૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચનારી પહેલવહેલી ગુજરાતી ફિલ્મ લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતેની સંપૂર્ણ સર્જનયાત્રા પહેલી વાર લોકો સમક્ષ લઈ આવ્યું છે મિડ-ડે
‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે’
‘ભાઈ, ત્રણ દિવસથી આપણે વાતું થાય છે પણ પછી લાંબી વાત નથી થાતી એની માટે પે’લાં તો સૉરી હોં...’
બૉક્સ-ઑફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન કરીને હજી પણ આગળ વધતી ફિલ્મ ‘લાલો – શ્રી કૃષ્ણ સદા સહાયતે’ના ડિરેક્ટર અંકિત સખિયાના અવાજમાં ગજબનાક સૉફ્ટનેસ છે અને સાથોસાથ લાચારી પણ છે. અંકિત પ્યૉર કાઠિયાવાડી છે. તેની વાતોમાં કાઠિયાવાડી શબ્દોનો છંટકાવ એકધારો ચાલુ રહે છે. ‘મિડ-ડે’ સાથેની વાત આગળ વધારતાં અંકિત કહે છે, ‘એકધારી ભાગદોડ-ભાગદોડ કરવામાં ટાઇમ જ નથી મળતો. હવે અત્યારે વાત કરીએ. અત્યારે છે એવું કે હું અમદાવાદથી બરોડા તરફ જાઉં છું ને રસ્તામાં નેટવર્કમાં વાંધો આવે એવું નથી એટલે નિરાંતે વાત થાશે.’
સાવ નવી સ્ટારકાસ્ટ સાથે ફિલ્મ બને. ફિલ્મની રિલીઝ-ડેટ અનાઉન્સ થાય પણ પછી અનિવાર્ય સંજોગોસર એ રિલીઝ ટાળવામાં આવે. પ્રથમ ગ્રાસે આવેલી આ મક્ષિકા હજી તો માંડ પાર પડે અને ૧૫ દિવસ પછી ફિલ્મ માંડ રિલીઝ થાય અને પહેલા અઠવાડિયે જ ફિલ્મ ડચકાં ખાવા માંડે. અરે, પહેલા દિવસનો પહેલો શો કૅન્સલ થાય અને ચાર દિવસમાં એવો તબક્કો આવી જાય કે આખા ગુજરાતમાં માત્ર રાજકોટ, જામનગર અને સુરતના મલ્ટિપ્લેક્સની એકેક સ્ક્રીનમાં જ ફિલ્મ ચાલતી હોય. દિવાળીના દિવસોમાં તો એવું લાગવા માંડે કે આ ફિલ્મ કોઈ OTT પ્લૅટફૉર્મ પણ નહીં ખરીદે. આ શક્યતા વચ્ચે વિચાર આવે કે જો ફિલ્મ પિટાઈ જ ગઈ છે તો શું કામ ગામડાંમાં લોકોને એમ ને એમ જ ફિલ્મ ન દેખાડવી?
અને રાજકોટ-જૂનાગઢના અંતરિયાળ ગામમાં કાયદેસર જૂના જમાનાની જેમ પાદરે મોટો સફેદ પડદો લગાડી ગામના લોકો માટે શો કરવામાં આવે અને બસ, પછી ફિલ્મમાં જોડાયેલું સ્લોગન વાતાવરણમાં ઉમેરાય. શ્રી કૃષ્ણ સદાય સહાયતે. અંકિત કહે છે, ‘અમે એમનેમ જ નથી કે’તા કે આ જે કોઈ છે એ ઉપરવાળા લાલાનો ચમત્કાર છે. અમે તો કંઈ નથી કર્યું. હા, અમે કર્મ કરતા રહ્યા, ભાગતા રહ્યા અને પછી એવું બન્યું કે લોકો પોતે ફિલ્મ જોવા થિયેટર તરફ ભાગવા માંડ્યા. હરિઇચ્છા, બીજું શું?’
બે-ચાર કે છ નહીં પણ નાના-મોટા ૧૪ પ્રોડ્યુસર-પ્રેઝન્ટર સાથે તૈયાર થયેલી આ ફિલ્મના મેકિંગની પ્રોસેસ જાણતાં પહેલાં ફિલ્મના ૧૪ પૈકીના એક પ્રોડ્યુસર, ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર અંકિત સખિયાની ‘ધ અંકિત સખિયા’ બન્યા પહેલાંની સફર જાણવા જેવી છે.
શ્રી કૃષ્ણની ભૂમિકામાં શ્રુહદ ગોસ્વામી
ADVERTISEMENT
હિન્દી ઉપરાંત કઈ-કઈ લૅન્ગ્વેજ?
‘લાલો - શ્રી કૃષ્ણ સદાય સહાયતે’ હિન્દીમાં ડબ થઈ અને હવે રિલીઝ થશે એ વાત તો હવે જગજાહેર છે પણ અંકિત સખિયા ત્યાં અટકવાના નથી. આ જ ફિલ્મ હવે તામિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ અને પંજાબીમાં પણ ડબ થઈને રિલીઝ થવાની છે. આ પહેલી ગુજરાતી ફિલ્મ હશે જે સાઉથ અને પંજાબી લૅન્ગ્વેજમાં પણ ડબ થઈ હોય.
કોણ છે આ અંકિત?
સિવિલ એન્જિનિયરિંગ કરનારા અંકિત સખિયાને તો ભણવું પણ નહોતું. અંકિત પોતે કહે છે, ‘મને તો એવું જ લાગે છે કે મારો જન્મ જ વાર્તા કહેવા માટે થયો છે. મારે તો ફિલ્મલાઇનમાં જ જાવું’તું પણ પપ્પાનું કહેવું હતું કે ડિગ્રી હોય તો સારું તો મેં ભણી નાયખું. પછી મને તેમણે કીધું કે હવે શું કરવું છે તો મેં કીધું કે હવે મને મારી રીતે લડવા દ્યો. જરૂર પડશે ન્યાં તમને કઈશ...’
અંકિતના પપ્પા બિપિનભાઈ મૂળ ખેડૂત. તેમનું મૂળ ગામ રાજકોટ જિલ્લાનું ગોંડલ પાસે આવેલું મેતા ખંભાળિયા ગામ, પણ બિપિનભાઈ વર્ષોથી સુરત રહે. સુરતમાં તેમનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ. તેમના મનમાં હતું કે દીકરો બીજું કંઈ નહીં કરે તો ઍટ લીસ્ટ પોતાની લાઇન તો સંભાળી લેશે અને એવું લાગવા પણ માંડ્યું હતું. ફિલ્મમેકિંગનું ક્યાંય થિયરેટિકલ જ્ઞાન લીધા વિના સીધા જ ફિલ્મ-મેકિંગમાં ઝંપલાવનારા અંકિત સખિયાએ પ્રતીક ગાંધીની ફિલ્મ ‘લવની લવસ્ટોરી’માં ચોથા અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. અંકિત કહે છે, ‘મારું કામ એમાં ક્લૅપ આપવાનું ને મને તો એમાંય બોવ એટલે બોવ મજા આવતી’તી. ક્લૅપ લઈને હું રેડી જ હોઉં. ડાયરેક્ટર કટ ક્યે કે તરત હું ક્લૅપમાં નવો શૉટ-નંબર લખીને પહોંચી જાઉં. ઘણી વાર ડાયરેક્ટર ગરમ થાય કે જરાક તો શાંતિ રાખ, શાં તો ખાવા દે.’
એ પછી અંકિત ‘પ્રેમ પ્રકરણ’ નામની ફિલ્મમાં પણ અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયો. કહે છેને, મન હોય તો માળવે જવાય. અંકિત કહે છે, ‘આપણે તો ફિલ્મ-મેકિંગની પ્રોસેસમાં નાનામાં નાની વાત શીખવી’તી એટલે સૌથી પહેલો સેટ પર પહોંચું ને સૌથી છેલ્લો સેટ ઉપરથી નીકળું. આ બે ફિલ્મે મને બોવ એટલે બોવ શીખવાડ્યું.’
આ બન્ને ફિલ્મ પછી અંકિતે ‘પહેલા ગુલઝાર’ નામની ગુજરાતી વેબ-સિરીઝ લખી અને ડિરેક્ટ પણ કરી. સ્વાભાવિક છે કે શરૂઆતમાં એ વેબ-સિરીઝ OTT પર રિલીઝ કરવાની કોશિશ કરી પણ થઈ શકી નહીં એટલે પ્રોડ્યુસર ફ્રેન્ડ્સને મનાવીને યુટ્યુબ પર રિલીઝ કરી. લોકો સુધી કામ પહોંચ્યું પણ પછી શું થયું?
"નવ ભાઈબંધ તો પ્રોડ્યુસર બનવા તૈયાર થઈ ગ્યા’તા. એક દિવસ મને વિચાર આવ્યો કે જો ઓલા પિક્ચરની રાહ જોઈને બેસી રહીશ તો હજી સમય જાશે એટલે મેં નક્કી કર્યું કે એકાદું નાનું પિક્ચર કરી નાખીએ. શું છે, અહીં અમારી પટેલની માનસિકતા મને કામ લાગી. ચોમાસાની રાહમાં અમે બેઠા ન રહીએ, વચ્ચે એકાદ નાનો પાક લણી લ્યે એનું નામ સાચો ખેડૂત." - અંકિત સખિયા
હારે એ પટેલનો દીકરો નઈ...
વેબ-સિરીઝ પછી મને થયું કે હવે આપણે પિક્ચર પર કામ કરવું જોઈ પણ પૈસા તો હતા નહીં એટલે મેં વેબ-સિરીઝવાળા બધા ભાઈબંધોને ભેગા કર્યા એમ જણાવતાં અંકિત કહે છે, ‘મારામાં જેને વિશ્વાસ હતો એ બધા જોડાયા અને પોતપોતાની રીતે બે-પાંચ-દસ લાખ રૂપિયા દીધા. પણ એટલા પૈસાથી કંઈ થવાનું નહોતું એટલે મેં બીજા બધા ભાઈબંધોને વાત કરવાની શરૂ કરી. એક બાજુએ પૈસા ભેગા કરતો જાઉં ને બીજી બાજુએ સ્ક્રિપ્ટ પર કામ પણ કરતા જવાનું. અમારી વેબ-સિરીઝમાં એક પાત્ર શ્રુહદ ગોસ્વામીએ કર્યું હતું. મારે નવી ફિલ્મમાં તેને હીરો તરીકે લેવો હતો, જે હીરોએ વાળ લાંબા કરવાના હતા. મેં શ્રુહદને કીધું કે વાળ વધારવા માંડ. એ આખી પ્રોસેસ બે વર્ષ ચાલી. શ્રુહદનાં જટિયાં લાંબાં થઈ ગ્યાં પણ માળું બેટું બજેટ ભેગું નો થાય. નવ ભાઈબંધ તો પ્રોડ્યુસર બનવા તૈયાર થઈ ગ્યા’તા. એક દિવસ મને વિચાર આવ્યો કે જો ઓલા પિક્ચરની રાહ જોઈને બેસી રહીશ તો હજી સમય જાશે એટલે મેં નક્કી કર્યું કે એકાદું નાનું પિક્ચર કરી નાખીએ. શું છે, અહીં અમારી પટેલની માનસિકતા મને કામ લાગી. ચોમાસાની રાહમાં અમે બેઠા ન રહીએ, વચ્ચે એકાદ નાનો પાક લણી લ્યે એનું નામ સાચો ખેડૂત.’
થિયેટરમાં પ્રેક્ષકોની સાથે ફિલ્મ જોઈ રહેલા અંકિત સખિયા.
હતી આછીસરખી વાર્તા
અંકિત સખિયાના મનમાં જે આછીસરખી વાર્તા આવી એ આ ‘લાલો – શ્રી કૃષ્ણ સદા સહાયતે’ હતી. તેના મનમાં હતું કે બેથી ત્રણ પાત્રો સાથે વાર્તા આગળ વધારશું. મનમાં એ પણ ખરું કે ટીમ રાહ જોતી બેસી રહે એના કરતાં થોડુંક કામ થઈ જાય તો એ લોકોનો ટેમ્પો પણ અકબંધ રહે. અંકિતે પોતાના પ્રોડ્યુસર ફ્રેન્ડ્સને વાત કરી અને તેના મનમાં જે વાર્તા હતી એ વાર્તા કહી. અંકિતની વાર્તા સાંભળીને ફ્રેન્ડ્સે હામી ભણી અને પછી શરૂ થયું ફિલ્મને કાગળ પર લેવાનું કામ.
અંકિતની સાથે રાઇટિંગ ટીમમાં કૃષાંશ વાજા અને વિકી જોષી જોડાયા. કરમની કઠણાઈ અહીં શરૂ થઈ. અંકિતને આજે પણ એ વાત કહેતાં હસવું આવે છે. અંકિત કહે છે, ‘એક માણસ ચાર દીવાલ વચ્ચે આવી ગયો હોય અને એક કૅમેરાથી તેને શૂટ કરવાનો હોય એટલે નાના સેટઅપ વચ્ચે કામ આગળ વધશે. ઓરિજિનલી અમે વિચાર્યું હતું કે પુરાયેલા ઓલા માણસને ભગવદ્ગીતા મળશે અને પછી તે એનો પોતાની રીતે સાર કાઢશે પણ માથાઝીંક કરતાં-કરતાં આખી વાત બદલાઈ ગઈ. પણ હા, જે થયું એ ઑર્ગેનિક થયું છે. અમે ફોર્સફુલી ભગવાનને લાવ્યા નથી.’
એક માણસ એક ઘરમાં પુરાઈ જાય એવી રાજકુમાર રાવની ‘ટ્રૅપ’ આવી ગઈ છે તો જાહ્નવી કપૂરની ‘મિલી’ પણ આવી છે, જેમાં જાહ્નવી કોલ્ડ સ્ટોરેજમાં પકડાય છે. આ વિષયને ટચ કરવામાં ડર લાગ્યો નહીં?
પાઇરસીથી નુકસાની કેટલી?
‘ઓછામાં ઓછા દસ કરોડની...’ ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા કહે છે, ‘અમે પાઇરસી અટકાવવાની ટ્રાય કરીએ છીએ પણ ક્યાંય પોલીસ-કેસ નથી કર્યો. જૂનાગઢમાં મને ખબર પડી કે એક છોકરો ફિલ્મની લિન્ક ફૉર્વર્ડ કરતો હતો. હું તેના ઘરે ગ્યો. તે મને ઓળખતો નહોતો. મેં ફિલ્મની વાત કરી તો મને ક્યે, તમને લિન્ક જોઈતી હોય તો હું આપુંને, મસ્તીનું પિક્ચર છે, ઘરના બધાયને દેખાડજો ને સગાંવહાલાંને પણ મોકલજો. હવે આવા ભોળા મા’ણા સામે શું પગલાં લેવાનાં?’
એક લેડી જર્નલિસ્ટે તો અંકિતનો આખો ઇન્ટરવ્યુ પૂરો કર્યા પછી કહ્યું હતું કે આજે જ મેં ફિલ્મ મોબાઇલમાં ડાઉનલોડ કરી, ઘરે જઈને મમ્મી-પપ્પા સાથે જોવાની છું! અંકિત કહે છે, ‘એ બેનને ઊભા-ઊભા ચાર ટિકિટ મેં લઈ દીધી ને કીધું કે તમે તો આવું નો કરો.’
મૌલિકથી છેટા સારા...
અંકિત કહે છે, ‘મારી એક વાત યાદ રાખજો, જો કોઈ આવીને એવું ક્યે કે આ તો મારું મૌલિક છે તો એનાથી આઘા થઈ જાજો. આવું કહેનારો સૌથી મોટો કરપ્ટ છે એવું માની જ લેવાનું. મારું માનવું છે કે એકેય વાર્તા મૌલિક હોતી જ નથી. એ ક્યાંકથી ને ક્યાંકથી સૂઝી જ હોય. વાર્તા યુનિવર્સમાં ફરતી હોય છે. વાર્તા પોતે નક્કી કરે કે એણે કોના દ્વારા કહેવડાવું છે. જો તમારા થકી વાર્તા ન કહેવાય તો માનવું કે હજી તમારું ઉપરવાળા સાથે જોડાણ થયું નથી અને તમારે એના પર કામ કરવાની જરૂર છે. આ બધું હું હવામાં નથી કહેતો. આ વાત મને વિપશ્યના દરમ્યાન જાણવા મળી છે. વિપશ્યનાની મેં ચાર શિબિર કરી છે અને આવતા મહિને હું ફરીથી શિબિરમાં જવાનો છું. મારું ચાલે તો હું તો માણસને પકડી-પકડીને વિપશ્યના કરાવું. અમારી ટીમમાં તો મેં બધા પાસે કરાવી છે. ઇન્ડિયામાં વિપશ્યના શરૂ કરાવનારા ગોયનકાજીની મેં એક વાર્તા સાંભળી છે. બધા ભગવાને એક બેસ્ટ માણસ બનાવ્યો અને પછી નક્કી કર્યું કે એને સંતાડી દ્યો. દરિયામાં સંતાયડો, પર્વતમાં સંતાયડો, જમીનમાં ખાડો કરીને સંતાયડો પણ દર વખતે બધા ભગવાનને થાય કે સામાન્ય માણસ એને ગોતી લેશે એટલે પછી બધા દેવતાને થ્યું કે માણસ ક્યાં જોવા નથી જતો? તો કહે, પોતાની અંદર એટલે ભગવાને એ સારો માણસ તમારી અંદર સંતાડી દીધો. અંદર રહેલા સારા માણસને શોધવાની યાત્રા એટલે વિપશ્યના.’
ફિલ્મના એક સૉન્ગમાં કરણ જોષી.
કૃષ્ણ ભગવાન આવ્યા ક્યાંથી?
ફિલ્મ ‘લાલો – શ્રી કૃષ્ણ સદાય સહાયતે’નું કામ ચાલતું હતું એ દરમ્યાન અચાનક જ વિચાર આવ્યો કે પુરાયેલા માણસને ભગવાન મળે તો? આઇડિયા સાંભળવામાં ઇન્ટરેસ્ટિંગ લાગ્યો એટલે એના પર કામ શરૂ થયું. અંકિત કહે છે, ‘હું, મારી ટીમ અને મારા બધા પ્રોડ્યુસર ફ્રેન્ડ અમે બધા તો મહાદેવના પોઠિયા એટલે અમે નક્કી કર્યું કે આપણે મહાદેવને લાવવા જોઈએ. આગળ વધતા ગયા, વધતા ગયા, વધતા ગયા પણ અમને એવું લાગ્યા કરે કે કંઈક ખૂટે છે અને એ જે ખૂટતું હતું એ મને અચાનક મારી વાઇફના કારણે મળી ગયું.’
અંકિતનાં લગ્નને હજી એક વર્ષ પણ નથી થયું. અંકિતની વાઇફ રિશિમા ચાવડા ડૉક્ટર છે, બન્નેનાં લવ-મૅરેજ થયાં છે. અંકિત કહે છે, ‘તે આખો દિવસ કૃષ્ણની વાતો કરતી હોય. તેની વાતું સાંભળીને મને થતું આ બંધ થાય તો સારું. શું છે, આપણને એ બધુંય લેક્ચર લાગે. બાકી આપણે તો કાનુડો એટલે જન્માષ્ટમી. બસ, વાર્તા પૂરી. જોકે ફિલ્મની વાર્તાનો ક્લાઇમૅક્સ પણ મહાદેવ સાથે લખી લીધા પછી એક દિવસ રિશિમાની વાત સાંભળતાં-સાંભળતાં મને થ્યું કે મહાદેવને બદલે કૃષ્ણ આવે તો?’
આ ‘તો’ શબ્દ સાથે આખી સ્ક્રિપ્ટ ફરીથી ખોલવામાં આવી.
‘લાલો - શ્રી કૃષ્ણ સદાય સહાયતે’ ફિલ્મ અત્યાર સુધીમાં ૧૭ દેશોમાં રિલીઝ થઈ અને આગામી ત્રણ મહિનામાં એ બીજા ૧પ દેશોમાં રિલીઝ થશે, જેના માટે સબ-ટાઇટલનું કામ ઑલરેડી શરૂ થઈ ગયું છે.
ભોળિયો તો એક જ ક્યે...
એ પછી શું થયું એ અંકિત સખિયા પાસે જાણીએ, ‘છે એ મહાદેવ પણ મહાદેવ આમ તો ભોળિયા. અમારો હીરો લાલાને જો એ મળી જાય ને લાલો જરાક લાગણીમાં આવીને વાત કરે તો ભોળિયો તો બાટલીમાં ઊતરી જાય ને દરવાજો ખોલીને કઈ દ્યે, નીકળી જા બા’ર અને વાર્તા થઈ જાય પૂરી, પણ અમારે જે કરવું હતું એ કૃષ્ણ થકી શક્ય હતું. કૃષ્ણ તમારી પાસે જ કર્મ કરાવે અને એ કર્મ પણ એવી રીતે કરાવે કે તમે સાચી દિશામાં આગળ વધો. મને થયું કે આપણે મહાદેવને બદલે ફિલ્મમાં કૃષ્ણ ભગવાન લાવીએ. એ કૃષ્ણ જેની પાસે વાંસળી પણ નહીં હોય ને સુદર્શન પણ નહીં હોય. એ કૃષ્ણ જે ભાઈબંધ બનીને તમારી પાસે આવે છે. તમારે તેને ઓળખવાના છે. જો તમે તેને ઓળખી ગયા તો તમે અર્જુન. જંગ જીતી ગયા અને જો તમે ઓળખી ન શકો તો તમે દુર્યોધન. કૃષ્ણની આખી સેના સાથે હોય તો પણ તમે હારી ગયા. મેં અમારી રાઇટિંગ ટીમમાં વાત કરી અને અમે નવેસરથી રાઇટિંગ પર લાગ્યા. કાસ્ટિંગમાં તો અમે ક્લિયર હતા કે ભગવાનનો રોલ તો શ્રુહદ ગોસ્વામી જ કરશે ને રિક્ષાવાળો લાલો કરણ જોષી બનશે. બન્ને સાથે મારે વર્ષોની ભાઈબંધી. તે બન્ને પણ ફિલ્મ કરવા તૈયાર હતા પણ છેલ્લી ઘડીએ રોન કાઢી શ્રુહદે. મને ક્યે, મારે ભગવાન નથી બનવું. મેં તેને બેસાડીને કીધું કે મને આ રોલ માટે બીજો હીરો મળી જાશે પણ તું આ બે વર્ષથી જે વાળ વધારશ એવા લાંબા વાળ તેની પાસે નહીં હોય ને અમારી પાસે હવે વિગનું બજેટ નથી! શ્રુહદે બહુ દલીલ કરી, મેં તેને જે અગાઉ સબ્જેક્ટ સંભળાવ્યો હતો એ જ ફિલ્મ તેને કરવી હતી ને મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી કે હવે તેને કઉં કેમ કે એ’લા ઈ પિક્ચર ભૂલી જા, ઈ ચાલુ નથી થાવાનું, તારે આ જ પિક્ચર કરવું પડશે. બહુ સમજાવ્યો એટલે શ્રુહદ માની ગ્યો. ફિલ્મમાં જે તુલસીનું કૅરૅક્ટર કરે છે એ રીવા રાચ્છ શૂટિંગના અઠવાડિયા પહેલાં ફાઇનલ થઈ. રીવાને પણ મેં કીધું કે મારી પાસે કોઈ સ્ટાઇલિસ્ટ નથી. હું સૂચવતો જાઈશ પણ જ્વેલરીથી લઈને કૉસ્ચ્યુમ, બધેબધામાં તમારે મને મદદ કરવાની છે. તમે માનશો નહીં, શૂટિંગના ચોવીસ કલાક પહેલાં રીવા જૂનાગઢ આવી ને અમારી આખી ટીમ પહેલી વાર તેને મળી.’
ફિલ્મનું બજેટ શું?
કેટલાક કહે છે કે ફિલ્મનું બજેટ પચાસ લાખ છે તો કોઈ સાઠ ને સિત્તેર લાખના ફિગર્સ લાવે છે પણ એ બધા ફિગર ખોટા છે. આ ફિલ્મ એક્ઝૅક્ટ ૧ કરોડ અને પાંચ લાખ રૂપિયામાં તૈયાર થઈ છે અને ફિલ્મની રિલીઝ તથા પબ્લિસિટી માટે સવા કરોડ રૂપિયાનો અન્ય ખર્ચ થયો છે. આ જે છેલ્લો ખર્ચ હતો એ માટે અંકિત આણિ મંડળી પાસે કોઈ પૈસા હતા નહીં એટલે અંકિત મૂંઝવણમાં હતો. આ જ દરમ્યાન અંકિતને વાયા-વાયા ગાયક અને ફિલ્મ-પ્રોડ્યુસર પાર્થિવ ગોહિલ સાથે કૉન્ટૅક્ટ થયો અને પાર્થિવ ગોહિલ તથા તેની કો-પાર્ટનર અને લાઇફ-પાર્ટનર માનસી પારેખે ફિલ્મ જોઈ. અંકિત કહે છે, ‘તેમને ફિલ્મ ગમી એટલે તેમણે વાત રિલાયન્સના ધનરાજ નથવાણીને કરી. ધનરાજભાઈની કંપની નીમ ટ્રી પણ પછી જોડાઈ અને ફિલ્મ રિલીઝ થઈ. હા, અમારે એક સૉન્ગ હજી ફિલ્મમાં ઉમરેવું હતું એ પણ અમે આ લોકો જોડાયા પછી ઉમેર્યું. મ્યુઝિક માટે બધા કહે છે કે એ ઑસ્ટ્રેલિયામાં બન્યું તો એમાં નાનકડો ખુલાસો કરવાનો. અમારો મ્યુઝિક-ડિરેક્ટર સ્મિત જય એ દિવસોમાં ઑસ્ટ્રેલિયા હતો એટલે તેણે કામ ત્યાંથી શરૂ કરી દીધું. અમે અગાઉ પણ સાથે કામ કર્યું’તું એટલે પહેલેથી નક્કી જ હતું કે ફિલ્મનું મ્યુઝિક સ્મિત જય પાસે જ કરાવશું.’
પહેલાં ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી પણ આર્થિક સંકડામણ અને બીજાં ટેક્નિકલ કારણોસર એની રિલીઝ પાછળ ઠેલવીને ૧૦ ઑક્ટોબર કરવામાં આવી. પ્રી-દિવાળીના દિવસોવાળી આ રિલીઝ-ડેટ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારી નથી કહેવાતી. પણ બીજો કોઈ ઑપ્શન નહોતો એટલે ફિલ્મને રિલીઝ કરવામાં આવી અને લેખની શરૂઆતમાં તમને કહ્યું એમ ૧૨ ઑક્ટોબર અને કરવા ચોથના દિવસે તો ફિલ્મ વેન્ટિલેટર પર આવી ગઈ. અંકિત કહે છે, ‘હવે હું આ કહીશ તો લોકોને લાગશે કે હું ફેંકું છું, પણ સાચું કહું છું. મને અંદરથી હતું કે ફિલ્મ ચાલવી જોઈએ અને એટલે જ અમારી આખી ટીમ સતત ભાગતી રહી, દોડતી રહી. દિવાળીમાં બીજી મોટી ગુજરાતી ફિલ્મ આવી, એ સુપરહિટ થઈ એટલે મને કેટલાય આવીને કહેવા માંડ્યા કે તારી ફિલ્મનું પતી ગ્યું તો મેં કીધું કે એમ જો બધુંય પતી જાતું હોત તો પછી ઉપરવાળો લાલાના શબ્દો શું કામના? લાલાએ કીધું છેને, તું તારું કર્મ કર, ફળનું મારી ઉપર છોડી દે...’

‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે’ની ટીમ : (ડાબેથી) આકાશ પંડ્યા, કરણ જોષી, રીવા રાચ્છ, ડિરેક્ટર અંકિત સખિયા, શ્રુહદ ગોસ્વામી અને મૌલિક પંડ્યા.
૧૦૦ કરોડ પછી ટીમને શું મળ્યું?
ફિલ્મ ‘લાલો - શ્રી કૃષ્ણ સદાય સહાયતે’ તો નૉમિનલ બજેટમાં બનવાની હતી એટલે એ સમયે કાસ્ટ-ક્રૂને એ મુજબનું જ પેમેન્ટ મળ્યું હતું પણ ફિલ્મની જાયન્ટ બૉક્સ-ઑફિસ સક્સેસ પછી અંકિત સખિયાના કહેવાથી ટીમ સાથે જોડાયેલા તમામેતમામ મેમ્બર્સને એક્સ્ટ્રા વળતર આપવામાં આવ્યું છે. વળતરનો આંકડો કહેવા માટે અંકિત સખિયા તૈયાર નથી. અંકિત કહે છે, ‘જો મારું પિક્ચર લાલાએ ચલાવ્યું હોય તો એ વળતર પણ લાલાએ જ આપ્યું કહેવાય, મારે એ આંકડો ક્યાંય બોલવો ન જોઈએ. અત્યારે તો મને આ જ સાચું લાગે છે ને હું એ જ વાત ફૉલો કરવાનો છું કે હું એ વળતરનો આંકડો ક્યાંય જાહેર નહીં કરું.’ મળેલા એ એક્સ્ટ્રા વળતરમાં અંકિત સખિયાએ એક રૂપિયો પણ લીધો નથી.
બસ, હારવું કે થાકવું નઈ
ફિલ્મ ‘લાલો - શ્રી કૃષ્ણ સદાય સહાયતે’ની ટીમે કરેલી મહેનતનું ફળ તો હવે આખી દુનિયા સામે છે, જેના વિશે વાત કરતાં અંકિત સખિયા કહે છે... ‘દિવાળીના અઠવાડિયા પછી ફિલ્મ ધીમે-ધીમે ઊપડવાનું શરૂ થયું ને એવી ઊપડી કે ગામ આખાએ ઝાલવા દોડવું પયડું. થિયેટર મથુરા, ગોકુળ ને દ્વારકા બનવા માંડ્યાં. લોકો પોતાના ઘરે જે લાલો રાખ્યો હોય એને લઈને ફિલ્મ જોવા આવવા માંડ્યા. આ ઈશ્વરની જ કૃપા છે, એના સિવાય બીજું કાંય નઈ. સાચું કઉં છું, અમે તો ખાલી નિમિત્ત બન્યા. બાકી ફિલ્મને અહીં સુધી લઈ જવાનું કામ તો લાલાએ પોતે જ કર્યું છે. કો’કને અમારી વાતું દંભ લાગે, કો’કને એવું થાય કે અમે આવું બોલીને અમારી જાતને નમ્ર દેખાડીએ છીએ પણ ઈ જ સાચું છે ભાઈ. બાકી કોઈએ વિચાર્યું’તું કે એક ગુજરાતી પિક્ચર ૧૦૦ કરોડ સુધી જાય? સપનાં બધાયે જોયા’તાં. મેં પણ જોયું’તું પણ એ ફિલ્મ ‘લાલો - શ્રી કૃષ્ણ સદાય સહાયતે’ હશે એવું નહોતું ધાર્યું. બીજું તો શું કઉં હું, ઠાકર કરે ઈ ઠીક... આ ફિલ્મ પછી ડિરેક્ટર તરીકે મને ઓછામાં ઓછી દસ પિક્ચરની ઑફર આવી ગઈ છે, મેં એકેય પિક્ચર સાઇન નથી કર્યું ને હું હજીયે સાઇન નથી કરવાનો. એક તો હિન્દી પિક્ચરની ઑફર આવી, બોલો. ઑફર કરનારા ભાઈ ખોટા નથી પણ આપણને આપણી કૅપેસિટી પણ ખબર હોવી જોઈને. ઉપરવાળાનું તો કામ જ છે દેતા રે’વાનું, પણ એ પચાવવાની ક્ષમતા કેળવવી પડેને.’


