પપ્પાની સેવાનો બધો જ ભાર કાકા-કાકીએ સહર્ષ લઈ લીધો છે. આગલા ત્રણ દિવસ આમ આરામમાં જ વીત્યા. હવે વધુ આરામ થાક લગાડી જશે એવું લાગ્યા કરે છે. નજરો સિફતથી સજાવેલી જુનવાણી અભરાઈ પર અટકી. કાકી આ જમાનામાંય તાંબા-પિત્તળનાં વાસણો રાખતાં હતાં.
પ્રતિકાત્મક તસવીર
આગેકૂચ કરતી સવારે મોકો જોઈને બારીની તિરાડમાં ઘૂસીને પોતાનો વિજયઘોષ કર્યો. અંધારા ઓરડામાં પોઢેલાં મારાં પોપચાં પર અજવાસ ઢોળાયો. ઊઘડેલી આંખો સીધી જડાઈ મોભ પર! ખબર નહીં કેટલાંય વર્ષો પચાવીને આ તોતિંગ લાકડું આજે પણ આમ જ જડાયેલું હશે. મને અહીં સપનાં નથી આવતાં અને વહેલા ધામા નાખતું અંધારું આંખોને ઊંઘની ચાનક ચડાવી મારા નિયતક્રમ કરતાં મને વહેલા જ પોઢાડે છે. પાછલા અઠવાડિયાનો થાક પણ હતો અને ઉમેરામાં આ ધૂળિયા ગામડાની હવાનો કોલાહલ! હા, અહીં હવા પણ પોતાના અવાજ ધરાવે છે.
આજકાલ અલાર્મ મૂકવાની જરૂર જ નથી પડતી. છતાંય હું તો શહેરનો માણસ! પોતાની અંદર એક અલાર્મ લઈને જ જીવું છું. વહેલી સવારે હોલાનો ઘુઘવાટ અને કૂકડાની કૂક નિયત સમયે પોતાનો રિયાઝ શરૂ કરે ત્યારે આંખો ઊઘડી જ જાય. અહીં કૂકડા આખો દિવસ કટાણે રડ્યા કરે છે. રડતા જ હશે કદાચ, મારી જેમ એને પણ સમય વારેઘડી પૂછી-પૂછીને જ ચાલતો હશે.
હું થોડી વાર આમ જ પડ્યો રહ્યો. મારું શહેર તો અત્યારે વહેલી પરોઢની છેલ્લી પૂંછડી પકડતું હશે. જે ચૂકી જશે એ આજે રાજીપામાં ઊઠ્યું નહીં હોય કે પછી એને કોઈ પૂછતું જ નહીં હોય. બહાર હીંચકાનું કિચડૂક શરૂ થઈ ગયું છે. કાકા હીંચકા પર બેસેલા હશે. હમણાં બહાર નીકળવાનો અર્થ નથી. કાકી પરાણે કહેશે, ‘ભાય થોડું વધુ સૂઈ જા, આરામ રહે થોડો.’
પપ્પાની સેવાનો બધો જ ભાર કાકા-કાકીએ સહર્ષ લઈ લીધો છે. આગલા ત્રણ દિવસ આમ આરામમાં જ વીત્યા. હવે વધુ આરામ થાક લગાડી જશે એવું લાગ્યા કરે છે. નજરો સિફતથી સજાવેલી જુનવાણી અભરાઈ પર અટકી. કાકી આ જમાનામાંય તાંબા-પિત્તળનાં વાસણો રાખતાં હતાં.
વચ્ચે-વચ્ચે રોગનની ફૂલોની ભાતવાળી પ્લેટ અને ચારેય ભીંતોને આવરતી ડઝનબંધ ચમચીઓ સીલિંગ પર ગામડાની એક અલગ જ ભાત પાડતી હતી. પપ્પાએ સામેની ઓરડીમાં રહેવાની ઇચ્છા જાહેર કરી એટલે મારે ભાગે આ ઓરડો આવ્યો. એક જમાનામાં આ ઓરડામાં મમ્મી-પપ્પા રહેતાં. આજે પણ એવો ને એવો જ રખાયેલો આ ઓરડો કાકીની કાળજીની વકીલાત કરે છે. નાનપણમાં વપરાતું મારું ઘોડિયું કપડામાં વીંટીને એક ખૂણામાં પડેલું છે. એક નાના પટારામાં મારા બાળપણના અમુક કપડાંના દીદાર કહે છે કે કાકી ક્યારેક એને બહાર કાઢીને ધોઈને પાછાં મૂકી દેતાં હશે. ઓરડો પણ નિયમિત સાફ કરીને પાછો બંધ કરાતો હશે એવું લાગે છે. મારા આવવાથી ઓરડામાં નવું ગાદલું અને હાથની બનાવેલી રજાઈનો ઉમેરો થયો હતો. આજ સવારથી આ ઓરડો એક સવાલ લઈને જાગ્યો છે કે કાકાને આટલો વિશ્વાસ કયા કારણે હશે કે પપ્પા એક વખત તો અહીં પાછા આવશે જ?
પપ્પા તેમની સામેની ઓરડીમાંથી પડ્યા-પડ્યા આખું ઘર તાકતા રહે. હમણાં બહુ બોલી નથી શકતા. એ દસ બાય દસની ઓરડી પપ્પાની આખરી ઇચ્છા હતી. મુંબઈના પ્રખ્યાત ડૉક્ટરોએ જ્યારે છેલ્લા ૭૨ કલાક આપ્યા ત્યારે પપ્પાએ આ જગ્યાએ આવવાની ઇચ્છા જાહેર કરેલી. કોઈ પણ સિક્યૉરિટી કે બૉડીગાર્ડ સાથે નહીં, ફક્ત હું અને તે જ! તેમની જીદ આગળ કદી કોઈનું ચાલ્યું નથી અને મારે તેમનો આ ભ્રમ તેમના અંતિમ સમય સુધી પાળવો હતો.
લીલા બાવળનાં પૈડાંની સુગંધ - એની કડવી-કાંટાળી સુવાસ, બાજુની ગલીએથી ઝાંખરામાંથી પસાર થતાં નાનાં-મોટાં જાનવરોનો પગરવ, અડધી રાત્રે છત પર થતી ઉંદર- બિલ્લીની લડાઈ, ફૂલો પરથી ઊડીને કયારેક આવી જતાં પતંગિયા, છાપરે બેઠેલાં કાગડા, કબૂતર અને હોલા, ક્યારેક ભટકતાં કોઈ અજાણ્યાં પંખી, કેડીએ ચાલતાં મરચાં અને પીલકાંની ટોળાબંધ ચહલકદમી, કયારેક ઝાકળભીની સવારે સંભળાતા મોરના ટહુકા, રસોડામાંથી ઊઠતો ધુમાડો, વર્ષો જૂના માટલામાંથી ઊડતી પાણીની વાસ અને આવું કેટલુંય ચોવીસે કલાક હવામાં ઓગળતું રહેતું, જેના આભાસની ભીડ વચ્ચે આજે પહેલી વખત મારી એકલતા મને ચારે બાજુથી ભીંસી રહી હતી. અહીં બધું જ ગતિવંત લાગે છે, જીવંત લાગે છે. હાથ લંબાવો અને ભેટી પડે એટલું જીવંત!
પપ્પાએ કાકા-કાકી સાથે તો દાદાના જીવતાં જ અબોલા લીધા હતા. મમ્મીનાં જવા પછી પોતે મુંબઈમાં વસવાની અને સુખી થવાની જીદમાં ઘર છોડેલું અને પાછા ક્યારેય ન આવવાની કસમ લીધેલી. અહીં નહોતો આવ્યો ત્યાં સુધી તો મને પપ્પાના પ્રૅક્ટિકલ હોવા પર ગર્વ હતો. નીનાની કહેલી વાત હવે સાચી લાગતી હતી. તે ઘણી વાર કહેતી, ‘યૉર ડૅડ હૅઝ ગોન આઉટ ઑફ હિઝ માઇન્ડ.’ પપ્પાને ગામડું જ ગમતું હોત તો કોઈ ફાર્મહાઉસમાં પણ જઈ શકાયું હોત!
હવા ઘડીભર માટે ભારે થઈ. રસોડામાંથી ધુમાડો છાપરાની ઉપર જડેલી દેશી ચીમની વાટે બહાર નીકળવાને સ્થાને ઘરમાં જ ફેંકાતો હતો. કાકી ઉધરસ આવવા છતાં પણ પોતાનું કામ કરી રહ્યાં હતાં. પપ્પા માટે ભાખરી બનાવતા હતા. પપ્પાને ચૂલાનું રાંધણ બહુ ભાવે છે એવું કાકા વારંવાર કહેતા રહેતા. કાકાને શું હજી એમ જ લાગતું હશે કે પપ્પા આટલાં વર્ષોમાં બદલાયા જ નથી?
પપ્પા બહારની ઓરડીથી બેઠાં-બેઠાં ઘરની અંદર નજર ફેરવતાં અને કાકાને કહેતા કે આ જગ્યામાં કંઈ જ નથી બદલાયું. જવાબમાં કાકા મંદ-મંદ મલકાતા રહેતા. તેમનું કન્ડકટરનું પેન્શન બે જણને નિભાવી શકે એ કરતાં તો થોડું વધારે જ હશે. નિ:સંતાન હોવા છતાંય કાકા વિચારીને જ પૈસા વાપરતા. ઘરની દરેક વસ્તુ કાળજીપૂર્વક સચવાઈ રહી છે. પપ્પા તેમની સ્મૃતિને વાગોળી કહેતા એમ હજી પણ એ જ કાચા ચણતરનું ઘર, એ જ ફળિયું, એ જ ઓરડા ને અંદર એ જ જુનવાણી ઢબની મોટી-મોટી રંગહીન લાદીઓ. આ ઘરની પહોળી જગ્યામાં એક યુગલ રહી શકે એવો બેડરૂમ હજી પણ બન્યો નહોતો. અમારો મોટો ઓરડો બંધ જ રહેતો. જરૂરતની બધી જ વસ્તુઓ કાકાના રૂમમાં હોય છે. એ ભંડારખાનું પણ, ડામચિયો પણ અને તેમનો બેડરૂમ પણ અને હૉલનું કામ આ હીંચકાવાળી ઓસરી જ સરભર કરતી. પપ્પા અત્યારે જ્યાં હતા એ ઓરડી એક સમયે તેમની લાઇબ્રેરી હતી અને એ હિસાબે ત્યાં હજી પણ પુસ્તકોનો કબાટ હતો જેમાં આજે પણ પપ્પાનાં, કાકાનાં અને દાદાનાં જૂનાં પુસ્તકો અને હસ્તપ્રતો હતાં પણ ઉંમર પ્રમાણે તેમની હાલત હવે પપ્પા જેવી જ થઈ ગઈ છે.
નીના તો અહીં એક પણ દિવસ ન રહી શકે. આ આખા ઘરથી મોટો તો અમારો બેડરૂમ જ હતો. સારું છે અત્યારે તેના પિયરમાં છે. ઓસ્ટ્રેલિયાથી મુંબઈ જ માંડ આવે છે તો અહીં તો કેમ ટકે? પોતપોતાનાં મા-બાપની સાર-સંભાળ પોતે જ લેવાની એવો સમજૂતી કરાર અમે બરાબર પાળીએ છીએ. ક્યારેક થાય છે પપ્પાની આખરી ઇચ્છાની મને ખબર હોત તો આ જગ્યાએ એક આલીશાન બંગલો બનાવત. કદાચ નીનાને થોડા દિવસો ફાવી જાત! બાકી અહીં રહે કોણ? કાકીની બદામ આકારની ઊંડી ઊતરેલી આંખોમાં સતત પાણીની તંગી વર્તાતી રહે છે. કાકી જ્યારે પાસે હોય તો તેમની પાસેથી રસોડાના ધુમાડાની અને મસાલાની ગંધ ઊડ્યા કરે. પાણી ભરીને ભીની થયેલી સાડીમાંથી વીંછળી વાસ વછૂટે. મને જમાડતી વખતે કાકા-કાકી કોઈ જ કસર ન છોડે અને કાકી મને ઉષ્માભરી નજરે જોયા જ કરે. કાકાએ મારા અને પપ્પા માટે આજકાલ બિસ્લેરી બૉટલનો બંદોબસ્ત કરાવેલો છે, પણ ખબર નહીં કેમ પપ્પા હમણાંથી ગામના પાણીથી જ ધરાય છે!
મારે માટે અહીં ખાસ કામ નથી છતાંય પપ્પાની ઇચ્છા મુજબ મારે થોડા દિવસો આ જગ્યાએ કાઢવાના હતા. નેટવર્ક પણ આવ-જા થતું એટલે કંટાળીને પલંગ પર ફોનનો ઘા કરી હું બહાર સિગારેટ પીવા નીકળી પડતો. આજકાલ પાડોશીઓની, ઓળખીતા લોકોની અવરજવર વધી હતી. દરેક વ્યક્તિ પોતાને મારો કાકો અને કાકી ઓળખાવતી. બાકીની સ્ત્રીઓ ફઈ થઈ જતી અને વધેલા છોકરાઓ મને મુંબઈથી આવેલો જાણી અતરંગી સવાલો પૂછ્યા કરે. મને ઘડીભર ગમ્મત થાય તો હું પણ અતરંગી જવાબો આપું. પણ એક જ દિવસમાં આખું ગામ ફરી શકાય એટલું મુઠ્ઠીભર ગામ મને કેટલી ગમ્મત કરાવી શકે એમ હતું?
આટલાબધા માણસોની અવરજવર છતાંય સમય આગળ વધવાનું નામ નથી લેતો. પપ્પા હવે બેસી શકતા હતા, વાતો કરી શકતા હતા. કાકા તેમને નાનપણની, યુવાનીની, સગાંઓની, મિત્રોની કેટકેટલી વાતો યાદ કરાવતા અને એ બન્નેની સ્મૃતિઓ હવામાં ભળતી રહે. પપ્પાની અને કાકાની વાતો ખૂટતી જ નહીં. ક્યારેક એમ થાય કે જો સ્મૃતિનું ચલણ અસ્તિત્વમાં આવે તો કાકા પપ્પાની જગ્યાએ અને પપ્પા કાકાની જગ્યાએ હોત ને હું તો ખાલી ખિસ્સાવાળો કંગાળ રહી જાત! આવા શોરગુલ વચ્ચે પણ હવા ક્યારેક દરિયાનાં મોજાંની જેમ ઊછળીને બારી-બારણાંને થપાટ મારી જતી, જેના તીક્ષ્ણ પડઘા સીધા મારા હૃદયમાં ઊઘડતા. પપ્પા શું આ જગ્યાએથી ક્યારેય ગયા જ નહોતા કે અહીં હું જે અનુભવું છું એ ચીરસ્વપ્ન છે?
એક દિવસ મારા પગ ઘરનો ડેલો વટી ગયા. બહાર ઊભેલી આંબલીને ટેકે જઈને મેં સિગારેટ પેટાવી. આખા ગામડામાં બપોરી આળસ મરડીને સાંજ તૈયાર થતી હોય ત્યારે સૂકા રસ્તા પરની ધૂળ રમતે ચડે છે. રસ્તાઓ વહેલી સવારથી કામે લાગેલી પનિહારીઓ અને પરસેવો પાડી રળી ખાતા કામ-ધંધાદારી માણસોનો સુનકાર સર્જે છે. આ સમયે રસ્તા પર ચકલાં પણ ગાયબ હોય, એવામાં આ ઘરના રસોડાને અડીને એકલી ઊભેલી આંબલી એકમાત્ર છાયાનું અતૂટ વચન પાળી રહી છે. મારી ભડકતી સિગારેટનો ધુમાડો ઘડીભર ગામડાની હવાને દૂર ધકેલી મારા ખપ જેટલી શાંતિનાં કૂંડાળાં રચતો રહે છે. કાકા-કાકી સંતુષ્ટ હોય એવું તેમના ચહેરા કહે છે. પણ આ જગ્યાએ કોઈ સુખી?
મારી નજર આંબલીના ઝાડની ઉપર તરફ ગઈ. એક ડાળખી લાંબી થતી રસોડાની ચીમનીને અડતી હતી. જો આ ડાળી કપાઈ જાય તો ઘરની અંદર ભરાતો ધુમાડો ચીમનીથી બહાર તરફ ફેંકાય અને કાકીને આટલી ઉધરસ પણ ન આવે. ઘરમાંય ધુમાડાથી રાહત રહે. કાકી પાણી ભરવા ગયેલાં. મેં ઘરમાંથી કુહાડી લાવીને છાપરે પોતાની શાખાઓ ફેલાવતી ડાળખીને કાપી નાખી. થોડાં નળિયાં પણ સરખાં કરી નાખ્યાં. મને હતું કે કાકી જોશે તો ખુશ થઈ જશે, પણ પાણી ભરીને આવતાં કાકીના ચહેરા પર એ જ સ્થિર ભાવ રહ્યા. ઊલટું એ દિવસે મેં જોયું કે કાકી મારી સાથે વાતો કરવાનું ટાળતાં રહ્યા. મેં કારણ પૂછી જ લીધું. તો કાકી પોતાના આરોહ-અવરોહ વગરના અવાજમાં બોલેલાં, ‘ભાભી તને આયાં હીંચકો બાંધીને રમાડતાં. તું તો આયાં જ મોટો થયો. ભાભી ગાઈ-રમાડીને તને ખવડાવતાં... હું તને આંયાં જ ઝુલાવતી. ખાતાં-ખાતાં જ તું સૂઈ જાય. ક્યારેક તો આખો દી’ આયાં જ કાઢતો. અમને
દેરાણી-જેઠાણીને ગાંડા કરી નાખતો.’ કાકી આગળ બોલેલાં, ‘અતાર લગી તો આંયા ઝૂલોય હતો, પણ ગામના છોકરાંવે રમીને તોડી નાય્ખો. ડાળી હોત તો કામ જ લાગત. તારા ઘરે…’ વાત અધૂરી મૂકીને જ અટકેલાં કાકીની આંખોમાં કંઈક ડોકાઈને પાછું જતું રહ્યું. બિલકુલ એ જ રીતે જ્યારે તેમણે મને પહેલી વાર જોયેલો અને આંખોમાં જાણે કંઈક છલકાતાં રહી ગયેલું. કાકી કામે વળગ્યાં. મેં અજાણતાં જ તેમની સ્મૃતિનાં મૂળિયાં ઉખાડી નાખ્યાં હતાં કદાચ. હું કાકીને જોતો રહી ગયો.
પપ્પા પૂરા સાત દિવસ મન ભરીને જીવ્યા અને એક રાત્રે તેમણે આરામથી દુનિયાથી વિદાય લીધી. આખું ગામ તેમના જવાનો શોક મનાવતું હતું, જાણે સૌના ઘરનું અંગત મરણ હોય! હવા પણ સુન્ન હતી, મારું હૃદય દુખતું હતું, પણ પોતાના અનાથ થવાની સભાનતા મને હજી પણ ન્હોતી આવી. કાકા મને વળગીને ખૂબ રડેલા. કાકીના મોંમાંથી ઉદ્ગાર નહોતા નીકળ્યા, પણ આંખો અકારણ લાલ થઈ જતી. પપ્પાની મૈયત સામે જ્યારે કાકી મારી પડખે મારો હાથ પકડી બેસેલાં તો તેમના ઘસાયેલા, ઘરડા નાજુક હાથ પરથી નસો એવી રીતે ઊછળતી હતી જાણે તેમનું હૃદય હાથમાં ન આવી ગયું હોય!
આજે ત્રણ દિવસ થઈ ગયા. પપ્પાની કબર ચણાવી લીધેલી અને એના પર તેમના નામની તકતી પણ લાગી ગઈ હતી. મારે પાછા જવાનું હતું. નીકળતા પહેલાં કાકા ફરી વાર કબ્રસ્તાન લઈ ગયા. મારી પીઠે હાથ મૂકીને કહ્યું, ‘ભાય, અહીં થોડો મરવો વાવી દઈએ, મર્હૂમની કબર પર ટાઢક રહે.’ હું કાકાને અનુસરતો રહ્યો. સમજણા થયા પછી પહેલી વાર એ જ કબ્રસ્તાનમાં ભરપૂર ખીલેલા મરવાથી ઢંકાયેલી મારી માની કબર પણ જોઈ. આ જમીન વર્ષોથી માને મરવાની ઓથમાં સાચવતી રહી હતી. આજ સુધી ક્યારેય આ કબર જોવાની ઇચ્છા કેમ નહીં થઈ હોય? થોડો મરવો કાકાથી નજર ચોરીને હું સાથે લેતો આવેલો. આવીને આંબલીની મુંડાયેલી ડાળીની બરાબર નીચે વાવી દીધો અને પછી પાછા જવાની ફૉર્માલિટી શરૂ કરી.
કાકા-કાકીને પોતાની સાથે મુંબઈ આવવાનું કહેલું તો કાકી બોલેલાં, ‘હવે ક્યાંય નથી જાવું ભાય! અહીં જ ટાઢી માટી થઈ જાય તો સારું.’
કાકાએ ઉમેરેલું, ‘તું આવતો રે’જે. હવે તારે હાટુ આયાં પાક્કો રૂમ બનાવી દેશું. તું તારે આવતે વખતે કોઈ તકલીફ નો પડે. અમારું બધુંય તારું જ છે હોં બેટા!’ તપતા પહોરે એ દિવસ અચાનક જ કાકાનો પડછાયો મારા કરતાં મોટો થઈ ગયો હતો. થોડોઘણો ખર્ચો દેવા ખિસ્સામાં પહોંચેલા મારા હાથ ભોંઠા પડીને ત્યાં જ રહી ગયા. મારી વિદાય સમયે હવા એક વાર ફરીથી સુન્ન થયેલી. કાકીએ ડેલો વટતાં પહેલાં મારી નજીક આવી કપાળે એક હૂંફાળું ચુંબન આપ્યું. મારા માટે એક જ ક્ષણમાં એ સ્ત્રી આખી દુનિયાની સ્ત્રીઓ કરતાં અલગ તરી ગઈ. કાકી નજર મેળવ્યા વગર જ પાછાં ફરી ગયેલાં. એ આંખો આજે ચોક્કસ છલકાઈ હશે.
- બૅક ટુ મુંબઈ - મુંબઈ શહેરને એક હેડલાઇન મળી હતી. શોકસભામાં આવવા નીના ઑસ્ટ્રેલિયાથી પાછી ફરી હતી. આ વીક-એન્ડમાં શહેરના અતિ ધનાઢ્ય બિઝનેસમૅનને ગુમાવ્યા બદલ ધોળાં કપડાંમાં શોકસભા રચાશે. હું રાતોરાત ‘છોટે માલિક’થી ‘માલિક’ બની ગયો હતો. શહેરનું હવામાન ટૉપ ક્લાસ હતું. આ બંગલામાં ચોતરફ મારું જ સામ્રાજય હતું. એક સાંજે ઓપન ગાર્ડનમાં લટાર મારતો હતો. અહીં વૃક્ષોને બહુ ડાળીઓ ફેલાવવાની રજા નહોતી. માળી એની સમયાંતરે છણાવટ કરી પગાર રળી લેતો. આ જગ્યાએ હવાઓ પણ મને પૂછીને જ અંદર આવતી. મારી આંખો અજાણ્યા લાગતાં વૃક્ષોની વસ્તીમાં આંબલીની શોધમાં નીકળી હતી કદાચ. હું બગીચાના પાછલા ભાગે આવેલા સર્વન્ટ્સ ક્વૉર્ટર્સ પાસે જઈ ચડ્યો. મારા પગ આગળ વધતા અટકી ગયા. અહીં આંબલી અને ધુમાડા ભલે ન હોય, પણ ગામડું અને શહેર પણ નથી. અહીં તો ફક્ત અમીરી અને ગરીબી વસે છે.
શોક્સભાનો દિવસ પણ આવી ગયો. એક મિનિટનું મૌન પાળવા મોટા માણસને પોતાના અંગત કહેવડાવતા હજારો લોકોની મેદની ભરાઈ. નીના પબ્લિક સ્પીકિંગ એક્સપર્ટ છે એટલે પપ્પા માટે કહેવા જેવું તે બધું જ બોલી ગઈ. એક મિનિટ નીરવ શાંતિ રહી. એક આલીશાન મકાનના AC હૉલમાં ખીચોખીચ ભરાયેલી શાંતિ મારા કાનમાં ધાક પાડી રહી છે. મને દૂરથી એક અવાજ સંભળાય છે, જાણે મને કહેતો
હોય– ‘ભાય, જલદી પાછો આવજે, આ મરવો પાણી માગે છે.‘
(સમાપ્ત)


