Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફાઇનૅન્સ મિનિસ્ટર અને ફિચ રૅટિંગ્સના નિવેદનને પગલે અદાણીનો રકાસ અટક્યો, સેન્સેક્સમાં આવ્યો ૯૧૦ પૉઇન્ટનો ઉછાળો

ફાઇનૅન્સ મિનિસ્ટર અને ફિચ રૅટિંગ્સના નિવેદનને પગલે અદાણીનો રકાસ અટક્યો, સેન્સેક્સમાં આવ્યો ૯૧૦ પૉઇન્ટનો ઉછાળો

04 February, 2023 12:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સપ્તાહના ટ્રેડિંગના છેલ્લા દિવસે ફાઇનૅન્સ મિનિસ્ટર અને ફિચ રેટિંગ્સે અદાણીની વધુ બગડતી બાજીને અટકાવી દેતાં શૅરબજારનો રકાસ પણ અટક્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સપ્તાહના ટ્રેડિંગના છેલ્લા દિવસે ફાઇનૅન્સ મિનિસ્ટર અને ફિચ રેટિંગ્સે અદાણીની વધુ બગડતી બાજીને અટકાવી દેતાં શૅરબજારનો રકાસ પણ અટક્યો હતો. આ સાથે જ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને બૅન્ક ઑફ બરોડાનાં સારાં નાણાકીય પરિણામોને પગલે બજારના સુધારાને વેગ મળ્યો હતો તથા નીચા મથાળે નોંધનીય ખરીદી થઈ હતી. આમ દિવસના પ્રારંભે નબળી શરૂઆત કરનાર મુખ્ય ઇન્ડેક્સ દિવસના અંતે નોંધપાત્ર સુધર્યા હતા. એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૯૦૯.૬૪ પૉઇન્ટ (૧.૫૨ ટકા) વધીને ૬૦,૮૪૧.૮૮ તથા નિફ્ટી૫૦ ઇન્ડેક્સ ૨૪૩.૬૫ (૧.૩૮ ટકા) સુધરીને ૧૭,૮૫૪.૦૫ બંધ રહ્યો હતો. 

અદાણી એન્ટરપ્રાઇઝિસની દિવસની શરૂઆત વધુ કડાકા સાથે થઈ હતી. ૧૪૯૦ના ભાવે ખૂલેલો સ્ટૉક એક તબક્કે ૩૦ ટકા કરતાં વધારે ઘટીને ૧૦૧૭.૪૫ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. દિવસ દરમ્યાન વૈશ્વિક ક્રેડિટ રેટિંગ ઍજન્સી - ફિચ રેટિંગ્સે જાહેર કર્યું હતું કે અદાણી ગ્રુપની વિરુદ્ધના હિંડનબર્ગ રિપોર્ટને પગલે ગ્રુપની કંપનીઓ તથા એની સિક્યૉરિટીઝના રૅટિંગ્સ પર તત્કાળ કોઈ પ્રતિકૂળ અસર થઈ નથી. 



ફિચે એક નિવેદનમાં કહ્યું હતું કે ગ્રુપ પર બારીકાઈપૂર્વક નજર રાખવામાં આવી રહી છે. ગ્રુપના ફાઇનૅન્સિંગના ખર્ચ સંબંધે લાંબા ગાળાની દૃષ્ટિએ કોઈ મોટા ફેરફાર થાય છે કે નહીં એના પર નજર રખાશે. એ ઉપરાંત પ્રતિકૂળ નિયમનકારી કે કાનૂની ઘટનાઓ સંબંધે પણ ધ્યાન આપવામાં આવશે. 


બૅન્કિંગ સિસ્ટમ સામે જોખમનથી ઃ સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે અદાણી પ્રકરણને લીધે ભારતની બૅન્કિંગ સિસ્ટમ સામે કોઈ જોખમ ઊભું થયું નથી. સિસ્ટમ અત્યારે મજબૂત સ્થિતિમાં છે. સ્ટેટ બૅન્ક અને લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશને સરકાર સમક્ષ ખુલાસો કર્યો છે કે એમનું અદાણી ગ્રુપનું એક્સપોઝર માન્ય રખાયેલી મર્યાદાની અંદર છે. સ્ટેટ બૅન્કે પણ કહ્યું છે કે અદાણી ગ્રુપમાં એનું એક્સપોઝર રોકડ કમાનારી ઍસેટ્સ દ્વારા સુરક્ષિત છે. આ જ રીતે બૅન્ક ઑફ બરોડાએ પણ જાહેર કર્યું છે કે એનું ૭૦૦૦ કરોડ રૂપિયાનું એક્સપોઝર પણ સુરક્ષિત છે. 
લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશને જણાવ્યા મુજબ એનું ૩૬,૪૭૪.૭૮ કરોડ રૂપિયાનું એક્સપોઝટર ઇક્વિટી અને ડેટ બન્નેમાં છે તથા આ રકમ એના કુલ રોકાણના એક ટકા કરતાં ઓછી છે. 
અદાણી એન્ટરપ્રાઇઝિસનો ઘટાડો અટક્યો


ઉક્ત ઘટનાક્રમને પગલે અદાણી એન્ટરપ્રાઇઝિસનો સ્ટૉક એનએસઈ પર શુક્રવારે ૧૦૧૭.૪૫ની નીચલી સપાટીએથી ૧૬૭૯.૯૦ની ઉપલી સપાટીએ ગયા બાદ દિવસના અંતે ૧૫૩૧ બંધ રહ્યો હતો. આ ઘટાડો માત્ર ૩૪.૨૫ રૂપિયા (૨.૧૯ ટકા) રહ્યો હતો. 

અદાણી એન્ટરપ્રાઇઝિસ ઉપરાંત નિફ્ટી૫૦ના અન્ય ઘટક અદાણી પોર્ટ્સમાં પણ શરૂઆત નબળી થઈ હતી. એનએસઈ પર અગાઉના ૪૬૨.૪૫ના બંધ ભાવની સામે સ્ટૉક ઘટીને ૪૫૯ ખૂલ્યો હતો. એક તબક્કે ઘટીને ૩૯૫.૧૦ સુધી ગયા બાદ દિવસના અંતે એમાં સુધારો થતો ગયો હતો. દિવસની ૫૦૭ પૉઇન્ટની ઉપલી સપાટીએ ગયા બાદ દિવસના અંતે ૫.૬૧ ટકા (૨૫.૯૫ રૂપિયા)ની વૃદ્ધિ સાથે સ્ટૉક ૪૮૮.૪૦ બંધ રહ્યો હતો. 

એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા ૫૯,૯૩૨.૨૪ પૉઇન્ટના બંધથી વધીને ૬૦,૩૫૦.૦૧ ખૂલ્યો હતો અને ૬૦,૦૧૩.૦૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. અદાણી ગ્રુપને લગતા સમાચાર, સ્ટેટ બૅન્કના સારાં પરિણામ તથા દેશના ફૉરેક્સ રિઝર્વની મજબૂત સ્થિતિની ખબરે બજારની વૃદ્ધિને વેગ આપ્યો હતો અને ઇન્ડેક્સ ૯૦૯.૬૪ પૉઇન્ટના વધારા સાથે ૬૦,૮૪૧.૮૮ બંધ રહ્યો હતો. 

એસબીઆઇમાં ત્રણ ટકાની વૃદ્ધિ
લગભગ આખો દિવસ નીચે રહ્યા બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)નો સ્ટૉક બીએસઈ પર દિવસના અંતે ૩.૧૨ ટકા (૧૬.૪૫ રૂપિયા)ના વધારા સાથે ૫૪૪.૪૫ બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડેમાં સ્ટૉક ઘટીને ૫૧૯.૪૦ પહોંચ્યો હતો. 

નોંધનીય છે કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગયા ઑક્ટોબર-ડિસેમ્બર ક્વૉર્ટરમાં વર્ષાનુવર્ષ ધોરણે ૬૮.૫ ટકા વધુ ચોખ્ખો નફો કર્યો છે. પાછલા વર્ષના સમાન ગાળાના ૮૪૩૨ કરોડના નફા સામે ગયા ક્વૉર્ટરનો એનો નફો ૧૪,૨૦૫ કરોડ રૂપિયા થયો છે. ક્વૉર્ટરલી ધોરણે નફામાં થયેલી વૃદ્ધિ ૭ ટકા છે. બૅન્કના આંકડા બજારની ધારણા કરતાં વધારે આવ્યા છે. બ્લૂમબર્ગે ૧૩,૧૯૬ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થવાનો અંદાજ રાખ્યો હતો. 
બૅન્ક ઑફ બરોડાનો

સર્વાધિક ક્વૉર્ટરલી નફો
આ જ રીતે બૅન્ક ઑફ બરોડાનો ત્રીજા ક્વૉર્ટરનો નફો ૩૮૫૩ કરોડ રૂપિયા થયો છે, જે અત્યાર સુધીનો એનો સૌથી વધુ ક્વૉર્ટરલી નફો છે. આ જાહેરાતને પગલે એનો સ્ટૉક બીએસઈ પર ૬.૨૦ ટકા (૯.૫૫ રૂપિયા)ની વૃદ્ધિ સાથે ૧૬૩.૬૫ બંધ રહ્યો હતો. 

બીએસઈ પર ૨૭ કંપનીઓ વધી અને ૦૩ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કૅપ ૨૬૬.૭૨ લાખ કરોડ રહ્યું હતું, જે ગુરુવારે ૨૬૫.૭૭ લાખ કરોડ રૂપિયા હતું.
બ્રૉડ બેઝ્‍ડ ઇન્ડાઇસિસમાં બીએસઈ૫૦ ઇન્ડેક્સ ૧.૩૫ ટકા, બીએસઈ૧૦૦ ઇન્ડેક્સ ૧.૧૮ ટકા, બીએસઈ૨૦૦ ઇન્ડેક્સ ૦.૯૪ ટકા, બીએસઈ૫૦૦ ઇન્ડેક્સ ૦.૮૨ ટકા, બીએસઈ ઑલ કૅપ ૦.૭૫ ટકા અને બીએસઈ લાર્જકૅપ ૧.૧૩ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ મિડકૅપ ૦.૦૪ ટકા અને બીએસઈ સ્મૉલકૅપ ૦.૪૭ ટકા ઘટ્યા હતા.
બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૧.૨૮ ટકા અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૧.૫૬ ટકા ઘટ્યા હતા.

સેક્ટરલ ઇન્ડાઇસિસમાં કન્ઝ્‍યુમર ડ્યુરેબલ્સ ૨.૬૧ ટકા, ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૨.૧૫ ટકા, બૅન્કેક્સ ૨.૦૨ ટકા, સર્વિસિસ ૧.૬૪ ટકા, ઑટો ૧.૨૪ ટકા, કન્ઝ્‍યુમર ડિસ્ક્રિશનરી ૦.૮૫ ટકા, ટેલિકમ્યુનિકેશન ૦.૭૫ ટકા, ટેક ૦.૬૪ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૬૦ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૫ ટકા, આઇટી ૦.૨૫ ટકા અને કૉમોડિટીઝ ૦.૨૪ ટકા વધ્યા હતા, જ્યારે એફએમસીજી ૦.૦૨ ટકા, મેટલ ૦.૫૧ ટકા, રિયલ્ટી ૦.૫૩ ટકા, એનર્જી ૦.૬૭ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૦.૮૮ ટકા, હેલ્થકૅર ૦.૯૩ ટકા, પાવર ૨.૨૪ ટકા અને યુટિલિટીઝ ૨.૭૯ ટકા ઘટ્યા હતા.
એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાઇટન ૬.૮૭ ટકા, બજાજ ફિનસર્વ ૫.૧૫ ટકા, બજાજ ફાઇનૅન્સ ૫.૧૩ ટકા, એચડીએફસી બૅન્ક ૩.૪૬ ટકા અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પ. ૩.૧૫ ટકા વધ્યા હતા, જ્યારે વિપ્રો ૦.૩૨ ટકા, ટેક મહિન્દ્ર ૦.૨૨ ટકા અને એચસીએલ ટેક ૦.૧૬ ટકા ઘટ્યા હતા.
એક્સચેન્જનાં બધાં ગ્રુપની કુલ ૧૪ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.
નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૩.૦૭ ટકા સાથે સૌથી વધુ વધ્યો

એનએસઈ પર નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૩.૦૭ ટકા સાથે સૌથી વધુ વધ્યો હતો, જ્યારે નિફ્ટી એનર્જી એક ટકો ઘટ્યો હતો. વાલેટિલિટી ઇન્ડેક્સ ૮.૪૮ ટકા ઘટીને ૧૪.૪ થયો હતો. એક્સચેન્જ પર ટોચના વધેલા સ્ટૉક્સમાં ટાઇટન (૬.૫૧ ટકા), અદાણી પોર્ટ્સ (૫.૬૧ ટકા), બજાજ ફિનસર્વ (૪.૯૬ ટકા), બજાજ ફાઇનૅન્સ (૪.૯૪ ટકા) અને એચડીએફસી બૅન્ક (૩.૪૨ ટકા) સામેલ હતા. ઘટેલામાં ડિવીઝ લૅબ્સ ૧૨ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨.૧૯ ટકા, બીપીસીએલ ૧.૬૭ ટકા, તાતા કન્ઝ્‍યુમર ૧.૬૫ ટકા અને હિન્દાલ્કો ૧.૪૮ ટકા ઘટ્યા હતા. એક્સચેન્જના મૂલ્યની દૃષ્ટિએ ટોચના સક્રિય શૅર અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને ડિવીઝ લૅબ હતા. વૉલ્યુમની દૃષ્ટિએ ટોચના સ્ટૉક્સમાં અદાણી પોર્ટ્સ, તાતા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને આઇટીસી સામેલ હતા. 

આઇટીસીનું પ્રતિ શૅર ૬ રૂપિયાનું ડિવિડન્ડ
આઇટીસીએ પણ ત્રીજા ક્વૉર્ટરમાં ૨૧ ટકા વધુ નફો કર્યો હોવાથી સ્ટૉક વધ્યો હતો. બીએસઈ પર આઇટીસી ૦.૫૦ ટકા વધીને ૩૮૦.૫૦ બંધ રહ્યો હતો. કંપનીનો નફો ૫૦૩૧ કરોડ રૂપિયા થયો છે અને એણે પ્રતિ શૅર ૬ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 

ફૉરેક્સ અનામતમાં વૃદ્ધિ
દરમ્યાન બજારને ગતિ આપનારું પરિબળ ફૉરેક્સ રિઝર્વની અનામતમાં થયેલી વૃદ્ધિ પણ હતું. ગઈ ૨૭મીએ પૂરા થયેલા સપ્તાહમાં અનામત ૫૭૬.૭૬ અબજ ડૉલર થઈ હતી, જે ૬ મહિનાની સૌથી વધુ છે. અનામતમાં સતત ત્રણ સપ્તાહથી વધારો થઈ રહ્યો છે. 
શુક્રવારની નોંધનીય તેજીને લીધે બીએસઈ સેન્સેક્સ સપ્તાહના અંતે ૨.૫૪ ટકા વધ્યું છે તથા નિફ્ટીમાં ૧.૪૧ ટકાનો વધારો થયો છે. બીએસઈ પર રોકાણકારોની સંપત્તિમાં શુક્રવારે ૯૯,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2023 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK