Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધી પૅન્ડેમિક પિરિયડ : આ સમયમાં ક્યાંય ભૂલથી ઉછીનો દેખાવ ખરીદવાની ભૂલ નહીં કરતા

ધી પૅન્ડેમિક પિરિયડ : આ સમયમાં ક્યાંય ભૂલથી ઉછીનો દેખાવ ખરીદવાની ભૂલ નહીં કરતા

15 January, 2022 11:50 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

કારણ વગર ન્યુઝપેપરો કોવિડ અને પૅન્ડેમિકને આટલી જગ્યા નથી ફાળવી રહ્યાં કે પછી ન્યુઝચૅનલો માત્ર પૅન‌િક ફેલાવવાના હેતુથી પોતાની હેડલાઇનમાં કોવિડને સ્થાન નથી આપી રહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આમ તો આ વાત આપણા બાપદાદાના સમયથી કહેવાતી આવી છે કે ક્યારેય કોઈને દેખાડી દેવા જરૂરિયાત વિનાના ખર્ચાઓ ન કરવા, પણ બાપદાદાની વાતો ભૂલવાની આપણને આદત છે અને એટલે જ આપણે એ વાતને ભૂલી બેઠા છીએ અને એટલે જ અત્યારના પૅન્ડેમિકના સમયમાં આ વાત યાદ કરાવવાની છે, કહેવાનું છે કે ભૂલથી પણ ઉધારી કરીને ઉછીનો દેખાવ ખરીદવાનું પાપ નહીં કરતા. નહીં તો એવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય અને જે કરવા તમે રાજી પણ ન હો.
બે દિવસથી આપણે આ ટૉપિક પર વાત કરીએ છીએ ત્યારે કેટલાક મિત્રોના એવા મેસેજ આવ્યા કે અમારાં સંતાનોને ઈએમઆઇ પર હાથી મળે તો તેઓ હાથી બાંધી લેવા પણ રાજી છે. ભલા માણસ, હાથી એક વાર તમને મળશે, પણ એ હાથીનું મેઇન્ટેનન્સ તમે ખરીદી વખતે વિચારતા નથી. એનો પણ વિચાર જરૂરી છે અને જો એ વિચાર કરવાની ક્ષમતા ન હોય તો તમને ખરીદી કરવાનો કોઈ હક નથી. સહજ રીતે સ્વીકારજો કે તમે આજે એવા સમયમાં જીવી રહ્યા છો જે સમયમાં મહામારી ચાલી રહી છે. કારણ વગર ન્યુઝપેપરો કોવિડ અને પૅન્ડેમિકને આટલી જગ્યા નથી ફાળવી રહ્યાં કે પછી ન્યુઝચૅનલો માત્ર પૅન‌િક ફેલાવવાના હેતુથી પોતાની હેડલાઇનમાં કોવિડને સ્થાન નથી આપી રહી. દેશમાં અનેક કાર્યક્રમો કૅન્સલ થઈ રહ્યા છે એ પણ કારણ વગરના નથી થતા અને મુંબઈમાં આજે પણ લોકલ સૌકોઈના માટે ખુલ્લી મૂકવામાં નથી આવી એ પણ તમને ખબર જ છે. પૅન્ડેમિકના પ‌િરિયડમાં ધીરજ સૌથી મોટી કસોટી કરતી હોય છે અને એ કસોટીમાંથી પાર પડવા સિવાય કોઈ છૂટકો નથી.
જો મન પર કાબૂ ન રહેતો હોય તો તમારાં તમામ કાર્ડ ઘરની તિજોરીમાં મૂકી દો અને હું તો કહીશ કે એવું કરવાને બદલે બહેતર છે કે ફૅમિલીમાં એવી વ્યક્તિને સોંપી દો જે જવાબદાર હોય. જો હાથ પર કાબૂ ન રહેતો હોય તો તમારા મોબાઇલમાંથી શૉપ‌િંગ ઍપ્સ ડિલીટ કરી દો અને અનિવાર્ય હોય એવી અને એ પણ તમારા ઉપયોગમાં ન હોય એવી ઍપ જ મોબાઇલમાં રાખો. ઉદાહરણ સાથે સમજાવું. યુટિલિટી સર્વ‌િસ કે પછી ગ્રોસરી ઍપ કે એવી જે કોઈ બીજી ઍપ હોય, પણ એવી ઍપ નહીં રાખો જ્યાં જઈને તમને એમાં વારંવાર જોવાનું મન થયા કરતું હોય. બે દિવસ પહેલાં કહ્યું હતું અને આજે પણ કહું છું કે જરૂરિયાતના સમયે બચત મોટો ભાઈ બનીને બાજુમાં ઊભો રહે છે. માનવામાં ન આવતું હોય તો એક વાર અનુભવ કરી જુઓ. ૧૦૦ ટકા સુખદ અનુભવ થશે તમને. જોકે એ અનુભવ કરવા માટે અત્યારના તબક્કે જાત પર સંયમ લાવવાનું કામ કરો. સંયમ હશે તો આવનારો સમય સચવાયેલો રહેશે. અગાઉ કહ્યું હતું એમ જેમ વ્યાજને રવિવાર નથી હોતો એવી જ રીતે બચાવેલો પૈસો ક્યારેય જમવાનું નથી માગતો હોતો. નહીં કનડે તમને તમારી બચત એની ગૅરન્ટી આપતાં કહું છું કે અત્યારના સમયે ખોટો ખર્ચ કરતા અટકશો તો એ જીવનભરનું બેસ્ટ લેસન બની રહેશે. 
૧૦૦ ટકા.


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2022 11:50 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK