Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બૉમ્બે હાઈ કોર્ટના પહેલા હિન્દી જજ અને પહેલા ચીફ જસ્ટિસ હતા ગુજરાતી

બૉમ્બે હાઈ કોર્ટના પહેલા હિન્દી જજ અને પહેલા ચીફ જસ્ટિસ હતા ગુજરાતી

12 June, 2021 03:31 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

દેશને આઝાદી મળી ત્યાં સુધી બૉમ્બે હાઈ કોર્ટના એકેએક ચીફ જસ્ટિસ અંગ્રેજ હતા. ૧૯૪૮માં એ પ્રથાનો અંત આવ્યો અને મહંમદ કરીમ ચાગલા ચીફ જસ્ટિસ બન્યા હતા

ક્વીન વિક્ટોરિયા – ૧૮ વરસની ઉંમરે રાજ્યારોહણ પ્રસંગે.

ક્વીન વિક્ટોરિયા – ૧૮ વરસની ઉંમરે રાજ્યારોહણ પ્રસંગે.


બૉમ્બે, કલકત્તા અને મદ્રાસ હાઈ કોર્ટનાં નામ બદલવાની માગણી અવારનવાર ઊઠતી રહે છે. છતાં એ નામ બદલાતાં નથી એનું કારણ શું? કારણ એની જન્મકુંડળી. ત્રણે હાઈ કોર્ટની કુંડળીમાં કેન્દ્રસ્થાને બ્રિટિશ પાર્લમેન્ટ નહીં, પણ ગ્રેટ બ્રિટનનાં રાણી રહેલાં છે. ૧૮૫૭માં આ ત્રણ હાઈ કોર્ટ શરૂ થઈ એ પછી અંગ્રેજોએ આપણા દેશમાં જે બીજી હાઈ કોર્ટો શરૂ કરી એ બધી બ્રિટિશ પાર્લમેન્ટના કાયદા હેઠળ કરી હતી. તો આ ત્રણ હાઈ કોર્ટ ગેરકાયદેસર છે? એનો જવાબ મેળવવા માટે આપણે મુંબઈ હાઈ કોર્ટની જન્મગાથા જાણવી પડશે.

રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો



૧૮૬૧માં બ્રિટિશ પાર્લમેન્ટે ‘ઇન્ડિયન હાઈ કોર્ટ’ ઍક્ટ પાસ કર્યો, પણ આ કાયદા દ્વારા પાર્લમેન્ટે હાઈ કોર્ટની સ્થાપના કરી નહીં. પણ જો અને જ્યારે યોગ્ય અને જરૂરી જણાય તો અને ત્યારે આ ત્રણ ઇલાકામાં હાઈ કોર્ટ સ્થાપવાની સત્તા બ્રિટિશ સામ્રાજ્યનાં નામદાર મહારાણીને આપી. આ મહારાણી એટલે ક્વીન વિક્ટોરિયા. ૧૮૧૯માં જન્મ, ૧૯૦૧માં અવસાન. માત્ર ૧૮ વરસની ઉંમરે મહારાણી બન્યાં અને પૂરાં ૬૪ વરસ સુધી અડધી દુનિયા પર રાજ કર્યું. પાર્લમેન્ટે આપેલી સત્તા પ્રમાણે ૧૮૬૨ના જૂનની ૨૬મી તારીખે રાણી વિક્ટોરિયાએ બૉમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતો ઢંઢેરો બહાર પાડ્યો. પહેલવહેલા સાત ન્યાયાધીશની નિમણૂક પણ કરવામાં આવી. એ સાત તે : સર મૅથ્યુ રિચર્ડ સોસ (ચીફ જસ્ટિસ), સર જૉસેફ આર્નોલ્ડ, સર રિચર્ડ કોચ, મિસ્ટર હેનરી હર્બર્ટ, મિસ્ટર ક્લોડિયસ જેમ્સ અર્સ્કિન, મિસ્ટર ઍલેક્ઝાન્ડર કિનલોક ફૉર્બ્સ અને મિસ્ટર હેનરી ન્યુટન.


ગુજરાતી કનેક્શન

આ સાતમાંથી એક જજ ગુજરાતનાં ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય, સંસ્થાઓ વગેરે સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એ જજ તે ઍલેક્ઝાન્ડર કિનલોક ફૉર્બ્સ. કવીશ્વર દલપતરામની સહાયથી જરૂરી સાધનો મેળવીને ગુજરાત વિશેનું પહેલવહેલું અંગ્રેજી પુસ્તક ‘રાસમાળા’ લખનાર આ અંગ્રેજ અધિકારી. ૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થપાઈ એ એમના  પ્રતાપે. બદલી થતાં સુરત ગયા તો ત્યાં ૧૮૫૦માં ઍન્ડ્રુઝ લાઇબ્રેરી શરૂ કરાવી. મુંબઈ આવ્યા પછી ૧૮૬૫માં ‘ગુજરાતી સભા, મુંબઈ’ની સ્થાપનામાં આગળ પડતો ભાગ લીધો અને એના પહેલા પ્રમુખ ચૂંટાયા. તેમના નેજા નીચે શરૂ થયેલી આ ત્રણે સંસ્થા આજ સુધી ટકી રહી છે. ફૉર્બ્સના અવસાન પછી તેમની યાદગીરી કાયમ રાખવાના ઉદ્દેશથી મુંબઈની સંસ્થાનું નામ બદલીને ‘ફાર્બસ ગુજરાતી સભા’ રાખવામાં આવ્યું.


ફૉર્બ્સનો જન્મ લંડન શહેરમાં ૧૮૨૧ના જુલાઈ મહિનાની સાતમી તારીખે. યુવાન વયે તેમણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાવાનું પસંદ કર્યું. તાલીમ પૂરી થયા પછી બૉમ્બે પ્રેસિડન્સીની સિવિલ સર્વિસમાં ફાર્બસ ૧૮૪૨ના ડિસેમ્બરની ૩૦મી તારીખે જોડાયા. પણ એ પછી લગભગ એક વર્ષે, ૧૮૪૩ના નવેમ્બરની ૧૫મી તારીખે તેમણે પહેલી વાર હિન્દુસ્તાનની ધરતી પર – મુંબઈના બારામાં - પગ મૂક્યો. જિંદગીનાં બાકીનાં બધાં વર્ષો તેમણે હિન્દુસ્તાનમાં બલકે બૉમ્બે પ્રેસિડન્સીમાં જ વિતાવ્યાં. પુણે ખાતે ૪૪ વર્ષની ઉંમરે ૧૮૬૫ના ઑગસ્ટની ૩૧મી તારીખે તેમનું અવસાન થયું.

ખેર, આપણે પાછા બૉમ્બે હાઈ

કોર્ટ જઈએ. એ દિવસ હતો ૧૪

ઑગસ્ટ, ૧૮૬૨નો. કંપની સરકારનું રાજ ખતમ થઈ ગયું હતું અને ગ્રેટ બ્રિટનના તાજનું રાજ સ્થપાઈ ચૂક્યું હતું. બૉમ્બે હાઈ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પરથી કે વિકીપીડિયા પરથી ઉદ્ઘાટન સમારંભ વિશે તેની તારીખ સિવાય બીજી કશી માહિતી મળતી નથી. એ વખતે મુંબઈના ગવર્નર હતા તાજે નીમેલા પહેલવહેલા ગવર્નર સર બાર્ટલ ફ્રેરે. સામાન્ય રીતે તો આવા મોટા પ્રસંગે ગવર્નર હાજર હોય. પણ બૉમ્બે ગૅઝેટ નામના અખબારના ૧૪ ઑગસ્ટ, ૧૮૬૨ના અંકમાં છપાયેલા ખબર પ્રમાણે એ વખતે પુણેમાં લેજિસ્લેટિવ કાઉન્સિલની બેઠક ચાલતી હતી અને ગવર્નર એના અધ્યક્ષસ્થાને હોવાથી

તેમણે પુણેમાં રહેવું અનિવાર્ય હતું.

છતાં ૧૩મી ઑગસ્ટે સવારે તેઓ

પુણેથી મુંબઈ આવ્યા હતા. દિવસ દરમ્યાન હાઈ કોર્ટના ઉદ્ઘાટન માટેની બધી તૈયારી કરી હતી અને સાંજે પાછા પુણે જવા ઊપડી ગયા હતા. ૧૫ ઑગસ્ટ, ૧૮૬૨ના બૉમ્બે

ગૅઝેટમાં છપાયેલા સમાચાર પ્રમાણે ટાઉનહૉલના દરબાર હૉલમાં હાઈ કોર્ટનો ઉદ્ઘાટન સમારંભ ૧૪મી તારીખે યોજાયો હતો. એ વખતે શહેરના અગ્રણીઓની હાજરીમાં દબદબાપૂર્વક યોજાયેલા સમારંભમાં બૉમ્બે ગવર્નમેન્ટના ઍક્ટિંગ સેક્રેટરી જે. એમ. શો સ્ટુઅર્ટ, ઍડ્વોકેટ જનરલ મિસ્ટર લુઈ,

બ્રિગેડિયર લિડેલ, કર્નલ બાર, ડૉક્ટર બ્રોટન, કર્નલ ફ્રેન્ચ‍ તથા અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો હાજર હતા. રાણીએ નીમેલા કુલ સાત જજસાહેબોમાંથી માત્ર ચાર જ આ સમાંરભમાં હાજર રહી શક્યા હતા. સૌથી પહેલાં સર મૅથ્યુ રિચર્ડ

સોસે ચીફ જસ્ટિસ તરીકેના સોગંદ લીધા હતા. એ પછી મિસ્ટર હેનરી હર્બર્ટ, મિસ્ટર ઍલેક્ઝાન્ડર કિનલોક ફૉર્બ્સ અને સર રિચર્ડ કોચ એ ત્રણેએ જજ તરીકેના શપથ લીધા હતા. ઉદ્ઘાટન સમારંભ

પૂરો થયા પછીએ આ ચારે ન્યાયાધીશ સાહેબો સરઘસ આકારે એડમિરાલ્ટી હાઉસ ગયા હતા. ત્યાં ચીફ જસ્ટિસની ચેમ્બરમાં ચારેની મીટિંગ મળી હતી જે લગભગ ત્રણ કલાક ચાલી હતી.

ગુજરાત હાઈ કોર્ટની સ્થાપના

આ કોર્ટની સ્થાપના થઈ એ પછી છેક ૧૯૩૫માં ફેડરલ કોર્ટ ઑફ ઇન્ડિયાની સ્થાપના થઈ. ત્યાં સુધી મુંબઈ ઇલાકા પૂરતી બૉમ્બે હાઈ કોર્ટ સર્વોચ્ચ અદાલત હતી. એના ચુકાદા સામે અપીલ માત્ર લંડનની પ્રિવી કાઉન્સિલમાં જ થઈ શકતી. દિલ્હીમાં આવેલી આજની સુપ્રીમ કોર્ટની સ્થાપના તો ભારત પ્રજાસત્તાક બન્યું એ પછી ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૮મી તારીખે થઈ. ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખે ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને તે જ દિવસે ગુજરાત હાઈ કોર્ટની સ્થાપના કરવામાં આવી, અને એ રાજ્ય પરની બૉમ્બે હાઈ કોર્ટની હકૂમત પૂરી થઈ. ૧૯૩૬માં નાગપુર ખાતે અલાયદી હાઈ કોર્ટ સ્થપાઈ હતી, કારણ કે એ વખતે નાગપુર સેન્ટ્રલ પ્રોવિન્સ (પછીથી મધ્ય પ્રદેશ)ની રાજધાની હતું. અલગ મહારાષ્ટ્રની સ્થાપના વખતે નાગપુર હાઈ કોર્ટ બની બૉમ્બે હાઈ કોર્ટની પહેલી બેન્ચ. એ પછી ૧૯૮૨માં ઔરંગાબાદ બેન્ચ અને પણજી બેન્ચ શરૂ થઈ. આ ઉપરાંત દાદરા, નગર હવેલી, દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશો પણ બૉમ્બે હાઈ કોર્ટની હકૂમત હેઠળ છે. શરૂઆતથી છેક ૧૯૧૯ સુધી બૉમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા સાતની જ રહી હતી. પણ પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી એકાએક કેસની સંખ્યા પુષ્કળ વધી ગઈ. એટલે વખતોવખત જજસાહેબોની સંખ્યા વધતી ગઈ. આજે બૉમ્બે હાઈ કોર્ટના મંજૂર થયેલા ન્યાયાધીશોની સંખ્યા ૯૪ છે.

દેશી જજ

૧૮૬૨થી ૧૮૮૩ સુધી બૉમ્બે હાઈ કોર્ટના બધા જ ન્યાયાધીશો અંગ્રેજ હતા. ૧૮૮૩માં નિમાયેલા જસ્ટિસ નાનાભાઈ હરિદાસ પહેલવહેલા કાયમી ‘દેશી’ જજ હતા અને ૧૮૮૯માં તેમનું અવસાન થયું ત્યાં સુધી એ પદે રહ્યા હતા. જોકે તેમની પહેલાં જગન્નાથ વાસુદેવજીની નિમણૂક કેટલાક વખત માટે કામચલાઉ ન્યાયાધીશ તરીકે થઈ હતી. દેશને આઝાદી મળી ત્યાં સુધી બૉમ્બે હાઈ કોર્ટના એકેએક ચીફ જસ્ટિસ અંગ્રેજ હતા. ૧૯૪૮માં એ પ્રથાનો અંત આવ્યો અને મહંમદ કરીમ ચાગલા ચીફ જસ્ટિસ બન્યા. ૧૯૫૮માં નિવૃત્ત થયા. તેમની નિમણૂક અમેરિકા ખાતેના રાજદૂત, બ્રિટન ખાતેના હાઈ કમિશનર, કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાન અને વિદેશ ખાતાના પ્રધાન જેવાં મહત્ત્વનાં સ્થાનો પર થઈ હતી. ગુજરાતી ઇસ્માઇલી ખોજા કુટુંબમાં ઈ. સ. ૧૯૦૦ના સપ્ટેમ્બરની ૩૦મી તારીખે જન્મેલા ચાગલાનું ૧૯૮૧ના ફેબ્રુઆરીની નવમીએ અવસાન થયું હતું. આમ બૉમ્બે હાઈ કોર્ટના પહેલા દેશી જજ અને પહેલા દેશી ચીફ જસ્ટિસ બન્ને ગુજરાતી હતા. આ ઉપરાંત દેશની સુપ્રીમ કોર્ટના પહેલવહેલા ચીફ જસ્ટિસ હરિલાલ જેકિસનદાસ કણિયા પણ મૂળ બૉમ્બે હાઈ કોર્ટના અને ગુજરાતી. દેશના પહેલવહેલા ઍટર્ની જનરલ એમ. સી. સેતલવાડ પણ બૉમ્બે હાઈ કોર્ટના અને તેઓ પણ ગુજરાતી. આઝાદ હિન્દના પહેવાહેલા સૉલિસિટર જનરલ સી. કે. દફતરી પણ મુંબઈ હાઈ કોર્ટના અને ગુજરાતી.

નામ બદલવાની સત્તા કોની?

૧૯૪૭માં દેશને આઝાદી મળી એ વખતે ટ્રાન્સફર ઑફ પાવર ઍક્ટ હેઠળ બ્રિટિશ પાર્લમેન્ટે ભારતને લગતા કાયદાઓમાં સુધારાવધારા કરવાની કે તેમને રદ કરવાની સત્તા આપણી પાર્લમેન્ટને આપવામાં આવી. એટલે જે હાઈ કોર્ટોની સ્થાપના બ્રિટિશ સરકારે કાયદા હેઠળ કરેલી એનાં નામ બદલવાની સત્તા આપણી પાર્લમેન્ટને છે. પરંતુ બૉમ્બે, કલકત્તા અને મદ્રાસ હાઈ કોર્ટની સ્થાપના કાયદા દ્વારા થઈ નથી, પણ ગ્રેટ બ્રિટનનાં મહારાણીના ઢંઢેરા દ્વારા થઈ છે. અને એમાં ફેરફાર કરવાનો હક નથી આપણી પાર્લમેન્ટને કે નથી આપણા પ્રમુખને. એટલે નામ બદલવું કઈ રીતે? હા, આગલાં રાણીના ઢંઢેરામાં બ્રિટનનાં હાલનાં રાણી ફેરફાર કરી શકે ખરાં. પણ આજે જે દેશ પર પોતાની હકૂમત જ નથી એ દેશને લગતા ઢંઢેરામાં તેઓ કઈ રીતે ફેરફાર કરી શકે? એટલે બૉમ્બે અને બીજી બે હાઈ કોર્ટોનાં નામ બદલી શકાય એમ નથી! નામ ભલે ન બદલાય, પણ હાઈ કોર્ટે મકાન તો બદલ્યું છે. શરૂઆતથી ૧૮૭૯ સુધી તે એડમિરાલ્ટી હાઉસમાં કામ કરતી હતી. તેનું હાલનું મકાન બાંધવાની શરૂઆત ૧૮૭૧ના એપ્રિલમાં થઈ હતી. આજે જ્યાં આ મકાન આવેલું છે એ જગ્યા સરકારે પહેલાં તો યુનિવર્સિટી ઑફ બૉમ્બેના મકાન માટે ફાળવી હતી. ત્યાં એના મકાનની શિલારોપણ વિધિ પણ થઈ હતી પણ પછી સરકારે એ જગ્યા હાઈ કોર્ટના મકાન માટે ફાળવી. નવા મકાનમાં હાઈ કોર્ટનું કામકાજ ૧૮૭૯ના જાન્યુઆરીની ૧૦મી તારીખથી શરૂ થયું. 

હાઈ કોર્ટમાંથી નીકળીને હવે આવતા અઠવાડિયે? આગે આગે ગોરખ જાગે!

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2021 03:31 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK