Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સમાં ૪૮૪ અને નિફ્ટીમાં ૨૨૪ પૉઇન્ટના ઘટાડા સાથે સપ્તાહ પૂરું

સેન્સેક્સમાં ૪૮૪ અને નિફ્ટીમાં ૨૨૪ પૉઇન્ટના ઘટાડા સાથે સપ્તાહ પૂરું

23 October, 2021 01:59 PM IST | Mumbai
Anil Patel

ઇરકોન, રેલ વિકાસ નિગમ, રાઇટસ, રેલટેલ જેવા રેલવેના શૅરો તગડા વૉલ્યુમે ઊછળ્યા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


પરિણામ પૂર્વે રિલાયન્સ ફ્લેટ, આઇસીઆઇસીઆઇ બૅન્ક નવી ટોચે ગયો : ઉપલી સર્કિટનો ધારો જાળવી પારસ ૧૨૧૧ના બેસ્ટ લેવલે: સાપ્તાહિક ધોરણે બૅન્ક નિફ્ટી અઢી ટકા કે ૯૮૩ પૉઇન્ટ વધ્યો, એફએમસીજી ઇન્ડેક્સ છ ટકા ગગડ્યો : ઇરકોન, રેલ વિકાસ નિગમ, રાઇટસ, રેલટેલ જેવા રેલવેના શૅરો તગડા વૉલ્યુમે ઊછળ્યા : નોન ફેરસ મેટલ શૅરોમાં વ્યાપક ધોવાણ : માર્કેટ બ્રેડ્થ ખરડાઈ

શૅરબજાર સળંગ ચોથા દિવસની પીછેહઠમાં શુક્રવારે ૧૦૨ પૉઇન્ટ ઘટી ૬૦૮૨૨ નજીક તો નિફ્ટી ૬૩ પૉઇન્ટના ઘટાડે ૧૮૧૧૫ નજીક બંધ રહ્યા છે. ગઈ કાલનો ફર્સ્ટ હાફ એકંદર પૉઝિટિવ હતો. જેમાં શૅર આંક આગલા બંધથી ૪૯૭ પૉઇન્ટ ઉપર ગયો હતો. એક વાગ્યા પછી ઇન્ટ્રા-ડે કરેક્શન રૂપે કૉન્સોલિડેશન કામે લાગ્યું હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ટૉપથી ૮૭૦ પૉઇન્ટ ગગડી નીચામાં ૬૦૫૫૧ થયો હતો. છેલ્લો કલાક હળવા બાઉન્સ બૅકનો હતો. સેન્સેક્સ-નિફ્ટીના મુકાબલે રોકડું તથા બ્રોડર માર્કેટ પ્રમાણમાં વધુ ઢીલું હોવાથી માર્કેટ બ્રેડ્થ નરમ રહી છે. એનએસઈમાં વધેલા ૭૧૫ શૅરની સામે ૧૨૫૨ જાતો માઇનસમાં જોવાઈ છે.
અહીં ખાસ નોંધવાની વાત એ છે કે બજાર સતત ચાર દિવસથી માઇનસ ઝોનમાં બંધ રહેવા છતાં વીકલી ધોરણે સેન્સેક્સ પોણો ટકો કે ૪૮૪ પૉઇન્ટ અને નિફ્ટી સવા ટકો કે ૨૨૪ પૉઇન્ટ જ ઘટ્યા છે. આ ગાળામાં બૅન્ક નિફ્ટીએ બજારને અઢી ટકા કે ૯૮૩ પૉઇન્ટ વધીને બહુ મોટી હૂંફ પૂરી પાડી છે. સપ્તાહમાં સ્મૉલ કૅપ ઇન્ડેક્સ સવા પાંચ ટકા, મિડ કૅપ ઇન્ડેક્સ સવા ચાર ટકા અને બીએસઈ-૫૦૦ સવા બે ટકાથી વધુ ડૂલ થયા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ચાર ટકા વધ્યો છે. એફએમસીજી ઇન્ડેક્સ સર્વાધિક છ ટકા ધોવાયો છે. મેટલ આંક ૫.૪ ટકા તો હેલ્થકૅર બેન્ચમાર્ક ૫.૨ ટકા ડાઉન થયા છે. બાય ધ વે, એસએમઈ આઇપીઓ ઇન્ડેક્સમાં ૧૪ ટકાનું ગાબડું પડ્યું છે.
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૪ તો નિફ્ટીના ૫૦માંથી ૧૫ શૅર પ્લસ હતા. એચડીએફસી બે ટકાથી વધુની મજબૂતીમાં ૨૯૦૩ જેવો બંધ રહી બજારને ૯૭ પૉઇન્ટ ફળ્યો હતો. આઇટીસી ૩.૪ ટકા ગગડી સેન્સેક્સ ખાતે તો હિન્દાલ્કો ૪.૬ તૂટી નિફ્ટીમાં ટૉપ લૂઝર હતા. મારુતિ સુઝુકી બે ટકા ખરડાયો છે.
રિલાયન્સ પરિણામ પૂર્વે ઉપર-નીચે થઈને ફ્લેટ
રિલાયન્સ ઇન્ડ.ના પરિણામ બજાર બંધ થયા પછી સાંજે આવવાના હતા. શૅર ઉપરમાં ૨૬૬૫ અને નીચામાં ૨૬૧૧ બતાવી ચારેક રૂપિયાના નજીવા સુધારામાં ૨૬૨૭ બંધ થયો છે, તેનો પાર્ટ પેઇડ સાડા ચાર રૂપિયાના ઘટાડે ૧૯૮૮ હતો. પારસ ડિફેન્સ ૧૦ ટકાની ઉપલી સર્કિટનો ધારો પકડી રાખતાં ૧૨૧૧ની વિક્રમી સપાટીએ ગયો છે. અમી ઓર્ગેનિક્સ પરિણામની પૂર્વ સંધ્યાએ બે ટકા જેવો ઘટી ૧૨૦૩ તો તત્ત્વચિંતન અડધો ટકો ઘટી ૨૧૩૨ હતા. આઇસીઆઇસીઆઇ બૅન્કનું રિઝલ્ટ શનિવારે છે. શૅર ૭૬૫ની નવી ટૉપ બનાવી નહીંવત્ વધી ૭૫૯ રહ્યો છે. તાતા મોટર્સ ૩.૪ ટકા ઘટી ૪૯૧ તથા તેનો ડીવીઆર બે ટકા ઘટી ૨૫૧ નજીક જોવાયા છે. ડીવીઆર બે ટકા ઘટી ૨૫૧ નજીક જોવાયા છે. ટીવીએસ મોટર સારા પરિણામ પાછળ ઉપરમાં ૬૩૩ થઈ ૭.૫ ટકાના ઉછાળે ૬૨૦ થયો છે. બૅન્ક નિફ્ટી ૪૦૫૮૭ની નવી ઓલટાઇમ હાઈ બનાવી પોણો ટકો કે ૨૯૩ પૉઇન્ટ વધી ૪૦૩૨૪ નજીક ગયો છે. બૅન્કિંગના ૩૫માંથી ૧૫ શૅર પ્લસ હતા. ફેડરલ બૅન્ક ૭.૮ ટકાના ઉછાળે ૧૦૪ના નવા શિખરે બંધ આવ્યો છે. ઇન્ડિયન બૅન્ક ૪.૮ ટકા તો જે કે બૅન્ક ૩.૮ ટકા અપ હતા. નબળા રિઝલ્ટમાં આઇઆઇએફએલ વેલ્થ મૅનેજમેન્ટ ૧૦.૫ ટકા કે ૧૮૫ રૂપિયા ગગડી ૧૫૭૪ થયો છે.
આઇઆરબી ઇન્ફ્રા ભારે વૉલ્યુમ સાથે ભાવ મલ્ટિયર ટૉપ પર 
હાઇવે અને રેડ કન્સ્ટ્રકશન્સને આવરી લેતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસની અગ્રણી ખેલાડી આઇઆરબી ઇન્ફ્રાસ્ટ્રકચરના પરિણામ ૨૬મીએ છે. ભાવ છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વૉલ્યુમ સાથે ઊછળી રહ્યા છે. ગઈ કાલે શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૯૩ની લગભગ દાયકાથી વધુની નવી ટૉપ બનાવી ત્યાં જ બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ ૪૪૭ લાખ શૅરનું વૉલ્યુમ હતું. ઑગસ્ટ ૨૦૧૦માં આ શૅર ૩૧૩ નજીક સર્વોચ્ચ સપાટીએ ગયો હતો, જ્યારે માર્ચ ૨૦માં ૪૭નું ઐતિહાસિક બૉટમ બન્યું હતું. કંપનીના પ્રમોટર્સને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સાથે ગાઢ દોસ્તી વર્ષોથી છે. એટલી આડવાત પછી મૂળ વાત આગળ વધારીએ તો ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૧૯૬ રૂપિયા કરતાં વધુની છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૮.૫ ટકાનું છે. એફઆઇઆઇ પાસે સવા તેર ટકા અને એલઆઇસી પાસે સાડા સાત ટકા માલ છે. કંપનીનો આઇપીઓ જાન્યુઆરી ૨૦૦૮ના અંતે ૧૦ના શૅરદીઠ ૧૮૫ના ભાવે આવ્યો હતો. કંપનીએ અત્યાર સુધી ડિવિડન્ડ સિવાય શૅરધારકોને કાંઈ આપ્યું નથી. દરેક શૅરનો સમય આવે છે એ ન્યાયે આ કાઉન્ટર હવે અવનવા શિખર સર કરવા માંડે તો નવાઈ નહીં. 
રેલ વિકાસ નિગમ બેસ્ટ લેવલે, ઇરકોનમાં ૮.૩ ટકાની મજબૂતી
કેન્દ્ર સરકારની ૭૮.૨ ટકા માલિકીની રેલ વિકાસ નિગમ શુક્રવારે છ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૩ની પાર નવી સર્વોચ્ચ સપાટી બનાવી ત્યાં જ બંધ રહ્યો છે. બે દિવસ પૂર્વે ભાવ ૩૨નો હતો. ૧૦ના શૅરદીઠ ૧૯ના ભાવે તેનો આઇપીઓ એપ્રિલ ૨૦૧૯ના પ્રથમ સપ્તાહે આવ્યો હતો. સરકાર તરફથી રેલ વિકાસ નિગમ અને ઇરકોનના મર્જરની વિચારણા હાથ ધરાઈ છે. આ ઉપરાંત રેલટેબનું મર્જર આઇઆરસીટીસી સાથે પણ વિચારાયું છે. ઇરકોનનો ભાવ ગઈ કાલે બાર ગણા કામકાજમાં ઉપરમાં ૫૩ નજીક જઈ ૮.૩ ટકા વધી ૫૧.૫૦ બંધ હતો. રાઇટસ લિમિટેડ ૩૧૭ની વિક્રમી સપાટી બાદ ૮.૮ ટકા વધી ૩૧૦ હતો. આઇઆરસીટીસી એક ટકા વધી ૪૬૨૨ હતો. રેલવેની અન્ય કંપની ઇન્ડિયન રેલવે ફાઇનૅન્સ કૉર્પોરેશન છ ગણા કામકાજમાં સવા છ ટકા ઊંચકાઈને ૨૬ નજીક બંધ આવ્યો છે. અન્ય સરકારી કંપનીઓમાં કન્ટેનર કૉર્પોરેશન સારા પરિણામ પાછળ ૨.૪ ટકા વધી ૬૮૦ હતો. એનએચપીસી ચાર ટકાની મજબૂતીમાં ૩૨ ઉપર બંધ આવ્યો છે. બાય ધ વે પીએસયુ ઇન્ડેક્સ ૬૦માંથી ૪૪ શૅરના ઘટાડે અડધો ટકો નરમ હતો. હિન્દુસ્તાન કોપર, નાલ્કો, ઑઇલ ઇન્ડિયા, એચએએલ, ભારત ડાયનેમિક્સ ત્રણથી પાંચ ટકા જેવા નરમ હતા. 
ઇન્ફીની આગેવાની હેઠળ આઇટી શૅરોમાં નબળાઈ આગળ વધી 
આઇટીમાં નરમાઈ વધુ આગળ ધપી છે. અત્રે ઇન્ડેક્સ ૫૦માંથી ૩૧ શૅરના ઘટાડે દોઢ ટકા કે ૫૪૪ પૉઇન્ટ ડાઉન થયો છે. ઇન્ફોસિસ નીચામાં ૧૭૦૭ થઈ બે ટકા ગગડી ૧૭૧૯ હતો. ટીસીએસ એક ટકા, વિપ્રો બે ટકા, એચસીએલ ટેક્નો દોઢ ટકા, એમ્ફાસિસ ૪.૩ ટકા, ઇન્ડિયા માર્ટ ૭.૩ ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૪.૨ ટકા, લાર્સન ઇન્ફોટેક દોઢ ટકા, લાર્સન ટેક્નો ૩.૨ ટકા, નીટ ચાર ટકા, સિએન્ટ ચાર ટકા, ઝેનસાર ૪.૧ ટકા, સોનાટા સોફ્ટવેર ૪.૩ ટકા, નેલ્કો પાંચ ટકા, ડેટામેટિક્સ ૪.૩ ટકા કટ થયા છે. તાન્લા પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૦૬૨ બંધ હતો. ડીલિન્ક ૩.૨ ટકા અને તાતા એલેક્સી ૧.૮ ટકા અપ હતા. સાસ્કેન સર્વાધિક ૭.૩ ટકા ખરડાઈ ૧૪૦૦ રહ્યો છે. ટેલિકૉમમાં તાતા ટેલી, જીટીપીએલ, તાતા કૉમ્યુ., ઑનમોબાઇલ બેથી પાંચ ટકા ડાઉન હતા. ભારતી અૅરટેલ સાધારણ તો વોડાફોન પોણો ટકો નરમ હતો. સ્ટરલાઇટ ટેક્નો સારા પરિણામ પાછળ નવ ટકા ઊછળી ૩૦૧ હતો. ટીવી-૧૮, જસ્ટ ડાયલ, ઝી એન્ટર, પીવીઆર બેથી સવા પાંચ ટકા ડાઉન હતા. નેટવર્ક ૧૮માં સાડા છ ટકાનું ધોવાણ દેખાયું હતું. તેમાં આઇટી શૅરની કમજોરી ભળતાં ટેક્નોલૉજી ઇન્ડેક્સ ૨૭માંથી ૧૯ શૅરની નબળાઈમાં સવા ટકા ડાઉન હતો.
મેટલ શૅરોમાં સાર્વત્રિક વેચવાલી, નોન-ફેરસ મેટલ શૅર ધોવાયા 
બીએસઈનો મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૧૦ શૅરના ઘટાડે ત્રણ ટકા તથા નિફ્ટી મેટલ આંક ૧૫માંથી ૧૪ શૅરની ખરાબીમાં ત્રણ ટકા પીગળ્યો છે. નોન ફેરસ મેટલ શૅર વધુ લથડ્યા હતા. નાલ્કો ૫.૨ ટકા, હિન્દુસ્તાન કોપર પાંચ ટકા, હિન્દાલ્કો ૪.૭ ટકા, વેદાન્તા ૭.૫ ટકા, હિન્દુસ્તાન ઝીન્ક ૫.૯ ટકા ધોવાયા હતા. કોલ ઇન્ડિયા ત્રણ ટકા ખરડાઈ ૧૭૭ હતો. ત્રિમાસિક નફો ધારણાથી ક્યાંય વધુ અને ચાર ગણો થવા છતાં જેએસડબ્લ્યુ સ્ટીલ પોણા ટકાના ઘટાડે ૬૬૮ હતો. સેઇલ, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ સવાથી બે ટકા ઢીલા હતા. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૩માંથી ૧૬ શૅર ઘટતાં ૨૩૪ પૉઇન્ટ કે પોણા ટકાથી વધુ ઢીલો હતો. હેવીવેઇટ લાર્સન એક ટકાની નરમાઈમાં ૧૭૮૭ બંધ થયો છે. કાર્બોરેન્ડમ યુનિવર્સલ સાડા ચાર ટકા, જીએમઆર ઇન્ફ્રા ૪ ટકા, ગ્રેફાઇટ ઇન્ડિયા ૩.૮ ટકા, એસકેએફ સાડા ત્રણ ટકા, ભેલ સવા ત્રણ ટકા, થર્મેકસ અઢી ટકા અને ગ્રાઇન્ડવેલ નોર્ટન સવા બે ટકા નરમ હતા. હેવેલ્સ ઇન્ડિયા ૧૨૮૬ના આગલા લેવલે જૈસે થે હતો. 
હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૦માંથી ૨૩ શૅરના સુધારામાં ૪૦૩ પૉઇન્ટ કે દોઢ ટકાથી વધુ બીમાર હતો. સુવેન લાઇફ ૯.૮ ટકા વધી ૧૧૧ નજીક બંધ હતો. ન્યુલેન્ડ લેબ પાંચ ટકા, શેલ્બી તથા આરપીજી લાઇફ સવા ચાર ટકા, ગ્લેન્ડ ફાર્મા ૨.૮ ટકા પ્લસ હતા. સામે લોરસ લેબ સવા છ ટકા, બાયોકોન ૬.૧ ટકા, સિકવન્ટ સાન્ટિફિક સવા પાંચ ટકા, પેનેસિયા બાયો પાંચ ટકા, ડૉ. લાલ પેથલેબ્સ પોણા ચાર ટકા, વોખાર્ટ સવા ત્રણ ટકા, સિન્જેન ત્રણ ટકા, સિન્જેન ત્રણ ટકા, એબોટ સવા ત્રણ ટકા, પિરામલ એન્ટર સાડા ત્રણ ટકા અને ફોર્ટિસ ૩.૬ ટકા ડૂલ થયા હતા. દીવીસ લેબ અઢી ટકા ઘટી ૫૦૬૪, સિપ્લા ૧.૭ ટકા ઘટી ૮૯૬ તો સનફાર્મા અડધો ટકો ઘટીને ૮૧૪ બંધ હતો.
આજના મહત્ત્વના કંપની પરિણામની યાદી
આજે શનિવારે જાહેર થનારા મહત્ત્વના કંપની પરિણામ નીચે મુજબ છે. અમી ઓર્ગેનિક્સ, ઑટોમોટિવ સ્ટેમ્પિંગ, ગાયત્રી ટિસ્યુ, એથેના ગ્લોબલ, ગુજરાત કન્ટેઇનર્સ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એમસીએક્સ, ઓરિએન્ટ ઇલેક્ટ્રિક, સહ્યાદ્રી ઇન્ડસ્ટ્રીઝ, સેશાષાયી પેપર, સ્મૃતિ ઓર્ગેનિક્સ, સ્પોર્ટકીંગ ઑફ સ્ટિયરિંગ વગેરે.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2021 01:59 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK