Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એન્ટ્રી લેતે હી ઝંડે ગાડ દિયે

એન્ટ્રી લેતે હી ઝંડે ગાડ દિયે

02 October, 2022 11:30 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

યસ, એક ખાસ ગેમ છે જે આપણે ત્યાં બહુ ઓછી રમાય છે અને છતાં ભારતની ત્રણ મહિલાઓની એક ટીમે ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનિશપમાં બ્રૉન્ઝ જીતીને સૌને ચોંકાવી દીધા છે. ઘોડા પર રમાતી આ ટેન્ટ પેગિંગ ગેમ છે શું અને એનો ઇતિહાસ કેટલો ઊંડો છે એ જાણીએ

એન્ટ્રી લેતે હી ઝંડે ગાડ દિયે

એન્ટ્રી લેતે હી ઝંડે ગાડ દિયે


યસ, એક ખાસ ગેમ છે જે આપણે ત્યાં બહુ ઓછી રમાય છે અને છતાં ભારતની ત્રણ મહિલાઓની એક ટીમે ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનિશપમાં બ્રૉન્ઝ જીતીને સૌને ચોંકાવી દીધા છે. ઘોડા પર રમાતી આ ટેન્ટ પેગિંગ ગેમ છે શું અને એનો ઇતિહાસ કેટલો ઊંડો છે એ જાણીએ. આપણાં રજવાડાંઓ સાથે યુદ્ધના સમયથી સંકળાયેલી આર્મીની આ તાલીમ હવે રમતનું સ્વરૂપ લઈ ચૂકી છે ત્યારે જાણીએ એ છે શું...

ક્રિકેટના રસિયા એવા આપણા બધાની નજર સામેથી ગયા અઠવાડિયામાં એક સમાચાર પસાર થઈ ગયા હતા, પરંતુ ક્રિકેટ સિવાય કોઈ બીજા સ્પોર્ટ વિશે આપણે ખાસ અપડેટ ન રહેતા હોવાને કારણે કદાચ ધ્યાનમાં નહીં હોય. ભારતની ત્રણ ગૌરવવંતી સ્પોર્ટ્સવિમેન જૉર્ડનમાં એક ટુર્નામેન્ટ રમવા ગઈ અને બ્રૉન્ઝ મેડલ જીતી લાવી. બ્રૉન્ઝ જીત્યો એમાં શું ધાડ મારી? એવું વિચારો એ પહેલાં કહી દઈએ કે તેમનું આ અચીવમેન્ટ એક કરતાં વધુ બાબતો માટે ઉલ્લેખનીય, નોંધનીય અને સરાહનીય છે. આ એક એવી સ્પોર્ટ હતી જેમાં આજ પહેલાં ભારતે ક્યારેય આ ગેમની ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો નહોતો. અર્થાત, ભારત માટે આ ડેબ્યુ ચૅમ્પિયનશિપ હતી. ‘એન્ટ્રી લેતે હી ઝંડે ગાડ દિયે’ જેવી આ બાબત છે. બીજું, આશરે ચોથી સદીથી રમાતી આ એક એવી રમત છે જે ભારતમાં ખાસ રમાતી નથી. ત્રીજું, આ એક એવી રાજવી રમત છે જે ભારતમાં હવે તો માત્ર સેના કે પોલીસના જવાનો દ્વારા જ ટ્રેઇનિંગ તરીકે રમાય છે એમ કહીએ તો ખોટું નથી. અને ચોથી સૌથી મહત્ત્વની વાત. ભારતે આ રમતની કોઈ ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપમાં ડેબ્યુ મહિલા ખેલાડીઓ સાથે કર્યું અને આપણી આ ગૌરવાન્વિત ત્રણ મહિલા ખેલાડીઓ ડેબ્યુમાં જ બ્રૉન્ઝ મેડલ જીતી લાવી. આ રમતનું નામ છે ટેન્ટ પેગિંગ. જૉર્ડનમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપ સ્પર્ધામાં ભાગ લેનારી આપણી આ બાહોશ ખેલાડીઓ હતી કૅપ્ટન રિતિકા દહિયા, પ્રિયંકા ભારદ્વાજ અને ખુશી સિંહ. જોકે એ વિશે વાત કરીએ એ પહેલાં આ ટેન્ટ પેગિંગ શું છે અને એ રમાય છે કઈ રીતે એ વિશે જાણી લઈએ. એ વિશે જાણવાની મજા પણ ત્યારે આવે જ્યારે આપણે એના ઇતિહાસ વિશે જાણતા હોઈએ.



ટેન્ટ પેગિંગનો ઇતિહાસ


ટેન્ટ પેગિંગ ઘોડા અને ઘોડેસવાર દ્વારા રમાતી રમત છે. એમાં જબરદસ્ત સ્ફૂર્તિ, ઝડપ અને ત્વરિત નિર્ણયશક્તિની તો જરૂર હોય છે જ; પણ એથીયે વધુ જરૂર હોય છે કૉન્સન્ટ્રેશન અને આત્મવિશ્વાસની. સૌથી સરળ ભાષામાં કહીએ તો ટેન્ટ પેગિંગ એટલે ઘોડેસવારી કરતાં-કરતાં ભાલા વડે જમીન પર પડેલા કે લટકતા ટાર્ગેટને હિટ કરવાની પ્રક્રિયા. આ રમત ભાલા સિવાય તલવાર વડે પણ રમાય છે. આ રમત માટે ટાર્ગેટ હિટ કરવાનો મતલબ છે જે-તે વસ્તુને એ ભાલા કે તલવારમાં ભરાવી લેવી. હવે કંઈક યાદ આવ્યું? ૨૬ જાન્યુઆરી કે પછી બીજી કોઈ પોલીસ કે સેના પરેડ દરમિયાન શક્તિ અને કુશળતાના પ્રદર્શન તરીકે આ રમત તમે જોઈ હશે.

વાસ્તવમાં આ રમતનું જન્મસ્થળ રણભૂમિ છે. યુદ્ધ સમયની જરૂરિયાતમાંથી જન્મેલી આ રમત મોટા ભાગે રજવાડાંઓ દ્વારા રમાતી હતી. ત્યાર બાદ સેનાનાયકો તે રમતા થયા અને આપણા દેશમાં આજે હવે એ મોટા ભાગે સેના કે પોલીસ દળના જવાનો દ્વારા રમાય છે. જોકે ઈરાન, પાકિસ્તાન અને એશિયા, યુરોપના બીજા દેશોમાં ટેન્ટ પેગિંગ માત્ર સેનાની રમત નથી. ત્યાં આ રમતની સ્ટેટ અને નૅશનલ લેવલની ચૅમ્પિયનશિપ પણ યોજાતી હોય છે.


ઘોડેસવારે તેના એક હાથમાં છથી સાત ફુટ લાંબો ભાલો પકડ્યો હોય અને બીજા હાથમાં પકડી હોય લગામ. ત્યાર બાદ એ પૂરપાટ વેગે ઘોડો દોડાવતો જમીન પર પડેલા લાકડાના એક ટુકડા સુધી આવે અને ભાલાને જમીન પર અડકાડી એમાં પેલો લાકડાનો ટુકડો ભરાવી દે. જોકે આ દરમિયાન ઘોડાની ઝડપ લગીરેય ઓછી નથી થતી.. વાત કંઈક એવી છે કે વીજળીવેગે દોડતા ઘોડા પરનો કાબૂ ખોરવાવો ન જોઈએ. સાથે જ હાથમાં પકડેલા ભાલાનું પણ બરાબર બૅલૅન્સ જળવાવું જોઈએ અને સાથે જ આટલી ઝડપે દોડતા ઘોડા પરથી નીચે ઝૂકી પેલા ટાર્ગેટને પોતાના ભાલમાં ભરાવી લેવાનો હોય. આ બધા માટે જબરદસ્ત સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસની સાથે જ આલા દરજ્જાનું કૉન્સન્ટ્રેશન પણ જરૂરી છે.

ઇતિહાસના પાને છુપાયેલી કહાની કંઈક એવી છે કે ચોથી સદી દરમિયાન રણનીતિ તરીકે આ યુદ્ધકૌશલની શરૂઆત થઈ હતી. પહેલાંના સમયમાં યુદ્ધમાં ઘોડાઓની સાથે હાથીઓનો પણ ઉપયોગ થતો હતો. હાથી એક એવું મહાકાય પ્રાણી છે જેની મદદથી દુશ્મન ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકતો. આથી એ સમયના રાજવીઓએ એક તરકીબ શોધી કાઢી. તેમણે એવા કુનેહબાજો તૈયાર કરવા માંડ્યા જે ચીલઝડપે ઘોડેસવારી કરતાં-કરતાં હાથીના પગના નખમાં સટિક ઘા કરી શકે. એને કારણે હાથી ઊભો નહીં રહી શકે અને યુદ્ધ માટે નકામો થઈ જાય. ત્યાર બાદ આ જ તરકીબ દુશ્મન છાવણીના તંબુઓ તોડી પાડવા માટે પણ ઉપયોગમાં લેવાતી થઈ. તંબુ જે દોરાઓ સાથે જમીનમાં ખીલા મારીને ઊભો કરવામાં આવ્યો હોય એ ખીલા ઘોડેસવાર ખેંચી નાખે અને તંબુ જમીનદોસ્ત કરી નાખી દુશ્મન સેનાની છાવણીમાં હડકંપ મચાવી મૂકે. એથી એ તંબુઓમાં વિશ્રામ કરતી આખી સેના ખોરવાઈ જાય, ગુસ્સે ભરાય અને ભૂલો કરવા માંડે. આ રીતે યુદ્ધનીતિના એક ભાગ તરીકે આ કુશળતા કેળવવી શરૂ થઈ. જોકે જ્યારે યુદ્ધ ચાલતું ન હોય ત્યારે આ કુશળતા કેળવવી કઈ રીતે? યુદ્ધાભ્યાસ માટે દર વખતે પોતાના જ હાથીઓને ઈજા પહોંચાડવી તો શક્ય નથી. આથી રજવાડાંઓએ તેમના સૈનિકોને અભ્યાસ માટે જમીન પર લાકડાનો એક ટુકડો ભરાવીને એના પર નિશાન લગાવવાનું સૂચવ્યું. ધીરે-ધીરે આ અભ્યાસ સૈનિકને પોતાની કાબેલિયત પુરવાર કરવાની એક તક જેવો જણાવા માંડ્યો અને સેનામાં એ એક ખેલ તરીકે પ્રચલિત થઈ ગયો. સમય વીતતાં યુદ્ધનું સ્વરૂપ બદલાયું અને આ કુશળતા આજે હવે એક ખેલ તરીકે અપનાવી લેવામાં આવી છે. આ સટિક પદ્ધતિ દુશ્મનના તંબુઓને નેસ્તનાબૂદ કરવા માટે વપરાતી હોવાને કારણે એનું નામ પડ્યું ટેન્ટ પેગિંગ.

ટેન્ટ પેગિંગ ચૅમ્પિયનશિપ

જૉર્ડનના વાદી રમ ખાતે યોજાયેલી આ વુમન ઇન્ટરનૅશનલ ટેન્ટ પેગિંગ ચૅમ્પિયનશિપમાં ભારતની ત્રણ મહિલાઓ ભાગ લેવા ગઈ હતી. ભારત આ ખેલમાં સૌપ્રથમ વાર ભાગ લઈ રહ્યું હતું. વિશ્વમાં કોઈએ વિચાર્યું પણ નહોતું કે પહેલી વાર પ્રવેશ કરી રહેલી ભારતીય ટીમ આ સ્પર્ધામાં કંઈક માતબર પર્ફોર્મ કરી શકશે, પરંતુ ત્રણ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં ભારતની મહિલા ટીમે ૧૩૬ પૉઇન્ટ્સનો સ્કોર કર્યો અને ત્રીજા ક્રમાંકનો બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો. પહેલા સ્થાને ૧૭૦.૫ પૉઇન્ટ્સ સાથે સાઉથ આફ્રિકાની ટીમ રહી હતી, જ્યારે બીજા ક્રમાંકે ૧૪૬ પૉઇન્ટ્સ સાથે ઓમાનની મહિલા ટીમ જીતી હતી.

દિલ્હીની કૅપ્ટન રિતિકા દહિયા અને પ્રિયંકા ભારદ્વાજે પહેલા દિવસે સોલો અને પેર ઍક્ટમાં ભાગ લઈને સાતમો ક્રમાંક હાંસલ કર્યો. આ સમય સુધી હજીયે ભારત માટે મેડલની દોડ ખૂબ દૂર જણાતી હતી. જોકે બીજા દિવસે તલવાર દ્વારા ટેન્ટ પેગિંગમાં આપણી ટીમે જબરદસ્ત પર્ફોર્મ કર્યું. સોલો અને ટીમ પર્ફોર્મન્સના આ દિવસે તેમણે ૨૪ પૉઇન્ટ્સ હાંસલ કર્યા અને બીજા ક્રમાંક સુધીની હરણફાળ ભરી લીધી. પહેલા દિવસના ૧૮ પૉઇન્ટ્સ અને બીજા દિવસના ૨૪ પૉઇન્ટ્સને કારણે ભારત હવે પૉઇન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને આવી ચૂક્યું હતું. હવે ત્રીજો અને છેલ્લો દિવસ બાકી હતો જ્યારે તેમણે તેમનો આ જ પર્ફોર્મન્સ જાળવી રાખવાનો હતો. ત્રીજા દિવસની રિંગ પેગ અને સ્વૉર્ડ (તલવાર) પેગ કૉમ્પિટિશનમાં તેમણે આગલા દિવસની જેમ જ બેસ્ટ પર્ફોર્મન્સનો સિલસિલો જાળવી રાખ્યો અને આખરે સ્પર્ધાના અંતે ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો.

આ સ્પર્ધા દ્વારા ભારતે પોતાનામાં જ એક વિશ્વ રેકૉર્ડ સરજ્યો છે. કોઈ ટીમે કોઈ સ્પોર્ટમાં ડેબ્યુ કર્યું હોય અને એ ડેબ્યુ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હોય એવી ભારતના ખેલ ઇતિહાસમાં આ પહેલી ઘટના છે.

જાણે આ ખેલરત્ન મહિલાઓ એવું પુરવાર કરવા માગતી હોય કે ભારત માટે કોઈ ફીલ્ડ અને વિષય અણખેડ્યો નહીં રહે. ભારત દરેક ક્ષેત્રે પોતાનું નામ સુવર્ણ અક્ષરોએ લખવાની શરૂઆત કરી ચૂક્યું છે. ભારતની ટેન્ટ પેગિંગ મહિલાઓ રિતિકા દહિયા, પ્રિયંકા ભારદ્વાજ અને ખુશી સિંહ પણ હવે વિરાટ કોહલી, રોહિત શર્મા કે હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓથી ઊતરતી નથી. ભારત અને ભારતવાસી હોવાનું ગૌરવ થાય એવી આ ઘટના દ્વારા આપણને એક નવા ખેલ વિશે જાણવાનો લાભ મળ્યો છે. ખેલ ક્ષેત્રે અનેક નવા માર્ગો ખોલનારી આ હિડન જેમ્સને ખૂબ-ખૂબ અભિનંદન.

કઈ રીતે રમાય છે?

આ ખેલ માટે ઘોડેસવારી માટેનો ઘોડો ખાસ પદ્ધતિ દ્વારા કેળવવામાં આવ્યો હોય છે. અઢીથી ત્રણ વર્ષની ઉંમરના યુવાન ઘોડાઓ આ ખેલ માટે ઉપયોગમાં લેવાય છે. ઘોડો સ્ફૂર્તિલો, હોશિયાર અને ટૂંકી રેન્જમાં પણ જબરદસ્ત ઝડપથી દોડી શકે એવો હોવો જોઈએ.

આ રમતમાં ફીલ્ડ કહો કે મેદાન એ ૧૦૫ મીટરનું હોય છે, જેમાં સ્ટૅન્ડ પર અને જમીન પર ટાર્ગેટ લગાડેલાં હોય છે. સ્ટૅન્ડ પર અઢીથી ત્રણ ઇંચની રિંગ લગાડેલી હોય છે. ઘોડેસવારે ઝડપથી ઘોડો દોડાવતા આવવાનું હોય છે અને એ રિંગમાં પોતાનો ભાલો ભરાવી રિંગ લઈ લેવાની હોય છે. ત્યાર બાદ જમીન પર મૂકવામાં આવેલા લાકડાના ટુકડાને (જે મહદંશે ખજૂરના ઝાડનું લાકડું હોય છે) પોતાના ભાલા વડે ભેદી ભાલાની ટોક પર લઈ લેવાનું હોય છે. ૧૦૫ મીટરના આ ફીલ્ડમાં ૩૫ મીટરના અંતરે પહેલું સ્ટૅન્ડ મૂકવામાં આવ્યું હોય છે જેમાં રિંગ લટકાવી હોય છે. ત્યાર બાદ ૧૫ મીટરના અંતરે બીજું સ્ટૅન્ડ હોય છે અને આ બીજા સ્ટૅન્ડથી ૨૦ મીટરના અંતરે જમીન પર લાકડાનો ટુકડો મૂકવામાં આવ્યો હોય છે. ત્યાર બાદનો ૩૫ મીટરનો વિસ્તાર ઘોડાને ઊભો રાખવા માટેનો હોય છે.

ઘોડેસવાર જબરદસ્ત ઝડપે ઘોડો દોડાવતો આ ફીલ્ડમાં પ્રવેશે છે અને ત્યાર બાદ એક રિંગ, બીજી રિંગ પોતાને હસ્તક લેતાં-લેતાં જમીન પર પડેલો ટુકડો પોતાના ભાલામાં ભરાવીને ૧૦૫ મીટરનું આ અંતર પૂરું કરે છે. આ ૧૦૫ મીટરના અંતરમાં ઘોડેસવારની સટિકતા, ઘોડાની ઝડપ અને તેની એક લાઇનમાં દોડવા અને દોડાવવાની કાબેલિયત અનુસાર એને પૉઇન્ટ્સ મળે છે, જેના આધારે જીત-હારનો નિર્ણય થતો હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2022 11:30 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK