Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૨)

મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૨)

29 November, 2022 11:53 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘નહી, આવું નહીં કરવાનું.’ આદતની વાત ચાલતી હતી ત્યારે એશાએ તમને કહ્યું હતું, ‘જમણો હાથ કિસ્મતનો હાથ છે. કિસ્મતને ક્યારેય મુક્કો નહીં મારવાનો.’

મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૨) વાર્તા-સપ્તાહ

મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૨)


એશા...
એકાએક તમને લાગ્યું કે તમે હજુ હમણાં જ આ નામ વાંચ્યું. ક્યાંક, હજુ હમણાં જ, પણ ક્યાં?
હા, પેલા કાગળમાં. ક્યાં ગયો એ?
તમે તકિયાનો ઘા ર્ક્યો. તમને યાદ નહોતું કે તમે એઠા હાથે જ તકિયાનો ઘા કરી દીધો હતો.
જો તમને કોઈએ ટોક્યા હોત તો પણ તમને અત્યારે એ ડાઘની પરવા નહોતી.
તમે કહી દીધું હોત, સર્ફ એક્સલ બ્લુ અમારા જેવા બેદરકારોની મદદ માટે જ શોધાયો છે. એ દિવસે પણ તમે એશાને આ જ જવાબ આપ્યો હતો.
એશા...

ક્યાં ગયો કાગળ?
કાગળ તો તમે સોફા પર મૂક્યો હતો પણ હવે એ ક્યાં ગયો? 
તમે તમારા પર જ ધૂંધવાઈ ગયા.
તમને પાક્કી ખાતરી હતી કે તમે એ જ કાગળમાં કોઈ જગ્યાએ એશા વાંચ્યું હતું. એશાનો ઉલ્લેખ કરીને કાગળ કોણ લખે?
અજિત અને તેની વાઇફ સિવાય તો કોઈને એશાની ખબર નથી. ઑફિસના સ્ટાફ મેમ્બર્સને પણ અજિતે એવું જ કહ્યું હતું કે તમારા રિલેટિવ ગુજરી ગયા છે એટલે તમે ઑફિસે નથી આવતા. તો પછી... 
અજિતે લેટર લખ્યો હશે? 
તમે માથું ધુણાવ્યું.
ના, અજિત ન જ હોય.
તો કોણ હશે?



અરે, કોણ હશે શું? કાગળ શોધ એટલે હમણાં ખબર કે કોણે પત્ર 
લખ્યો છે?
તમે તમારી જ જાતને રસ્તો દેખાડ્યો.
પણ કાગળ ગયો ક્યાં?
ક્યાંય નથી. સોફા નીચે, ટિપાઈ પાસે. ક્યાંય નથી.
તમે સોફાની ગાદી ખેંચી લીધી. કાગળ ત્યાં પણ નહોતો. તો એ ગયો ક્યાં?


અનાયાસે જ તમારા ડાબા 
હાથની મુઠ્ઠી તમારા જમણા હાથની હથેળી સાથે ટકરાઈ.
‘નહી, આવું નહીં કરવાનું.’ આદતની વાત ચાલતી હતી ત્યારે એશાએ તમને કહ્યું હતું, ‘જમણો હાથ કિસ્મતનો હાથ છે. કિસ્મતને ક્યારેય મુક્કો નહીં મારવાનો.’ 
એકાએક તમારું ધ્યાન નીચે પડેલા તકિયા તરફ ગયું.
જે કાગળ તમે શોધતાં હતા એ તકિયાના કવરની અંદરથી તમારી સામે હસતો હતો. તમે ઝપટ મારીને કાગળ ઊંચકી લીધો.
ઘરમાં આવી ગયેલા કબૂતરને પકડવા જેટલી ચપળતા જોઈએ એટલી ચપળતા તમે અત્યારે કાગળ ઊંચક્વામાં વાપરી હતી.
પ્રિય અભિ...

લેટરમાં કરવામાં આવેલું સંબોધન કૉલેજ સમયના દોસ્તો કરતા. કૉલેજની સાથોસાથ આ સંબોધન પણ પાછળ રહી ગયું હતું. વર્ષો પછી એશા લાઇફમાં આવી અને એક દિવસે તેણે પૂછ્યું, ‘તમને વાંધો ન હોય તો હું તમને અભિજિતને બદલે અભિ કહું?’
‘મને શું પ્રૉબ્લેમ હોય.’
‘મારી તકલીફ જાણ્યા પછી ખરેખર વિરોધ કરશો.’
‘શું તકલીફ છે?’
‘તમારું આખું નામ બોલીએ ત્યાં તો લોકલ બોરીવલીથી સેન્ટ્રલ પહોંચી જાય.’
જવાબ આપીને એશા બે મિનિટ સુધી હસતી રહી. તેની આ વાહિયાત કમેન્ટને કારણે નહીં, પણ તેના હસવાના લહેકાના કારણે તમે હસી પડ્યા હતા.
lll


કોણે લખ્યો હશે આ કાગળ?
કોણ જાણે કેટલામી વાર તમે આ સવાલ તમારી જાતને પૂછ્યો હતો.
લેટર લખનારાએ કવર પર નામ નહોતું લખ્યું. કુરિયરથી કવર આવ્યું હોય તો કવર પર કુરિયરની સર્વિસ અને એના સ્લિપ નંબર હોય, પણ એવું પણ કંઈ નહોતું. અરે, સી-ગ્રેડની કુરિયર સર્વિસનો ડિલિવરીમૅન પણ આ રીતે કવર ઘરમાં નાખીને જાય નહીં. એક-બે ધક્કા ખાય, ફોન કરે, પાડોશમાં કવર આપી અને પાડોશી પણ એ લેવા તૈયાર ન થાય તો ઘરમાં ઇન્ટિમેશન કાર્ડ મૂકીને જાય કે તમારું કવર આવ્યું છે. આપ આવવાની કૃપા કરશો. આવું પણ કંઈ નહોતું.
તમે કવર ઊથલાવીને પચાસમી વાર ચેક કર્યું.
ના, કવર પોસ્ટ પણ નહોતું થયું. જો એ પોસ્ટથી આવ્યું હોય તો એના પર પોસ્ટ-ઑફિસનો સ્ટૅમ્પ હોય. સ્ટૅમ્પ ન હોય તો દંડ વસૂલે પણ રબ્બર સ્ટૅમ્પ તો હોય જ.
કુરિયર નહીં, પોસ્ટ નહીં તો કવર ઘર સુધી પહોંચ્યું કઈ રીતે?
શું આ કાગળ લખનારો પોતે આવીને ઘરમાં સરકાવી ગયો?
લખનારો કે પછી લખનારી?

તમારા આશ્ચર્યમાં વાજબી વજૂદ હતું. તમે કાગળના અક્ષરો જોયા.
ના, આ અક્ષર છોકરીના જ છે.
વર્ષોના અનુભવ પરથી તમે અનુમાન પર ચોક્કસ હતા.
કોઈ છોકરી તમને શું કામ કાગળ લખે. કાગળ લખે અને ડાહી સલાહો પણ આપે. શું કામ? તમે ઊભા થઈ ગૅલેરીમાં આવ્યા. દિવસ આખો દેકારા કરતો એસ. વી. રોડ હજુ થોડી વાર પહેલાં જ સૂતો હોય એમ શાંત હતો.
કોણ હશે, એશાને ભૂલી જવાની સલાહ આપનારું? કોણ હશે, જે ઇચ્છે છે કે હવે ફરીથી નવી જિંદગી જીવવાની શરૂઆત કરી દેવી જોઈએ? અરે, કોણ છે એ કે જેને તમારા અને એશાના સંબંધોની રજેરજ માહિતી છે?
તમે વૉકમૅનનું વૉલ્યુમ વધુ ફાસ્ટ કર્યું.

સૂમસામ રસ્તો, સોડિયમ લાઇટનું અજવાળું, ઘેરી એકલતા અને પુરુષોત્તમ ઉપાધ્યાયનો મદહોશ અવાજ.
એકેય ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ, રાતી કીડીનોય ભાર એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય, પડવાને કેટલી છે વાર બરફમાં ગોઠવેલું હું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવો
તમારી ગમગીનીમાં વધારો થતો હતો.
એશા નહોતી મળી એ પહેલાં પણ તમે મુંબઈથી કંઈ ખાસ ખુશ નહોતા, પણ મુંબઈથી દુખી થવાનું કોઈ વાજબી કારણ પણ તમારી પાસે નહોતું. એશા આવી અને તમારા મનમાં મુંબઈ માટે વહાલ જન્માવતી ગઈ. એશા ગઈ અને ફરીથી એ મુંબઈ તમારે મન ખાલીખમ થઈ ગયું. પાંદડાં વિનાની ડાળી જેવું ખાલીખમ. પાનખરની સામે ખુલ્લી છાતીએ ઊભું રહી શકે એવું ખાલીખમ અને હવે કોઈ કહે છે, જેમ મુંબઈમાંથી એશા ગઈ એમ મનમાંથી, હૈયામાંથી એશાને કાઢી નાખ.
તમે કાગળની ઘડીઓ ખોલી.
રસ્તા પર પથરાતો પ્રકાશ કાગળના અક્ષરો ઉકેલવાનું કામ પણ કરતો હતો.
lll

... જીવન અને મૃત્યુ નિશ્ચિત છે. ઘટના પણ પોતાના ગર્ભમાં નવી ઘટનાને છુપાવીને જ બેઠી હોય છે. 
એશાનું તમને મળવું એ પણ એક નિર્ધારિત ઘટના હતી અને એ સમયે નક્કી જ હતું કે એક દિવસ એશાએ તમારો સાથ છોડી દેવાનો છે. જો એક આખું ઘટનાચક્ર નિશ્ચિત હોત તો આ રંજ શાનો. અભિ, તમારે અને મારે કોઈ સંબંધ નથી અને છતાં તમને સલાહ આપું છું. યોગ્યતા વિશે પણ ખબર નથી. બને કે આ લેટર લખવાની મારી કોઈ લાયકાત ન હોય. એવું પણ બને કે આ લેટરની તમારા પર કોઈ અસર ન થાય અને એ પણ શક્ય છે કે આ લેટર તમને એશાને ભૂલવામાં હેલ્પફુલ બને. સંભવ અને અસંભવના અનેક વિચારો વચ્ચે આ પહેલ કરી છે. મારી આ પહેલને નકારાત્મક બનીને નહીં જુઓ એવી આશા સાથે વિનંતી માત્ર એક, એશા હવે ભૂતકાળ છે અને તમારે વર્તમાનની સાથે આગળ વધવાનું છે...
lll

દરેક વર્તમાનને ભૂતકાળના આધારની આવશ્યકતા હોય છે.
જો આ પત્ર લખનારાએ તમને રૂબરૂ મળી આ વાત કરી હોત તો તમારો જવાબ કંઈક આ જ હોત.
 ‘ચલ, રાંડ...’
નીચેથી આવેલી ગાળે તમારી વિચારધારા અટકાવી.
તમે નીચે નજર કરી. કોઈ દારૂ પીને પત્નીને મારતો હતો.
જેના નસીબમાં પ્રેમ છે તેને પ્રેમની કિંમત નથી અને જે પ્રેમનું મૂલ્ય સમજે છે એ પ્રેમ માટે ટળવળે છે. બોરીવલીને એના હાલ પર છોડી તમે રૂમમાં આવી ગયા.
વૉકમૅને પણ નવા ગીતની દિશા પકડી લીધી હતી.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ એક તરણું કળ્યું ને તમે યાદ આવ્યા...
lll

રાતનો ઉજાગરો તમારા માટે કોઈ નવો નહોતો, પણ ગઈ રાતનો ઉજાગરો તમારા માટે ચોક્કસ નવી પરેશાની સાથે આવ્યો હતો. ઘરમાંથી મળેલા લેટરને લીધે તમે આખી રાત વિચારોમાં પસાર કરી હતી. એક તબક્કે તમને લેટરમાં સલાહ આપનારા કે પછી આપનારી પર બહુ ગુસ્સો પણ આવ્યો હતો, પણ પછી ધીમે-ધીમે તમારો ગુસ્સો ઓસરી ગયો હતો. આમ પણ ગુસ્સો ઓસરે એવી નગ્ન હકીકત પણ પત્ર લખનારાએ લખી હતી.
lll

એક વ્યક્તિના હોવાથી જેમ ફરક નથી પડતો એમ કોઈ એકના ન હોવાથી પણ ધરતીકંપ નથી આવતો. જરા ભૂતકાળ યાદ કરો, એક તબક્કે જે દોસ્ત વિના તમારે ઘડીભર પણ નહોતું ચાલતું એ વ્યક્તિ કઈ સેકન્ડે તમારો હાથ છોડીને ચાલી ગઈ એ પણ તમને ખબર નહોતી પડી. મા-બાપ, ભાઈબંધ બનીને રહેતા કાકા કે પછી વડીલના દરેક ગુસ્સાની સામે ઢાલ બનીને ઊભી રહેતી મોટી બહેન જે સમયે છોડીને જાય છે એ સમય આકરો બની જાય છે, પણ આકરો બનેલો સમય પસાર થયા પછી એ સંબંધોને યાદ કરવા તસ્દી લેવી પડે છે. નાના હોઈએ છીએ ત્યારે જે દાદા ઘોડો બનીને ફેરવે એ દાદાની તસવીર માટે ઘરની દીવાલો પર જગ્યા નથી હોતી. સંબંધોનો તાજો ભૂતકાળ આકરો હોય પણ ભૂતકાળ જેમ વાસી થાય એમ સંબંધ માટેની આક્રમક્તા પણ અલોપ થતી જતી હોય છે.

તમે ચા બનાવતા હતા, પણ તમારી આંખો સામે પત્રોના શબ્દો ફરતા હતા.
પત્ર એટલી વાર વાંચ્યો હતો કે એમાં પત્રમાં ક્યાં ગ્રામરની ભૂલ છે ને ક્યાં ભૂલથી શબ્દોનું પુનરાવર્તન થયું છે એ પણ તમને હવે ગોખાઈ ગયું હતું.
તમે ચા ગૅસ પરથી ઉતારી લીધી.
ગૅસની ઝાંખી અને નાની થતી જ્યોત કહેતી હતી કે સિલિન્ડર ખાલી થવાની તૈયારીમાં છે. તમે કિચનની દીવાલ પર લટક્તા કૅલેન્ડરનું આગલા મહિનાનું પેજ તપાસી લીધું. ર૭ જાન્યુઆરીએ સિલિન્ડર આવ્યું હતું. હજુ એકાદ વીક ચાલવું જોઈતું હતું.
જો ત્રણ મહિના પહેલાંની વાત હોત તો તમારો જીવ બળી ગયો હોત, પણ હવે, હવે તમને કોઈ અસર નહોતી થતી. જો એશાની ગેરહાજરી પછી, પણ તમને કોઈ ફરક ન પડ્યો હોય તો ગૅસનું સિલિન્ડર શું ચીજ છે?

ચાનો કપ ભરવાનો શરૂ કરતાં પહેલાં તમે એક નિર્ણય લઈ લીધો. 
આજથી ફોન ક્રેડલ પર જ રહેશે.
બને કે એશાનો જ ફોન ફરી વાર આવે. 

એશાનો કે પછી એશા બનીને કોઈ આવનારીનો? 
તમે ગરદનને જોરથી ઝાટકો માર્યો.
એશા પ્રત્યેના પ્રેમની પ્રામાણિકતાને ડોલાવે તેવા વિચારોને અટકાવવાના ભાવથી.
lll

‘અજિત, એક કામની વાત કહું?’ 
‘ના, મને નહીં...’ અજિત અંગ્રેજી ડેસ્ક પર આવેલી નવી છોકરીને જોતો હતો, ‘કામની વાત ડૉ. પ્રકાશ કોઠારી સાથે કરવાની.’
‘અજિત...’ 
તમારો અવાજ મોટો થયો, 
જેને લીધે નવી આવેલી પેલી છોકરી સહિત બેત્રણનું ધ્યાન ક્યુબિક તરફ ગયું. અજિતે તરત જ ગરદન નીચી કરી લીધી.
‘તું પણ શું, યાર. દોસ્ત છે કે બૈરી?’

અજિતની સરખામણીથી તમને હસવું આવી ગયું.
‘દોસ્ત છું એટલે ટકટક કરું છું. જો વાઇફ હોત તો આ ચિબાવલીની હાજરીમાં તને ફડાકો માર્યો હોત.’
‘જો તને લાગતું હોય કે હું ફલર્ટની ટ્રાય કરું છું તો તું ખોટો છે.’ 
‘ના રે. મને ખબર છે તું તો રક્ષાબંધનની આગોતરી તૈયારી કરે છે.’
‘ના હોં...’ અજિતે કાઠિયાવાડી લહેકા સાથે કહ્યું, ‘આ ગરીબને કોણ બહેન બનાવે.’
‘ગરીબ?’ 

‘બિચારી ગરીબ જ છેને...’ 
અજિતે તમારી સામે જોયું, ‘જોને, બિચારી પાસે આખા કપડાં પહેરવાના પૈસા નથી એટલે શરીરનાં અમુક અંગ ઢાંકીને કામ ચલાવે છે. હાથેથી ને પગેથી જોને બિચારીને...’
પેલી અંગ્રેજી ચિબાવલી કૉપીરાઇટરની ઓરામાં અજિતે તમારી વાત સાંભળી નહોતી અને આજે તમને પહેલી વાર એ વાતનો અફસોસ પણ નહોતો.

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 11:53 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK