Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફટાકડા ચાઇનીઝ દેન છે?

ફટાકડા ચાઇનીઝ દેન છે?

24 October, 2021 11:11 AM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

દિવાળીની ધમાકેદાર ઉજવણી કરતા ફટાકડાનો ઇતિહાસ જાણવા જેવો છે. અને હા, એટલું યાદ રાખજો કે ફટાકડા માત્ર દિવાળીની ઊપજ નથી, એ વિશ્વભરમાં અનેક સેલિબ્રેશનનો અભિન્ન હિસ્સો રહ્યા છે

ફટાકડા ચાઇનીઝ દેન છે?

ફટાકડા ચાઇનીઝ દેન છે?


યસ, મોટા ભાગની દુનિયા આવું જ માને છે. જો તમે પણ એવું માનતા હો તો આ લેખ તમારા માટે જ છે. દિવાળીની ધમાકેદાર ઉજવણી કરતા ફટાકડાનો ઇતિહાસ જાણવા જેવો છે. અને હા, એટલું યાદ રાખજો કે ફટાકડા માત્ર દિવાળીની ઊપજ નથી, એ વિશ્વભરમાં અનેક સેલિબ્રેશનનો અભિન્ન હિસ્સો રહ્યા છે

નકારાત્મકતાને જાકારો આપવાનો અને સકારાત્મકતાને આવકારવાનો ઉત્સવ એટલે દિવાળી. શ્રીરામના અયોધ્યામાં પુનરાગમનને વધાવી લેવાથી લઈને મહિષાસુરને હરનારી મા અંબેના સ્ત્રીત્વને ઊજવી લેવાનો, લક્ષ્મીજીની પધરામણીનો આ પ્રસંગ એટલે દિવાળી. શહેર, ગામ, સમાજ, ગલી-મહોલ્લા, ઘર, દિમાગ અને જીવન એમ તમામ જગ્યાએથી ડિપ્રેશન, ચિંતા, અણગમો કે એવી કોઈ પણ નકારાત્મકતાને નામશેષ કરવાના પાંચ દિવસ એટલે દિવાળી, પ્રકાશનું પર્વ. નવા ઉમંગો સાથે નવા વર્ષમાં પ્રવેશવાના આ મહાઉત્સવ દરમ્યાન ફટાકડા ન ફૂટે એવું તો બને જ નહીં. અફકોર્સ હવે ફટાકડા ફોડવા કે ન ફોડવા એ પણ વિવાદનો વિષય છે. હવા અને અવાજના પ્રદૂષણ માટે પર્યાવરણપ્રેમીઓ દિવાળી આવે એટલે ફટાકડાને કારણે પેદા થતા પ્રદૂષણ માટે લાલ બત્તી બતાવતા રહે છે. જોકે નવાઈની વાત એ છે કે ભારત મૅચ જીતે ત્યારે, ચૂંટણીનાં પરિણામો આવે ત્યારે, લગ્નપ્રસંગોના વરઘોડા નીકળતા હોય ત્યારે કે ઈવન ન્યુ યરના સેલિબ્રેશન વખતે પણ ફટાડકા ફૂટે જ છે અને એ વખતે કોઈને પ્રદૂષણ યાદ નથી આવતું. આ વિશેની ચર્ચા વર્ષોથી ચાલતી આવે છે અને ચાલતી રહેશે. હશે, સૌને પોતપોતાનો ઓપિનિયન રાખવાની સ્વતંત્રતા છે. આજે આપણે કોણ સાચું, કોણ ખોટું એનો પક્ષ લેવા નથી માગતા. આજે તો આપણે ફટાકડાના ઇતિહાસમાં ડૂબકી મારવી છે; કેમ કે ફટાકડા એ કંઈ આજકાલના નથી, એનો ઇતિહાસ સદીઓ જૂનો છે. 
દરેક નાના બાળકને ફટાકડા માટે કંઈક અદમ્ય પ્રકારનું આકર્ષણ અને જિજ્ઞાસા હોય છે. અરે, બાળકો જ શું કામ, આપણને પણ ઘણી વાર એવો વિચાર નથી આવતો કે આ ફટાકડા એ કેવી અદ્ભુત બનાવટ છે. માત્ર પ્રકાશ અને અવાજની બાબતમાં જ નહીં, એ સિવાય પણ એમાં કેટલી વિવિધતાઓ છે. જોકે આપણામાંના મોટા ભાગના લોકો માટે આ બાબત એક જિજ્ઞાસા માત્ર જ રહી છે અથવા દિવાળીના પાંચ દિવસ પછી ભુલાઈ જતી વાત બનીને રહી ગઈ છે. કેમ આપણે ક્યારેય ફટાકડાનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન નહીં કર્યો હોય? ટ્રસ્ટ મી, ખૂબ રસપ્રદ અને જબ્બર ફેસિનેટિંગ કહાની છે. 
વિશ્વમાં ફટાકડાની ઉત્પત્તિ
સૌથી પહેલાં વાત એ વિશે કરીએ જે ભારતના જનસામાન્યમાં જાણીતી છે, પણ પૂર્ણ સત્ય નથી. વર્ષોથી આપણે એવું માનતા આવ્યા છીએ કે ફટાકડા મૂળતઃ ચાઇનાની શોધ છે. ત્યાંથી એ ફ્રાન્સ અને ઇટલી પહોંચ્યા અને ત્યાર બાદ ભારતમાં એનો પ્રવેશ થયો. જોકે આ વાત સંપૂર્ણ સાચી છે એમ કહી શકીએ એમ નથી. આ માટે બે કહાનીઓ મશહૂર છે. એક, ચાઇનામાં વર્ષો પુરાણી એક ટ્રેડિશન હતી. ચીનના લોકો ગામમાં પ્રવેશતી નકારાત્મક શક્તિ કે આત્માઓ અને જંગલી જનાવરોને ભગાડવા માટે બામ્બુ (વાંસ) બાળતા હતા. વાંસ અંદરથી પોકળ હોય છે અને એમાં વચ્ચે ગાંઠ હોય છે. હવે વાંસને સળગાવવાથી એની અંદરના પોકળ ભાગની હવા એની ગાંઠ પાસે ભેગી થવા માંડે અને ત્યાર બાદ તે વાંસ એક જબરદસ્ત અવાજ સાથે ફાટે. આ અવાજથી ડરી જઈને જંગલી જાનવરો ભાગી જતાં. વળી વાંસમાં હવા, ભેજ અને પાણી પણ હોવાને કારણે એમાંથી અવાજની સાથે અગ્નિની અલગ-અલગ પ્રકારની જ્વાળાઓ પણ નીકળતી. આ જોઈને ચીનના લોકો આ અદ્ભુત આતશબાજીનો ઉપયોગ નવું વર્ષ કે બીજી ઉજવણીઓમાં તથા કોઈ આપદા કે ખરાબ શક્તિ ભગાડવા માટે પણ કરવા માંડ્યા. સમય વીતતો ગયો અને ચીનના રસાયણશાસ્ત્રીઓને આ વાંસ બાળીને આતશબાજી કરવાની રીતમાં વિજ્ઞાનની મદદ લેવાનું સૂઝ્યું, તેમણે વાંસમાં અલગ-અલગ પ્રકારનાં રસાયણો ભેળવીને પ્રયોગો કરવા માંડ્યા અને આ રીતે ફટાકડાની શોધ થઈ. કહેવાય છે કે વાંસમાં રસાયણોનું મિશ્રણ નાખીને સળગાવવાને કારણે ખૂબ મોટા અવાજ સાથેનો ધમાકો થવા માંડ્યો.
લગભગ તેરમી સદીમાં ઇટાલિયન પ્રવાસી માર્કો પોલો ચીન ગયો હતો જે આ મિશ્રણથી થતા અવાજ અને વાંસના ફટાકડાથી એટલો પ્રભાવિત થયો કે તે આ મિશ્રણ પોતાના દેશ ઇટલી લઈ ગયો. ઇટલીમાં આ મિશ્રણ પર વધુ પ્રયોગો કરવામાં આવ્યા અને પરિણામ સ્વરૂપે ફટાકડાની સાચા અર્થમાં શોધ થઈ. જોકે ૧૮૩૦ની સાલ સુધી જે ફટાકડા બનતા કે ઉપયોગમાં લેવામાં આવતા હતા એમાંથી માત્ર પીળા કે સફેદ રંગનો જ પ્રકાશ નીકળતો હતો. ફ્રાન્સમાં આ બાબત પર વધુ શોધખોળ કે પ્રયોગો શરૂ થયા અને દારૂગોળામાં અલગ-અલગ પ્રકારનાં રસાયણો ભેળવીને એનું પરિણામ ચકાસવાના પ્રયત્નો થવા માંડ્યા. એના પરિણામ સ્વરૂપે આજના આધુનિક રંગબેરંગી ફટાકડાઓ આપણને મળ્યા.
બીજી એક માન્યતા એવી પણ છે કે ફટાકડાનો આવિષ્કાર ચાઇનામાં આકસ્મિક રીતે થયો હતો. એક રસોઇયાથી રસોઈ બનાવતી વેળા ભૂલમાં ચૂલાના અગ્નિ પર કોઈ પદાર્થ ઢોળાઈ ગયો અને એમાંથી અલગ જ રંગની જ્વાળાઓ નીકળવા માંડી. આ જોઈને બધાને આશ્ચર્ય થયું અને તેમણે આ વિશે વધુ પ્રયોગો કરવા માંડ્યા, જેના પરિણામ સ્વરૂપે આપણને આજના ફટાકડા મળ્યા.
ભારતમાં ફટાકડા ક્યારથી?
તમે વિશ્વના જાણીતા ફટાકડાના ઇતિહાસની વાતો કહીને ભારતના ઐતિહાસિક ખજાના અને ખોજોને ભૂગર્ભના વધુ ઊંડાણમાં દાટી નહીં દઈ શકો. ભારત જિજ્ઞાસા દ્વારા જ્ઞાનપ્રાપ્તિ, શોધ અને બુદ્ધિપ્રતિભામાં વર્ષોથી વિશ્વમાં મહાનાયક રહ્યું છે અને રહેશે. તમને અમારી આ વાત શું અતિશયોક્તિ લાગે છે? શક્ય છે લાગે પણ ખરી, પણ હકીકત વાંચશો પછી કદાચ નહીં લાગે. 
એક અંદાજ લગાવી શકો કે ભારતના સંદર્ભમાં ફટાકડાનો ઇતિહાસ કેટલો પુરાણો હશે? અમે કહ્યુંને કે સંસ્કૃતિ અને ઇતિહાસના મામલે ભારત વર્ષોથી એક સમૃદ્ધ દેશ રહ્યો છે અને રહેશે. આજના આ આધુનિક સમયથી પીઠ ફેરવીને એક વાર પાછળની તરફ નજર કરીએ ત્યારે સમજાય છે કે આપણા પૂર્વજો આપણા કરતાં પણ ક્યાંય ઉચ્ચ કક્ષાના આધુનિક અને ભેજાબાજ હતા. ભારતની ગણિતવિજ્ઞાનમાં શોધો, શૂન્યનો આવિષ્કાર અને એવી અનેક સિદ્ધિઓ આજે હવે વિશ્વથી અજાણી નથી. જોકે ફટાકડાની બાબતમાં ભારત વિશે કદાચ હજી આપણે ભારતીયો જ પૂરતું જાણતા નથી તો વિશ્વને તો કઈ રીતે જણાવી શકવાના. વિશ્વકક્ષાએ જનસામાન્ય માહિતી એવી ખરી કે ફટાકડાની શોધ ચાઈનામાં થઈ હતી, પરંતુ ભારતને તમે આમ નજરઅંદાજ કરો એ તે કઈ રીતે ચાલે? 
ભારતનું અગ્નિચૂર્ણ
સાહેબ. તમે નહીં માનો પણ ચાઇનામાં તો ફટાકડાની શોધ થઈ હજી ક્યારે? લગભગ ૧૩૦૦ વર્ષ પહેલાં જને, જ્યારે ભારતમાં ૩૦૦ BCE મતલબ કે આશરે ૨૩૦૦ વર્ષ પહેલાં ભારતના મહાન ગણિતજ્ઞ કૌટિલ્યજીના અર્થશાસ્ત્રમાં એનો ઉલ્લેખ મળે છે. એમાં ‘અગ્નિચૂર્ણ’ જેને ગુજરાતીમાં આપણે ‘સૂરોખાર’ તરીકે ઓળખીએ છીએ (એક પ્રકારનું મીઠું) એનો ઉલ્લેખ મળે છે. કૌટિલ્યજીએ નોંધ્યું છે કે યુદ્ધ સમયે દુશ્મન સાથે લડવા માટે સૂરોખાર પાઉડરનો અગ્નિ અને ધુમાડો ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરી શકાય.
ત્યાર બાદ ૬૦૦ BCE એટલે કે છઠ્ઠી સદીમાં કાશ્મીરના એક પ્રાચીન ગ્રંથ નીલમાતા પુરાણમાં તો સીધેસીધો દિવાળી અને ફટાકડાનો સંબંધ પણ સ્થાપિત થઈ જાય એવી માહિતી વાંચવા મળે છે. કાશ્મીરનું આ નીલમાતા પુરાણ ઇતિહાસ, ભૂગોળ, ધર્મ અને લોકકથાઓની અનેક જાણકારી આપતો એક સમૃદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથમાં એવો ઉલ્લેખ મળે છે કે મૃત પૂર્વજોને પથદર્શન માટે કાર્તિક માસ (દિવાળી)ના ૧૪ અને ૧૫મા દિવસે આતશબાજી કરવામાં આવે છે, જેના પ્રકાશ દ્વારા મૃતકો સ્વર્ગ તરફનો માર્ગ હાંસલ કરી શકે અને આ રીતે તેમને પિતૃયોનિમાં પ્રવેશ કરવામાં મદદરૂપ બની શકાય.
અચ્છા, ફટાકડાની શોધ અને સૌપ્રથમ ઉત્પાદન ચાઇનામાં થયું હતું એવી માન્યતાને તો ખુદ ચાઇનાનું પુરાણ સાહિત્ય જ રદિયો આપે છે. ૭૦૦ BCE એટલે કે આશરે ૧૩૦૦ વર્ષ પહેલાંના (જે સમયગાળામાં ચાઇનામાં ફટાકડાની શોધ થઈ હતી એવું વિશ્વ માને છે) ચીની સાહિત્યમાં જ આ બાબતનો ઉલ્લેખ મળે છે કે ઉત્તર-પશ્ચિમ ભારતના લોકો સૉલ્ટપેટર એટલે કે સૂરોખાર વિશે જાણે છે. એમાંથી પર્પલ (ભૂરા) રંગની જ્વાળાઓ નીકળે છે અને ભારતના લોકો એનો ઉપયોગ જેટલો સૈન્ય માટે કે યુદ્ધ માટે કરે છે એના કરતાં સૌંદર્ય-સર્જન (આતશબાજી) અને ધાર્મિક સકારાત્મકતા માટે વધુ કરે છે.
એટલું જ નહીં, ભારતે તો ફટાકડાની બનાવટ માટેનાં સૂત્રો પણ શોધી કાઢ્યાં હતાં અને એની નોંધ પણ કરવામાં આવી હતી. ૧૯૫૦ની સાલમાં મરાઠી ભાષાના દિવંગત ઇતિહાસકાર પીકે ગોડેનો એક ગ્રંથ ‘આતશબાજીનો ઇતિહાસ’ પ્રકાશિત થયો હતો. એમાં તેમણે ભારતમાં ફટાકડાઓના આગમનથી લઈને ઉપયોગ સુધીની વાતો જણાવી છે. ગોડેજીએ તેમના આ ગ્રંથમાં સ્પષ્ટપણે એ વાત લખી છે કે ઓડિસાના પ્રતિષ્ઠિત લેખક ગજપતિ પ્રતાપરુદ્રદેવના સંસ્કૃત ગ્રંથ ‘કૌતુક ચિંતામણિ’માં ફટાકડાના નિર્માણનાં સૂત્રો મળે છે. એટલું જ શું કામ, તમે આપણા મહાન સંત એકનાથજીનું મહાન કાવ્યસર્જન એવું ‘રુક્મિણી સ્વયંવર’ વાંચ્યું છે? એકનાથજીએ તેમના આ કાવ્યમાં રુક્મિણીજીના સ્વયંવરમાં ફૂલઝડી અને રૉકેટ જેવા અગ્નિવર્ષા કરતા ફટાકડાઓનો ઉલ્લેખ કર્યો છે.
મુગલો અને ફટાકડા
અરે, વધુ દૂર શા માટે જઈએ. ભારતમાં મુગલ સલ્તનતનું રાજ હતું ત્યારના ક્રૂર રાજા ઔરંગઝેબની જ વાત લઈ લો. ૯ એપ્રિલ, ૧૬૬૭ની સાલ જ્યારે ઔરંગઝેબે એક ફરમાન દ્વારા ભારતમાં આતશબાજી પ્રતિબંધિત કરી હતી. આ ફરમાનમાં તેણે ભારત દેશની પ્રજાને આતશબાજી કરવા પર મનાઈ ફરમાવી હતી. એટલું જ નહીં, ઔરંગઝેબે આ ફરમાનમાં ફટાકડા કે કોઈ પણ પ્રકારની આતશબાજીના ઉત્પાદન કે બનાવટ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો અને કહેવાયું હતું કે કોઈ પણ હિન્દુ દિવાળી જેવા ઉત્સવમાં કે લગ્નપ્રસંગો અથવા ધાર્મિક તહેવારોમાં આતશબાજી કરી શકાશે નહીં.              
હા, એ વાત સાચી કે પહેલાંના સમયમાં ફટાકડાનો ઉપયોગ કે પ્રદર્શન એ માત્ર ધનાઢ્ય લોકોની ઉજવણીનો વિષય હતો. ઇતિહાસકાર પીકે ગોડેજીએ પોતાના ગ્રંથમાં લખ્યું છે કે ૧૪૪૩ની સાલમાં વિજયનગરમાં રાજવી દેવરાય દ્વિતીયના રાજમાં એ સમયે મહાનવમીનો ઉત્સવ ઊજવાઈ રહ્યો હતો ત્યારે તૈમૂર સુલતાન શાહરુખનો રાજદૂત અબ્દુલ રઝાક સુલતાનનો શુભેચ્છા-સંદેશ લઈને વિજયનગર આવ્યો હતો. અબ્દુલ રઝાકે તેની આ મુલાકાત વિશે સુલતાનને કહ્યું હતું કે વિજયનગરના લોકો આતશબાજીમાં માહેર હતા અને રાજા તથા પ્રજાના મનોરંજન માટે એકથી એક ચડિયાતી આતશબાજી આખા વિજયનગરમાં થઈ રહી હતી. વિજયનગર વિશેની આ જ વાત એ સમયે યાત્રી તરીકે ભારતભ્રમણ કરી રહેલા યુરોપના પ્રવાસી લ્યુડોવિકો વર્થમાંએ પણ પોતાની નોંધમાં લખી છે.
ભારતમાં ફટાકડાનો પ્રયોગ એ કોઈ નવી વાત નથી. હા, એ વાત સાચી કે એનો ઉપયોગ ચાઇના સાથેના વ્યાપાર અને સૈન્યના સંપર્કને કારણે મુગલ સામ્રાજ્યના સમયમાં વધ્યો. જોકે ઇતિહાસકારો એ બાબત નિ:શંકપણે જણાવે છે કે ભારતમાં ફટાકડા બનાવવાની સામગ્રીઓ વિશેનું જ્ઞાન ૩૦૦ ઈસાપૂર્વથી હતું. જ્યારે બારુદ બનાવવાનું જ્ઞાન ૮મી સદીમાં પણ ભારતમાં હતું જ અને આ બાબતનો ઉલ્લેખ તો સંસ્કૃત ગ્રંથ ‘વૈશમ્પાયનની નીતિપ્રકાશિકા’માં પણ મળે છે. એ વાત સાચી કે ભારતમાં આ બારુદની અસરકારકતા વિશે એ સમયે કદાચ એટલી ક્લૅરિટી નહોતી, પરંતુ પુરાણોમાં એનો ઉલ્લેખ ‘અગ્નિચૂર્ણ’ નામથી થયો છે ખરો.
મરાઠી સાહિત્ય દ્વારા ઇતિહાસ ઉજાગર
પીકે ગોડેજી મરાઠી સાહિત્યના પ્રખર અભ્યાસી હતા. કહેવાય છે કે તેઓ તેમના સમયમાં મરાઠી સાહિત્ય અને ઇતિહાસને પી ગયા હતા. ગોડેજી તેમના આ ગ્રંથમાં અઢારમી સદી વિશે વાત કરતાં પુરાવાઓ રજૂ કરે છે. તેઓ કહે છે કે અઢારમી સદીમાં ભારતમાં દિવાળી મહોત્સવની ભવ્ય ઉજવણી દરમિયાન ફટાકડાનો ઉલ્લેખ કંઈક આ રીતે મળે છે. ‘પેશ્વાયાન્ચી બખર’ મરાઠી ક્રોનિકલ ટેક્સ્ટમાં ખુદ મહાદજી સિંધિયાએ પેશ્વા સવાઈ માધવરાવ દ્વારા કોટા (રાજસ્થાન)માં ચાર દિવસ દિવાળી ઉત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કર્યું એના વિશે જણાવ્યું છે. મહાદજી સિંધિયાએ તેમની નોંધમાં કહ્યું છે કે આ ચાર દિવસ દરમિયાન રાજા પોતાના પરિસરમાં ભવ્ય આતશબાજીનું પ્રદર્શન કરે છે જેને તેમણે ‘આતશબાજીની લંકા’ નામ આપ્યું હતું. પરિસરમાં ઘરેણાં અને રાક્ષસોથી ઘેરાયેલા રાવણની એક તસવીરને મધ્યમાં રાખવામાં આવતી અને આતશબાજી દ્વારા હનુમાનની પૂંછડી સળગાવી રાવણની તે તસવીરને બાળવામાં આવતી જેને પેશ્વા આતશબાજીની લંકા તરીકે ઓળખાવતા હતા. આ ચાર દિવસ દરમિયાન આખા રાજ્યની પ્રજા રાજા દ્વારા કરવામાં આવતા આ આતશબાજીના પ્રદર્શનને જોવા આવતી હતી. મરાઠી ક્રોનિકલ ટેક્સ્ટ ‘પેશ્વાયાન્ચી બખર’માં આ વિશેનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
ભારતમાં પોર્ટુગીઝો આવ્યા એ સમયમાં પોર્ટુગલ અધિકારી તરીકે દુઆર્ટે બારબોસા કાર્યરત હતો. સાહિત્યપ્રેમી અને ભ્રમણ દ્વારા ઇતિહાસ સંપાદનનું કાર્ય કરનારા દુઆર્ટે બારબોસાએ પોતાની યાત્રા નોંધમાં લખ્યું છે કે (લગભગ ૧૫૧૮ની સાલમાં) ગુજરાતી સમાજના એક બ્રાહ્મણના ઘરે તેમની દીકરીના લગ્નપ્રસંગમાં હાજરી આપવાનું થયું. એ સમયે મેં જોયું કે લગ્નમાં વરરાજા અને દીકરીના મનોરંજન માટે નૃત્ય અને ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે બોમ અને રૉકેટ જેવી આતશબાજી સળગાવી હતી. ભારત આવેલા પોર્ટુગલ અધિકારીની અંગત નોંધમાં આ બાબતનો ઉલ્લેખ મળે છે.
માત્ર દિવાળીમાં જ ફૂટે છે?
અચ્છા, ભારતમાં એક એવી ભ્રમણા ઊભી કરવામાં આવી છે કે ફટાકડાઓ માત્ર દિવાળીમાં જ ફોડવામાં આવે છે અને હિન્દુઓ સાથે જ આ પ્રથા જોડાયેલી છે અને તેઓ ફટાકડાઓ દ્વારા પ્રદૂષણ ફેલાવે છે. જોકે ફટાકડાઓનું ચલણ અને ઉપયોગ મુગલ સામ્રાજ્ય દરમિયાન ભારતમાં વધ્યો અને વિકસ્યો. ભારતના ઇતિહાસમાં આ વાત નોંધાયેલી છે. અવધના નવાબ આસફ-ઉદ-દૌલા આતશબાજીના ખૂબ શોખીન હતા અને તેમને આ આતશબાજીમાં જે ફૂલ, નાગ, માછલી જેવા આકારો બનતા એ ખૂબ ગમતા હતા. ૧૬૦૯ ADની આ હકીકત જાણો છો? ઇતિહાસકાર સતીશ ચંદ્રએ તેમના પુસ્તક ‘મધ્યયુગનું ભારત’માં લખ્યું છે કે બીજાપુરના મુગલ સુલતાન ઇબ્રાહિમ આદિલ શાહે તેના એક દરબારીની પુત્રીનાં લગ્ન નિઝામશાહી સેનાપતિ મલિક અંબાર સાથે કરાવ્યાં ત્યારે તેણે તે સેનાપતિને દહેજમાં ખૂબ મોટી રકમ આપી હતી અને તે સમયમાં ૮૦,૦૦૦ જેટલી અધધધ રકમ માત્ર આતશબાજી પાછળ ખર્ચવામાં આવી હતી. એટલું જ નહીં, મુગલ સામ્રાજ્ય દરમિયાન મુગલ રાજાઓ માત્ર પોતાના મનોરંજન માટે પોતાના રાજ્યમાં આખી-આખી રાત આતશબાજી કરાવતા હોવાનો ઉલ્લેખ પણ ઇતિહાસકારો દ્વારા થયો છે.
ફટાકડા ફોડવા એ દિવાળીની ઉજવણીનું અભિન્ન અંગ છે કે દિવાળી એ ફટાકડાઓનું એ તો આપણે વાચકોએ નક્કી કરવાનું છે. જોકે હવે પછી કોઈ કહે કે ભારતીયોને ફટાકડા મૂળ ચાઇના તરફથી મળ્યા છે તો જરા કૉલર ઊંચા કરીને કહેજો ખરા કે ચાઇના શું ખાક આપવાનું હતું? ભારત આ શોધ વર્ષો પહેલાં કરી ચૂક્યું હતું. બાકી જીવનમાં હોય કે દિમાગમાં દિવાળી તો આમેય અંધકાર દૂર કરવાનો તહેવાર છે.

ફટાકડા ઉત્પાદન ઇન્ડસ્ટ્રી 
ફટાકડાના ઉત્પાદનની ઔપચારિક શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં પહેલાં આપણે એ જાણવું પડશે કે ભારતમાં ફટાકડાની ઇન્ડસ્ટ્રીનાં પગરણ કઈ રીતે મંડાયાં અને સિવાકાસી ભારતમાં ફટાકડા ઉત્પાદનનું હબ કઈ રીતે બન્યું? તો આ વાતનાં મૂળિયા ક્યાંક ૧૯મી સદીમાં મળે છે. વાત છે સાલ ૧૯૨૩ની. તામિલનાડુના સિવાકાસીમાં જન્મેલા અય્યા નાદર અને શન્મુગ નાદર પોતાના ભવિષ્ય-ઘડતર માટે કામધંધાની શોધમાં તેમની જન્મભૂમિ સિવાકાસી છોડીને બંગાળની વાટ પકડે છે. તે સમયમાં બંગાળનાં બંદરો પરથી વિશ્વભરનો વ્યાપાર ચાલતો હતો. આ સમય દરમિયાન જ બંગાળમાં માચીસ બનાવતી એક નવી કંપની શરૂ થઈ. નાદર ભાઈઓ એ ફૅક્ટરીમાં જોડાઈ ગયા. મોટા ભાઈ અય્યા નાદર ખૂબ ઝડપથી માચીસ બનાવવાનું કામ અને એની ટેક્નિકલિટી બાબતે શીખી ગયા. કામ સંપૂર્ણપણે શીખી લીધા બાદ તેમણે ફરી પોતાની જન્મભૂમિ તરફ પાછા વળવાનું નક્કી કર્યું અને સિવાકાસી આવીને પોતાની ફૅક્ટરી શરૂ કરી. ૧૯૪૦ની સાલમાં ભારતના એક્સપ્લોઝિવ ઍક્ટમાં સરકાર (અંગ્રેજ સરકાર) દ્વારા એક મોટો સુધારો આમેજ કરવામાં આવ્યો અને આ સુધારા અનુસાર કેટલાક પ્રકારના ફટાકડા ભારતમાં બનાવવાની કે ઉત્પાદન કરવાની છૂટ આપવામાં આવી. નાદર ભાઈઓએ આ તક તરત ઝડપી લીધી અને તેમણે સિવાકાસીમાં ફટાકડા બનાવવાની એક ફૅક્ટરીની શરૂઆત કરી. ત્યાર બાદ સિવાકાસીમાં ફટાકડા ઉત્પાદનનો આ ધંધો એટલો ફૂલ્યો-ફાલ્યો કે ૧૯૮૦ની સાલ સુધીમાં એટલે કે ચાલીસ વર્ષના સમયગાળામાં તો એકલા સિવાકાસીમાં જ ફટાકડાની ૧૮૯ ફૅક્ટરીઓ ઊભી થઇ ગઈ હતી. 



૫૦૦૦ કરોડનું માર્કેટ
ખબર છે આજે ભારતમાં ફટાકડાનું માર્કેટ કેટલું છે? ભારતમાં ફાયરક્રૅકર ઇન્ડસ્ટ્રી લગભગ ૫૦૦૦ કરોડની છે. એટલું જ નહીં, આ ઇન્ડસ્ટ્રી લગભગ ૯ લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. જોકે આપણા જ દેશના વેપારીઓ પણ ઉત્પાદકો અને ગ્રાહકોને લૂંટે છે. તમને ખબર છે કે સિવાકાસીમાં બનતી એક ફટાકડાની લડી જેની ઉત્પાદન પડતર ૭૦ રૂપિયા હોય છે (જેમાં ઉત્પાદકનું નફા-માર્જિન પણ આવી ગયું) એ તમારા ગજવા સુધી પહોંચતાં ૭૦૦ રૂપિયા કરતાં પણ વધુની બની જાય છે. મતલબ કે સો ગણા કરતાં પણ વધુ પ્રોફિટ માર્જિન. અને આવી ઇન્ડસ્ટ્રીએ આવા ઘરના વેપારીઓ સાથે તો લડવું જ પડે છે સાથે જ આજે ભારતની આ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડસ્ટ્રી વિદેશી ઘૂસપેઠિયાને કારણે પણ ધીમે-ધીમે મરી રહી છે. આ પરિસ્થિતિ માટેનું એક મુખ્ય કારણ શું? ચાઇના. વિશ્વ પર પોતાનું આધિપત્ય જમાવી લેવાની મનસા રાખીને દરેક ક્ષેત્રે ઘૂસપેઠ કરવાવાળું ચાઇના આ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ ઝડપથી અને હોશિયારીપૂર્વક આપણા દેશમાં ઘૂસી રહ્યું છે. પણ એ કઈ રીતે શક્ય છે? આ સાવ ખોટી વાત છે, કારણ કે આપણા દેશમાં ફટાકડા ઇન્ડસ્ટ્રીમાં ચાઇના ઘૂસપેઠ કરી શકે એ તો શક્ય જ નથી. ભારતનો કાયદો એવી પરવાનગી જ નથી આપતો. 
ભારતીય કાયદા અનુસાર ‘ભારતમાં બનતા કોઈ પણ ફટાકડા બીજા દેશોમાં એક્સપોર્ટ કરવાની પરવાનગી નથી અને સાથે જ ભારત સિવાયના કોઈ પણ દેશમાંથી ફટાકડાની આયાત કરવાની પણ પરવાનગી નથી.’ આ વાક્યનો અર્થ સમજાય છે? મતલબ કે ચાઇનાથી જે પણ ફટાકડા આવે છે એ સ્મગલિંગ છે, ગેરકાયદે છે અને ગેરકાયદે એટલે શું? કોઈ પણ જાતનો સરકારી ટૅક્સ ભર્યા વિના. મતલબ કે આવા ફટાકડાઓ ખરીદી કે વાપરીને આપણે આપણી જ સરકાર સામે ચોરી કરવાની કોઈ વિદેશીને પરોક્ષ રીતે પરવાનગી આપીએ છીએ. બીજું, ચાઇના ફટાકડાની માર્કેટમાં આધિપત્ય જમાવવા માટે સસ્તા ફટાકડા બનાવવાની વેતરણમાં હોય છે જે માટે એ સસ્તા અને અતિ નુકસાનકારક કેમિકલ્સ આવા ફટાકડાઓમાં વાપરે છે. એને કારણે વાતાવરણને તો અકલ્પનીય નુકસાન થાય છે એ તો ખરું જ, સાથે જ આપણાં બાળકોની ચામડીને નુકસાન થવાથી લઈને જીવ ગુમાવી બેસવા સુધીનું જોખમ આ ફટાકડાઓની ખરીદી દ્વારા આપણે ઉઠાવી રહ્યા છીએ. 
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયાના ચૅરમૅન બી સી. ભરતીયા કહે છે કે ભારતની ફટાકડા ઇન્ડસ્ટ્રી લગભગ દસ લાખ લોકોને રોજગારી આપે છે અને આ મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ૫૦૦૦ કરોડની ઇન્ડસ્ટ્રી છે. જોકે કોર્ટ અને સરકાર દ્વારા રોજ લાદવામાં આવતા નવા-નવા પ્રતિબંધોને કારણે અને ચાઇનાના જેવા અનધિકૃત ઘૂસણખોરને લીધે આ ઇન્ડસ્ટ્રી મરી રહી છે. એકલા સિવાકાસીમાં જ આશરે ૧૦૦૦ જેટલા લાઇસન્સ્ડ ક્રૅકર્સ મેકર્સ છે. સિવાકાસીની ઇકૉનૉમી તો આ ઇન્ડસ્ટ્રી પર નભે જ છે, પરંતુ તામિલનાડુની ઇકૉનૉમીમાં પણ સિવાકાસીની ફટાકડા ઇન્ડસ્ટ્રીનો ખૂબ મોટો ફાળો છે. ફટાકડાના ઉત્પાદકો દિવાળી જેવા પ્રસંગ નજીક હોય એ પહેલાં મોટી-મોટી લોન લઈને પોતાની ફૅક્ટરીમાં ઉત્પાદન શરૂ કરતા હોય છે, પણ કોર્ટ કે સરકાર દ્વારા ફટાકડા પર પાબંદી મૂકવાને કારણે તેમની હાલત કફોડી થઈ જાય છે.


ફટાકડાનો વિદેશપ્રવાસ
૧૪૮૬ની સાલમાં ઇંગ્લૅન્ડના રાજા હેન્રી સાતમાનાં લગ્નમાં જબરદસ્ત આતશબાજી કરવામાં આવી હતી. એટલું જ નહીં, ઇંગ્લૅન્ડના જ રાજા ચાર્લ્સ દ્વિતીયએ તો તેની સેનાને ખાસ ફટાકડા સળગાવવાની ટ્રેઇનિંગ અપાવી હતી જેથી સૈન્ય યુદ્ધ જીતીને આવે ત્યારે એની ઉજવણી જોશ અને ઉમંગભેર થઈ શકે. જુલાઈ ૧૭૧૭માં અમેરિકા આઝાદ થયું ત્યારે પણ જબરદસ્ત આતશબાજી કરવામાં આવી હતી. અચ્છા, અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ જ્યૉર્જ વૉશિંગ્ટનનું ઔપચારિક સ્વાગત પણ જબરદસ્ત આતશબાજી દ્વારા જ અમેરિકામાં કરવામાં આવ્યું હતું.    
જોકે વર્તમાન સમયમાં ફટાકડા માત્ર હવે દિવાળી પ્રસંગની ઉજવણી માટેનું જ સાધન નથી રહ્યા. ચૂંટણીનાં પરિણામોની ઉજવણી, ક્રિકેટ મૅચ જીત્યા હોય ત્યારે, લગ્નસમારંભોમાં અને ડિસેમ્બરમાં ક્રિસમસ સેલિબ્રેશનમાં તો આખા વિશ્વમાં ભરપૂર ફટાકડાઓ ફોડાય જ છે. એમ છતાં આજે ભારતની આ ઇન્ડસ્ટ્રી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લોહીપાણી એક કરી રહી છે. સરકારથી લઈને સંજોગો સુધીનાં તમામ પરિબળો સામે આ ઇન્ડસ્ટ્રી લડી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2021 11:11 AM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK