આમ જે માણસ મુદ્દલ કામ કરવા નહોતો માગતો તે માણસ કામના અભાવે કામ શોધતો થઈ ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
દાદાજી કે પછી દાદીમા વાર્તા કહેતાં અને એ વાર્તા સાંભળવા પૌત્ર, પૌત્રો, દોહિત્રો પ્રતીક્ષા પણ કરતા. આજે વાર્તાનું સ્વરૂપ મુઠ્ઠીનાં રમકડાંએ લઈ લીધું છે. પેલી વાર્તા તમને યાદ છે?
પાંચ કે છ વર્ષનું બાળક એકલું-એકલું કંટાળી ગયું છે. તેને કોઈક જોડે રમવું છે. તે કોઈકને શોધે છે પોતાની સાથે રમવા માટે. આંગણાનાં પશુપંખીઓ તેના પોતાના ઘરેલુ સાથીઓ છે. તે આ સાથીઓના ઉંબરે જઈને વારાફરથી પૂછે છે, ‘ચકીબહેન, ચકીબહેન, તમે મારી સાથે રમશો?’ ચકીબહેન જવાબ વાળે છે, ‘તારી સાથે રમવાનો મને વખત જ ક્યાં છે? મારે કેટલું બધું કામ છે. મારાં બચ્ચાંને ઊડતાં શીખવવાનું છે, અન્ન માટે ભોજનના દાણા લાવવાના છે... હું તો રમવા નહીં આવી શકું. મારે કેટલું બધું કામ છે.’
ADVERTISEMENT
ચકીબહેન રમવા સાથે આવી શકતાં નથી કારણ કે એને કામ છે. પેલું બાળક એ પછી કાગડાના માળા પાસે જાય છે અને પૂછે છે, ‘કાગડાભાઈ, કાગડાભાઈ, તમે મારી સાથે રમશો?’ કાગડો જવાબ વાળે છે, ‘ભઈલા, હું ક્યાંથી આવું? મારે તો મારાં બચ્ચાંને, સૌકોઈને જમાડવાના છે. એમના માટે કંઈ ને કંઈ લાવવાનું છે. એમના માટે કોણ લાવશે?’
આ રીતે કાબર, કૂતરો અને શેરીનાં તથા આંગણાનાં અન્ય પશુપંખીઓ સાથે પૂછપરછ કર્યા પછી જાણકારી મળે છે કે આ જગતમાં બીજું કોઈ નવરું નથી, સૌકોઈને કામ કરવું છે. જોકે કરવું છે એમ કહેવા કરતાં કરવું પડે છે એમ કહેવું વધુ યોગ્ય છે.
જીવમાત્રને કામ કર્યા વિના ચાલતું નથી. બાળકને જે વાર્તા કહેવામાં આવે છે એમાં પણ મૂળ વાત તો કામ કરવાની છે. એ બાળવાર્તાથી માંડીને શ્રીમદ ગીતા સુધી જોઈએ તો ભગવાન શ્રીકૃષ્ણ પણ અર્જુનને અવિરત કામ કરતા રહેવાની વાત કરે છે. માણસ બીજું કંઈ ન કરે અને માત્ર નિષ્કામભાવ સેવે તો તેને પણ આવકાર નથી મળતો. માણસ કે જીવમાત્ર કામ કર્યા સિવાય રહી શકતો નથી.
મને કામ આપો
થોડાં વર્ષો પહેલાં સરકારી કર્મચારીઓની એક પેઢીમાં કામ એટલે શું એનો સાક્ષાત્કાર પણ થયો. એ તો દેખીતું જ છે કે સરકારી કાર્યાલયોમાં કામ ઓછામાં ઓછું કરવું પડે અને વધુમાં વધુ કામ બીજા કોઈ કર્મચારી પર જાય એવો પ્રયત્ન જાણે-અજાણે થતો જ હોય છે. એક કર્મચારી ભારે કામચોર હતો. તેને કોઈ કામ પોતાના હાથ પર લેવું ગમતું જ નહીં. તેને રોજેરોજ બીજા કોઈ ને કોઈ કર્મચારી જોડે વાંધો પડી જતો : આ કામ મારું નથી, તારું છે. આવા વાંધાવચકા સાથે તે હંમેશાં સાહેબ પાસે ફરિયાદ લઈને જતો. સાહેબ તેની આ રોજની ફરિયાદથી કંટાળી ગયા હતા. જે કોઈ કામ પર તેને મૂકે એ કામ સામે તેને કંઈ ને કંઈ વાંધોવચકો હોય જ. એક દિવસ એવો આવ્યો કે સાહેબ કંટાળી ગયા. તેમણે આ કર્મચારીને એક અલગ ટેબલ પર જ કોઈ પણ પ્રકારના કામ વિના બેસી રહેવાની વ્યવસ્થા કરી આપી. હવે આ સજ્જને કંઈ જ કામ કરવાનું નહીં અને આખો દિવસ માત્ર બેસી રહેવાનું, સૌ કોઈને જોવાના અને કોઈ જોડે કામ વિશે ફરિયાદ કરવાની નહીં.
એક-બે દિવસ તો બરાબર ચાલ્યું. પેલો નિષ્કામભાવી રોજ જોતો રહ્યો, પણ ત્રીજા દિવસે થાકી ગયો. કામ વિના માણસ કરે પણ શું? તે પોતે જ સામેથી ચાલીને સાહેબ પાસે ગયો અને બોલ્યો, ‘સાહેબ, મને કંઈ કામ તો આપવું જ જોઈએ. સાવ નવરા બેસી રહેવાનું માણસની પ્રકૃતિમાં જ ન હોઈ શકે.’
આમ જે માણસ મુદ્દલ કામ કરવા નહોતો માગતો તે માણસ કામના અભાવે કામ શોધતો થઈ ગયો હતો.
કામનો અવિવેક
માણસ કામ કરે અને તેના કામનું પરિણામ પણ આવે. આ પરિણામને કારણે તેનું મહત્ત્વ પણ જળવાય. આમ છતાં કામ કરવાનો એક વિવેક પણ ભુલાઈ જવો ન જોઈએ. માણસે કામ કરવાનું છે પણ એ તેના પ્રમાણમાં જ. કામ પણ વિવેકને આધીન છે. વિવેકહીન કોઈ પણ કામ પ્રતિષ્ઠા પામતું નથી. માણસ કામ કરે એ પૂરતું નથી, કયું કામ કેમ કરે એ વધુ મહત્ત્વનું છે. કામની શોભા એના પરિણામમાં છે. માણસ એકધારો સતત કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં ગૂંચવાયેલો રહે એ કામ નથી. આપણે જેને દેશી ભાષામાં ‘હડિયાપાટી’ કહીએ છીએ એ હડિયાપાટી કામ નથી. પોતે સતત કામઢો છે એવું દેખાડવા માટે પણ માણસ પોતાને પ્રવૃત્તિમય દેખાડે છે અને એ કામ નથી. એ કામઢા હોવાનો ઢોંગમાત્ર છે.
આદર અંતનો થવો જોઈએ
આપણે જે કંઈ કરીએ છીએ એનો અંત કેવો અને કેટલો યશસ્વી નીવડે છે એ વધારે મહત્ત્વનું છે. કોઈ પણ પ્રવૃત્તિ એના અંતને કારણે શોભાયમાન અને તેજસ્વી બને છે. કામ એટલે ઢગલો નહીં પણ જે કંઈ થાય છે એની સંભાળ છે. આવો આપણે કામને સમજીએ, કામને સ્વીકારીએ, કામવિહોણી ક્ષણને હડસેલીએ અને કામનો સ્વીકાર એ જીવનનો એકમાત્ર સમજદારીપૂર્વકનો માર્ગ છે.
