આ બધામાં નોંધવા જેવી વાત એ છે કે આ વર્ષે બાંદાએ રાજસ્થાનનાં ચુરુ અને જેસલમેર જેવાં વર્ષોથી ગરમ ગણાતાં શહેરોને પણ પાછળ પાડી દીધાં છે. ૨૧ મેએ વિશ્વમાં બાંદા કરતાં વધુ તાપમાન એક જ શહેરમાં હતું અને એ હતું ઇજિપ્તનું ૪૯.૨ ડિગ્રીમાં ધગધગતું અસવાન શહેર.
સામાન્ય રીતે બાંદાના અટારા બજારમાં દિવસ દરમ્યાન ચાલવાની જગ્યા ન હોય, ત્યાં ગરમીને કારણે છવાયેલો સન્નાટો.
૧૮૫૭માં થયેલા વિપ્લવમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે જાણીતું ઉત્તર પ્રદેશનું બાંદા આજકાલ ગરમીથી ત્રાહિમામ્ પોકારી રહ્યું છે. સવારે ૧૦ વાગ્યામાં તો માર્કેટમાં સ્વયંભૂ લૉકડાઉન લાગ્યો હોય એવો સન્નાટો છવાઈ જાય છે અને ખેડૂતો રાતે LED લાઇટમાં ખેતી કરે છે. લગાતાર પાંચ દિવસ સુધી લગભગ ૪૮ ડિગ્રી તાપમાન ધરાવતું આ શહેર એપ્રિલ મહિનાથી ભઠ્ઠીની જેમ ધગધગી રહ્યું હોવાથી લોકો શહેર છોડીને પલાયન થઈ રહ્યા છે ત્યારે સમજીએ શા માટે બાંદાની આવી સ્થિતિ થઈ રહી છે
બાંદા શહેર આ સીઝનમાં એક વાર કે બે વાર નહીં, વારંવાર દુનિયા અને દેશના સૌથી ગરમ હૉટસ્પૉટ તરીકે ચર્ચામાં રહ્યું છે. તારીખવાર સાથે વાત કરીએ.
ADVERTISEMENT

૧૭ એપ્રિલ – ૪૫.૪ ડિગ્રી તાપમાન સાથે એ દિવસે એશિયાનું સૌથી ગરમ સ્થાન બન્યું હતું.
૨૭ એપ્રિલ – ૪૭.૬ ડિગ્રી તાપમાન પહોંચ્યું જે ૧૯૫૧ પછી એપ્રિલનો સૌથી ગરમ દિવસ હતો. આ દિવસે બાંદા દુનિયાભરનાં ૮૨૧૨ મોસમ કેન્દ્રોની યાદીમાં પણ નંબર વન પર રહ્યું હતું.
૧૭ મે – એક વાર ફરીથી ૪૬.૪ ડિગ્રી સાથે એ દિવસનું એશિયાનું સૌથી ગરમ શહેર બન્યું.
૧૯ મે – ગરમી ૪૮.૨ ડિગ્રી તાપમાને પહોંચી અને લગાતાર ત્રીજા દિવસે દુનિયાનું સૌથી ગરમ શહેર બન્યું.
૨૦ મે – ફરીથી તાપમાન ૪૮ ડિગ્રી જ રહ્યું અને સતત ચોથા દિવસે વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું.
આ બધામાં નોંધવા જેવી વાત એ છે કે આ વર્ષે બાંદાએ રાજસ્થાનનાં ચુરુ અને જેસલમેર જેવાં વર્ષોથી ગરમ ગણાતાં શહેરોને પણ પાછળ પાડી દીધાં છે. ૨૧ મેએ વિશ્વમાં બાંદા કરતાં વધુ તાપમાન એક જ શહેરમાં હતું અને એ હતું ઇજિપ્તનું ૪૯.૨ ડિગ્રીમાં ધગધગતું અસવાન શહેર.
ગરમીને કારણે અસ્તવ્યસ્ત જનજીવન
સખત તપતી ગરમીમાં બાંદાવાસીઓનું જીવન જબરદસ્ત પ્રભાવિત થયું છે. દિવસે હાડકાં ચીરીને અંદર ઘૂસી જાય એટલા તાપવાળી ગરમી અને રાતે ગરમ ધરતીમાંથી નીકળતી વરાળવાળી બાફી નાખતી ગરમીને કારણે બાંદાવાસીઓનાં સુખચેન છીનવાઈ ગયાં છે. જીવનજરૂરિયાતની ચીજોની દુકાન સવારે છ વાગ્યામાં ખૂલી જાય છે. બીજાં શહેરોમાં ખરેખર દસથી પાંચ વાગ્યા દરમ્યાન કામનો સમય હોય ત્યારે અહીં લોકો ઘરમાં પુરાઈ જાય છે. મતલબ કે દુનિયા કરતાં આખી વર્કશિફ્ટ જ ચેન્જ થઈ ગઈ છે બાંદાવાસીઓની. સાંજે પાંચ વાગ્યા પછી લોકો ફરીથી દુકાનો ખોલે અને ફરી જીવનજરૂરિયાતની ચીજો ખરીદવા પૂરતી ચહલપહલ માર્કેટમાં જોવા મળે. ગરમી એટલી કાળઝાળ છે કે ખેડૂતો પણ દિવસે ખેતરમાં પગ મૂકી શકે એમ નથી. અહીંના ખેડૂતો મોડી સાંજે રાતના અંધારામાં LED લાઇટના અજવાળે ખેતરનું જરૂરી કામ નિપટાવવા ખેતરમાં જવા લાગ્યા છે. જે દહાડી મજૂરો રોજનું કમાઈને રોજ ખાય છે એવા કામગારો શહેર છોડીને પહેલાં જ પલાયન થવા લાગ્યા છે. જે લોકો મજબૂરીને કારણે શહેરમાં રહ્યા તેમણે પણ જો રાતે કામ મળતું હોય તો ૪૦ ટકા ઓછી મજૂરી સાથે કામ કરવાની સ્કીમ બહાર પાડી છે જેથી પેટ ભરાય એટલું રોજનું કમાઈ શકાય અને ગરમીમાં તપવું ન પડે. ગરમીને કારણે બાંદામાં વીજળીનું કન્ઝમ્પ્શન ચરમસીમાએ છે. શહેરનાં ૪૪ સબસ્ટેશનો પર એટલો લોડ આવે છે કે છેલ્લા બે મહિનામાં ૧૩૭૯થી વધુ વાર ટ્રાન્સફૉર્મર ફેલ થઈ ચૂક્યાં છે.

ઝટપટ કામ પતાવીને ઘરભેગી થતી મહિલાઓ.
પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હવે જો કંઈ નહીં કરવામાં આવે તો બાંદાવાસીઓ ભઠ્ઠીમાં શેકાઈ જશે અને શહેર રહેવાલાયક નહીં બચે. શહેરને ગરમીથી બચાવવા માટે શું કરવું એ સમજવા માટે પહેલાં આવી પરિસ્થિતિ પેદા કેમ થઈ એ સમજવું પડે. મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે બાંદાની આ સ્થિતિ કુદરતી નહીં પણ માનવસર્જિત છે. માણસોએ પેદા કરેલાં કયાં કારણો એ સમજીએ.
કેમ ગરમી વધી?
આ વિશ્વમાં ધરતી પર જો કોઈ સૌથી મોટો શ્રાપ અને કલંક હોય તો એ આપણે માનવીઓ છીએ અને બાંદા જેવાં ઉદાહરણો આ ઉક્તિને સત્ય સિદ્ધ કરે છે. એક તો આમેય વૃક્ષો વિનાનો સૂકો વિસ્તાર અને એમાં વળી કેન નદીના વિસ્તારમાંથી ખૂબ મોટા પાયે રેતીનું ખનન થતું રહ્યું છે. થયું કંઈક એવું કે મોટી માત્રામાં રેતીનું ખનન કરવાને કારણે નદીની જે પ્રાકૃતિક બનાવટ છે એ જ બદલાઈ ગઈ. રોજની હજારો ટ્રક રેતી અહીંથી ખનન કરી લેવામાં આવે છે જેને કારણે પર્યાવરણની ઇકો-સિસ્ટમ તો બગડી જ, સાથે નદીના પાણીનું સ્તર ધીરે-ધીરે એટલું ઊંડું ઊતરતું ગયું કે એણે આસપાસના વિસ્તારોને સાવ સૂકા અને ભેજની બાબતે અત્યંત સંવેદનશીલ બનાવી મૂક્યા. આટલું ઓછું હતું એમાં વળી સતત ચાલી રહેલાં નિર્માણકાર્યોને કારણે શહેરોનો વિસ્તાર વધતો ગયો અને હરિયાળી ખતમ થઈ ગઈ. પરિણામે કૉન્ક્રીટનાં જંગલો દિવસ દરમ્યાન ગરમી પોતાની અંદર સંઘરી રાખે છે અને વાતાવરણને વધુ ગરમ બનાવે છે.
સતત કપાતાં રહેલાં વૃક્ષો જેને કારણે જમીનના તળિયે જતું રહેલું પાણીનું સ્તર અને થારના રણ તરફથી આવતી સૂકી ગરમ હવાઓ ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશના શહેર બાંદાને એટલી ગરમીના ઓથા હેઠળ લાવી દે છે કે એ વારંવાર ભારતના સૌથી ગરમ પ્રદેશોમાંનું એક બની જાય છે. મોસમ વિભાગના કેટલાક તજજ્ઞો કહે છે કે આટલી સખત ગરમીનું કારણ પ્રાકૃતિક મોસમની પૅટર્ન અને બાંદાની ભૌગોલિક પરિસ્થિતિનો સમન્વય છે.

બાંદાનાં સુકાયેલાં જળાશયો અને પથરાળ વિસ્તાર.
ભૂગોળ અને જમીનની પરિસ્થિતિ
ભારતના બીજા જમીની વિસ્તારોની સરખામણીએ બાંદાના પ્રાકૃતિક વાતાવરણે એને તાપમાન પરત્વે વધુ સંવેદનશીલ બનાવી દીધું છે. એનું એક કારણ એ છે કે બાંદા જિલ્લો વિશ્વની કર્ક રેખાની નજીક આવેલો છે. અર્થાત્ એક એવો ભૂભાગ જ્યાં સ્વાભાવિક રીતે જ સૌર વિકિરણોની અસર તેજ અને સટીક હોય. આ પરિસ્થિતિને વધુ વિકટ બનાવે છે વૃક્ષોનો અભાવ, માટીમાં ભીનાશની અછત. સમયાંતરે બાંદામાં થયું કંઈક એવું કે વૃક્ષો કપાતાં ગયાં અને ભૂજળનું સ્તર જમીનના પેટાળમાં નીચે અને નીચે જ ઊતરતું ગયું જેથી જમીનની સપાટી સૂકી થતી ગઈ અને ગરમી વધુ ને વધુ શોષાતી ગઈ. આ માટે ભૂવૈજ્ઞાનિકો દ્વારા આ વિસ્તારનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો અને તેમણે આ કારણો સામે ધરાવતા બાંદાને નામ આપ્યું ‘હીટ આઇલૅન્ડ!’
ગરમી અને ગરમ હવા આ બન્નેને રોકનારો અને જમીનના પેટાળ સહિત સપાટીને ઠંડી રાખનારો સૌથી મજબૂત સહારો કોણ? જવાબ સરળ છે - વૃક્ષો! પણ આ તરફ બાંદામાં પરિસ્થિતિ કંઈક એવી છે કે થારના રણપ્રદેશથી આવતી વેગીલી સૂકી હવા પોતાની સાથે અસહ્ય ગરમી પણ લેતી આવે છે અને એ હવે ધીરે-ધીરે આખા ઉત્તર ભારતમાં ફેલાતી જાય છે, જેને કારણે ઉત્તરી ભારતના ઘણા મોટા હિસ્સામાં તાપમાનનો પારો ઉત્તરોત્તર વધતો જઈ રહ્યો છે.

મોસમ વિભાગ કહે છે કે વાદળો વિનાનું સાફ આકાશ સૂરજની ગરમી સીધી પૃથ્વીની સપાટી પર ફેંકે છે. એને અવરોધવા માટે વાદળો પણ નથી અને વૃક્ષો પણ નથી જેને કારણે પૃથ્વીની સપાટીનું તાપમાન અત્યંત ગરમ થઈ જાય એ સ્વાભાવિક છે. વળી એમાં મોટી મુશ્કેલી એ પણ ખરી કે બાંદાનો જમીની હિસ્સો પથરાળ ધરાવાળો હોવાથી એ પણ આ ગરમી વધારવામાં મોટો ભાગ છે. સામાન્ય રીતે દિવસ દરમ્યાન લાગતી ગરમી અને લૂ રાત થતાં થોડી હળવી થાય છે. જોકે બાંદામાં વૃક્ષો વિનાની પથરાળ જમીન ગરમીને ખૂબ ઝડપથી શોષી લે છે અને રાત્રિ દરમ્યાન એ જ ગરમી ધીરે-ધીરે ફરી બહાર નીકળતી હોવાને કારણે સૂરજ આથમી ગયા પછી પણ પારો નીચે ન આવતાં ગરમીનો કહેર યથાવત્ રહે છે. પરિણામસ્વરૂપ ઉનાળામાં આ વિસ્તારમાં બીજા સામાન્ય દિવસોની સરખામણીએ રાત્રે પણ ગરમીનો ઉકળાટ જેમનો તેમ રંજાડે છે.
દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ આ વર્ષે થઈ છે અને જે રીતે આપણે બેરહમ બનીને વૃક્ષો કાપતા જઈ રહ્યા છીએ એ જોતાં લાગે છે કે ઉનાળાની આ વર્ષની પરિસ્થિતિ હવે કાયમી થઈ જશે અને વર્ષોવર્ષ ઊલટાની વધુ ગંભીર પરિણામો તરફ લઈ જશે. મોસમની એક સામાન્ય સિસ્ટમ એવી હોય છે કે ઉનાળાની ગરમીના શરૂઆતના દિવસોમાં થોડી રાહત હોય અને ગરમીનો પારો ધીરે-ધીરે વધતો જતો હોય, પરંતુ આ વર્ષે આ સામાન્ય સિસ્ટમ નબળી પડી અને બાંદા જેવા જિલ્લાઓમાં ઉનાળાના પહેલા મહિનાથી જ જબરદસ્ત ગરમીની અસર દેખાવા માંડી અને ઉત્તરોત્તર એ વધતી જ ગઈ.
