Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એવું શું છે આપણા સંવિધાનમાં જે ભારતને મુઠ્ઠીઊંચેરું બનાવે છે?

એવું શું છે આપણા સંવિધાનમાં જે ભારતને મુઠ્ઠીઊંચેરું બનાવે છે?

26 November, 2022 06:34 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ભારતીય સંવિધાન દિવસ: આપણને ‘પ્રજા’માંથી ‘નાગરિક’નું બિરુદ આપનાર ભારતના સંવિધાનનો સાર જન-જન સુધી પહોંચે એ માટે આજની તારીખે સંવિધાન દિવસ ઊજવવામાં આવે છે.

એવું શું છે આપણા સંવિધાનમાં જે ભારતને મુઠ્ઠીઊંચેરું બનાવે છે?

Constitution Day 2022

એવું શું છે આપણા સંવિધાનમાં જે ભારતને મુઠ્ઠીઊંચેરું બનાવે છે?


ભારતીય સંવિધાન દિવસ: આપણને ‘પ્રજા’માંથી ‘નાગરિક’નું બિરુદ આપનાર ભારતના સંવિધાનનો સાર જન-જન સુધી પહોંચે એ માટે આજની તારીખે સંવિધાન દિવસ ઊજવવામાં આવે છે. બંધારણના હાર્દ અને વિશેષતાને નિષ્ણાતો પાસેથી સમજીએ અને જાણીએ કે આપણા સંવિધાનની કઈ વિશેષતાઓ છે જેને કારણે દુનિયાના બીજા દેશો કરતાં ભારત અનોખું છે

આપણા બંધારણની ખાસ વિશેષતા 
 આપણા બંધારણમાં ન્યાયતંત્ર સ્વતંત્ર છે અને એટલે જ લોકોનો આજે પણ દેશના ન્યાયતંત્ર પર ભરોસો અકબંધ છે. 
 આપણા દેશમાં અમેરિકાની જેમ રાજ્યોને સંપૂર્ણ હક નથી અને જર્મનીની જેમ કેન્દ્ર જ સર્વસ્વ નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનું બૅલૅન્સ અહીં ખૂબ સારું જળવાયું છે. 
 આપણા બંધારણમાં પહેલા દિવસથી જ સ્ત્રીઓને મતાધિકાર આપીને તેમને સમાનતા આપવામાં આવી છે જે અમેરિકા અને બ્રિટન જેવા મૉડર્ન દેશોમાં પણ મોડેથી આપવામાં આવી હતી. 
 નાગરિકના મૂળભૂત હકોને સૌથી વધુ પ્રાધાન્ય અપાયું છે જેના રક્ષણની ફરજ સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવી છે. 
 બંધારણમાં ઇલેક્શન કમિશન, બ્યુરોક્રસી, પાર્લમેન્ટ, ઍસેમ્બલી દરેકનાં કાર્યક્ષેત્ર મુજબ એમના દાયરાઓ નિશ્ચિત છે જેને લીધે કોઈ એકબીજાના કામમાં ચંચુપાત ન કરી શકે.



કોઈ પણ દેશનો પાયો એનું સંવિધાન હોય છે જેના પર એ દેશની વ્યવસ્થા ટકેલી હોય છે. આજે સંવિધાન દિવસ છે. ૧૯૪૯ની ૨૬ નવેમ્બરે આપણું બંધારણ ગ્રહણ કરવામાં આવેલું. સાદી ભાષામાં કહીએ તો એ દિવસે એ બનીને તૈયાર થયું હતું અને ૧૯૪૮ની ૨૬ જાન્યુઆરીએ એનું પાલન થવાનું શરૂ થયું એટલે એ દિવસને ગણતંત્ર દિવસ કહેવામાં આવે છે. આમ તો ૨૬ નવેમ્બરનો દિવસ પહેલાં ઊજવવામાં આવતો નહોતો, પરંતુ ૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દિવસને સંવિધાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસની જાહેરાત કરતાં તેમણે મુંબઈમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટૅચ્યુ આૉફ ઇક્વલિટી મેમોરિયલ બનાવવા માટેનો પહેલો પથ્થર પણ રાખ્યો હતો. જોકે પહેલાં આ દિવસ ‘નૅશનલ લૉ ડે’ તરીકે પણ ઓળખાતો હતો. સંવિધાન દિવસની ઉજવણીમાં બંધારણનું મહત્ત્વ અને દીર્ઘદ્રષ્ટા બાબાસાહેબ આંબેડકરના વિચારો જન-જન સુધી પહોંચે એના પ્રયત્ન કરવામાં આવે છે. 


નિર્માણ કેવી રીતે થયું?
બંધારણનું નિર્માણ કરવું એ ભારત માટે એ સમયે કપરું હતું કે સહેલું? આ પ્રશ્નનો જવાબ આપતાં જાણીતા લેખક રમેશ ઓઝા કહે છે, ‘સહેલું પણ હતું અને કપરું પણ. જ્યારે અંગ્રેજો આપણે ત્યાં આવ્યા ત્યારે એ સમયે ન્યાયિક વ્યવસ્થા ખૂબ જુદી હતી. રાજા-મહારાજા પોતાની સમજ પ્રમાણે ન્યાય આપતા, જેમાં એક જ ગુનાની સજા જુદી-જુદી હોઈ શકતી. અંગ્રેજોને લાગ્યું કે એકસરખી વ્યવસ્થા હોવી જોઈએ જે નિયમબદ્ધ હોય. એટલે તેમણે પોતાના નિયમો લાગુ કર્યા, પરંતુ ભારતમાં ઘણી વિવિધતા છે એટલે એકહથ્થુ શાસન કરવું અઘરું છે. તેમના રાજ દરમ્યાન તેમણે પોતાના કાનૂનોમાં ઘણા સુધારા-વધારા કર્યા. આપણી પાસે આ માળખું તૈયાર હતું, પરંતુ એ કાયદાઓમાં દેશની પ્રજા વિરુદ્ધના કાયદાઓ પણ હતા જેને છોડીને દેશ માટે હિતકારી હોય એવા કાયદા લેવામાં આવ્યા. સર બેનેગલ નરસિંગ રાવને બીજા દેશોનાં બંધારણોને સ્ટડી કરવાની સૂચના આપવામાં આવી અને એમાંથી આપણા દેશ માટે જે હિતકારક લાગ્યા એ મુદ્દાઓનો સમાવેશ આપણે કર્યો. મહત્ત્વનું એ હતું કે આપણે લોકતંત્રનો ઢાંચો અપનાવ્યો અને ખંડિત દેશને એક અખંડ ભારત બનાવ્યું.’ 

કલ્પનાના ભારતનો દસ્તાવેજ 
સંવિધાનનું મહત્ત્વ લોકો સુધી પહોંચાડવું કેમ જરૂરી છે? એ પ્રશ્નનો જવાબ આપતાં જાણીતા લેખક રમેશ ઓઝા કહે છે, ‘બંધારણના ઘડવૈયાઓએ પોતાની સમજથી જે દસ્તાવેજ તૈયાર કર્યો છે એ તેમના કલ્પનાના ભારતનો દસ્તાવેજ છે. એ લોકો વિઝનરી હતા અને તેમણે એ જોયું કે ભારત કેવું હોવું જોઈએ? ભારતમાં રહેનાર દરેક વ્યક્તિનું મૂલ્ય તેમણે એક રાખ્યું. અમીર હોય કે ગરીબ; કોઈ પણ ધર્મનો, કોઈ પણ જાતિનો, સ્ત્રી હોય કે પુરુષ, શહેરી હોય કે આદિવાસી દરેકેદરેક નાગરિક એકસમાન છે. દરેકના હક અને ફરજો પણ એકસમાન છે. આમ જોઈએ તો ભારતીય તરીકે આપણે તેમના આ સપનાના ભારતને હજી પણ સાકાર નથી કરી શક્યા. હજી પણ આપણે દરેકને સમાનતા નથી આપી શક્યા, પરંતુ એમાં વાંક બંધારણનો નથી. એમાં વાંક આપણો છે. આ એ દસ્તાવેજ છે જેના પર ચાલીને ભારત એક મહાન દેશ બની શકે છે. એ ત્યારે જેટલું રેલવન્ટ હતું એટલું જ આજે પણ છે. કારણ કે એના હાર્દમાં માનવતા છે. બંધારણનાં મૂલ્યો અને હકીકત વચ્ચેના ગૅપને ભરવા માટે જરૂરી છે કે લોકોને સંવિધાનનું મહત્ત્વ સમજાવવામાં આવે. સમગ્ર દેશ જ્યાં સુધી બંધારણનાં મૂલ્યોને સમજીને નહીં ચાલે ત્યાં સુધી એના ઘડવૈયાઓના સપનાનું ભારત આપણે નહીં બનાવી શકીએ.’ 


પ્રજામાંથી નાગરિક બન્યા
બંધારણ દ્વારા આપણને સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય એવી કઈ ભેટ મળી છે? એ પ્રશ્નનો જવાબ આપતાં સેન્ટર ફૉર પ્રમોટિંગ ડેમોક્રસીના ડિરેક્ટર સીતારામ શેલાર કહે છે, ‘આપણને એવું લાગે છે કે ભારતની જનતા તેમના સંવિધાનને સમજે છે, પણ એવું છે નહીં. હજારો વર્ષોથી આ દેશના લોકો પ્રજા થઈને જીવ્યા છે. પહેલાં રાજા-રજવાડાંઓની પ્રજા અને પછી બહારથી આવેલા લોકોના ગુલામો. પહેલી વાર ૧૯૪૭માં બંધારણે તેમને ‘સિટિઝન’ એટલે કે નાગરિક તરીકેની ઉપાધિ આપી. પ્રજામાંથી નાગરિક થવું એ કેટલી મોટી વાત છે. પ્રજા રાજાને આધીન હોય છે અને નાગરિક દેશ ચલાવે છે. પ્રજાએ રાજાની દરેક વાત માનવાની હોય છે. નાગરિક સત્તાધારીને પ્રશ્ન પૂછી શકે છે. જો એ નાગરિકના ભલા માટે કામ નથી કરી રહ્યા તો તેની સત્તા છીનવી પણ શકે છે. આ જે બદલાવ છે એ ભારતીય લોકો માટે નાનોસૂનો નથી. બંધારણની દૃષ્ટિએ આ હક ભલે આપણને મળી ગયા, પરંતુ એ ‘પ્રજા’ની માનસિકતામાંથી આપણે હજી પૂરી રીતે નથી છૂટી શક્યા, જે જરૂરી છે.’ 

આમુખ 
જો આપણે બંધારણનું મહત્ત્વ સમજવું હોય તો દરેક વ્યક્તિએ આમુખ વાંચવું અને સમજવું જોઈએ. એવા આગ્રહ સાથે વાત કરતાં મણિભવન ગાંધી સંગ્રહાલયના ઓનરરી સેક્રેટરી અને ટ્રસ્ટી યોગેશભાઈ કામદાર કહે છે, ‘આમુખ એટલે આખા બંધારણનો સાર. જો કોઈએ બંધારણને ખરી રીતે ઓછું વાંચીને વધુ સમજવું હોય તો આમુખ એ એનું હાર્દ છે. આમુખમાં જવાહરલાલ નેહરુની અદ્ભુત કવિતા છે. આખા બંધારણનો સમગ્ર સાર ફક્ત ૧૦૦-૧૫૦ શબ્દોમાં એમાં લખાયેલો છે. આપણે ભારતની ધરતી પર રહેનારા લોકો બધા એક છીએ એ ભાવના આમુખમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. જ્યાં ભેદભાવને કોઈ સ્થાન નથી. આ વાંચીને સમજવાનું એ છે કે આપણે કયા પ્રકારના દેશનું નિર્માણ કરવાનું છે અને એ માટે શું કરવું પડશે. બંધારણ બન્યું એ પહેલાં અહીં વસતી પ્રજા પંજાબી, મરાઠી, બ્રાહ્મણ, શુદ્ર, રાજપૂત, મુસ્લિમ, હિન્દુ જેવા જુદા-જુદા વાડાઓમાં જ જીવી છે. એ સમગ્ર પ્રજાને એક ઓળખ એટલે કે ભારતીય તરીકેની ઓળખ બંધારણે આપી છે. બંધારણ બન્યું એ પછી આપણે ભાતી-ભાતીના લોકો એક થયા અને ભારતીય બન્યા.’ 

ફક્ત હક નથી, ફરજો પણ છે
સંવિધાન દિવસે નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતાં એક વાત કરી હતી કે સંવિધાન ફક્ત લોકોને હક આપતું નથી, પરંતુ તેમની ફરજો પ્રત્યે અવગત પણ કરાવે છે. બંધારણમાં નાગરિકની કઈ ફરજોની વાત છે એ સમજાવતાં સીતારામ શેલાર કહે છે, ‘બંધારણ આપણને જે હક આપે છે એ હકોનું પાલન કરવું એ પણ એક મોટી ફરજ છે. ‘રાઇટ ટુ વોટ’થી લઈને ‘રાઇટ ટુ એજ્યુકેશન’ સુધી દરેક હક તેની પોતાની જવાબદારીઓ સાથે બંધાયેલો છે. વોટિંગ કરવું એ જેટલો આપણો હક છે એટલો જ યોગ્ય વ્યક્તિને વોટ કરવું એ આપણી ફરજ છે. એજ્યુકેશન લેવું એ આપણો હક છે એમ દેશના દરેક બાળકને આ હક મળે એનું ધ્યાન રાખવું એ પણ આપણી ફરજ છે. આમ જ્યારે આપણે સંવિધાન કહે છે એમ ચાલીએ ત્યારે આપણને આપણા હકો તો મળે જ છે, પરંતુ એની સાથે આપણે આપણા પ્રત્યે અને દેશ પ્રત્યેની આપણી ફરજોનું પણ પાલન કરીએ છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2022 06:34 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK