Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંગીત વિનાનો મનુષ્ય એ શિંગડાં અને પૂંછડી વિનાના પશુ જેવો છે

સંગીત વિનાનો મનુષ્ય એ શિંગડાં અને પૂંછડી વિનાના પશુ જેવો છે

13 June, 2021 04:00 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

મન્નાદાને એક સંપૂર્ણ કલાકાર બનાવવામાં કે. સી. ડેનું મહત્ત્વનું યોગદાન છે એ વાતનો સ્વીકાર ખુદ મન્નાદા અનેક વાર કરી ચૂક્યા છે. 

સંગીત વિનાનો મનુષ્ય એ શિંગડાં અને પૂંછડી વિનાના પશુ જેવો છે

સંગીત વિનાનો મનુષ્ય એ શિંગડાં અને પૂંછડી વિનાના પશુ જેવો છે


મન્નાદાની જીવનસફરની યાદોં કી બારાત આગળ વધારીએ એ પહેલાં તેમના ગુરુ બાબુકાકા, જેને દુનિયા મહાન ગાયક કે. સી. ડેના નામે ઓળખે છે તેમની વાત કરવી છે. તેમના ઉલ્લેખ વિના મન્નાદાની સ્મૃતિઓ અધૂરી રહી જાય એમાં બેમત નથી. 
૧૩ વર્ષની ઉંમરે તેમની આંખોનું નૂર જતું રહ્યું. ત્યાર બાદ તેઓ સંગીતની દુનિયામાં આગળ વધ્યા અને ખૂબ નામ કમાયા. શાસ્ત્રીય સંગીતમાં, ખાસ કરીને ધ્રુપદ ધમાર ગાયકીમાં તેમનું પ્રભુત્વ હતું. ૧૮ વર્ષની ઉંમરે તેમનું પહેલું આલબમ રેકૉર્ડ થયું. પહેલાં બંગાળી ગીતો અને ત્યાર બાદ હિન્દી ગીતો દ્વારા તેમણે ખૂબ નામના કમાવી. તેમનાં ભજનો, ખાસ કરીને ‘જાઓ સાધુ રહો ગુરુ કે સંગ’, ‘બાબા મન કી આંખેં ખોલ’ અને ‘તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ ઝરા’ અને બીજાં ગીતો આજની તારીખે પણ સંગીતપ્રેમીઓનાં મનપસંદ ગીતો છે.
સમય જતાં તેમણે બંગાળી ફિલ્મોમાં કામ શરૂ કર્યું. ગાયક-અભિનેતા તરીકે તેમને સફળતા મળી એટલે ૧૯૪૩માં મુંબઈ આવ્યા. તેમની સાથે મન્નાદા પણ મુંબઈ આવ્યા અને આમ તેમની હિન્દી ફિલ્મોની મ્યુઝિકલ જર્ની શરૂ થઈ. મન્નાદાની સંગીતની પ્રતિભા તેમણે નાનપણથી જ ઓળખી લીધી હતી. મોટા કાકા હેમચંદ્ર ડેની ઇચ્છા હતી કે મન્નાદા વકીલ બને, પરંતુ કે. સી. ડેની સમજાવટ બાદ તેમણે નમતું જોખ્યું અને મન્નાદા સંગીતના ક્ષેત્રે આગળ વધ્યા. મન્નાદાને એક સંપૂર્ણ કલાકાર બનાવવામાં કે. સી. ડેનું મહત્ત્વનું યોગદાન છે એ વાતનો સ્વીકાર ખુદ મન્નાદા અનેક વાર કરી ચૂક્યા છે. 
આટલી પૂર્વભૂમિકા બાદ આપણે ફરી પાછા મન્નાદાના બાળપણમાં આગળ વધીએ. એ સમયને યાદ કરતાં તેઓ લખે છે, ‘નાનપણમાં અમને સંગીતથી દૂર રાખવામાં આવ્યા હતા છતાં બાબુકાકાની રૂમમાંથી આવતા સંગીતના ૭  સૂરની તાકાત એવી હતી કે એના જાદુથી મારો પિંડ એક નવો આકાર લઈ રહ્યો હતો. ઘરમાં એક વણલખ્યો નિયમ હતો કે અમે ત્રણ ભાઈઓમાંથી કોઈ એક કાકાની મદદ માટે નજીકમાં હોવા જોઈએ, એટલે તેમની રૂમમાંથી બૂમ પડે એટલે કોઈ પણ એક હાજર થઈ જઈએ. ક્યારેક તેમને  પાન કે સિગારેટ જોઈતી હોય અથવા કોઈ પુસ્તક જોઈતું હોય જેમાંથી કોઈ ગીતના શબ્દો  વાંચવાના હોય. મોટા ભાગે તેઓ સંગીતની કોઈ ધૂન ગણગણતા હોય. મને ઘણી વાર તેઓ નોટેશન્સ લખવાનું કહેતા ત્યારે મને કંટાળો આવતો. મારો જીવ મસ્તી-તોફાનમાં રહેતો, પરંતુ કોઈ છૂટકો નહોતો. વર્ષો બાદ મને એ વાતનો અહેસાસ થયો કે આ અણગમતી પ્રવૃત્તિને કારણે જ સ્વર અને લય સાથે મારો ઘરોબો કેળવાતો જતો હતો. સંગીતના વિશ્વમાં એ મારું પ્રથમ પગથિયું હતું.’ 
‘ધીમે-ધીમે મને કાકાની સંગત ગમવા લાગી. એ દિવસોમાં મોટા-મોટા કલાકારો અમારા ઘરે આવતા. કાકાની રૂમમાં તેમની બેઠક ચાલતી હોય ત્યારે અચાનક હું ધમાલ કરતો ત્યાં આવી જતો. એ સમયે ગુસ્સે થવાને બદલે એ લોકો મારી સાથે મસ્તી કરતા. મારી બાલિશ હરકતો તેમને ગમતી. થોડા વખત પછી એ લોકોનો રિયાઝ શરૂ થાય એટલે ત્યાંથી ભાગી જવાને બદલે હું ત્યાં બેસી રહેતો અને સંગીતની મજા લેતો.’
‘મને નવાઈ લાગે છે કે રાગદારીની કોઈ ફૉર્મલ ટ્રેઇનિંગ નહોતી લીધી છતાં એની ઝીણી-ઝીણી બારીકીઓ હું સમજી લેતો. એક દિવસ બાબુકાકા માસ્ટરજી પાસેથી રાગ માલકૌંસ શીખી રહ્યા હતા. હું નોટેશન્સ લખતો હતો. મેં જોયું કે માસ્ટરજીએ હાથે કરીને બીજી અને પાંચમી નોટ અવૉઇડ કરી હતી. મેં તરત તેમનું ધ્યાન દોર્યું. તેઓ બહુ ખુશ થયા. મને સમજાવ્યું કે તમે દિવસના જે પ્રહરે રાગ ગાઓ તેમ તેમ એના બંધારણમાં નાના-મોટા ફેરફાર કરવામાં આવે તો એની અસર વધુ થાય.’
‘એ દિવસથી હું મૂડમાં હોઉં ત્યારે તેમની સાથે સંગીતની વાતો કરતો. તેમણે વિસ્તારથી સમજાવ્યું કે એક રાગના બંધારણમાં નાનકડો ફેરફાર કરીએ તો બીજો રાગ બની જાય. કયો રાગ ક્યારે ગવાય, કયા સમયે એની વધુ અસર થાય, રજૂઆત કરતાં એમાં કઈ ભૂલ થવાનો સંભવ છે જેવી બારીક વાતો તેમની સાથે થતી. આમ સંગીતનું જે વ્યાકરણ હતું એની સમજ મને પડવા લાગી. આ રીતે બાબુકાકા સાથે મારી ફૉર્મલ ટ્રેઇનિંગ શરૂ થઈ એ પહેલાં જ હું રાગ-રાગિણીના પરિચયમાં આવતો ગયો.’
‘બાબુકાકાને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે હું સંગીતમાં રસ લેવા લાગ્યો છું. એક દિવસ ઉસ્તાદજી તેમને એક ગીત શીખવાડવાની તૈયારી કરતા હતા. તેમણે મને કહ્યું કે મન્ના, તાનપૂરા સાથે મારી સંગત કર. હું તો ચોંકી ગયો. આજ સુધી મેં તાનપૂરાને હાથ નહોતો અડાડ્યો. તેમને ના પાડવાની મારી હિંમત નહોતી. મેં તાનપૂરો ઉપાડ્યો. તેમણે ગાવાનું શરૂ કર્યું. સ્વાભાવિક છે કે હું જે કરી રહ્યો હતો એમાંથી સૂર નહીં, પરંતુ કર્કશ અવાજ પેદા થતો હતો. જોકે આની તેમના પર કોઈ અસર નહોતી થઈ. મનમાં હતું કે તેઓ મને બંધ કરવાનું કહેશે, પણ એવું કાંઈ થયું નહીં. લેસન પૂરું થયું. હું વિચારતો હતો કે ઉસ્તાદજી ગયા બાદ મારા પર ગુસ્સે થશે, પણ તેઓ કાંઈ બોલ્યા જ નહીં.’ 
‘મને હતું જ કે જીવનમાં તેઓ કદી મને તાનપૂરો વગાડવાનું કહેશે નહીં, પણ એ મારી ભૂલ હતી. બીજા દિવસે ફરી તેમણે મને ફરમાન કર્યું કે તાનપૂરો વગાડ. તેમની ધીરજને દાદ દેવી પડે. હું ફાંફાં મારતો તાનપૂરો વગાડતો. રોજ આવું થતું. છેવટે એક દિવસ આવ્યો કે હું સૂરમાં તાનપૂરો વગાડવામાં સફળ થયો. સમય જતાં એમાં મેં સારી એવી મહારત મેળવી લીધી. જોકે મારે એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે જીવનમાં અનેક વાર મને તાનપૂરો વગાડતાં મહેનત પડી છે.’
‘બાબુકાકાના અનેક સ્ટેજ-શોમાં તેમના સાથીકલાકાર તરીકે મેં તાનપૂરો વગાડ્યો છે. કૃષ્ણનગરના મહારાજના મહેલમાં એક સંગીતનો કાર્યક્રમ હતો, એમાં બાબુકાકાને પર્ફોર્મ કરવાનું આમંત્રણ હતું. એ કાર્યક્રમમાં જાણીતા કલાકારોને આમંત્રણ હતું, જેમાં સચિન દેવ બર્મન પણ હતા. અમે મહારાજાના મહેલમાં પહોંચ્યા અને હું છક્ થઈ ગયો. આવી વિશાળતા અને જાહોજલાલી આ પહેલાં મેં જોઈ નહોતી. એક પછી એક કલાકારો પર્ફોર્મ કરતા હતા. અડધી રાતે બાબુકાકાનો વારો આવ્યો. તેમની ગાયકી એટલી અદ્ભુત હતી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા. હું પણ એમાંથી બાકાત નહોતો. જે તન્મયતા અને એકાગ્રતાથી તેઓ ગાયકીને નિભાવી રહ્યા હતા એ મારા માટે એક મોટું લેસન હતું. મને એ વાતની પ્રતીતિ થઈ કે સતત રિયાઝ વિના તમારી કાબેલિયતનો કોઈ અર્થ નથી.’ 
‘તેમની ગાયકીની મારા પર એવી અસર થઈ કે મારી આંખમાંથી આંસુ વહેતાં હતાં. હું એક એવો દિવ્ય અનુભવ કરી રહ્યો હતો જેનું વર્ણન કરવું શક્ય નથી. હું કોઈ બીજા જ વિશ્વમાં પહોંચી ગયો હતો. ત્યાં મારા બીજા સાથીકલાકારે મને કાનમાં કહ્યું કે તને શું થયું છે? તાનપૂરો બરાબર વાગતો નથી. ત્યારે હું એ તંદ્રાવસ્થામાંથી જાગ્યો અને હોશ સંભાળ્યા. એ રાતે હું સંગીતની વધુ નજીક આવ્યો. એ ઘડીએ સંગીતની સાચી તાકાતનો મને અહેસાસ થયો.’
મન્નાદા સાથેની મારી મુલાકાતોમાં તેમણે અનેક વાતો શૅર કરી છે. તેઓ સંગીતમાં એટલા ડૂબેલા હતા કે હરીફરીને સંગીતની વાતો પર આવી જતા. ક્યાંક વાંચ્યું હતું, ‘Withaout music, life would be a mistake.’ મન્નાદાના જીવનને અનુલક્ષીને જ આ વાત લખાઈ હશે એવું લાગે. જેટલી વાર મન્નાદાને મળ્યો છું, વાતો કરી છે ત્યારે એવો અહેસાસ થયો છે કે સંગીત જ તેમના જીવનનું સારસર્વસ્વ હતું. મારી પહેલી જ મુલાકાતમાં  તેમણે હાર્મોનિયમ ખોલીને જે ગીતો ગાયાં એનો રોમાંચ આજે પણ બરકરાર છે. એ યુગ હતો જ્યારે મોટા ભાગના પ્લેબૅક સિંગર્સ સ્ટેજ-શોમાં હાર્મોનિયમ લઈને ગીતોની રજૂઆત કરતા.  મેં અનેક લાઇવ શોઝ માણ્યા છે. મેં નોટિસ કર્યું છે કે મોટા ભાગે સિંગર્સ ગીતનો મુખ્ય સૂર (કોર્ડ) પકડીને ગાતા. મિત્ર રૂપકુમાર રાઠોડે એક સરસ વાત કરી હતી, ‘ગાયક કલાકાર માટે હાર્મોનિયમ આંધળાની લાકડીની ગરજ સારે છે. પર્ફોર્મ કરતી વખતે જરા પણ સૂરથી ભટકી ન જવાય એ માટે અમે હાર્મોનિયમ સાથે રાખીએ.’
એક અલગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે હાર્મોનિયમ અત્યંત સુરીલું વાદ્ય છે. મોટા ભાગે ક્લાસિકલ સિંગર્સ હાર્મોનિયમનો સાથ લઈને રાગદારીનો માહોલ જમાવતા હોય છે. એ દિવસે મેં જોયું કે મન્નાદા કેવળ કોર્ડ પકડીને નહીં, એક ક્લાસિકલ સિંગર્સની જેમ, ખૂબીથી હાર્મોનિયમ વગાડતા હતા (જેનો અહેસાસ શ્રોતાઓને અમારા કાર્યક્રમમાં પણ થયો). મેં તેમને કહ્યું કે બીજા સિંગર્સ કરતાં તમે વધુ ઇન્ટેન્સિટીથી હાર્મોનિયમ વગાડો છો. એ સાંભળી તેમણે એક મજેદાર કિસ્સો શૅર કર્યો...   
 ‘મારો નાનો ભાઈ પ્રબોધ સંગીતમાં થોડોઘણો રસ ધરાવતો. તે કોઈ વાર મારી સાથે બાબુકાકાની રૂમમાં બેસતો અને તાનપૂરો વગાડતો. એક દિવસ હું તાનપૂરા પર બાબુકાકા સાથે સંગત કરતો હતો ત્યાં તે આવ્યો. તેને જોઈને બાબુકાકા કહે, ‘મન્ના, એક કામ કર, આજે પ્રબોધ તાનપૂરો વગાડશે, તું હાર્મોનિયમ વગાડ.’ મેં આ પહેલાં હાર્મોનિયમ  શીખવાની દરકાર કરી નહોતી. તેમને ના પાડવાની મારી હિંમત નહોતી. મેં શરૂ કર્યું, પણ કઈ કી દબાવવી એની ગતાગમ નહોતી. છેવટે બાબુકાકા જે સૂરમાં ગાતા હતા એ સૂર પકડીને એની કી પકડી રાખી. બસ, એ દિવસથી મારી હાર્મોનિયમ સાથેની ભાગીદારી શરૂ થઈ.  શરૂઆતમાં તો બાબુકાકા જે સ્વરમાં ગાય એ મુખ્ય સૂરને પકડીને હું હાર્મોનિયમ વગાડતો. બહુ ટૂંકા સમયમાં મને સ્વરજ્ઞાન થયું અને પછી તો હું આસાનીથી સંગત કરવા લાગ્યો.’
‘બાબુકાકા સાથેની મારી ફૉર્મલ ટ્રેનિંઇગ શરૂ થઈ એ પહેલાં જ રાગ-રાગિણીના બંધારણ અને ખૂબીઓ હું સમજવા લાગ્યો. હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીત માટે આ સમજ અતિઆવશ્યક હતી. એ ઉપરાંત હિન્દી અને ઉર્દૂ ભાષા પ્રત્યે મારો લગાવ વધવા લાગ્યો. એ ગીતોમાં મને વધુ ઊંડાણ લાગ્યું, એટલે એ ભાષાના સાચા ઉચ્ચારણ માટે મેં ઘણી મહેનત કરી. આ કારણે હું સૂર અને શબ્દ દ્વારા મારી અભિવ્યક્તિને અસરદારક બનાવતો રહ્યો.’   
મન્નાદાની આ વાત લખી રહ્યો છું ત્યારે મને વિખ્યાત ગાયક અને સંગીતકાર શંકર મહાદેવને કહેલો એક કિસ્સો યાદ આવે છે... ‘મારી ઉંમર ૩-૪ વર્ષની હશે. પરિવાર સાથે હું કોઇમ્બતુર મારા મામાને ઘેર ગયો હતો. ત્યાં સંગીતનું વાતાવરણ હતું એટલે ઘરમાં તાનપૂરો, હાર્મોનિયમ અને બીજાં વાજિંત્રો હતાં. હાર્મોનિયમમાંથી નીકળતા સૂરોનો અવાજ મને ગમતો. એક દિવસ એવું બન્યું કે હાર્મોનિયમ જોઈને કુતૂહલપૂર્વક હું આડીઅવળી કી દબાવવા લાગ્યો. એ સાંભળીને સૌ ભેગા થઈ ગયા. હું વગાડતો હતો, પણ કોઈએ મને રોક્યો નહીં. બે મિનિટ પછી સૌએ તાળી પાડી. મામાએ મને ઊંચકીને વહાલ કર્યું અને મારાં માતાજીને કહે કે આને સંગીતનું ટ્યુશન શરૂ કરાવવું પડશે. આ પહેલાં મેં કદી હાર્મોનિયમ જોયું નહોતું, કારણ કે અમારા ઘરમાં કોઈ વાજિંત્ર જ નહોતું. તમને નવાઈ લાગશે કે એ દિવસે હાર્મોનિયમ પર મેં જે ગીત વગાડ્યું હતું એ હતું, ‘ચલ ચલ ચલ મેરે હાથી, ઓ મેરે સાથી’ (ફિલ્મ - હાથી મેરે સાથી).
શંકર મહાદેવનની વાતથી એક વાત સાબિત થાય છે કે સંગીત એ એક ઈશ્વરી દેન  છે. સંગીત એક એવી કળા છે જે તમને કોઈ શીખવાડી ન શકે અને જો  ગયા જન્મના સંસ્કાર હોય તો આ જન્મે એને કોઈ રોકી ન શકે; ખુદ તમે રોકવા ચાહો તો પણ. તમે ડ્રાઇવિંગ શીખી શકો, સ્વિમિંગ શીખી શકો, પરંતુ જો તમારા ‘બીઇંગ’માં સંગીત ન હોય તો પૂરી જિંદગી ‘સા’ ન લાગે. સંગીત એ પૂર્વજન્મનું ભાથું છે. આપણાં પુરાણોમાં તો એમ લખ્યું છે કે છેલ્લા સાત જન્મમાં તમે પુણ્ય કર્યાં હોય તો આ જન્મમાં તમને સરસ્વતી સંગીતનો પ્રસાદ આપે. સંસ્કૃતમાં એક  કહેવત છે, ‘સંગીત વિનાનો મનુષ્ય એ શિંગડાં અને પૂંછડા વગરના પશુ જેવો છે.’
મને ૭ જન્મની ખબર નથી, પરંતુ એટલો વિશ્વાસ છે કે આપણે સૌ સંગીતપ્રેમીઓએ ગયા જન્મમાં થોડાં તો પુણ્યનાં કામ કર્યાં હશે એટલે જ તો આ જન્મે મન્ના ડે, મોહમ્મદ રફી, કિશોરકુમાર, લતા મંગેશકર જેવા અનેક દિગ્ગજ કલાકારોને જીવતેજીવ માણવાનો અવસર મળ્યો.

બાબુકાકાની ગાયકીની મારા પર એવી અસર થઈ કે મારી આંખમાંથી આંસુ વહેતાં હતાં. હું એક એવો દિવ્ય અનુભવ કરી રહ્યો હતો જેનું વર્ણન કરવું શક્ય નથી. હું કોઈ બીજા જ વિશ્વમાં પહોંચી ગયો હતો. ત્યાં મારા બીજા સાથીકલાકારે મને કાનમાં કહ્યું કે તને શું થયું છે? તાનપૂરો બરાબર વાગતો નથી. ત્યારે હું એ તંદ્રાવસ્થામાંથી જાગ્યો અને હોશ સંભાળ્યા. એ રાતે હું સંગીતની વધુ નજીક આવ્યો. એ ઘડીએ સંગીતની સાચી તાકાતનો મને અહેસાસ થયો.



‘ગાયક કલાકાર માટે હાર્મોનિયમ આંધળાની લાકડીની ગરજ સારે છે. પર્ફોર્મ કરતી વખતે જરા પણ સૂરથી ભટકી ન જવાય એ માટે અમે હાર્મોનિયમ સાથે રાખીએ.
- રૂપકુમાર રાઠોડ


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2021 04:00 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK