Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લાંબા ગાળે વધુ સ્થિર અને સંતુલિત વળતર આપવા માટે બન્યાં છે મલ્ટિ-ઍસેટ ફન્ડ્સ

લાંબા ગાળે વધુ સ્થિર અને સંતુલિત વળતર આપવા માટે બન્યાં છે મલ્ટિ-ઍસેટ ફન્ડ્સ

Published : 24 May, 2026 02:39 PM | IST | Mumbai
Rajendra Bhatia | feedbackgmd@mid-day.com

આખરે કહી શકાય કે બજાર જેટલું વધુ જટિલ અને અનિશ્ચિત બનશે એટલી વધુ ડાઇવર્સિફિકેશનની અને લવચીકતાની જરૂર પડશે. બદલાતા સમયમાં ઝડપથી અનુકૂલન કરવાની ક્ષમતા હવે માત્ર ફાયદો નથી પરંતુ સફળ રોકાણ માટે જરૂરી બાબત બની ગઈ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


નાણાકીય બજારોમાં હવે ઘણા જલદી-જલદી અને તીવ્ર ઉતાર-ચડાવ આવવા લાગ્યા છે. લોકોની પ્રતિક્રિયાઓ પણ હવે તીવ્ર બની ગઈ છે. આવા સમયમાં રોકાણકારો માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનું વધુ મુશ્કેલ બન્યું છે. આમ હવે માત્ર એક જ પ્રકારની સંપત્તિમાં રોકાણ કરવાને બદલે વિવિધ સંપત્તિમાં સંતુલિત રોકાણ કરવાની જરૂરિયાત વધી રહી છે. આ જ કારણથી મલ્ટિ-ઍસેટ મ્યુચ્યુઅલ ફન્ડ્સ વધુ લોકપ્રિય બની રહ્યાં છે.

મલ્ટિ-ઍસેટ મ્યુચ્યુઅલ ફન્ડ્સ એવાં ફન્ડ્સ છે જે એકસાથે ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ જેવા અલગ-અલગ ઍસેટ ક્લાસમાં રોકાણ કરે છે. બજારની પરિસ્થિતિ પ્રમાણે ફન્ડ-મૅનેજર એમાં ફેરફાર કરે છે. એટલે કે રોકાણકારે પોતે નક્કી કરવાની જરૂર રહેતી નથી કે ક્યારે શૅરમાંથી બહાર નીકળવું અને ક્યારે સોનામાં અથવા ડેટમાં રોકાણ વધારવું. આ કામ ફન્ડ-મૅનેજર વ્યવસ્થિત રીતે કરતા હોય છે.



આ પ્રકારની લવચીકતા આજના સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. જો શૅરબજાર વધુ મોંઘું લાગે અથવા જોખમ વધતું હોય તો ફન્ડ ઇક્વિટીમાં રોકાણ ઘટાડીને ડેટ અથવા સોનામાં વધારો કરી શકે છે. બીજી તરફ જ્યારે શૅરબજારમાં સારા અવસર જોવા મળે ત્યારે ઇક્વિટીમાં રોકાણ વધારી શકાય છે. આ રીતે રોકાણકારને નુકસાનનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે અને લાંબા ગાળાની વૃદ્ધિની તકો પણ જળવાઈ રહે છે.


આજકાલ નાના અને મોટા બન્ને પ્રકારના રોકાણકારો સમજવા લાગ્યા છે કે માત્ર એક જ ઍસેટ ક્લાસ પર આધાર રાખવો યોગ્ય નથી. ખાસ કરીને રીટેલ રોકાણકારો માટે અલગ-અલગ ફન્ડ્સનું સંચાલન કરવું સરળ નથી. દરેક ઍસેટમાં કેટલું રોકાણ કરવું અને સમયાંતરે એનું રીબૅલૅન્સિંગ કરવું એ સમય અને શિસ્ત માગી લે છે. મલ્ટિ-ઍસેટ ફન્ડ્સ આ પ્રક્રિયાને સરળ બનાવે છે અને રોકાણકારને એક જ ફન્ડમાં વધુ ઍસેટ ક્લાસમાં રોકાણ કરવાનો વિકલ્પ આપે છે.

કરવેરાની દૃષ્ટિએ પણ આવાં ફન્ડ્સ લાભદાયક બની શકે છે. જો રોકાણકાર પોતે ઇક્વિટી, ડેટ અને સોનામાં કરેલા રોકાણમાં વારંવાર ફેરફાર કરે તો કરવેરો લાગુ પડવાની શક્યતા રહે છે, જ્યારે મલ્ટિ-ઍસેટ ફન્ડમાં રીબૅલૅન્સિંગનું આ કામ સ્કીમના સ્તરે ઍસેટ મૅનેજર દ્વારા કરવામાં આવે છે. પરિણામે રોકાણકાર પર તરત કરવેરાનો બોજ આવતો નથી.


અહીં નોંધવું ઘટે કે મલ્ટિ-ઍસેટ ફન્ડ્સનો હેતુ કોઈ એક ઍસેટમાં સૌથી વધુ નફો મેળવવાનો નથી. એનો મુખ્ય ઉદ્દેશ તો લાંબા ગાળે વધુ સ્થિર અને સંતુલિત વળતર આપવાનો છે. મધ્યમ જોખમ લેવાની ક્ષમતા ધરાવતા અને અનિશ્ચિત બજારમાં સંતુલિત રોકાણ ઇચ્છતા રોકાણકારો માટે આ ફન્ડ્સ યોગ્ય વિકલ્પ બની શકે છે.

આખરે કહી શકાય કે બજાર જેટલું વધુ જટિલ અને અનિશ્ચિત બનશે એટલી વધુ ડાઇવર્સિફિકેશનની અને લવચીકતાની જરૂર પડશે. બદલાતા સમયમાં ઝડપથી અનુકૂલન કરવાની ક્ષમતા હવે માત્ર ફાયદો નથી પરંતુ સફળ રોકાણ માટે જરૂરી બાબત બની ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 02:39 PM IST | Mumbai | Rajendra Bhatia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK