકા અને પ્રિસિઝન કૉમસાફ્ટ ૯.૨ ટકા ઊંચકાયા છે. દરમ્યાન ૧૦ના શૅરદીઠ ૪૫૩ની અપર બૅન્ડ સાથે ૬૧૯ કરોડનો ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ છેલ્લા દિવસે ભારે રશમાં કુલ ૨૨૦ ગણો છલકાયો છે. રીટેલ રિસ્પૉન્સ ૨૯.૫ ગણો અને હાઇ નેટવર્થ પોર્શન ૬૬૭ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને ૪૩૫થી ૪૪૦ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. આનંદ રાઠી વેલ્થનો આઇપીઓ બીજા દિવસના અંતે રીટેલમાં પોણાપાંચ ગણો અને કુલ ત્રણેક ગણો ભરાઈ ગયો છે.





Whatsapp-channel Whatsapp-channel

04 December, 2021 11:26 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK