Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગાંધીજી અને મહંમદઅલી ઝીણા પહેલી વાર મળેલા સર મંગળદાસ નથુભાઈના બંગલોમાં

ગાંધીજી અને મહંમદઅલી ઝીણા પહેલી વાર મળેલા સર મંગળદાસ નથુભાઈના બંગલોમાં

25 June, 2022 01:45 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

૧૯૧૫ના જાન્યુઆરીની ૧૪મી તારીખે આ હાઉસના ગાર્ડનમાં ‘ગુજરાત સભા’ તરફથી યોજાઈ હતી જેમાં બન્નેની પહેલી મુલાકાત થઈ હતી

હાથીવાળા સિનેમા યાને ઇમ્પીરિયલ થિયેટર

ચલ મન મુંબઈ નગરી

હાથીવાળા સિનેમા યાને ઇમ્પીરિયલ થિયેટર


ઘણા વખતથી ઉકેલાતો નહોતો એ કોયડો સર મંગળદાસ નથુભાઈએ કઈ રીતે ઉકેલી આપ્યો હશે? એ માટે આપણે મુંબઈનાં કેટલાંક મકાનોની મુલાકાત લેવી પડશે. પહેલાં જઈએ આપણા જૂના ને જાણીતા કાલબાદેવી રોડ પર. ત્યાંના એક ખાસ્સા જૂના મકાનને લોકો ‘હાથીવાળા બિલ્ડિંગ’ તરીકે આજેય ઓળખે છે; કારણ કે એના પ્રવેશદ્વાર પર મોટો, ભૂરા રંગનો હાથી આજે પણ મહાવતની સાથે ઊભો છે. હા, આજે હવે નામશેષ થઈ ગયેલા ભાંગવાડી ઉર્ફે પ્રિન્સેસ થિયેટર અને આ હાથી વચ્ચે કશો સંબંધ નહોતો. એ હાથીવાળા મકાનની અંદરના ભાગમાં આવેલા મોટા ચોગાનમાં એ થિયેટર બંધાયેલું, એટલું જ.
કાલબાદેવીથી ચાલો લૅમિંગ્ટન રોડ. આજે સુધરાઈના ચોપડે જે નામ હોય તે, ઘણાખરા લોકો આજેય એને એ જ નામે ઓળખે છે. એ રોડ પર એક બિસમાર હાલતમાં પડું-પડું થતું મકાન ઊભું છે. દરવાજે તાળાં. લાલ અક્ષરમાં સફેદ બોર્ડ પર પ્રવેશબંધીની ‘ચેતવણી’ લખી છે. એના દરવાજાની બે બાજુ બે હાથી ઊભા છે, પથ્થરના. એમનું મોઢું પ્રવેશદ્વાર તરફ છે એટલે બાકીનું શરીર જોવું મુશ્કેલ છે. એક જમાનામાં આ મકાનમાં હતું પ્રખ્યાત ઇમ્પીરિયલ થિયેટર. પણ ઘણા લોકો તેને ‘હાથીવાળા થિયેટર’ કે ‘હાથીવાળા સિનેમા’ તરીકે ઓળખતા. 
એ જ રસ્તા પર થોડે દૂર એક મોટર ગૅરેજ છે. પતરાના ખાસ્સા ઊંચા છાપરા નીચે નવી-જૂની મોટરો પડી છે. પણ મોટર ગૅરેજનું છાપરું આટલું ઊંચું કેમ? કારણ કે એ ગૅરેજની વચ્ચોવચ ઊભો છે પથ્થરનો વિશાળકાય હાથી, સૂંઢ હવામાં ઊંચી કરીને. એટલે તેને સમાવી લેવા માટે થઈને પતરાનું છાપરું ઘણું ઊંચું બાંધવું પડ્યું છે. પણ મોટરના ગૅરેજમાં હાથી કા ક્યા કામ હૈ?
આ ગૅરેજથી થોડે દૂર છે એક રહેણાકનું મકાન. આગલો ભાગ ખખડધજ. પાછળના ભાગમાં નવું મકાન બંધાયેલું છે. આ મકાનનો દરવાજો લોખંડની ગ્રિલનો બનેલો છે. અને બન્ને દરવાજાની વચ્ચોવચ ગોળાકાર રિંગની વચ્ચે છે બે નાનકડા હાથી. આજે તો કાળા રંગે રંગાયેલા છે. દરવાજાની ઉપરની દીવાલમાં પણ એક હાથી કોતરેલો છે. ફરી આજે બિસમાર હાલતમાં. એક બાજુ ભીંત ફાડીને પીપળો છે ઊગ્યો તો બીજી બાજુ ભીંતે ઝૂલે છે વીજળી-ટેલિફોન-ટીવીના વાયરની તલવારો, સાવ બુઠ્ઠી.
અને હવે છેલ્લો પડાવ. દરવાજા પર આરસની મોટી તકતી. પીળી પડી ગઈ છે. મોટી ઊભી તડ પડી ગઈ છે તકતીમાં. આ તકતીમાં લખ્યું છે : Sir Mangaldas House. એની ઉપરના ભાગમાં અર્ધગોળાકારમાં લખ્યું છે : Gordhandas T. Mangaldas. સાથિયાનાં મીંડાં જેવી આ બધી ઇમારતો તો જોવા મળી. પણ એ બધીને જોડતી લીટી ક્યાં? એક મિત્રની મદદથી ફોન દ્વારા સંપર્ક કર્યો સર મંગળદાસ નથુભાઈના એક વંશજ નીતિનભાઈ મંગળદાસનો. તેમણે પહેલી વાત કહી તે એ કે આ બધી જગ્યાઓ મૂળ સર મંગળદાસ નથુભાઈની માલિકીની. આજે કેટલીક છે, કેટલીક નથી. ક્રૉફર્ડ માર્કેટથી થોડે દૂર આવેલી એક જાણીતી જગ્યા તે મંગળદાસ માર્કેટ. અ વિસ્તારમાં આવેલી ઘણી કાપડ માર્કેટોમાંની એક. એની સાથે પણ જોડાયું છે સર મંગળદાસ નથુભાઈનું નામ અને લોહાર ચાલ તરીકે ઓળખાતી ગલીનું પણ સત્તાવાર નામ છે મંગળદાસ રોડ.
પણ આ બધી ઇમારતો સાથે જોડાયેલા હાથીનું શું? નીતિનભાઈ કહે છે કે પહેલી વાત એ કે હિન્દુ પુરાણોમાં હાથી માંગલ્યનું પ્રતીક મનાય છે. લક્ષ્મીની ઘણી છબી કે મૂર્તિમાં બે બાજુ હાથી ઊભા હોય છે – હવામાં ઊંચી કરેલી સૂંઢમાં લાલ કમળ લઈને. ઐરાવત નામનો હાથી એ ઇન્દ્ર દેવનું વાહન છે. અને ઇન્દ્ર એ વરસાદનો, ફળદ્રુપતાનો, સમૃદ્ધિનો દેવ મનાય છે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની કે ઑફિસની ઇમારતની બહાર કે દરવાજાની તરત અંદરની ભીંત પર હાથીનું ચિત્ર કે શિલ્પ શુભંકર ગણાય છે. વાસ્તુશાસ્ત્રમાં તો કયા રંગના હાથી ક્યાં હોવા જોઈએ એ પણ જણાવ્યું છે. આ બધાં કારણોને લીધે સર મંગળદાસ નથુભાઈ પોતે બંધાવેલી ઇમારતોમાં હાથીનાં શિલ્પ મુકાવતા હોવા જોઈએ. એટલે કાલબાદેવી રોડ પરના મકાન બહારના હાથીને અંદરના પ્રિન્સેસ થિયેટર સાથે ભલે કશો સંબંધ ન હોય, પણ એને સંબંધ છે એ ઇમારતના અસલ માલિક સર મંગળદાસ નથુભાઈ સાથે. અને છેલ્લી વાત : સરસાહેબના ઘણા વંશજોએ પૂર્વજ મંગળદાસનું નામ હવે પોતાની અટક તરીકે અપનાવી લીધું છે.
કોયડો તો ઊકલ્યો, પણ હજી સર મંગળદાસ નથુભાઈની વાત પૂરી થઈ નથી. અને એ વાતને સંબંધ છે ૧૯૧૫માં ઘટેલી એક ઘટના સાથે. અને એ ઘટનાને સીધો સંબંધ છે ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ ગાંધી સાથે અને પાકિસ્તાનના કાયદે આઝમ મહંમદ અલી ઝીણા સાથે. એ વળી કેવી રીતે? સર મંગળદાસ નથુભાઈનું તો ૧૮૯૦માં અવસાન થયું હતું. સરસાહેબનું ભલે અવસાન થયું હોય પણ ‘મંગળદાસ હાઉસ’ તરીકે ઓળખાતો તેમનો વિશાળ બંગલો તો હતોને! અને એ બંગલોની આસપાસ હતું મોટું સુંદર ગાર્ડન. એ વખતે હજી ‘મહાત્મા’ બન્યા નહોતા એ મોહનદાસ ગાંધી અને કસ્તુરબા દક્ષિણ આફ્રિકાથી લંડન જઈને ત્યાંથી એસ. એસ. અરેબિયા નામની સ્ટીમર દ્વારા મુંબઈ આવી પહોચ્યાં. સરકારની ખાસ મંજૂરી લઈને તેમને અપોલો કહેતાં પાલવા બંદરે ઉતારવામાં આવ્યાં. ઊતર્યા એ જ દિવસથી મુંબઈમાં ઠેકઠેકાણે બન્નેના માનમાં પાર્ટીઓ, સભા-સમારંભો યોજાયાં. આવી એક સભા ૧૯૧૫ના જાન્યુઆરીની ૧૪મી તારીખે લૅમિંગ્ટન રોડ પર આવેલા મંગળદાસ હાઉસના ગાર્ડનમાં ‘ગુજરાત સભા’ તરફથી યોજાઈ હતી. પ્રમુખસ્થાને હતા મહંમદઅલી ઝીણા. ગાંધીજી અને ઝીણાની આ પહેલી મુલાકાત. કનૈયાલાલ મુનશીએ ગાંધીજીનો પરિચય આપ્યો હતો, અંગ્રેજીમાં. એ વખતે મુંબઈમાં ઝીણા અને મુનશી બન્ને મોહનદાસ કરતાં વધુ જાણીતા. બન્ને સફળ કામયાબ વકીલો. પણ બન્નેએ ગાંધીજીનાં મુક્ત કંઠે વખાણ કર્યાં હતાં. મહંમદઅલી ઝીણાએ પણ પ્રવચન અંગ્રેજીમાં કર્યું. પોતાના ભાષણમાં સર સૈયદ અહમદને યાદ કરીને ગાંધીજીએ કહ્યું હતું કે હિન્દુ અને મુસલમાન તો ભારત માતાની બે આંખો છે. અને જો એક આંખ એક તરફ જોશે અને બીજી આંખ બીજી તરફ જોશે તો બેમાંથી એકેય કશું જોઈ શકશે નહીં. અને જો એક આંખ જશે તો બીજી આંખનું તેજ પણ એટલે અંશે ઘટશે. આમ કહેનાર માણસને માથે દેશના ભાગલાની દરખાસ્તને મંજૂરી આપતી વખતે શી વીતી હશે એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ. વળી ગાંધીજીએ નિખાલસતાથી કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં જ્યારે-જ્યારે ‘ગુજરાતીઓ’ વિશે વાત થતી ત્યારે કેવળ હિન્દુ ગુજરાતીઓને જ ધ્યાનમાં રાખીને વાત થતી. મુસ્લિમ અને પારસીઓની તો વાત જ નહોતી થતી. જ્યારે આ ગુજરાત સભાના પ્રમુખ સ્થાને એક મુસ્લિમ બિરાદર (ઝીણા) બિરાજે છે એ જોઈ આનંદ થાય છે. આ સમારંભમાં ઘણાંખરાં ભાષણો અંગ્રેજીમાં થયાં હતાં. ગાંધીજીએ જવાબ ગુજરાતીમાં આપ્યો હતો અને ગુજરાતીઓના મેળાવડામાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ વિશે ટકોર કરી હતી. આ સમારંભનો અહેવાલ ૧૯૧૫ના જાન્યુઆરીની ૧૫મી તારીખના ‘બૉમ્બે ક્રૉનિકલ’ અખબારમાં અંગ્રેજીમાં પ્રગટ થયો હતો. ‘ગુજરાતી’ સાપ્તાહિકના ૧૭ જાન્યુઆરીના અંકમાં પણ ટૂંકો અહેવાલ છપાયો હતો. આત્મકથામાં ગાંધીજી નોંધે છે કે ‘ગુજરાતીઓના કાર્યક્રમમાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ વિશે આ રીતે ગુજરાતીમાં બોલીને મેં નાનકડો સત્યાગ્રહ કર્યો હતો.’ તો આ છે સર મંગળદાસ નથુભાઈ અને મોહનદાસ ગાંધીને જોડતી કડી.
એ કડીરૂપ બંગલો હતો કેવો? આજે જે ખંડિયેરની દીવાલ પર Sir Mangaldas House લખ્યું છે એ જોતાં આ બંગલાની વિશાળતા અને જાહોજલાલીનો ખ્યાલ નહીં આવે. પણ એનું થોડુંક વર્ણન મળે છે એક મરાઠી પુસ્તકમાંથી. પુસ્તકનું નામ ‘મુંબઈચે વર્ણન.’ ૧૮૬૩માં પહેલી વાર પ્રગટ થયેલા આ પુસ્તકના લેખક હતા ગોવિંદ નારાયણ માડગાંવકર. એમનો જન્મ ૧૮૧૫માં, અવસાન ૧૮૬૫ના માર્ચની ૧૫મીએ. મૂળ ગોવાના વતની. મુંબઈની ફ્રી જનરલ એસેમ્બલી નામની સ્કૂલમાં ભણતા હતા ત્યારે જ પિતાનું અવસાન થતાં અભ્યાસ અધૂરો મૂકી એ જ સ્કૂલમાં માસ્તરની નોકરી લેવી પડી. તેમણે લખેલાં આઠેક પુસ્તકોમાં ‘મુંબઈચે વર્ણન’ સૌથી મહત્ત્વનું છે. સર મંગળદાસ નથુભાઈના બંગલા વિશે શું લખે છે ગોવિંદરાવ? ચોપાટી અને ગિરગામની વચમાંના ભાગમાં શેઠ મંગળદાસ નથુભાઈ નામના પ્રખ્યાત વાણિયા ગૃહસ્થનો ‘વાડો’ અને બાગ આવેલાં છે. (મરાઠીમાં બંગલા કે હવેલી માટે ‘વાડા’ શબ્દ વપરાય છે.) આ વાડાને ચાર દરવાજા છે. એનો પાછલો દરવાજો છેક ખેતવાડીના રસ્તા પર પડે છે. આ બાગમાં જાતજાતનાં ઝાડપાન છે. બાગમાં જુદી-જુદી જગ્યાએ દરિયાની રેતી પાથરીને કેડીઓ બનાવી છે. વાડાની બાંધણી અંગ્રેજી ઢબની છે અને શેઠ મંગળદાસ પોતે અહીં રહે છે. આ વાડામાં કેટલુંય કીમતી રાચરચીલું જોવા મળે છે. આ નામાંકિત શેઠ હિન્દુઓના મહાજનોમાંના એક છે. તેઓ સ્વભાવે ધરમપ્રેમી અને ઉદાર છે. તેઓ પોતાના દ્રવ્યનો ઉપયોગ લોકકલ્યાણ માટે સતત કરતા રહે છે. આ વાડાના બગીચામાં જઈને કલાકેક બેસીએ તો ભૂખ-તરસ, બધું ભૂલી જઈએ એવો એ રમણીય છે.
પણ હવે સરસાહેબ અને તેમના બંગલાની વિદાય લઈએ. મુંબઈ આવીને વસનારાઓમાં એક અગ્રણી કોમ તે પાઠારે પ્રભુ. આ જમાતના દાદાજી ધાકજીના જીવનની ચડતી-પડતી-ચડતીની વાત કરીશું હવે પછી.

કાલબાદેવી રોડ પરના મકાન બહારના હાથીને અંદરના પ્રિન્સેસ થિયેટર સાથે ભલે કશો સંબંધ ન હોય, પણ એને સંબંધ છે એ ઇમારતના અસલ માલિક સર મંગળદાસ નથુભાઈ સાથે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2022 01:45 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK