Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્ત્રીઓ ક્યાં સુધી ઇમોશનલ લેબરનો ભાર વેંઢારશે?

સ્ત્રીઓ ક્યાં સુધી ઇમોશનલ લેબરનો ભાર વેંઢારશે?

31 January, 2023 04:46 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

તેનું પોતાનું ઇમોશનલ બૅલૅન્સ ખોરવાઈ જાય એ પહેલાં તેણે આ ભારને થોડો હળવો કરવો જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


ઘર હોય કે ઑફિસ, બંને જગ્યાએ તેની આસપાસના વાતાવરણને પ્રફુલ્લિત રાખવાનું અને તેની આજબાજુના લોકોની ઇમોશનલ ડિમાન્ડ્સને સંતોષવાનું કામ મોટા ભાગે સ્ત્રીઓ પર જ હોય છે. આમ તો હોંશે-હોંશે આ કામ સ્ત્રીઓ કરે છે, પણ સમય જતાં આ કામના ભાર તળે ભીંસાતી પણ હોય છે. તેનું પોતાનું ઇમોશનલ બૅલૅન્સ ખોરવાઈ જાય એ પહેલાં તેણે આ ભારને થોડો હળવો કરવો જરૂરી છે

કિસ્સો ૧   મારાં સાસુને તો રસોડું એકદમ ચકચકિત જ ગમે. એટલે હાલત હોય કે ન હોય, ગમે તેટલાં થાકી ગયાં હો, ઊંઘ આવે કે બીમાર હો ત્યારે પણ સફાઈને પ્રાધાન્ય પહેલાં મળે, ખુદને પછી. કારણ ફક્ત એક કે જો ગંદું રાખીને હું સૂવા ચાલી જઈશ તો સાસુને ગમશે નહીં. 



કિસ્સો ૨   મારા પતિને તો ગરમ રોટલી જ ભાવે. વર્ષોથી બધાની રોટલી બનાવી રાખું પણ તેમની પાંચ રોટલી તે આવે ત્યારે જ બનાવવાની. પણ આજે બાજુવાળાં નીતામાસીને ત્યાં હલ્દી-કુમકુમ રાખેલું છે, પણ હું ન જઈ શકી; કારણ કે આ દુકાનેથી મોડા આવ્યા. તેમને જમાડવામાં જ સમય નીકળી ગયો. માસી બોલ્યાં હતાં કે રોટલી બનાવીને આવી જા, પણ મારા વરને એવું ગમે નહીં. ખોટું તેમનું મગજ તપે એના કરતાં આપણે ન જઈએ એ સારું. 


કિસ્સો ૩   સુષમા, કેટલા વખતથી તેં દહીંવડાં નથી બનાવ્યાં. તને ખબર છેને ઑફિસમાં બધાને તારા હાથમાં દહીંવડાં કેટલાં ભાવે છે. પહેલાં તો તું તારા ડબ્બ્બામાં કંઈક ને કંઈક નવી વરાઇટી લાવતી જ હતી. ઑફિસમાં તું જેવી આવે એવો બધા તારો ડબ્બો ખોલીને બેસી જતા. આજકાલ તું કંઈ ખાસ લાવતી નથી. આવું થોડું ચાલે? 

કિસ્સો ૪   આવતા અઠવાડિયે બૉસનો બર્થ-ડે છે. ઑફિસમાં આપણે બધા કેવા પ્રકારની ઉજવણી કરીશું? સીમાબહેન, તમે જ જવાબદારી લઈ લો. તમારું અરેન્જમેન્ટ બેસ્ટ હોય છે. પણ જોજો હોં કે બજેટ ખૂબ ઊંચું ન જાય. લિમિટેડ બજેટમાં એક સરસ પાર્ટીની તૈયારી કરી નાખો. 


આ કિસ્સાઓ સાવ સામાન્ય જણાય છે. ઘર હોય કે ઑફિસ, દરેકની પ્રાયોરિટીને સમજીને તેમને ખુશ રાખવાના, બધાની ખુશી માટે એક્સ્ટ્રા એફર્ટ લેવાનું કામ વર્ષોથી સ્ત્રીઓનું છે. વર્ષોથી સ્ત્રીઓની કન્ડિશનિંગ પણ એવું છે કે ઘરને અને દુનિયાને પ્રેમ આપવા અને સંભાળ રાખવા માટે આપણે તૈયાર જ બેઠા હોઈએ છીએ. ઘણા એવું માને છે કે સ્ત્રીમાં રહેલું માતૃત્વ તેને સહજતાથી આ તરફ દોરી જાય છે. એ વાત સાચી કે ઘરના લોકોની સંભાળ રાખવી મોટા ભાગની સ્ત્રીને ગમતી હોય છે. પરંતુ દરેક વખતે, દરેક જગ્યાએ સંભાળ રાખવાની, પૃચ્છા કરવાની, શાંતિ જાળવી રાખવાની અને બધાને ખુશ રાખવાની જવાબદારીનો અઢળક ભાર આપણે હંમેશાં સ્ત્રીના ખભા પર ઢોળી દઈએ છીએ. એ ભાર તળે દબાઈને તે કેટલી ભીંસાય છે એનો અંદાજ સમાજે કાઢવો જરૂરી છે.  

સ્ત્રી પાસેથી અપેક્ષા 

કિંજલ પંડ્યા

સંબંધો જાળવી રાખવા, દૈનિક કામકાજ કરવા, બધે હાર્મની જળવાઈ રહે અને કોઈ પણની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે સતત જે માનસિક અને શારીરિક પ્રયત્નોની જરૂર પડે છે એને ઇમોશનલ લેબર કહેવામાં આવે છે; જેને વ્યાખ્યાયિત કરતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘તમારી આજુબાજુનું વાતાવરણ સહજ, સુંદર અને શાંત રહે એ માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની લાગણીઓને નેવે મૂકે અને અખૂટ પ્રયત્નો સાથે ખુદ શાંત અને સ્થિર રહે ત્યારે તે જે કરે છે એને ઇમોશનલ લેબર કહેવાય છે. આ કૅટેગરીમાં સ્ત્રીઓની સંખ્યા વધુ જણાતી હોય છે. ઘર હોય કે કામની જગ્યા; બધે બધું સ્મૂધ રહે, કોઈની લાગણી દુભાય નહીં, તેમની જરૂરિયાત અધૂરી ન રહે એ માટે એ પોતાને અતિ સ્ટ્રેચ કરતી હોય છે. વળી આટલું કર્યા પછી પણ તેની કદર થાય જ એવું જરૂરી નથી. આજે પણ સમાજમાં સ્ત્રી પાસે એ અપેક્ષા રખાય છે કે તે ઘરને અને પરિવારને બાંધીને રાખે. ઑફિસમાં પણ ભલે તેની સંખ્યા ઓછી છે પણ એ કોઈ તકલીફ ઊભી ન કરે, જેમ ચાલે છે એમ બધું સ્મૂધ ચાલવા દે, તકલીફો હોય તો એ પોતાની સ્કિલથી લોકોની ફ્રીમાં કાઉન્સેલર બની જાય એવી અપેક્ષા તેની પાસેથી રાખવામાં આવે છે. એ કામ ઇમોશનલ લેબરની કૅટેગરીમાં આવે છે.’ 

આ પણ વાંચો : રક્તપિત્ત નિવારણ માટે શું મુંબઈ બનશે ભારત માટે આદર્શ મૉડલ?

માનસિક થાક લાગી જાય

પણ જો સ્ત્રીના પ્રયત્નોથી દરેક જગ્યાએ શાંતિ અને સુખ આવતાં હોય તો એમાં વાંધો શું છે? આ પ્રશ્નનો જવાબ આપતાં જાતીય સમાનતા પર છેલ્લાં ૧૬ વર્ષથી કામ કરતાં ડેવલપમેન્ટ પ્રોફેશનલ મેધાવિની નામજોશી કહે છે, ‘ખોટું એ છે કે તેનો પતિ જ્યારે ઘરે આવે ત્યારે તે હંમેશાં હસતા ચહેરે તેને આવકારે, તેને સાંભળે, માનસિક રીતે સપોર્ટ આપે અને એટલું ઓછું હોય એમ તે તેના અહમને સંતોષે જેથી તે બીજા દિવસે ઊઠીને બહારની દુનિયાનો સામનો કરવા માટે તૈયાર થાય. બાળકોને તે એવી રીતે સાચવે કે તેઓ તેમના ભણતરમાં પ્રગતિ કરી શકે. પરંતુ તેનું શું? તેની વાત પણ સાંભળવી જરૂરી છે. તેની આ કાળજી અને સંભાળની ગણના કરવી જરૂરી છે. તેનાં ઇમોશન્સની કદર કરવી પણ જરૂરી છે એ આ બધામાં રહી જાય છે. આને આ ગમે અને પેલાને તેમ ગમે એમાં તે ખુદ ભૂલી જાય છે કે તેને શું ગમે છે. ફૅમિલી હોય કે ફ્રેન્ડ્સ કે તેની સાથે કામ કરનારા; એ બધાની ઇમોશનલ ડિમાન્ડ્સ પૂરી કરવામાં એ થાકી જઈ શકે છે. તેની પણ એક કૅપેસિટી છે એ સમજવાનું રહી જાય છે.’ 

પરિવારમાં આને આ ગમે અને પેલાને તેમ ગમે એ યાદ રાખીને કરવામાં તે ખુદ ભૂલી જાય છે કે તેને શું ગમે છે. ફૅમિલી હોય કે ફ્રેન્ડ્સ કે તેની સાથે કામ કરનારા; એ બધાની ઇમોશનલ ડિમાન્ડ્સ પૂરી કરવામાં તે થાકી જઈ શકે છે. - મેધાવિની નામજોશી

વર્કપ્લેસની તકલીફ 

કામની જગ્યાએ પણ ઇમોશનલ લેબરનો ભાર સ્ત્રીએ વેંઢારવો પડે છે. સીક્રેટ સૅન્ટાની તૈયારીઓ, ક્લીગના બર્થ ડેની તૈયારીઓ, દિવાળી ગિફ્ટ્સ, પોતાની બાજુના ટેબલ પર બેસતા કર્મચારીના ઘરના ઝગડાઓ કે બૉસની વઢ ખાનાર સહકર્મચારીના ગુસ્સાને લીધે બગડેલું કામ એ બધું જ કહ્યા વગર જ તેની જવાબદારી બની જતી હોય છે. વર્કપ્લેસ પર સ્ત્રીઓએ કઈ રીતે ઇમોશનલ લેબરનો સામનો કરવો પડે છે એ સમજાવતાં  મેધાવિની નામજોશી કહે છે, ‘કામ કરતી સ્ત્રી આત્મવિશ્વાસથી છલકતી અને પ્રૅક્ટિકલ હોય છે એમ માનીને લોકોને લાગે છે કે તે ઇમોશનલ લેબરમાંથી પસાર નહીં થતી હોય પરંતુ વર્કપ્લેસ પર આજની તારીખે પણ પુરુષો વધુ છે અને સ્ત્રીઓ ઓછી. 

એ બંને વચ્ચે સતત કરવામાં આવતો ભેદ, જાતીય સતામણી, સ્ત્રી હોવાને લીધે અધ્ધર જ આવતી કમેન્ટ્સ અને જાતીયતા પર કરવામાં આવતા જોક્સના નામે જાહેરમાં થતું તેનું 
અપમાન એ બધું જ તેણે હસતે મોઢે સહન કરી લેવું જોઈએ એવી અપેક્ષા હોય છે. શરૂઆતમાં સ્ત્રી કરે પણ છે પરંતુ ધીમે-ધીમે એ ભેગું થતું જાય છે અને પછી એ એક દિવસ જ્વાળામુખીની જેમ ફાટે છે.’ 

અટકાવો 

હકીકતે જોવા જઈએ તો ઝઘડા કે તકલીફ ટાળવા માટે સ્ત્રીઓ તો શું, પુરુષો પણ ઘણી વાર ઇમોશનલ લેબરના ભોગ બનતા જ હોય છે. અમુક ઇન્ડસ્ટ્રી છે જ્યાં ઇમોશનલ લેબર એક એવી ક્વૉલિટી છે જેને લીધે તમે આગળ વધો છો એ છે હૉસ્પિટાલિટી. તમારા ક્લાયન્ટ ખરાબ હોય, તમારી સાથે રુક્ષતા વાપરે તો પણ તેને હસીને જવાબ આપવાનો અને તેની તકલીફ દૂર કરવાની ફરજ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા સ્ત્રી કે પુરુષ બંનેની હોય છે. તેમના મનમાં ગુસ્સો પણ આવે એ ક્લાયન્ટ માટે તો એ દર્શાવી ન શકે. પરંતુ મનમાં ધરબી રાખેલા આવાં કેટલાંય ઇમોશન્સ અને વર્ષોથી કરવામાં આવતું ઇમોશનલ લેબર વ્યક્તિને ધીમે-ધીમે ડિપ્રેશન તરફ લઈ જાય છે જે મેન્ટલ હેલ્થ માટે સારું ન ગણાય. એ વિશે વાત કરતાં કિંજલ પંડ્યા કહે છે, ‘સ્ત્રીએ કઈ જગ્યાએ કેટલું ઝૂકવું એ તેણે નક્કી કરવું જ રહ્યું. એકાદ દિવસ ઑફિસમાં કોઈ કહે કે આજે તું ચા પીવડાવ અને એ બનાવવા જાય તો એમાં કંઈ ખોટું નથી પરંતુ દરરોજ એ જવાબદારી તેના માથે આવી ન જાય એનું ધ્યાન તેણે રાખવું. તમે પહેલી વખત કાર લઈને ઑફિસ જાઓ અને વિમેન ડ્રાઇવર્સ પર જોક્સ ચાલુ થઈ જાય, તમને ગુસ્સો આવે તો તેમને ત્યાં જ અટકાવી દો. કોઈ કર્મચારી છૂટછાટ લઈને ડિયર, આટલું કરી આપ કે પછી ભૂલથી ગળામાં હાથ નાખી દે અને એ વાત તમને જરાય ગમી ન હોય તો તેમની સાથે રુક્ષ થયા વગર કડકાઈથી એને કહી શકાય છે કે મને આવું પસંદ નથી. તમે આમ નહીં કરો. એ જરૂરી છે.’ 

સર્વે શું કહે છે?

હાલમાં યુકેમાં ૨૦૦૦ કર્મચારીઓને લઈને થયેલા એક સર્વે અનુસાર સ્ત્રીઓ પર પુરુષોની સરખામણીમાં ઇમોશનલ લેબરનો ભાર ત્રણગણો વધુ હોય છે. સર્વે મુજબ સ્ત્રીને આ જવાબદારીઓ પોતાની લાગે છે એટલે તે લઈ લેતી હોય છે. ઘણી વાર તેને ન પણ લેવી હોય તો અસુરક્ષાની ભાવના તેની અંદર આવે છે કે હું નહીં કરું તો કોઈ બીજી સ્ત્રી મારી જગ્યાએ આ કામ કરી લેશે. એટલે એ ભાવનાસહ પણ તે કામ નકારતી નથી. આ પ્રકારનું મહેનતાણા વગરનું અઢળક કામ સ્ત્રીઓ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2023 04:46 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK