Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડર કે આગે જીત હૈ

ડર કે આગે જીત હૈ

10 June, 2021 12:15 PM IST | Mumbai
Bhavini Lodaya

બાઇક મૉડિફાય કરવામાં અને બાઇક-સ્ટન્ટ્સમાં પણ માહેર આ જુવાનિયાના જોખમ ઉઠાવીને પણ ફરવાના અનુભવો જબરા રોમાંચક છે 

ડર કે આગે જીત હૈ

ડર કે આગે જીત હૈ


ઇવેન્ટ ઑર્ગેનાઇઝિંગનું કામ કરતો વડાલાનો ૨૪ વર્ષનો આદિત્ય ગાલા બાઇક લઈને એક વાર મુંબઈથી ભુતાન અને નેપાળની એક મહિનાની સોલો બાઇકિંગ રાઇડ પર નીકળી પડેલો. બાઇક મૉડિફાય કરવામાં અને બાઇક-સ્ટન્ટ્સમાં પણ માહેર આ જુવાનિયાના જોખમ ઉઠાવીને પણ ફરવાના અનુભવો જબરા રોમાંચક છે 

છઠ્ઠા ધોરણથી જ બાઇકને ખોલીને એમાં ગડમથલ કરવાનો શોખ ધરાવતા વડાલાના ૨૪ વર્ષના આદિત્ય ગાલાની બાઇકની સફર ટેન્થ પૂરું થયું ત્યારથી જ શરૂ થઈ ગયેલી. ગુજરાત, મધ્ય પ્રદેશ, આસામ, દાર્જીંલિંગ, ઉત્તર પ્રદેશ એમ વિવિધ રાજ્યોમાં તે બાઇક લઈને ફરવા નીકળી પડ્યો છે. ભુતાન અને નેપાળ જેવા પાડોશી દેશોમાં પણ તે બાઇક પર લટાર મારી આવ્યો છે. બાઇકિંગનો શોખ કઈ રીતે વધ્યો એ વિશે વાત કરતાં આદિત્ય કહે છે, ‘બાઇક શીખ્યા બાદ પોતાના પૈસાથી બાઇક લેવાનું મારું એક સપનું હતું, જે પૂરું કરવા બારમી પછી તરત જ હું સ્પોર્ટ્સ કન્સલ્ટન્ટ કંપનીમાં જૉબ પર લાગી ગયો અને પૈસા જમા કરીને નવી ઍવેન્જર બાઇક ખરીદીને રણઉત્સવની પહેલી લૉન્ગ સોલો બાઇક ટ્રિપ કરી. એ પછી તરત મેં ઇન્ટરનૅશનલ ટ્રિપ કરવા ભુતાન અને નેપાળ જવાનું નક્કી કર્યું. ઘરમાં બધાએ ના પાડી કે આટલે લાંબે એકલા ન જવાય. ફ્રેન્ડ્સ પણ મને કહેવા લાગ્યા કે આ પાગલપંતી છે, આવું ન કરાય. જોકે મારે જવું હતું. એટલે મેં ઘરમાં બધાને મનાવી લીધા અને જવા માટે જરૂરી એવી બધી તૈયારી કરી લીધી. જેમ કે એન્જિન ઑઇલ, બ્રેક ઑઇલ, ક્લચ કેબલ, બનજી કોડ (બે હૂકવાળી દોરી), એન્જિનની નીચેની સાઇડ પર સ્ટીલની પ્લેટ બનાવી જે એન્જિનની રક્ષા કરે એવી બે પ્લેટ, ૨૦ લિટરનાં બે જેરી કેન, પંકચર રિપેર કિટ અને પાંચ જોડી કપડાં. આમ મેં ત્યાંના વાતાવરણના હિસાબે બધી જ પૂરી તૈયારી કરી લીધી હતી.
સાહસ માટે તૈયાર
વરસાદની ઋતુમાં ખૂબ એક્સાઇટેડ થઈને બાઇક રાઇડિંગ કરવા નીકળેલો આદિત્ય કહે છે, ‘મુંબઈથી મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળના સિલિગુડી, દાર્જીલિંગ, કલિંગપોન્ગ ફરતાં-ફરતાં પહોંચ્યો જયગાવ જે ભુતાનની બૉર્ડર પર છે. પાંચ દિવસના બાઇકિંગ પછી ઇન્ડિયા-ભુતાન બૉર્ડર પર પહોંચ્યો ત્યારે રાત થઈ ગઈ હતી એટલે એક રાત ગામમાં જ રોકાવું પડ્યું. સવારના મેં ભુતાનમાં એન્ટ્રી લીધી. ત્યાર બાદ થિમ્પુ પહોંચ્યો. થિમ્પુ પહોંચ્યા પછી પરમિટ એક્સ્ટેન્ડ કરાવવી પડે એટલે કન્સેન્ટ ફૉર્મ ભરી, પરમિટ લઈને આગળ વધ્યો. અદ્ભુત આનંદનો અનુભવ હતો. વરસાદ વરસતો હતો. લૅન્ડસ્લાઇડ પણ ખૂબ જોઈ. જોકે ડર સાથે સાહસની મજા પણ કંઈક અલગ જ હતી. આખું ભુતાન ફરવું એ મારું સ્વપ્ન હતું. ત્યાંના નિયમો ખૂબ સરસ છે. સ્મોકિંગ ત્યાં બૅન છે. હેલ્મેટ કમ્પલ્સરી છે. હાવેલી જે મિની સ્વિટ્ઝરલૅન્ડ ગણાય છે ત્યાં મને ખૂબ ગમ્યું. એમ લાગ્યું કે જાણે કુદરતના ખોળામાં હું રમી રહ્યો છું.’
એમ જ ફરવા નીકળી પડ્યા હો તો રાતવાસો ક્યાં અને કેવી રીતે કરવો એનું કોઈ પ્લાનિંગ કરેલું? જોકે આજના જમાનાના ટેક્નૉસેવી અને અનુભવ મેળવવા માટે કોઈ પણ અગવડો વેઠવાની તૈયારી ધરાવતો આદિત્ય કહે છે, ‘એનો પણ જુગાડ મેં પહેલેથી વિચારી રાખેલો. ઓયો ઍપ્લિકેશનની મદદથી જ્યાં શક્ય હોય ત્યાં નાની રૂમ બુક કરી લેતો અને ધારો કે સાવ નાનું ગામ અને જંગલ જેવું હોય તો રસ્તામાં જ ટેન્ટ બનાવીને સૂઈ જતો હતો. હા, અડધી રાત્રે ક્યારેક ભય જેવું લાગે, પણ જાતને કહેતો કે ‘ડર કે આગે જીત હૈ’ અને એમ હિંમત વધી જતી. એક વાર ભરવરસાદમાં સાંકડા રસ્તા પરથી પસાર થતી વખતે બાઇક ખીણમાં પડવાની અણી પર હતી, પણ મેં કન્ટ્રોલ કરી લીધો. આવું થાય ત્યારે થોડીક વાર દિલ થડકારો ચૂકી જાય. જોકે એમાંય જીવનની મજા છે.’
દસ હજારનો દંડ પણ ભર્યો
નવી જગ્યા, નવો દેશ, નવા નિયમો હોય ત્યારે વધુ સાવધ રહેવું પડે અને જો ન રહો તો દંડ પણ થાય. પાછા ફરતી વખતે તો નક્સલવાદી એરિયાનો આંટો પણ મારી આવ્યાની વાત કરતાં તે કહે છે, ‘ભુતાનથી પાછા વળતી વખતે હું ગેલફુ ગામમાં પહોંચ્યો. એ ગામમાં સાધુ-સંતોનું એક અદ્ભુત મંદિર છે જ્યાં લાલ કલરનું કુદરતી રીતે ગરમ પાણી પડે છે એ જોવું હતું. ચાર હજાર પગથિયાં ચડીને ઉપર જવાનું હતું. જોકે ગેલફુના મંદિરનાં દર્શન માટે મને દસ હજારનો દંડ થયો. ભુતાનનો કાયદો છે કે જ્યાંથી તમે પ્રવેશ કર્યો હોય ત્યાંથી જ પાછા જવાનું. મેં જયગાવથી પ્રવેશ કરેલો અને એની જગ્યાએ ગેલફુથી પાછો આવવા નીકળ્યો એટલે એ દંડ ભરવો પડ્યો. ત્યાંથી હું નાગાલૅન્ડ અને મણિપુર એક જ દિવસમાં ફરીને પાછો જયગાવ આવ્યો જ્યાંથી નેપાલ જવાનો માર્ગ હતો. ગેલફુથી નાગાલૅન્ડ અને મણિપુરનો પૂરો રસ્તો એટલે નક્સલવાદીઓ અને આદિવાસીનો એરિયા. સમય વેડફ્યા વગર ઝટપટ બાઇક ચલાવી ૭ કલાકમાં જયગાવ પહોંચ્યો. વેસ્ટ બેન્ગાલ નું બેરેટ દેખાયું અને ત્યાં નો મેન્સ લૅન્ડ પર ઊભા રહીને ફોટોગ્રાફ્સ પાડ્યા જે મારા માટે પ્રાઉડ મોમેન્ટ હતી. એ પછી એક કલાકમાં નેપાલમાં એન્ટ્રી કરી. નેપાળમાં પરમિટ પણ સરળતાથી મળી રહે છે. જોકે ત્યાં એન્ટ્રી-એક્ઝિટના ભૂતાન જેવા કાયદા નહોતા. ગમે ત્યાંથી તમે આવ-જા કરી શકો છો. પહેલાં કાઠમંડુ અને પછી આસપાસનું નેપાળ ફરીને ભારત આવવા માટે જયગાવ પહોંચ્યો.’
અનોખો અનુભવ
જયગાવની અનોખી ઘટના વિશે તે કહે છે, ‘મને એક મિલિટરીમૅને રોક્યો હતો. મને લાગ્યું કે મારી બાઇકના સ્પીકરના મોટા અવાજને કારણે મને અટકાવ્યો છે, પણ તેણે મને ઊભા રાખીને જે વાત કરી એ અચરજ પમાડનારી હતી. તેણે કહ્યું કે તારી બાઇકની નંબરપ્લેટ પર એમ.એચ. જોઈને તને રોક્યો છે; હું સોલાપુર નજીકના ગામનો છું, મારી બહેનનાં ત્રણ દિવસ પછી લગ્ન છે, મારે એક ગિફ્ટ તેના માટે મોકલવી છે; જો તું પહોંચાડી શકે તો. મિલિટરીમૅનને હેલ્પ કરવાનું મને પણ ગમશે એ વિચારથી હા કહી ગિફ્ટ લઈને હું સોળપૂર્ણ ગામ તરફ નીકળો. હું જય ગામથી નીકળીને કલકત્તા હાવડા ફરતાં-ફરતાં સોલાપુરની બાજુના ગામમાં બરાબર તેની બહેનનાં લગ્નના દિવસે રાત્રે રિસેપ્શનમાં પહોંચી ગયો. વરસાદને કારણે કીચડ લાગેલો હતો. એવા જ વેશમાં હું સીધો રિસેપ્શનના સ્ટેજ પર પહોંચી ગયો અને મિલિટરીમૅનને વિડિયો કૉલ લગાડ્યો. નીચે બેઠેલા બધાને લાગ્યું કે આ કોણ આવી ગયું છે? તેની બહેન ખુશ થઈ ગઈ અને તેણે પોતે જ બધાને વિડિયો કૉલ બતાવ્યો. બધા ખુશ થયા અને મારી પૂરી ખાતિરદારી કરીને જમાડ્યો અને પછી મને હાઇવે પર મૂકવા પણ આવ્યા. ત્યાંથી ૧૧.૩૦ વાગ્યે નીકળીને સવારે પાંચ વાગ્યે હું મુંબઈ પહોંચી ગયો. ખરેખર અનેરી ખુશી હતી. ઘરે બધાએ મારા સ્વાગતની તૈયારી કરી રાખી હતી. મારાં ફોઈ-ફુઆ બરોડાથી આવ્યાં હતાં અને ઘરવાળાએ કેકકટિંગનું સેલિબ્રેશન ગોઠવ્યું હતું. થોડા દિવસ પછી મને કુરિયરમાં એક લેટર મળ્યો. મરાઠીમાં લખેલો એ લેટર મને મિલિટરીમૅને લખેલો. થૅન્ક યુ લેટર હતો. મારા માટે જાણે મોટું અચીવમેન્ટ. મેં એક ફ્રેમમાં એને આજે પણ સાચવી રાખ્યો છે. મારી એક મહિનાની એ સફર જીવનભર મને યાદ રહેશે.’



 સોલો બાઇક ટ્રાવેલિંગ કરવાનું અને બાઇકમાં મૉડિફિકેશન કરવાનું આદિત્યનું પૅશન છે. કુદરતના ખોળે જઈને કવિતાઓ લખવાનો તેનો શોખ અનોખો છે. જસ્ટ ૨૪ વર્ષ સુધીમાં તેણે એકલપંડે સારુંએવું સાહસ ખેડી લીધું છે


સ્ટન્ટ તો બનતા હૈ...

મુંબઈની M17 બાઇકર્સ ક્લબના મેમ્બર એવા આદિત્યને બાઇક મૉડિફિકેશનનો શોખ કેવી રીતે એક્સર્ટિઝમાં તબદીલ થયો એ વિશે આદિત્ય કહે છે, ‘M17 બાઇકર્સ ક્લબનો રૂલ છે કે દરેક મેમ્બરને આખી બાઇક ડિસમેન્ટલ કરીને ફરી બનાવતાં આવડવી જોઈએ. મને આખી બાઇક બનાવતાં આવડે છે અને એટલે બાઇકમાં અલગ-અલગ મૉડિફિકેશન્સ પણ કર્યાં છે. મેં અને મારા ફ્રેન્ડે તેની બુલેટ ક્લાસિક ૩૫૦ સીસી બાઇકમાં બે સાઇલેન્સર લગાડ્યાં છે અને ૬૫૦ સીસીમાં કન્વર્ટ કરીને મૉડિફાઇ કરી છે. સિંગલ સિલિન્ડરનાં ચાર સિલિન્ડર કર્યાં છે જે હાર્લી ડેવિડસનની બુલેટની સ્પીડ પર ચાલે છે. સ્ટન્ટ કરવાનું પણ મને ખૂબ ગમે છે. કલકત્તા, કેરલા, દિલ્હીમાં રેસ ટ્રૅક પર હેવી સ્પોર્ટ્સ બાઇક ચલાવી છે. વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે પાકિસ્તાનથી ભારત આવ્યા ત્યારે તેમના સન્માન માટે રાઇડર્સ ગ્રુપે ગવર્નમેન્ટની પરમિશનથી સેફટી ગાર્ડની ટ્રેઇનિંગ સાથે એક ઇવેન્ટ રાખી હતી. એમાં પણ મેં બાઇક-સ્ટન્ટ્સ કર્યા હતા. સાહસ જ મારું જીવન છે. હું કવિતાઓ પણ લખું છું. આમ સુંદર કલ્પનાઓથી ભરેલા જીવન અને સાહસભર્યા વિવિધ રંગોથી રંગીન મિજાજમાં જીવન જીવવું એ જ મારી ઇચ્છા છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2021 12:15 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK