Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રાહમાં ઊભું રહ્યું પાદર હજી

રાહમાં ઊભું રહ્યું પાદર હજી

Published : 24 May, 2026 02:45 PM | IST | Mumbai
Hiten Anandpara

તાજેતરમાં બાંદરા-ઈસ્ટમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટી ધ્વસ્ત કરવામાં આવી. રેલવે-ટ્રૅકની બાજુમાં આખી ગેરકાયદે વસાહત ઊભી થઈ ગઈ હતી. ૨૦૧૭થી અદાલતમાં કેસ ચાલતો હતો તે છેવટે સુપ્રીમ કોર્ટની પરવાનગી બાદ ડિમોલિશન હાથ ધરાયું.

બાંદરા-ઈસ્ટમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટી ધ્વસ્ત કરવામાં આવી

અર્ઝ કિયા હૈ

બાંદરા-ઈસ્ટમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટી ધ્વસ્ત કરવામાં આવી


ભારતભરમાં ઉકળાટ એટલો વધી ગયો છે કે હજી વરસાદને કેટલી વાર છે એ પ્રશ્ન દિવસ ને રાત પડઘાયા કરે છે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનાં કેટલાંક શહેરો ભઠ્ઠીમાં શેકાઈ રહ્યાં છે. બરકત વીરાણી ‘બેફામ’ ત્રસ્ત અવસ્થાની વાત કરે છે...

હજી પણ એમને ખાનાખરાબીની ખબર ક્યાં છે?
હજી પણ અમને પૂછી રહ્યા છે કે તારું ઘર ક્યાં છે?



મળી લઈએ, હવે આવે સુખદ અંજામ ઉલ્ફતનો
તને મારી ફિકર ક્યાં છે, મને તારી ફિકર ક્યાં છે?


તાજેતરમાં બાંદરા-ઈસ્ટમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટી ધ્વસ્ત કરવામાં આવી. રેલવે-ટ્રૅકની બાજુમાં આખી ગેરકાયદે વસાહત ઊભી થઈ ગઈ હતી. ૨૦૧૭થી અદાલતમાં કેસ ચાલતો હતો તે છેવટે સુપ્રીમ કોર્ટની પરવાનગી બાદ ડિમોલિશન હાથ ધરાયું. મુદ્દાની વાત એ છે કે નજર સામે ગેરકાયદે બાંધકામો ઊભાં થઈ જાય છે તોય મહાનગરપાલિકાના અધિકારીઓના ધ્યાનમાં આવતું નથી. ખરેખર તો સંબંધિત અધિકારીઓના પગારો કાપી લેવા જોઈએ અને તેમનું પેન્શન રદબાતલ કરવું જોઈએ. એટલું જ નહીં, ડિમોલિશનનો ખર્ચો પણ તેમનાં ઘર વેચીને વસૂલ કરવો જોઈએ. અચાનક ઘર ધરાશાયી થતાં સેંકડો પરિવારો રસ્તા પર આવી જાય એની વેદના તો જુદી. આપણે ત્યાં ભૂલ જોવાતી નથી અને જવાબદેહી નક્કી થતી નથી. દીપ્તિ વછરાજાની ‘શિવા’ પ્રશ્ન પૂછે છે...

એક અવસર માણવોતો મન ભરીને ત્યાંય તું
હાંસિયાને હચમચાવે, બોલ કોની ભૂલ ?


એજ સરનામું હજી, ઘર, લાગણીના પટ ઉપર
વાડ કાંટાળી રચાવે, બોલ કોની ભૂલ ?

કેટલાક પ્રશ્નો એવા છે જેમનો હલ લાવવો મુંબઈ જેવા મેટ્રો શહેર માટે અઘરું કામ છે. કામકાજની શોધમાં બહારગામથી હજારો માણસો ઠલવાયા કરે. રહેવા માટે ઘર ન હોય એટલે ગેરકાયદે રહેવાની મથામણ કરવી પડે. આ રીતે ઝૂંપડપટ્ટીઓ વધતી જ જાય અને સામે સરકારી હપ્તાઓ પણ વધતા જાય. બૅન્કમાં જઈએ તો આધાર કાર્ડ વગર ખાતું ખોલતા નથી; જ્યારે અહીં તો ગેરકાયદે રહેતા લોકોને વીજળી, પાણી બધું જ મળી જાય છે. આ અને આવા અનેક વિરોધાભાસ શહેરની તાસીર છે. હેમંત ગોહિલ ‘મર્મર’ એમાં એકનો ઉમેરો કરે છે...

ખાતમુહૂર્ત એક વૃદ્ધાશ્રમનું આજે થયું
ઠીક પાછળ પ્લૉટમાં શ્રવણકથા વંચાય છે

જીવમાં ગોબા પડે છે અર્થ એનો એટલો
કોક ભીતરમાં હજીયે શબ્દ થઈ પડઘાય છે

જીવમાં ગોબા પડે એવી અનેક ઘટનાઓ નિરંતર બન્યા જ કરે છે. સગીર બાળાઓ પરના બળાત્કારના કિસ્સા વધતા જ જાય છે. ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓએ તો ધૂમ મચાવી છે. રિટાયર્ડ બૅન્કર, નેવી ઑફિસર જેવા ભણેલા-ગણેલા લોકો ફસાય એ આશ્ચર્યની વાત છે. CBI અધિકારી, પોલીસ ઑફિસરના સ્વાંગમાં ગઠિયાઓ પ્રભાવશાળી સામેવાળાને વશ કરી લે છે. જો કંઈ પણ ખબર ન પડે તો સીધોસાદો ઉપાય એ છે કે ફોન થોડાક કલાક બંધ કરી દેવાનો. નજીકના સંબંધીના ફોનથી ફોન-નંબર ૧૦૩૦ પર ફરિયાદ નોંધાવી દેવાની. ફસાયા પહેલાં જે થાય એ કરી લેવું. અન્યથા બૅન્ક-બૅલૅન્સ સાફ થતાં વાર નહીં લાગે અને નીતિન વડગામાની તાત્ત્વિક વાત ભૌતિક આઘાતમાં ફેરવાઈ જશે...

અંદર નથી અવાતું ના બ્હાર નીકળાતું
ચાલ્યા કરે ચરણ પણ ક્યાંય નથી જવાતું

ફોગટ કરે મથામણ માણસ અહીં યુગોથી
પાતાળનું હજીયે તળિયું નથી તગાતું

રશિયાએ પાતાળ સુધી પહોંચવા ૧૯૭૦માં પ્રોજેક્ટ શરૂ કરેલો. ૧૨.૨ કિલોમીટર ઊંડે ખોદી ૧૯૯૨માં આ પ્રોજેક્ટ સ્થગિત કરવો પડ્યો. વૈજ્ઞાનિક ગણતરી પ્રમાણે પૃથ્વીનું કેન્દ્ર લગભગ ૬૩૭૧ કિલોમીટર અંદર છે. આટલે ઊંડે જવું અશક્ય પણ છે અને ખર્ચાળ પણ છે. કૉલમની શરૂઆત ઉનાળાના ઉકળાટથી કરી હતી તો વિપુલ માંગરોલિયા ‘વેદાંત’ કહે છે એવો એક શીતળ સ્પર્શ એમાં ઉમેરીએ...

જુઓ હરખાય છે ઘડપણ ધરીને બાળપણ ખોળે
કે સુક્કી ડાળ પણ જાણે લીલો શણગાર રાખે છે

હજી પણ પાતળા કપડાથી સૂરજને હંફાવે
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે

લાસ્ટ લાઇન

ગોખલા ને ટોડલા સધ્ધર હજી

જીવતા છે બધા પથ્થર હજી

શ્વાસ મારામાં બની ધબકી રહ્યાં

મહોલ્લો, ગલી, ઘર હજી

ધૂળિયા પથ, ધૂળિયા છે ઘર છતાં

છે સ્મરણમાં આજ પણ સુંદર હજી

સ્નેહભીના ગામડાના લોક છે

સાચવ્યો છે તેમણે હુન્નર હજી

છૂટતી વેળા કહ્યું નાઆવજો

રાહમાં ઊભું રહ્યું પાદર હજી

- ભાવના સોનૈયા ‘પ્રિયજન’, જામનગર

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 02:45 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK