Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઍર ઇન્ડિયાના લાલ અક્ષરની નરીમાન પૉઇન્ટની પાળ પરથી છેલ્લી ઉડાન

ઍર ઇન્ડિયાના લાલ અક્ષરની નરીમાન પૉઇન્ટની પાળ પરથી છેલ્લી ઉડાન

Published : 09 June, 2026 01:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ માત્ર સાઇનબોર્ડ નહોતું; મુંબઈનું વિઝિટિંગ કાર્ડ હતું, લાખો પ્રવાસીઓની લાગણીનું સરનામું હતું

ફાઇલ તસવીર

PoV

ફાઇલ તસવીર


નરીમાન પૉઇન્ટની પાળે ફરો તો આંખોમાં એક સ્વપ્ન, પેલી દરિયાની લહેરોની માફક ઊછળે. એ સપનાંઓને રંગ આપે સામે ઊભેલી ઍર ઇન્ડિયાની ઇમારત. એક સમય હતો જ્યારે વિમાનમાં મુસાફરી કરવી એ માત્ર પ્રવાસ નહોતો, સપનું હતું. ઍરપોર્ટમાં દાખલ થઈએ એ પણ જાણે એક પ્રસંગ ગણાતો. વિદાય આપવા માટે પણ લોકો નવાં કપડાં પહેરીને જતા. ટિકિટ હાથમાં હોય એ તો જાણે કોઈ મોટી સિદ્ધિ. અત્યારે ઠેર-ઠેર દેખાય છે એવા ટાવરો જ્યારે નહોતા ત્યારે આ ઉત્તુંગ ઇમારત ક્વીન્સ નેકલેસના એક છેડાનું ઝળહળતું મોતી હતું. શુભ્ર મોતી મધ્યે લાલ ઝાંય આપતા ઍર ઇન્ડિયાના અક્ષરો મુંબઈની ઓળખ હતા. 

  તાજેતરમાં નરીમાન પૉઇન્ટ પરના ઍર ઇન્ડિયાના ઐતિહાસિક મુખ્ય મથક પરથી છેલ્લો લાલ અક્ષર પણ ઉતારી લેવામાં આવ્યો. વર્ષો સુધી અરબી સમુદ્રની પૃષ્ઠભૂમિમાં ચળકતું AIR INDIA નામ હવે ત્યાં નથી. કોઈ કહેશે ‘માત્ર એક સાઇનબોર્ડ જ તો હતું.’ પરંતુ ખરેખર શું એ માત્ર સાઇનબોર્ડ હતું? જે લોકો મુંબઈને દાયકાઓથી ઓળખે છે તેમને માટે એ દીવાલો પર લખાયેલું નામ નહોતું, પણ આ શહેરના ચહેરાનો એક સુંદર ભાગ હતું. જેમ રાજાબાઈ ટાવર, ગેટવે ઑફ ઇન્ડિયા અને મરીન ડ્રાઇવનો ક્વીન્સ નેકલેસ મુંબઈની ઓળખ છે એમ ઍર ઇન્ડિયાના એ લાલ અક્ષર પણ શહેરની ઓળખ હતા. હવે એ સામૂહિક સ્મૃતિનો હિસ્સો બની ગયા. નરીમાન પૉઇન્ટની એ ઇમારત દરિયાનાં મોજાં મારફત દુનિયાને કહેતી હતી, ‘અમે પણ ઊડી શકીએ છીએ.’ ભારતની મહત્ત્વાકાંક્ષાનું એ પાણીદાર પ્રતીક હતી. વિશ્વના નકશા પર પોતાનું સ્થાન નિશ્ચિત કરનારા ભારતની પ્રગતિની સાક્ષી હતી. આજે એ નામ ઊતરી ગયું. શહેર થોડું ખાલી થઈ ગયું.



એ ઇમારત હજી ઊભી છે, કંપની પણ હજી છે, દરિયોય હજી છે, સાંજનો સૂર્યાસ્ત પણ હજી એ જ રીતે પાણી પર સોનેરી પ્રકાશ પાથરે છે; પરંતુ હવે કંઈક ખૂટે છે જેને શબ્દોમાં વર્ણવી નથી શકાતું અને આંકડાઓમાં માપી નથી શકાતું.


શહેરો માત્ર સિમેન્ટ અને સ્ટીલથી નથી બનતાં. યાદોના તાણાવાણાથી એનું પોત વણાય છે. ક્યારેક કોઈ બોર્ડ, કોઈ ઘડિયાળ, કોઈ જૂનું થિયેટર, કોઈ વિશાળ મકાનનાં લાંબાં-લાંબાં પગથિયાં કે કોઈ જૂની દુકાનનું મોટા અક્ષરોમાં લખાયેલું નામ આખી પેઢીની લાગણીઓનું સરનામું બની જાય છે. ઍર ઇન્ડિયાનું મકાન અને એની વચ્ચે લખાયેલા મોટા-મોટા લાલ અક્ષરો પણ એવા જ હતા. કદાચ આવતી પેઢીને ખબર પણ નહીં હોય કે અહીં ક્યારેક એક બ્રૅન્ડ ઝળહળતી હતી, એ બ્રૅન્ડ જેણે દુનિયાઆખીને ભારતની પ્રગતિની ઓળખ આપી હતી. એ ઇમારત પર કદાચ હવે કોઈ નવી બ્રૅન્ડના નવા અક્ષર લખાશે, નવી વાર્તા લખાશે. સમયનો એ જ નિયમ છે. જૂના ફોટોગ્રાફના ખૂણે બેઠેલી કોઈ વ્યક્તિ ધીમે-ધીમે સ્મૃતિમાંથી અલગ થઈ જાય એમ આ બોર્ડના અક્ષરો પણ યાદમાંથી અંતર્ધાન થઈ જશે. આજે જ્યારે છેલ્લો ખીલો પણ કાઢી લેવામાં આવ્યો ત્યારે એક સાઇનબોર્ડ માત્ર નહીં મુંબઈની સ્મૃતિમાં ઝગમગતો એક અધ્યાય શાંતિથી સમાપ્ત થઈ ગયો.

અત્યારે ભલે નુકસાનમાં ચાલતી હોય, પણ ઍર ઇન્ડિયાનો ઇતિહાસ ભારતના ઔદ્યોગિક અને નાગરિક ઉડ્ડયન વિકાસ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. ૧૯૩૨માં જહાંગીર રતનજી દાદાભાઈ (JRD) તાતાએ ‘તાતા ઍરલાઇન્સ’ની સ્થાપના કરી હતી. આગળ જતાં ૧૯૪૮માં ભારત સાથે સંયુક્ત સાહસરૂપે ‘ઍર ઇન્ડિયા ઇન્ટરનૅશનલ’ નામે નવી કંપની શરૂ કરી અને મુંબઈથી લંડન સુધીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી જે ભારત માટે ગૌરવની ક્ષણ હતી. ૧૯૫૩માં ભારત સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કર્યું અને ઍર ઇન્ડિયા (AI) સરકારી માલિકીની ઍરલાઇન બની છતાં JRD લાંબા સમય સુધી એના માર્ગદર્શક અને ચૅરમૅન તરીકે જોડાયેલા રહ્યા. ૧૯૬૦માં AIએ પોતાનું પ્રથમ જેટ વિમાન Boeing 707 સેવામાં સામેલ કર્યું અને આધુનિક યુગમાં પ્રવેશ કર્યો. ૧૯૬૦થી ૧૯૮૦ના દાયકાઓમાં વિશ્વની પ્રતિષ્ઠિત ઍરલાઇન્સમાં ગણાતી હતી. એનો પ્રખ્યાત મૅસ્કૉટ ‘મહારાજા’ અને આતિથ્ય સેવા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતાં હતાં. વર્ષો દરમ્યાન વધતાં જતાં દેવા અને સ્પર્ધાને કારણે ઍર ઇન્ડિયાને આર્થિક પડકારનો સામનો કરવો પડ્યો. ૨૦૨૨માં લગભગ ૭૦ વર્ષ પછી ફરીથી AI તાતા ગ્રુપના હાથમાં આવી અને ઇતિહાસનું એક સ્વપ્નશીલ વર્તુળ પૂર્ણ થયું અને એટલે જ નરીમાન પૉઇન્ટ પરથી જ્યારે પ્રખ્યાત લાલ સાઇનેજ ઉતારવામાં આવ્યું ત્યારે ઘણા મુંબઈગરાએ એને JRD તાતાના સ્વપ્નથી શરૂ થયેલા ભારતીય ઉડ્ડયનના એક સુવર્ણ અધ્યાયના પલટાતા પાનારૂપે જોયું હતું.


આજની પેઢી કોઈ ઍરલાઇન્સને સમયસર પહોંચાડતી સેવા, સીટ, ભાડું અને ઍપ્લિકેશન દ્વારા માપે છે; પણ એક સમય એવો હતો જ્યારે ઍર ઇન્ડિયા ભારતની તસવીરનો એક મહત્ત્વનો ભાગ હતી. ઊગતા ભારતનો છડીદાર અવાજ હતી. દેશ ગરીબ હોઈ શકે, વિકાસશીલ હોઈ શકે, પરંતુ વિશ્વના ઍરપોર્ટ પર ઊભેલું અૅર ઇન્ડિયાનું વિમાન રુઆબદાર છટાથી કહેતું હતું, ‘અમે પણ અહીં છીએ.’ 

બાય ધ વે

તમને ખબર છે તાતા ઍરલાઇન્સની પ્રથમ ફ્લાઇટ ક્યારે, ક્યાંથી ક્યાં સુધીની હતી? ૧૯૩૨ની ૧૫ ઑક્ટોબરે JRD તાતાએ પોતે કરાચીથી અમદાવાદ થઈ મુંબઈ સુધી ટપાલ લઈને પ્રથમ વ્યાવસાયિક ઉડાન ભરી હતી. કેવી ઐતિહાસિક ક્ષણ હતી એ. ૧૯૪૬માં ‘તાતા ઍરલાઇન્સ’નું નામ બદલીને ‘ઍર ઇન્ડિયા’ રાખવામાં આવ્યું હતું. એક મેટલના બનેલા લાલ અક્ષરોને ઉતારવામાં થોડા કલાક લાગ્યા હશે, પણ એની સાથે જોડાયેલી યાદોને ભુલાવવામાં કદાચ ઘણી પેઢીઓ લાગશે. એ અક્ષરો મુંબઈનું વિઝિટિંગ કાર્ડ હતા. લાખો મુસાફરોની લાગણીઓનું સરનામું હતા. AIના પ્રખ્યાત મહારાજાના મુછાળા સ્મિતની પાછળની આશ્ચર્યકારક વાતો અને સાડીમાં સજ્જ હૉસ્ટેસની સૌમ્યતાની વાતો પણ આકાશી સફર જેટલી જ વૈભવી અને શાલીન છે જે હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK