Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોઈકને આંગળી આપો તો કેટલી રાહત થાય?

કોઈકને આંગળી આપો તો કેટલી રાહત થાય?

28 November, 2021 01:55 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

મુંબઈ યંગ વૉલન્ટિયર્સ ઑર્ગેનાઇઝેશન અને કેટલાક વડીલમિત્રોએ જે પહેલ કરી છે એ કદાચ બીજા લોકોને નાની લાગી શકે, પણ પરિવારને આર્થિક પગભર થવા માટે એ બહુ મોટી છે

મુંબઈની યંગ વૉલન્ટિયર્સ ઑર્ગેનાઇઝેશન સંસ્થાના સભ્યો.

મુંબઈની યંગ વૉલન્ટિયર્સ ઑર્ગેનાઇઝેશન સંસ્થાના સભ્યો.


કોરોનામાં નોધારા થયેલા પરિવારના સભ્યોને તેમને જે કામ આવડે છે કે તેઓ જે કરી શકે છે એનો ધંધો શરૂ કરવા માટેનું પહેલું ડગલું માંડવામાં વિચરતા સમુદાય સમર્થન મંચ, મુંબઈ યંગ વૉલન્ટિયર્સ ઑર્ગેનાઇઝેશન અને કેટલાક વડીલમિત્રોએ જે પહેલ કરી છે એ કદાચ બીજા લોકોને નાની લાગી શકે, પણ પરિવારને આર્થિક પગભર થવા માટે એ બહુ મોટી છે

શૈલેષ નાયક 
shailesh.nayak@mid-day.com 
જાતમહેનત કરીને આત્મસન્માન સાથે જીવવું સૌને ગમે, પણ ઘણી વાર સંજોગો અને આર્થિક સ્થિતિને કારણે કઈ રીતે આત્મનિર્ભર થવું એનો રસ્તો જડતો નથી હોતો. એવા સમયે જરૂર હોય છે જસ્ટ કોઈકની આંગળીની. શરૂઆત કરાવી આપવામાં આવે તો પછી ગાડી પાટે ચડી જાય છે. રોજેરોજનું કમાઈને ખાતા પરિવારોના જીવનમાં એકાદ પણ હાદસો બને તો પરિવાર આખો મુસીબતમાં મુકાઈ જાય છે. એમાં જો કોઈકની આંગળીનો સહેજ સપોર્ટ મળી જાય તો કામ બની જાય છે. 
કોઈના ઘરમાં કમાનારી વ્યક્તિનું કોરોનામાં મૃત્યુ થયું હોય કે પછી પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હોય અને કોઈને કહી શકતા ન હોય એવા સામાન્ય પરિવારોને શોધીને એમને ફરી બેઠા કરવાના વિચરતા સમુદાય સમર્થન મંચના વિચારને મુંબઈના યંગ વૉલન્ટિયર્સ ઑર્ગેનાઇઝેશનના યુવાનો તેમ જ કેટલાક વડીલમિત્રોએ બહુ બખૂબી પાર પાડ્યો છે. ૮૦ વર્ષે પણ સદા સામાજિક કાર્યોમાં તત્પર રહેતા મુંબઈના જસવંત મહેતા તેમ જ દુબઈથી  ક્રિષ્ણકાંતભાઈ અને ઇન્દિરા મહેતાનો સાથ સાંપડતાં છેલ્લા બે-અઢી મહિનામાં ૨૦૦ જેટલી ફૅમિલીના જીવનમાં ઉજાશ પાથરવાનું કામ થયું. 
પરિવારોને પગભર કરવા માટે જરૂરિયાતમંદોને તેમની ક્ષમતા અને રસના વિષયનું કામ કરી શકાય એવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવેલી. આ કોઈ સામાજિક સહાય વિતરણ નહોતી જેમાં એકસરખી કિટ વહેંચી દેવામાં આવે, પણ દરેક વ્યક્તિની અંગત જરૂરિયાતને ફોકસ કરીને કામ થયેલું. જે વ્યક્તિ જે વ્યવસાય કરતી હોય અને તેની આવડત હોય તે પ્રમાણે તેને માલસામાન આપવામાં આવ્યો. કપડાં સીવવાનું મશીન, હાથલારી, રસોડાનો સામાન, કટલરીનો સામાન, પ્લાસ્ટિકના તબડકા – ટબ, ખુરશીઓ, ચાદરો સહિત અંદાજે ૮૦ જેટલા નાના ધંધા એમાં આવરવામાં આવેલા. અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ, મોરબી, અમરેલી, પાટણ, મહેસાણા, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારો એનાથી લાભાન્વિત થયા.
કોરોના પછી એવી ફૅમિલી ધ્યાનમાં આવી જેમાં કોઈના હસબન્ડ ગુજરી ગયા હોય કે પછી બીમારીના કારણે ખર્ચો થઈ ગયો હોય અને બધી બચત વપરાઈ ગઈ હોય, દેવું થઈ ગયું હોય. આવા સમયમાં એવી કેટલીયે  ફૅમિલીઓ હતી જેમની પાસે પૈસા ખૂટી પડતાં ઓછા પૈસામાં તેમની પાસે બચેલો સામાન વેચી માર્યો, કેમ કે કેમ કરીને ખાવું એ પ્રશ્ન હતો. આ બધા નાનું-નાનું કામ કરતા પરિવારો હતા જેમનામાં આવડત હતી, પણ તેમની લાઇફ અટકી ગઈ હતી. આવી જ રીતે સરાણિયા પરિવારો જેઓ ખભા પર ચપ્પાની ધાર કઢાવવાનું મોટુ સારણ મશીન મૂકીને ગામેગામ ફરતા હોય છે અને મુશ્કેલી વેઠીને રોજના માંડ ૧૦૦ કે ૨૦૦ રૂપિયા કમાતા હોય છે. જો તેમની પાસે સાઇકલ હોય તો તેઓ એના પર બેસીને જઈ શકે, મશીનનો ભાર પણ ન લાગે અને કામ સરળતાથી કરી શકે. આ જ વિચારથી વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાએ સ્વાવલંબન કાર્યક્રમ હાથ ધર્યો. ખરેખર જરૂરિયાતવાળા પરિવારો શોધ્યા અને તેમને બેઠા કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ કામમાં મુંબઈની યંગ વૉલન્ટિયર્સ ઑર્ગેનાઇઝેશન સંસ્થા પણ જોડાઈ અને ૧૪૮ પરિવારનો મદદ કરી છે. 
મુંબઈના યંગ વૉલન્ટિયર્સ ઑર્ગેનાઇઝેશનના સાહિલ અને સિદ્ધાર્થ સહિતના સભ્યો મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને મદદરૂપ થઈને ફીલગુડનો અનુભવ કરી રહ્યા છે એની વાત કરતાં સેવાકીય પ્રવૃત્તિ બાબતે ડૉ. ધ્વિતિ થાનાવાલા કહે છે, ‘આપણી રિસ્પૉન્સિબિલિટી બને છે કે ભગવાને આપણને આપ્યું છે તો મદદ કરીને કોઈકની લાઇફમાં ચેન્જ લાવી શકીએ. અમારી સંસ્થાની ઑફિસ દાદરમાં છે. અમે છેલ્લાં સાત વર્ષથી સોશ્યલ વર્ક કરીએ છીએ. સંસ્થામાં ૫૫ જેટલા સભ્યો ઍક્ટિવલી કાર્ય કરે છે. દર મહિને કોઈ કૉઝ સિલેક્ટ કરીને – નીડ સમજીને મદદ કરીએ જેથી વ્યક્તિ પગભર થઈ શકે. કોવિડની પહેલી વેવમાં માઇગ્રન્ટ્સ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ત્યારે તેમને ઘરે પહોંચાડવાની તેમ જ જમવા સહિતની સગવડ કરી આપી હતી. કોરોનાની બીજી વેવમાં જે પરિવારોમાં પૈસા કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું હોય કે પછી કોઈ પરિવાર તકલીફમાં મુકાયો હોય એવા પરિવારોની તપાસ ચલાવી હતી. એમાં મહારાષ્ટ્રના વાડામાં અને ગુજરાતમાં અમદાવાદના વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાની ખબર પડી અને એમનો સંપર્ક કર્યો હતો. તેમની સંસ્થા થ્રૂ અમે જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચી શક્યા અને આ કામમાં ઘણીબધી ફૅમિલીએ અમને આર્થિક સપોર્ટ કર્યો.’ 
ભાઈચંદ મહેતા ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં સરાણિયા પરિવારોને સાઇકલ આપવા બાબતે મુંબઈના વાલકેશ્વરમાં રહેતા અને ૮૦ વર્ષે પણ ચક્ષુદાન સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા જસવંત મહેતા કહે છે, ‘આપણી ફરજ બને છે કે સમાજમાંથી આપણે મેળવ્યું છે તો સમાજને કંઈક પાછું આપવું. સરાણિયા પરિવારોના સભ્યો ખભા પર ચપ્પાની ધાર કઢાવવાનું મશીન મૂકીને ફરતા હોય છે. વજન વધુ ઊંચકવાનું હોવાથી તેઓ બહુ એરિયા કવર નથી કરી શકતા અને એને કારણે તેમને વળતર પણ ઓછું મળે છે. આ પરિવારોને સાઇકલ આપવાનો આઇડિયા મને ગમ્યો, કેમ કે એનાથી તેમનું કામ ઝડપી થઈ શકે છે. હવે જ્યારે આવા પરિવારો થોડીક સહાયને કારણે ઘણીબધી રિલીફ ફીલ કરતા હોય છે એ જોઈને આ કામનો હિસ્સો બન્યાનો બહુ આનંદ થાય છે.’ 



હવે કટલરીનો સામાન વેચીને પાંચ બાળકોને સંભાળી શકું છું : રીટા સલાટ


પોતાનાં ત્રણ બાળકો અને દિયરનાં બે બાળકો સહિત કુલ પાંચ બાળકોનો એકલા હાથે ઉછેર કરી રહેલાં પાવીજેતપુર તાલુકાના લુણાજા ગામનાં રીટા રતિલાલ સલાટની બાળકોની પરવરિશની ચિંતા હવે થોડી હળવી બની છે, કેમ કે હવે તેઓ હાટમાં જઈને બોરિયા બક્કલ સહિતની ચીજવસ્તુઓ વેચીને બે પૈસા કમાઈ રહ્યાં છે. રીટા સલાટ કહે છે, ‘મારા ઘરવાળા ચાર મહિના પહેલાં મૃત્યુ પામ્યા છે. તેઓ કડિયાકામ કરતા હતા. મારાં સાસુ-સસરા પણ મૃત્યુ પામ્યાં છે અને દિયર હતા તે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. દેરાણી બીજે જતાં રહ્યાં છે એટલે હું એકલી છું અને મારાં ત્રણ બાળકો અને દિયરનાં બે બાળકોની જવાબદારી મારા પર છે. હું કેમ કરીને આ બધાને ખવડાવું એની ચિંતા હતી. એવા સમયે મિત્તલબહેન દ્વારા મદદ મળી અને બંગડી, બિંદી સહિત લેડીઝની વસ્તુઓ અને કટલરીનો સામાન વેચવાનું શરૂ કર્યું છે. આજુબાજુના ગામમાં હાટ ભરાય ત્યારે હું આ બધો સામાન લઈને વેચવા જાઉં છું. અઠવાડિયામાં ત્રણ દિવસ હાટ થાય છે. એમાં સામાન વેચીને ૫૦૦થી ૭૦૦ રૂપિયા કમાઈ લઉં છું. મારો આ વ્યવસાય ચાલી રહ્યો છે એનો મને આનંદ થયો છે. મને મદદ મળતાં હું પોતાનો ધંધો કરી શકું છું.’

પહેલાં પૈસા બચતા નહોતા, હવે બચે છે : રસિક સરાણિયા


ગુજરાતમાં સુરેન્દ્રનગર પાસે આવેલા દુધરેજમાં રહેતા અને ચપ્પા–છરીની ધાર કઢાવવા માટે સારણ મશીન લઈને ગામેગામ ફરતા રસિક અમરસિંહ સરાણિયા હવે ખુશ છે, કેમ કે તેમને હવે સાઇકલ મળી છે એટલે ચાલતા જવું પડતું નથી અને દિવસમાં તેઓ ત્રણેક ગામ ફરીને મહેનત કરી વધુ પૈસા રળી રહ્યા છે.
પોતાની ખુશી વ્યક્ત કરતાં રસિક સરાણિયા કહે છે, ‘પહેલાં લોખંડનુ સારણ મશીન લઈને ખભે ઉપાડી ચપ્પુ, સૂડી, કાતરની ધાર કાઢવાના કામ માટે ગામડાંઓમાં જતો હતો. ગામડાંઓમાં એક મણનું વજન ખભે ઉપાડીને જઈએ એટલે એનો ભાર લાગતો હોય, થાકી જઈએ અને બીજું એ કે ગામમાં ગાય, કૂતરા પાછળ પડે એટલે ગામમાં જતાં પણ બીક લાગતી હતી. માંડ એક ગામ ફરી શકીએ. જોકે સારું થજો સાઇકલ આપનારાઓનું કે જેમણે અમને સાઇકલ આપી એના કારણે અમારી તકલીફ ઓછી થઈ છે અને સાઇકલના કારણે આરામ મળી રહ્યો છે. સાઇકલ પર જ સારણ મશીન ફિટ કર્યું છે. સાઇકલ ચલાવીને જવાનું હોવાથી હવે કામ માટે દિવસમાં ત્રણેક ગામમાં ફરી શકીએ છીએ. ગાય–કૂતરા પાછળ પડવાની બીક નથી લાગતી. પહેલાં ચાલીને જતા હતા કે કોઈ સાધન મળે તો એમાં બેસી જતા, પણ હવે ઘરનું સાધન સાઇકલ મળી ગઈ છે એટલે સહેલું પડે છે. પહેલાં હું માંડ ૧૦૦ કે ૧૫૦ રૂપિયા કમાતો હતો અને બચત પણ થતી નહોતી. હવે સાઇકલ આવી જતાં ૪૦૦થી ૫૦૦ રૂપિયા કમાઈ લઉં છું અને બચત પણ થાય છે. અમને સાઇકલ આપનારાઓને અમે કંઈ નથી આપી શકતા, પણ અંતરના આશીર્વાદ આપીએ છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 01:55 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK