૧૩ વર્ષના રિધાનના પપ્પા અજય શાહ કહે છે કે આ કામ કરવાથી તેનો સેલ્ફ કૉન્ફિડન્સ વધ્યો છે એટલું જ નહીં, તેને પૈસાની વૅલ્યુ પણ સમજાઈ છે
૧૩ વર્ષનો રિધાન શાહ
ઘાટકોપરમાં રહેતો ૧૩ વર્ષનો રિધાન શાહ આજના ટીનેજરોથી હટકે છે. ફ્રેન્ડ્સ અને મનપસંદ પ્રવૃત્તિઓ કરવા પાછળ વીક-એન્ડ વિતાવવાને બદલે તે પોતાના પપ્પાની રેસ્ટોરાંમાં જઈને ત્યાંનું કૅશ-કાઉન્ટર સંભાળે છે. પિતા તરીકે ગર્વની લાગણી અનુભવતા ઘાટકોપર-વેસ્ટની ‘ઓયે તેરી’ રેસ્ટોરાંના ઓનર અજય શાહ કહે છે, ‘આટલી નાની ઉંમરમાં મારો દીકરો જવાબદારીભર્યું કામ સંભાળે છે એ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. અમે તેને કોઈ ફોર્સ કર્યો નથી પણ તે તેના મનથી જ અહીં આવે છે. લગભગ સાત-આઠ મહિના પહેલાંની વાત છે જ્યારે તેણે કૅશ-કાઉન્ટર પર થતા કામકાજ માટે રસ દાખવ્યો હતો. ધીરે-ધીરે તે બધું શીખી ગયો. પહેલાં તે સમય મળતો એ પ્રમાણે આવતો, પછી તે દર વીક-એન્ડમાં આવતો થઈ ગયો અને દિવાળી દરમિયાન જ્યારે રેસ્ટોરાંમાં સ્ટાફ ઓછો હતો ત્યારે તે લગભગ રોજ જ મને હેલ્પ કરવા આવી જતો હતો.’
પોતાની જાતે કરે છે
ADVERTISEMENT
શરૂઆતમાં મૅનેજરે તેને ગાઇડન્સ આપ્યું હતું પછી તો તે હવે કૅશ-કાઉન્ટર પર એકલા હાથે જ બધું મૅનેજ કરી જાણે છે એમ જણાવતાં અજય શાહ કહે છે, ‘રિધાન નૉર્મલી રાત્રે આઠ વાગ્યે આવે અને પછી ૧૧ વાગ્યા સુધી તે કૅશ-કાઉન્ટર પર બેસે. કૅશ-કાઉન્ટર પર બેસે એટલે સ્વાભાવિક છે કે તેણે એના સંબંધિત બધાં જ કામ કરવાં પડે. જેમ કે કોઈનો ફોન આવે તો એનો જવાબ આપવાનો, ફૂડ-ડિલિવરી કરતી કંપનીઓના માણસોને અટેન્ડ કરવાના, ફોન પર ઇન્ક્વાયરી આવે તો એનો જવાબ આપવાનો, બિલ આવે તો એ ટૅલી કરીને છૂટા પૈસા પાછા આપવાના. વીક-એન્ડ દરમિયાન આમ પણ બહુ ગિરદી રહેતી હોય છે. ઘણી વખત તો એકીસાથે તેણે ઘણીબધી વસ્તુઓ અટેન્ડ કરવી પડતી હોય છે છતાં તે ગભરાતો નથી અને એકદમ શાંતિથી કામ કરે છે. જો તેને કોઈ ગૂંચવણ હોય કે પછી કોઈ ક્વેરી હોય તો રેસ્ટોરાંનો સ્ટાફ તેને મદદ કરવા આવી જાય છે અને હું પણ રેસ્ટોરાંમાં જ હોઉં છું. જોકે રિધાન કૅશ-કાઉન્ટર પર હોય તો હું બીજાં કામ કરી શકું છું.’
સેલ્ફ-કૉન્ફિડન્સ વધી ગયો
તમે માનશો નહીં પણ આઠ મહિના પહેલાંના રિધાન અને આજના રિધાનની વચ્ચે જમીન-આસમાનનો ફરક લાગે છે એમ જણાવતાં અજય શાહ કહે છે, ‘જ્યારથી તે કૅશ-કાઉન્ટર પર બેસે છે ત્યારથી તેનામાં કામ કરવા પ્રત્યે ગંભીરતા તો આવી જ છે અને સાથે તેનો સેલ્ફ-કૉન્ફિડન્સ પણ એટલો જ વધી ગયો છે. વીક-એન્ડમાં બહુ ગિરદી થઈ જાય, બિલિંગ કાઉન્ટર એકદમ પૅક થઈ જાય તો પણ તે ગભરાતો નથી. તેનામાં મેં અનેક ડેવલપમેન્ટ પણ જોયાં છે. તેને પૈસાની વૅલ્યુ ખબર પડી ગઈ છે. પહેલાં તે નાના-મોટા ખર્ચ કરતો હતો પણ જ્યારે તેણે જોયું કે પૈસા કમાવા માટે કેટલી મહેનત કરવી પડે છે ત્યારથી તે ખૂબ જ કરકસરથી ખર્ચ કરે છે અને અમે તેને સ્ટાઇપેન્ડ એટલે કે પ્રોત્સાહન તરીકે અમુક રકમ પે કરીએ છીએ. એને તે તેની પિગી બૅન્કમાં મૂકે છે. અમે તેનું બૅન્કમાં ખાતું ખોલાવ્યું છે એટલે તેની પાસે એક ચોક્કસ રકમ ભેગી થઈ જાય એટલે એને અમે બૅન્કમાં જમા કરાવી દઈએ છીએ.’
એક રીલે ફેમસ બનાવી દીધો
પવઈની પોદાર સ્કૂલમાં ભણતા રિધાનની એક રીલ જ્યારથી વાઇરલ થઈ છે ત્યારથી કસ્ટમરો તેને મળવા આવે છે. ઘણા લોકો તો ખાસ તેને જોવા માટે આવે છે કે શું ખરેખર આટલો નાનો છોકરો કૅશ-કાઉન્ટર સંભાળે છે કે પછી માત્ર રીલ માટે કર્યું છે. જોકે જ્યારે તેઓ અહીં આવીને જુએ તો ખૂબ ખુશ થઈ જાય છે. એક કસ્ટમર તો તેનો ફોટો અને વિડિયો લઈને તેનાં બાળકોને બતાવવા લઈ ગયો હતો કે જુઓ તમારી જ એજનો છોકરો તેના પેરન્ટ્સને હેલ્પ કરે છે. આવી જ રીતે કેટલાક રેગ્યુલર કસ્ટમર તો તેને પોતાના બાળકની જેમ જ ટ્રીટ કરે છે. કોઈ તેને ચૉકલેટ આપીને જાય છે તો કોઈ તેના માટે ગિફ્ટ પણ લઈ આવે છે. અજયભાઈ કહે છે, ‘હું એટલું કહીશ કે આજે નૉર્મલી બાળકો આ એજમાં મોબાઇલ પાછળ ટાઇમ વેસ્ટ કરતા હોય છે, પણ રિધાન તેનો ટાઇમ ઇન્વેસ્ટ કરી રહ્યો છે જેનાથી મને આનંદ થાય છે.’
સ્ટડી અને સ્પોર્ટ્સમાં પણ આગળ
રિધાન શાહ સ્પોર્ટ્સ અને ભણવામાં પણ આગળ છે. તે કહે છે, ‘રેસ્ટોરાંમાં પપ્પાને હેલ્પ કરવાની સાથે હું મારા ભણવા પર પણ એટલું જ ધ્યાન આપું છું. મારા ૯૪ ટકાની આસપાસ માર્ક્સ આવે છે એટલું જ નહીં, હું સ્પોર્ટ્સ રમવા પાછળ પણ સમય આપું છું. મને બાસ્કેટબૉલ રમવાનું ગમે છે એટલે હું એના ક્લાસિસમાં પણ જાઉં છું. સ્કૂલમાં રનિંગ કૉમ્પિટિશનમાં પણ ભાગ લેતો હોઉં છું. અને સ્કૂલ તેમ જ રેસ્ટોરાંના કામકાજને સમાન રીતે મૅનેજ પણ કરી શકું છું. મને ઘણું શીખવા મળ્યું છે અને મને જોઈને મારા ફ્રેન્ડ્સ પણ પ્રોત્સાહિત થયા છે.’


