Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કે રેટ વધાર્યો, જીડીપી ઘટાડ્યો છતાં સેન્સેક્સમાં હજારી જમ્પ, ઇટ્સ ન્યુ ઇન્ડિયા

રિઝર્વ બૅન્કે રેટ વધાર્યો, જીડીપી ઘટાડ્યો છતાં સેન્સેક્સમાં હજારી જમ્પ, ઇટ્સ ન્યુ ઇન્ડિયા

01 October, 2022 10:06 AM IST | Mumbai
Anil Patel

સળંગ સાત દિવસની નરમાઈ અટકી, બજાર નીચલા મથાળેથી ૧૫૭૬ પૉઇન્ટ ઊંચકાયું

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


બૅ​​​​ન્કિંગ ફાઇનૅન્સ, ઑટો, કન્ઝ્યુમર ગુડ્સ, રિયલ્ટી ઇત્યાદિ જેવા રેટ સેન્સિટિવ સેક્ટરના શૅર વ્યાજદરમાં વધારા પછી લાઇમલાઇટમાં આવ્યા, હેરિટેજ ફૂડ્સમાં શૅરદીઠ એક રાઇટનો કરન્ટ આવ્યો, મોદીઝ નવનિર્માણમાં ઉદાર બોનસનો ઉછાળો ઊભરા જેવો નીવડ્યોઃ મુંબઈની માઘ ઍડ્વર્ટાઇઝિંગનું ભરણું ફ્લૉપ જતાં તારીખ લંબાવવાની ફરજ પડીઃ ભારતી ઍરટેલનો પાર્ટપેઇડ શૅર વૉલ્યુમ સાથે સાડાનવ ટકા ઊછળ્યો, રિલાયન્સ સુધર્યો

આર્થિક વિકાસ માટેનો વૈશ્વિક સિનારિયો વરવો હોવાની કબૂલાત કરતાં રિઝર્વ બૅન્કે રેપોરેટમાં અડધા ટકાનો નવો વધારો કરી દીધો છે. એની સાથે-સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનો અંદાજ ૭.૨ ટકાથી ઘટાડીને સાત ટકા કરાયો છે. જોકે સમગ્ર વર્ષ માટે ૬.૭ ટકાની ફુગાવાની ધારણામાં કોઈ ફેરફાર નથી કર્યો. બસ મજાની વાત એ છે કે આ બધું કરતી વખતે રિઝર્વ બૅન્કના દાસ પ્રતિકૂળ કે વસમા સંજોગોને પહોંચી વળવા માટેની ભારતીય અર્થતંત્રની ક્ષમતાનાં સતત વખાણ કરતા રહ્યા છે. ઇકૉનૉમી અડીખમ હોવાની થીમને સતત વળગી રહ્યા છે, અને શૅરબજાર આ થીમના કૈફમાં ગઈ કાલે ૧૦૧૭ પૉઇન્ટ તથા નિફ્ટી ૨૭૬ પૉઇન્ટ ઊંચકાયા છે. જીડીપી ગ્રોથ ડાઉન ગ્રેડ કરાય, વ્યાજદરમાં એકંદર ધારણા કરતાં મોટો વધારો થાય અને તો પણ બજાર આટલું વધે એવું બહુ ભાગ્યે જ બને છે. આ સાથે સળંગ સાત દિવસની નરમાઈ પણ બજારમાં અટકી છે. ૨૦૨૨ની સૌથી લાંબી ખરાબીનો નવો વિક્રમ બનતાં-બનતાં રહી ગયો છે. 
શુક્રવારે બજાર આગલા બંધથી ૧૫૦ પૉઇન્ટ નીચે ખૂલ્યા પછી વધુ ૯૩ પૉઇન્ટની નબળાઈમાં ૫૬,૧૪૭ થઈ ગયું હતું. ઇવન રિઝર્વ બૅન્કની પૉલિસી જાહેર થાય એ પહેલાં પણ માર્કેટ ૨૦૦ પૉઇન્ટ માઇનસ હતું, પરંતુ પૉલિસી આવતાંની સાથે જ કલર બદલાયો, બજાર ઉત્તરોતર મજબૂત બનતું ગયું, જેમાં ૫૭,૭૨૩ની ટૉપ દેખાઈ હતી. અર્થાત્ નીચલા મથાળેથી ૧૫૭૬ પૉઇન્ટનો જમ્પ અને એ પણ, દેખીતા કોઈ જ પૉઝિટિવ ટ્રિગર વગર!! દીવો બુઝાવાની તૈયારીમાં હોય ત્યારે વધુ ઝબકવા માંડે એવું તો કંઈ નથીને? ગઈ કાલે સેન્સેક્સ નિફ્ટી પોણાબે ટકા જેવા તો લાર્જ કૅપ ૧.૬ ટકા પ્લસ થયું છે. બ્રૉડર માર્કેટ ૧.૬ ટકા અને રોકડું ૧.૪ ટકા વધ્યું છે. માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ હતી. એનએસઈમાં ૧૪૩૩ શૅર પ્લસ સામે ૫૨૯ જાતો ઘટી છે. બન્ને બજારના લગભગ તમામ બેન્ચમાર્ક વધ્યાં છે. બૅ​ન્કિંગ, મેટલ, ફાઇનૅન્સ, ઑટો, રિયલ્ટી, કૅપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટોરલ વિશેષ ઝમકતા દેખાયા છે. એફએમસીજી બેન્ચમાર્ક નહીંવત્ પ્લસ હતો, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ફ્લૅટ છે. ગઈ કાલે એશિયન બજારો મિશ્ર હતાં, પરંતુ ઘટાડાનું પ્રમાણ વધુ મોટું હતું. જૅપનીઝ નિક્કી પોણાબે ટકા, તાઇવાન અને સાઉથ કોરિયા પોણો ટકો અને ચાઇના અડધો ટકો ડાઉન હતા. સામે સિંગાપોર સર્વાધિક અડધો ટકો પ્લસ હતું. 



અદાણી ગ્રીન, ભારતી ઍરટેલનો પાર્ટ પેઇડ અને ઇન્ડિયા સિમેન્ટ ડિમાન્ડમાં 
સેન્સેક્સના ૩૦માંથી ૨૫ અને નિફ્ટીના ૫૦માંથી ૪૧ શૅર વધ્યા એમાં હિન્દાલ્કો ૫.૭ ટકા, ભારતી ઍરટેલ સાડાચાર ટકાની તેજી સાથે અનુક્રમે નિફ્ટી અને સેન્સેક્સમાં મોખરે હતા. આ ઉપરાંત ઇન્ડસઇન્ડ બૅન્ક, બજાજ ફાઇ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્ર બૅન્ક, ટાઇટન, એચડીએફસી બૅન્ક, તાતા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, યુપીએલ, મારુતિ અઢીથી ચાર ટકા મજબૂત હતા. નિફ્ટીમાં એન્ટ્રી કરનાર અદાણી એન્ટર ૦.૯ ટકા ઘટી ૩૪૪૦ના બંધમાં ટૉપ લૂઝર બન્યો છે. સેન્સેક્સમાં એશિયન પેઇન્ટસ વધુ સવા ટકાની નબળાઈમાં બૅક ટુ બૅક વર્સ્ટ પર્ફોર્મર હતો. રિલાયન્સ સવાબે ટકા વધી ૨૩૭૮ નજીકના બંધમાં બજારને સર્વાધિક ૧૫૯ પૉઇન્ટ લાભદાઈ નીવડ્યો છે. અદાણી ટ્રાન્સમિશન આગલા દિવસની ખરાબી આગળ ધપાવતાં સાડાત્રણ ટકા ખરડાઈ ૩૨૯૧ હતો. સામે અદાણી ગ્રીન ૨૫૫ કે પોણા તેર ટકાની તેજીમાં ૨૨૫૯ વટાવી ગયો છે. અદાણી ટોટલ બે ટકા નરમ હતો. અંબુજા સિમેન્ટ પોણાબે ટકા, એસીસ ૧.૭ ટકા, અદાણી વિલ્મર સવાટકો, અદાણી પાવર ૧.૪ ટકા પ્લસ હતા. એનડીટીવી તેજીની સર્કિટ બાદ ૨.૯ ટકાની પીછેહઠમાં ૩૭૫ દેખાયો છે. ભારતી ઍરટેલનો પાર્ટ પેઇડ શૅર બેગણા કામકાજે સાડાનવ ટકા ઊછળી ૪૦૩ નજીક હતો. ઇન્ડિયા સિમેન્ટ પણ સાડાનવ ટકાની તેજીમાં ૨૬૯ બંધ આવ્યો છે. સ્પાર્ક પાંચ ટકા ગગડી ૨૨૦ થયો છે. 


બૅ​ન્કિંગ ફાઇનૅન્સમાં બાઉન્સ બૅક, ૩૭માંથી ૩૫ બૅન્ક શૅર વધીને બંધ 
બૅન્ક નિફ્ટી બારેબાર શૅર પ્લસમાં આપીને ૯૮૪ પૉઇન્ટ કે ૨.૬ ટકા વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સુધારામાં ૩ ટકા ઊંચકાયો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૭માંથી ૩૫ શૅર વધ્યા છે. કૅનરા બૅન્ક સર્વાધિક ૬.૨ ટકા વધી ૨૨૯ હતો. પીએનબી બૅન્ક ઑફ બરોડા, ઇ​ક્વિટાસ સ્મૉલ બૅન્ક, ઉજ્જીવન બૅન્ક, એયુ બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, ફેડરલ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, આરબીએલ બૅન્ક, એચડીએફસી બૅન્ક, કોટક બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક જેવી જાતો ત્રણથી પાંચ ટકા મજબૂત બની છે. બૅન્ક ઑફ ઇન્ડિયા અડધો ટકો તો તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્ક એક ટકાથી વધુ ઘટી બંધ હતા. એચડીએફસી બૅન્ક ૨.૧ ટકા અને એચડીએફસી ૨.૯ ટકા વધતાં સેન્સેક્સને ૨૭૧ પૉઇન્ટ મળ્યા છે. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૯માંથી ૧૧૬ શૅરના બાઉન્સબૅકમાં ૨.૪ ટકા ઉપર ગયો છે. બજાજ ફાઇ. સવાત્રણ ટકા અને બજાજ ફીન સર્વ અઢી ટકા અપ હતા. એલઆઇસીની ઑલટાઇમ નવા બૉટમની હારમાળા અટકી છે. શૅર ૦.૪ ટકા સુધરી ૬૨૧ હતો. એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ ૫.૨ ટકા વધ્યો છે. ઇ​ક્વિટાસ હો​લ્ડિંગ્સ સાડાપાંચ ટકા, મૉનાર્ક ચાર ટકા, પીએનબી હાઉસિંગ સાડાચાર ટકા, ક્રિસિલ ૨.૭ ટકા, એડલવીસ પાંચ ટકા, પૂનાવાલા ફિનકૉર્પ ૪.૭ ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ સાડાત્રણ ટકા પ્લસ હતા. એમસીએક્સ ૩.૪ ટકાના સુધારામાં ૧૨૧૯ થયો છે. પેટીએમ પોણો ટકો, પૉલિસી બાજાર સવા ટકો, એસબીઆઇ લાઇફ એક ટકો વધ્યા હતા. સ્ટાર હેલ્થ નજીવા ઘટાડે ૭૦૯ હતો. 


રિયલ્ટી, ઑટો, ગુડ્સ જેવા રેટ સેન્સિટિવ સેક્ટર ઝમકમાં 
અન્ય રેટ સે​ન્સિટિવ સેગમેન્ટમાં રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી નવ શૅરના સુધારામાં બે ટકા, ઑટો બેન્ચમાર્ક ૧૫માંથી ૧૪ શૅરના સથવારે ૧.૬ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ બારમાંથી ૧૦ શૅર પ્લસમાં આપીને બે ટકા, કન્ઝ્યુમર ડિ​​સ્ક્રિશનરી ગુડ્સ ઇન્ડેક્સ ૨૯૬માંથી ૨૧૬ શૅરના સહારે ૧.૩ ટકા વધ્યા છે. અત્રે અનંત રાજ ૧૬ ટકા, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ૫.૮ ટકા, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ૭.૬ ટકા, ફિનિક્સ મિલ્સ ૪.૫ ટકા, ગોદરેજ પ્રૉપર્ટીઝ અઢી ટકા, બજાજ ઇલે. સાડાચાર ટકા, ટાઇટન ત્રણ ટકા, તાલબ્રોસ ઑટો ૭.૯ ટકા, ડીબી રિયલ્ટી પાંચ ટકા, કાયા લિ. ૪.૩ ટકા, મૉન્ટે કાર્લો ત્રણ ટકા ઝળક્યા હતા. સામે ડિશ ટીવી દોઢ ટકા, મેક્રોટેક ડેવ ૨.૮ ટકા, વેરોક ત્રણ ટકા નરમ હતા. મારુતિ સુઝુકી ૨.૪ ટકા, અશોક લેલૅન્ડ ૨.૨ ટકા, ટીવીએસ મોટર ૨.૩ ટકા, આઇશર સવા ટકા, બજાજ ઑટો દોઢ ટકા પ્લસ હતા. ડીએલએફ, ઑબેરૉય રિયલ્ટી અને બ્રિગેડ એન્ટર સવા-પોણા બે ટકા સુધર્યા છે. 

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૫માંથી ૨૦ શૅરના સથવારે ૫૩૪ પૉઇન્ટ કે પોણા બે ટકા અપ હતો. લાર્સન ૧.૯ ટકા વધી ૧૮૪૯ વટાવી ગયો છે. ટીમકૅન ૪.૭ ટકા, એબીબી અઢી ટકા, એસકેએફ ઇન્ડિયા બે ટકા, ભેલ ૨.૩ ટકા, વી-ગાર્ડ ત્રણ ટકા, સિમેન્સ એક ટકા વધ્યા હતા. પૉલિકૅબ, સોનાકૉમસ્ટાર, થર્મેક્સ પોણાથી એક ટકો ઘટ્યા છે. સુઝલોન ૩ ટકા સુધર્યો હતો, ભારત ફૉર્જ પોણો ટકો અને ભારત ઇલે. બે ટકા અપ હતા. 

કન્ટેઇન ટેક્નૉનું તગડું લિ​સ્ટિંગ, મોદીઝમાં બોનસનો ઊભરો શમ્યો 
હૈદરાબાદી કન્ટેઇન ટેક્નૉલૉજીઝનો શૅરદીઠ ૧૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો એસએમઈ આઇપીઓ ગઈ કાલે ૨૨ ખૂલી નીચામાં ૨૧ની અંદર જઈ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫૪ ટકાના લિ​​​સ્ટિંગ ગેઇન સાથે ૨૩ રૂપિયા ઉપર બંધ આવ્યો છે. એક શૅરદીઠ ત્રણ બોનસમાં આગલા દિવસે તગડા ઊછાળે ૩૫૫ના શિખરે બંધ થલેયો મોદીઝ નવનિર્માણ ગઈ કાલે નીચામાં ૩૦૦ થઈ ૧૫.૪ ટકા તૂટી ત્યાં જ રહ્યો છે. હેરિટેજ ફૂડ્સ તરફથી શૅરદીઠ એકના ધોરણે રાઇટ કરવાનું નક્કી થયું છે. ભાવ ૧૫ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૭૧ વટાવી અંતે ૯.૩ ટકાના જમ્પમાં ૩૪૦ થયો છે. 
મુંબઈના અંધેરી-વેસ્ટની કાગળ પેન્સિલ કંપની માઘ ઍડ્વર્ટાઇઝિંગ ઍન્ડ માર્કેટિંગ ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવથી ૯૧૨ લાખ રૂપિયાનો બીએસઈ એસએમઈ આઇપીઓ લઈને આવી હતી. ઇશ્યુ ગુરુવારે એના આખરી દિવસે બ્લાસ્ટ થયો છે. રીટેલમાં ૨૯ ટકાનો અને કુલ ૨૬ ટકાનો કંગાળ રિસ્પૉન્સ મળતાં નિષ્ફળ ગયેલા આ ઇશ્યુની તારીખ લંબાવીને ૪ ઑક્ટોબર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. 

દરમ્યાન ગઈ કાલે ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ ૧.૪ ટકા, આઇટી ઇન્ડેક્સ પોણો ટકા અને ટેલિકૉમ ઇન્ડેક્સ ૩.૫ ટકા વધ્યા છે. ઇન્ફી સવા ટકા, ટીસીએસ અડધો ટકો અને વિપ્રો સાધારણ પ્લસ હતા. ઇન્ડ્સ ટાવર ૬.૨ ટકા તો ભારતી ઍરટેલ ૪.૫ ટકા ઊંચકાયા છે. વોડાફોન ૪.૩ ટકા મજૂબત હતો. ઝી એન્ટર, તાતા કમ્યુ., સ્ટરલાઇટ ટેક્નૉ, જસ્ટડાયલ, સનટીવી, રાઉટ મોબાઇલ બેથી સવાત્રણ ટકા વધ્યા હતા. મેટલ ઇન્ડેક્સ ૨.૭ ટકા ઊંચકાયો છે. નાલ્કો, હિન્દાલ્કો, વેદાન્તા, સેઇલ ચારથી સાડાપાંચ ટકા તેજીમાં હતા. તાતા સ્ટીલ ૨.૯ ટકા વધી ૧૦૦ નજીક સરક્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2022 10:06 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK