પહલગામ અટૅક પછી ભારતના તીખા તેવરના જવાબમાં ભારત અને પાકિસ્તાને પોતાની ઍરસ્પેસ પરસ્પર માટે બંધ કરી છે. જો પાકિસ્તાને મૂકેલો બૅન એક વર્ષ સુધી લંબાશે તો ઍર ઇન્ડિયાને ૫૦.૭૪ અબજ રૂપિયાનું નુકસાન થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
પહલગામ અટૅક પછી ભારતના તીખા તેવરના જવાબમાં ભારત અને પાકિસ્તાને પોતાની ઍરસ્પેસ પરસ્પર માટે બંધ કરી છે. જો પાકિસ્તાને મૂકેલો બૅન એક વર્ષ સુધી લંબાશે તો ઍર ઇન્ડિયાને ૫૦.૭૪ અબજ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જ્યારે પાકિસ્તાનને પણ પોતે જ મૂકેલો આ પ્રતિબંધ મોંઘો પડવાનો છે. ૨૦૧૯માં પુલવામા અટૅક પછી પાંચ મહિના માટે ઍરસ્પેસ બંધ થઈ એ વખતે ૮.૫ અબજ પાકિસ્તાની રૂપિયાની ખોટ ગયેલી. વૈશ્વિક રાજકારણ અને અર્થકારણમાં પોતાના દેશના આકાશમાં કોણ ઊડી શકે અને કોણ નહીં એનો મામલો આખરે કેવી રીતે મૅનેજ કરવામાં આવે છે એની આંટીઘૂંટી જાણીએ
તારીખ ૨૨ એપ્રિલ ભારતના આતંકવાદ પીડન ઇતિહાસમાં લખાયેલી વધુ એક કારમી તારીખ સાબિત થઈ. શ્રીનગરના પહલગામની બૈસરન વૅલીમાં પાંચ નરાધમ દાનવોએ નિર્દયતા અને રાક્ષસને પણ શરમાવે એવી ઘૃણા સાથે હિન્દુઓની કરપીણ હત્યા કરી જેને કારણે લોહી જામી જાય એવાં આંસુથી લાલ થયેલી ભારતની આંખો માત્ર રડી નથી પણ ભારેલા અગ્નિ જેવો ગુસ્સો એક-એક ભારતીયના મનમાં લાવારસ બનીને ભભૂકી રહ્યો છે. આખરે દુશ્મન પર તૂટી પડવાની તૈયારી કરી રહેલા ભારતે રિટેલિએશનના પ્રાથમિક પગલા તરીકે સૌપ્રથમ પાકિસ્તાન સાથે તમામ પ્રકારના ડિપ્લોમૅટિક સંબંધો તોડી નાખ્યા. ઇન્ડસ વૉટર ટ્રીટી રદ કરવામાં આવી. ભારતમાં હાજર પાકિસ્તાની ડિપ્લોમેટ્સ સહિત દરેક પાકિસ્તાની સામાન્ય નાગરિકને પણ ભારત છોડવા માટે કહેવામાં આવ્યું. પાકિસ્તાનને અપાયેલું મોસ્ટ ફેવર્ડ નેશન તરીકેનું સ્ટેટસ પણ રદ થયું. ત્યારે જવાબમાં ગયા મંગળવારે પાકિસ્તાને વળતા જવાબ તરીકે ભારત માટે એની ઍરસ્પેસ બંધ કરી દીધી. તો ભારતે ફરી એક વળતો પ્રહાર કર્યો અને ગુરુવારે ભારતે પણ પાકિસ્તાન માટે ભારતની ઍરસ્પેસ બંધ કરી દીધી. આ પ્રકારના સમાચારો આવ્યા એટલે ફરી એક વાર ઍરસ્પેસ વિશેની ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
થોડે ઘણે અંશે ટેક્નિકલ જણાતી આ બાબત મુખ્યત્વે હવાઈ સેવાઓને અસર કરે છે. આથી આપણે ક્યારેય એ વિશે વધુ ચર્ચા કરતા નથી. પરંતુ હવે ડોમેસ્ટિક હોય કે ઇન્ટરનૅશનલ, આપણા બધા માટે હવાઈ યાત્રા કરવી એટલી સામાન્ય બાબત થઈ ગઈ છે કે રેલવે-સ્ટેશન્સ પર દેખાતી ભીડ જેવી જ પરિસ્થિતિ હવે ઍરપોર્ટ્સ પર થવા માંડી છે. આથી જ કોઈક દેશ આપણે માટે પોતાની ઍરસ્પેસ બંધ કરે તો એ આપણને પણ અસર કરે છે, જેમાં યાત્રાના સમયથી લઈને ભાડાં અને લગેજના વજનથી લઈને હૉલ્ટેડ જર્ની જેવી અનેક બાબત છે. તો વાસ્તવમાં હવાઈ યાતાયાત માટે આ ‘ઍરસ્પેસ’ શું છે? એમાં ફેરફાર થવાથી કઈ રીતના અને કેવા ફેરફારો સર્જાય છે?
ઍરસ્પેસ
સીધીસાદી ભાષામાં એક દેશથી બીજા દેશ જવા માટે હવાઈ જહાજે ઘણી વાર કોઈક ત્રીજા દેશની ઉપરથી હવામાં ઊડીને જવું પડે. આ પ્રવાસમાં આપણા હવાઈ જહાજે ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે એ ત્રીજા દેશની ઍરસ્પેસનો ઉપયોગ કર્યો કહેવાય. બીજા વિશ્વયુદ્ધ પછી ૧૯૪૪માં ઍરસ્પેસનો વિચાર અસ્તિત્વમાં આવ્યો અને દેશોએ વિચાર્યું કે જો કોઈ બીજા દેશનું વિમાન મારા દેશની ધરતી પર ઊતરે છે કે મારા દેશની હવામાં ટ્રાવેલ કરી કોઈક બીજા દેશ તરફ જાય છે તો એ માટે એ મારી ધરતી અને મારા દેશની હવાઈ કે દરિયાઈ સીમાઓનો ઉપયોગ કરે છે. સ્વાભાવિક છે કે હવાઈ યાત્રા બીજી સામાન્ય યાત્રાઓ જેવી નથી. જ્યારે કોઈક વિમાન તમારા દેશની હવાઈ કે દરિયાઈ સીમામાં હોય કે તમારી ધરતી પર લૅન્ડ થવાનું હોય ત્યારે તમારે એ માટે પરવાનગી સિવાય બીજી પણ અનેક પ્રકારની મદદ આપવાની હોય. જેમ કે વાતાવરણ, વિઝિબિલિટી, હવાનો દબાવ, નૉટિકલ અને નૉનનૉટિકલ ડિરેક્શન્સ જેવી અનેક બાબતો.
આથી ૧૯૪૪ની સાલમાં ICAO અર્થાત ઇન્ટરનૅશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશન અસ્તિત્વમાં આવ્યું જેના અંતર્ગત આખાય વિશ્વના દેશો એકબીજાની ધરતી, હવા અને દરિયાઈ સીમાઓનો ઉપયોગ વિમાનોના આવાગમન માટે કરે છે એ સ્વીકારવામાં આવ્યું. અને આથી જ જન્મ થયો કેટલાક નવા વિચારો અને નિયમોનો. જેમ કે આ પ્રકારના ઉપયોગ માટે જે-તે દેશની પરવાનગી લેવી, જે-તે દેશને એ માટે ભાડું ચૂકવવું. ટૂંકમાં ભારતનું જ ઉદાહરણ લઈએ તો ભારતની જમીની, હવાઈ અને દરિયાઈ સીમાઓમાંથી કોઈ પણ દેશનું હવાઈ જહાજ પસાર થાય તો એ માટે ભારતની પરવાનગી લેવી પડે. સાથે જ ભારતની સીમાઓમાંથી પ્રવાસ કરવા બદલ એ દેશ કે હવાઈ જહાજે ભાડું પણ ચૂકવવું પડે. અને જો કોઈક કારણોસર ભારત ચાહે તો જે-તે દેશને પરવાનગી માટે ના પણ કહી શકે. આ પ્રકારની સંધિ કે ઉપયોગને કમર્શિયલ ઍરસ્પેસ યુઝ કહેવામાં આવે છે.
ઉપયોગ, મદદ ને ક્લાસિફિકેશન્સ
જે-તે દેશની ઍરસ્પેસનો ઉપયોગ કરવો અર્થાત એ દેશના જમીન અને સમુદ્ર સિવાયના એવા થ્રી ડાઇમેન્શનલ એરિયાનો ઉપયોગ કરવો જેની માલિકી અને સત્તા જે-તે દેશની છે. અહીં ઍરસ્પેસનો અર્થ આઉટર સ્પેસ એટલે કે પૃથ્વીના વાતાવરણથી ઉપરની જગ્યાનો નથી, જેને આપણે ઑર્બિટ કહીએ છીએ. અહીં ઍરસ્પેસ એટલે જે-તે દેશની સીમામાં આવતો વાતાવરણીય હિસ્સો. હવે ઍરસ્પેસની માલિકી અને એના ઉપયોગ માટેની પરવાનગીનો વિચાર મુખ્યત્વે બે બાબતોને કારણે જન્મ્યો. એક સેફ્ટી અને બીજું, ઍરટ્રાફિક મૅનેજમેન્ટ.
શક્ય છે કે ક્યારેક કોઈક દેશ કમર્શિયલ ફ્લાઇટ યાત્રા કરી રહી છે એમ કહી જે-તે દેશ પર દેખરેખ રાખવાનો પ્રયત્ન કરે કે હુમલો કરવાનો પ્રયત્ન કરે. આવી શક્યતાઓને નિર્મૂળ કરવા અને ઍરટ્રાફિક મૅનેજમેન્ટ માટે એટલે કે અલગ-અલગ દેશોની ફ્લાઇટ્સને એકબીજાથી અલગ તારવવાથી લઈને એક વિમાનથી બીજા વિમાનના અંતર વિશે ચોકસાઈ, નેવિગેશન માટે અસિસ્ટન્સ જેવી ઍરટ્રાફિકને લગતી અનેક બાબતો.
આ માટે ઇન્ટરનૅશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશને કેટલાક સર્વસામાન્ય નિયમો બનાવ્યા જેથી વૈશ્વિક કક્ષાએ દેશો વચ્ચે એકસૂત્રતા અને એકમત સ્થપાય. દરેક દેશ એકબીજાને મદદ કરવા માટે સહમત થાય. સામાન્ય રીતે ઍરસ્પેસ ટ્રાફિકના ક્લાસિફિકેશન અનુસાર મુખ્યત્વે બે ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે, IFR અને VFR. આ પ્રકારને આધારે જ જે-તે દેશના હવાઈ જહાજને એ દેશની ઍર-ટ્રાફિક કન્ટ્રોલ સર્વિસ મળે છે અને એના આધારે જ એના પર ઍરસ્પેસ નિયમો પણ લાગુ કરવામાં આવે છે.
ઍર-ટ્રાફિક કન્ટ્રોલમાં ક્રાન્તિ
૧૯૩૦ની સાલમાં વિશ્વમાં પહેલી વાર ARTCC એટલે કે ઍર રૂટ ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટરની શરૂઆત થઈ. ત્યાર બાદ મોટા ભાગની વ્યવસ્થા ટેલિફોનિક વાતચીતને આધારે અને લૉન્ગ-શૉર્ટ ઍરવેવ્ઝને આધારે થતી હતી. પરંતુ ૧૯૫૦ની સાલમાં રડાર વિકસાવવામાં આવ્યા અને હવાઈ યાત્રા વ્યવસ્થામાં એક ખૂબ મોટો બદલાવ આવ્યો. ઍર ટ્રાફિક કન્ટ્રોલની આખીયે વ્યાખ્યા અને સમજ જ બદલાઈ ગઈ. એક મોટો ફેરફાર થયો, અરાઇવલ અને ડિપાર્ચરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. રડાર આવ્યા બાદ મોટા ભાગના દેશોએ પોતાની ઍરસ્પેસ સિસ્ટમ વિકસાવવા માંડી અને દેશોનાં જ્યુરિસ્ડિક્શન નક્કી થવા માંડ્યાં. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય કો-ઑપરેશન સાધવા માટે કેટલાંક ઑર્ગેનાઇઝેશન્સ રચાયાં જે વિશ્વના દેશો વચ્ચે ઍરસ્પેસ અને ઍર ટ્રાફિક સંધિ બનાવવામાં અને જાળવી રાખવા માટે કામ કરવા માંડ્યાં. જેમ કે ૧૯૬૦ની સાલમાં યુરોકન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશનની રચના થઈ. અમેરિકામાં પણ NSA નૅશનલ ઍરસ્પેસ સિસ્ટમ રચાઈ.
IFR & VFR શું છે?
IFRનો અર્થ થાય ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઇટ રૂલ અને VFRનો અર્થ થાય વિઝ્યુઅલ ફ્લાઇટ રૂલ્સ. જે-તે ફ્લાઇટ આ બન્નેમાંથી જે પ્રકારનો ટ્રાફિક ઉપયોગ કરે એ પ્રમાણે એને ઍરસ્પેસનું ભાડું લાગતું હોય છે અને એ પ્રમાણે જ એને સેવાઓ પણ મળતી હોય છે. અર્થાત કંઈક એવું સમજોને કે કોઈક સ્થળે તમે માત્ર રાત રોકાવા માટે રૂમ લો તો એનું ભાડું અલગ અને બ્રેકફાસ્ટ, ડિનર સાથે રૂમ લો તો એનું ભાડું અલગ.
જેમ કે ભારતની હવાઈ અને દરિયાઈ સીમામાં એટલે કે ઍરસ્પેસમાં કોઈક દેશની ફ્લાઇટ દ્વારા IFR ટ્રાફિક કન્ટ્રોલ લેવામાં આવ્યો છે તો ભારત તેમને નેવિગેશન, વેધર, ફ્લાઇટ પ્લાનિંગ અને ઍર-ટ્રાફિક કન્ટ્રોલ સુધીની બધી જ સેવાઓ આપશે. નેવિગેશન મતલબ કે એ ફ્લાઇટનો પાઇલટ ભારતની નેવિગેશન સર્વિસ GPSથી લઈને રેડિયો નેવિગેશન અને ગાઇડન્સનો ઉપયોગ કરી શકે છે. આ સર્વિસની જરૂર એવા સમયે સૌથી વધુ હોય છે જ્યારે વિઝિબિલિટી ઓછી હોય, ક્લાઉડી વાતાવરણ હોય. આવા સમયે દેશ એ ફ્લાઇટને સુરક્ષિત વિઝ્યુઅલ નેવિગેશન પૂરું પાડે છે. આ સિવાય ફ્લાઇટ પ્લાનિંગ એટલે કે એ ફ્લાઇટના રૂટમાં બીજી કેટલી ફ્લાઇટ્સ કઈ રીતે કઈ દિશાથી અને ક્યારે ઊડી રહી છે, કેટલી ઊંચાઈએ અને કેટલી ઝડપે ઊડી રહી છે આ બધી જ માહિતી અને વિગતો એ ફ્લાઇટને ભારત દ્વારા પહોંચાડવામાં આવે છે. એને માટે ભારત જે-તે દેશ કે ફ્લાઇટ પાસે ઍરસ્પેસ ઉપયોગ અને IFR સર્વિસ આધારિત ભાડું લેશે.
ઍરસ્પેસ વાપરવાની બીજી જે રીત છે એ VFR, જેમાં આ સેવામાં IFRમાં મળતી બધી સેવાઓ અને મદદ તો મળે જ છે પરંતુ કેટલીક બાબતે બન્ને અલગ છે. જેમ કે VFRમાં પાઇલટ નેવિગેશન માટે પોતાની જ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે, તે જે દેશની ઍરસ્પેસમાં હોય એના નેવિગેશનનો ઉપયોગ કરતો નથી. પરંતુ કેટલીક વિશેષ સર્વિસ કે મદદ ઍરસ્પેસ હોલ્ડર કન્ટ્રી આપે છે. જેમ કે દિશાઓના હોરાઇઝન્સથી લઈને લૅન્ડમાર્ક અને ક્લિયર વેધર ઇન્સ્ટ્રક્શન્સ સુધ્ધાં ફ્લાઇટને આપવામાં આવે છે.
હવે કમર્શિયલ ટ્રાવેલ હોવાને કારણે ફ્લાઇટ્સ અલગ-અલગ દેશોની હોઈ શકે, તો સ્વાભાવિક છે એ ફ્લાઇટ્સને ટ્રાવેલ કરવા માટે પણ અલગ-અલગ દેશોમાંથી પસાર થઈને જ એના ડેસ્ટિનેશન સુધી પહોંચવું પડે. ધારો કે ભારતના કોઈક વિમાને જો રશિયા જવું હશે તો એણે ચાઇના અને મૉન્ગોલિયાની ઉપરથી અથવા પાકિસ્તાન અને કઝાખસ્તાનની ઉપરથી પસાર થવું પડશે. આવા કિસ્સામાં ભારતની રશિયા જઈ રહેલી ફ્લાઇટ ચાઇના અને મૉન્ગોલિયાની અથવા પાકિસ્તાન અને કઝાખસ્તાનની ઍરસ્પેસનો ઉપયોગ કરી રહી હોય એણે આ દેશોની પરવાનગી પણ લેવી પડશે અને સાથે જ ભાડું પણ ચૂકવવું પડશે.
ઍરસ્પેસ બંધ મતલબ ફ્લાઇટ બંધ?
હવે ઘણી વાર સંબંધોમાં કે સમજૂતીઓમાં એવી મડાગાંઠ સર્જાતી હોય છે કે જેને કારણે કોઈ દેશ પોતાની ઍરસ્પેસ કોઈ એક કે એકથી વધુ દેશો માટે બંધ કરી દે છે. એવા સંજોગોમાં એ ઍરસ્પેસથી પસાર થતી બધી ફ્લાઇટ્સ એ દેશ બંધ કરી દે એવું તો શક્ય નથી. તો એનો વિકલ્પ શું? ફ્લાઇટનો રૂટ બદલવો પડે. અને શક્ય છે કે એ નવો રૂટ વધુ લાંબો હોય, જેને કારણે પ્રવાસનો સમય તો લંબાય જ લંબાય સાથે જ બીજા પણ કેટલાક ફેરફારો થાય.
એક ઉદાહરણ દ્વારા આ વાત સમજીએ. ધારો કે ભારતની રશિયા જતી ફ્લાઇટ માટે ચાઇનાએ પોતાની ઍરસ્પેસ બંધ કરી દીધી. તો હમણાં સુધી કલકત્તાથી રશિયા માટે ઉડાન ભરતી ફ્લાઇટ જે સીધેસીધી ચાઇનાની ઉપરથી થઈને મૉન્ગોલિયાથી પસાર થતાં રશિયા પહોંચી જતી હતી એણે હવે કાં તો દિલ્હી તરફ આવી પાકિસ્તાનવાળો નવો લાંબો રૂટ પકડવો પડશે કાં તો બંગલાદેશની ઉપરથી થઈને થાઇલૅન્ડ, ફિલિપિન્સ થઈને જપાનવાળો નવો રૂટ પકડવો પડશે. આ બન્ને કિસ્સામાં વિમાનનો રૂટ કંઈક એ રીતે બદલાય છે જેને કારણે એના પ્રવાસનો સમય લંબાશે, ફ્યુઅલ વધુ જોઈશે. હવે ફ્યુઅલ વધુ ભરવું પડે તો શક્ય છે કે વિમાનનું વજન વધી જાય જેને કારણે તેણે પ્રવાસીઓના સામાનની વજન મર્યાદા ઘટાડવી પડે એટલું જ નહીં, કદાચ એકાદ-બે હૉલ્ટ પણ લેવા પડે. અને આ દરેક બાબતને લીધે સૌથી મોટા બે ફેરફાર શું થયા? સમયમાં વધારો અને ફ્લાઇટનાં ભાડાંમાં પણ વધારો. એકમાત્ર ચાઇનાએ પોતાની ઍરસ્પેસ બંધ કરી એને કારણે ભારત અને રશિયા કે ભારત અને મૉન્ગોલિયાની ફ્લાઇટ્સમાં આટલા ધરખમ ફેરફાર આવી શકે.
ઍરસ્પેસ બંધ એટલે શું?
જ્યારે ઍરસ્પેસ બંધ કરવી અર્થાત સંપૂર્ણ દેશની જમીની, હવાઈ, દરિયાઈ અને વાતાવરણીય સીમાઓ બંધ કરવી જે હમણાં ભારતે પાકિસ્તાન માટે અને પાકિસ્તાને ભારત માટે કર્યું છે.
જેમ કે ડિસેમ્બર ૨૦૨૪માં જ્યારે સિરિયામાં વિદ્રોહીઓને કારણે સિવિલ વૉર ફાટી નીકળી ત્યારે સિરિયાએ પોતાની ઍરસ્પેસ તમામ દેશો માટે બંધ કરી દીધી હતી, જેને ઍરસ્પેસ સીલ કરી હોવાનું પણ કહેવામાં આવે છે. અર્થાત કોઈ પણ દેશની કોઈ પણ કમર્શિયલ ફ્લાઇટ સિરિયાની ઍરસ્પેસમાંથી ઊડી શકે નહીં. જોકે ત્યાર બાદ ૨૦૨૫ના જાન્યુઆરીમાં એ બંધી પાછી પણ ઉઠાવી લેવામાં આવી હતી.
એ જ રીતે ઇઝરાયલ અને લેબૅનન વચ્ચે ચાલતા વિખવાદને કારણે મોટા ભાગના દેશો પોતાની ફ્લાઇટ્સ માટે લેબૅનનની ઍરસ્પેસને રિસ્ટ્રિક્ટેડ ઍરસ્પેસમાં નાખી ચૂક્યા છે.
બીજી તરફ છેલ્લાં બે વર્ષથી ચાલતા યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે યુરોપના અનેક દેશોએ રશિયા માટે પોતાની ઍરસ્પેસ બંધ કરી દીધી છે. એ સિવાય ઑસ્ટ્રેલિયા, કૅનેડા, જપાન, ન્યુ ઝીલૅન્ડ, સ્વિટ્ઝરલૅન્ડ, સિંગાપોર, તાઇવાન, અમેરિકા અને ઇંગ્લૅન્ડ જેવા દેશોએ પણ રશિયા માટે પોતાની ઍરસ્પેસ બંધ કરી દીધી છે.
આવા જ કંઈક સંજોગો ચાઇનાના તાઇવાન ઍરસ્પેસ બાબતે છે. તાઇવાન દ્વારા ચાઇનાની એવી દરેક ફ્લાઇટ્સ કે જે ચાઇનામાં રજિસ્ટર્ડ થયેલી હોય અને ચાઇનાનો ઝંડો દોરેલો હોય એને બૅન કરવામાં આવી છે. એટલે કે આવી દરેક ફ્લાઇટ્સ માટે તાઇવાની ઍરસ્પેસ બંધ છે.
ઍરસ્પેસ ફી અથવા ભાડું
સામાન્ય રીતે દરેક દેશનાં ઍરપોર્ટ્સ અને નેવિગેશન સર્વિસ પ્રોવાઇડર્સ કોઈ પણ ફ્લાઇટ્સ પાસે બે પ્રકારે ફી અથવા ભાડું લેતાં હોય છે. એક હોય છે જે-તે ઍરપોર્ટ પર લૅન્ડિંગ કરવા માટેની ફી અને બીજું હોય છે નેવિગેશન સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટેની ફી જે સામાન્ય રીતે ફ્લાઇટ પાર્ક કરવાના ભાડાથી લઈને ફ્લાઇટના વજન અને સાઇઝના આધારે નક્કી થતી હોય છે. આ સિવાય ઓવર ફ્લાઇટ ફી હોય છે જે મુખ્યત્વે દેશની ઍરસ્પેસ વાપરવા માટે લેવામાં આવતી હોય છે. હવે આ ઓવર ફ્લાઇટ ફી માટે વૈશ્વિક કક્ષાએ કોઈ સ્ટાન્ડર્ડ નિર્ધારિત કરવામાં નથી આવ્યા. આ દરેક દેશ પર સ્વતંત્ર રીતે નિર્ધારિત હોય છે. જે સંબંધ, ફ્રીક્વન્સી, દેશના કેટલા લાંબા ભાગ સુધી ફ્લાઇટ ઉડાન ભરશે, કેટલા સમય સુધી દેશની સીમામાં રહેશે આવા બધા અનેક આયામો પર આધાર રાખે છે.
હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જે રીતના સંજોગો સર્જાયા છે એ પ્રમાણે લાગે છે કે ઍરસ્પેસનો વિવાદ પણ વહેલો ઉકેલાશે નહીં અને બન્ને દેશો એકબીજા માટે લાંબા સમય માટે ઍરસ્પેસ પ્રતિબંધિત રાખે તો એમાં નવાઈ નહીં.
નો ફ્લાય ઝોન અને ઍરસ્પેસ બંધમાં તફાવત શું?
એવું નથી કે વિશ્વના તમામ દેશો વચ્ચે ખૂબ સંપ છે અને કોઈ દેશ પોતાની ઍરસ્પેસ બંધ કરતો જ નથી. એક અજીબોગરીબ કિસ્સો જણાવીએ? ઑક્ટોબર ૨૦૨૨ અને જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાન્સપોર્ટ્રેશન દ્વારા ઍર કૅનેડા પર અઢી લાખ ડૉલરનો ફાઇન ઠોકી દેવામાં આવ્યો હતો. ખબર છે શા માટે? અમેરિકાનું કહેવું હતું કે ઍર કૅનેડા દ્વારા યુનાઇટેડ આરબ એમિરેટ્સના રૂટ પર અનેક ફ્લાઇટ્સ ઉડાડવામાં આવી જે માટે એણે યુનાઇટેડ ઍરલાઇન ફ્લાઇટ કોડ્સ વાપર્યા હતા અને એમ છતાં એ ઇરાકી ઍરસ્પેસમાંથી પસાર થયા જે રિસ્ટ્રિક્ટેડ ઍરરૂટ છે!
આ પાછળનું કારણ એ છે કે કોઈ પણ દેશ પોતાની કે બીજાની ઍરસ્પેસ બંધ કરે તો એ માટે બે પ્રકારનાં રિસ્ટ્રિક્શન્સ હોય છે. એક જે-તે સ્પેસિફિક વિસ્તાર માટે રિસ્ટ્રિક્શન અને બીજું સંપૂર્ણ બંધિત. જેમ કે પ્રોહિબિટેડ એરિયા, રિસ્ટ્રિક્ટેડ એરિયા અને ડેન્જર એરિયા. જો બંધીને આ ત્રણમાંથી કોઈક એક કૅટેગરીમાં રાખવામાં આવી હોય તો એનો અર્થ એ છે કે સમગ્ર દેશની ઍરસ્પેસ બંધ કરવામાં નથી આવી પરંતુ કેટલાક વિસ્તારો નો ફ્લાય ઝોન ડિક્લેર કરવામાં આવ્યા છે.
જેમ કે ભારતની જ વાત કરીએ તો રાષ્ટ્રપતિભવન, પાર્લમેન્ટ હાઉસ, પ્રધાનમંત્રી આવાસ, ડિફેન્સ અને ઇન્ડિયન ઍરફોર્સના અનેક બેઝ, તિરુમાલાનું વેન્કટેશ્વર મંદિર, તિરુવનંથપુરમનું પદ્મનાભ મંદિર, તાજ મહેલ, મથુરા રિફાઇનરી, ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર, શ્રીહરિકોટાનું સ્પેસ સ્ટેશન આવા અનેક વિસ્તારો ભારતે નો ફ્લાય ઝોન તરીકે નક્કી કર્યા છે.
અર્થાત આ સ્થળો પરના આકાશમાંથી કોઈ પણ કમર્શિયલ ફ્લાઇટ ક્યારેય ઊડી શકે નહીં. આ જ રીતે દરેક દેશ પોતાનાં માટે સ્ટ્રૅટેજિકલ કહેવાય એવાં મહત્ત્વનાં સ્થળો કે વિસ્તારોને નો ફ્લાય ઝોનમાં નાખી ત્યાંની ઍરસ્પેસ બંધ કરી દેતા હોય છે.
ભારત-પાકિસ્તાન ઇફેક્ટ
આ રીતે હવે જ્યારે ભારતે પાકિસ્તાન માટે અને પાકિસ્તાને ભારત માટે પોતાની ઍરસ્પેસ બંધ કરી હોવાને કારણે બન્ને દેશોને કેટલીક અગવડ તો જરૂર ભોગવવી પડશે જ. પરંતુ આર્થિક ભારણની દૃષ્ટિએ જોઈએ તો પાકિસ્તાન માટે આ અગવડ વધુ હાનિકારક સાબિત થવા જઈ રહી છે એ દેખીતી વાત છે. જેમ કે પાકિસ્તાન માટે બંગલાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ, મલેશિયા, ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, કમ્બોડિયા, તાઇવાન, જપાન જેવા અનેક દેશો માટે ભારતની ઍરસ્પેસમાંથી પસાર કરી પોતાની ફ્લાઇટ્સ ઉડાડવામાં અનેકગણો સહેલો અને ટૂંકો રૂટ ઉપલબ્ધ હતો. પરંતુ હવે જ્યારે ભારતે પોતાની તમામ પ્રકારની ઍરસ્પેસ પાકિસ્તાન માટે પ્રતિબંધિત કરી છે ત્યારે પાકિસ્તાને કાં તો ચાઇના થઈને અથવા દરિયાઈ માર્ગે થઇને ભારતની સીમા બહારથી ઉડાન ભરાવી પડશે, જેને કારણે પાકિસ્તાની કમર્શિયલ ફ્લાઇટ્સનો ન માત્ર રૂટ લાંબો થશે પરંતુ ફ્યુઅલની ખપત પણ મોંઘી થશે, જેને લીધે તેમને ફ્લાઇટ્સનું લગેજ વજન પણ ઘટાડવું પડશે અને એની ટિકિટ્સ પણ મોંઘી કરવી પડશે.
એ જ રીતે ભારત માટે પણ ઈરાન, અફઘાનિસ્તાનથી લઈને યુરોપના લગભગ તમામ દેશો અને ખાડી દેશો તરફની ફલાઇટ્સના રૂટ બદલવા પડશે અને જે નવા રૂટ નક્કી કરવા પડશે એ વધુ લાંબા અને વધુ ફ્યુઅલ માગી લેનારા થશે.જેમ કે ભારતની જ વાત કરીએ તો રાષ્ટ્રપતિભવન, પાર્લમેન્ટ હાઉસ, પ્રધાનમંત્રી આવાસ, ડિફેન્સ અને ઇન્ડિયન ઍરફોર્સના અનેક બેઝ, તિરુમાલાનું વેન્કટેશ્વર મંદિર, તિરુવનંથપુરમનું પદ્મનાભ મંદિર, તાજ મહેલ, મથુરા રિફાઇનરી, ભાભા ઍટમિક સેન્ટર, શ્રીહરિકોટાનું સ્પેસ સ્ટેશન આવા અનેક વિસ્તારો ભારતે નો ફ્લાય ઝોન તરીકે નક્કી કર્યા છે. અર્થાત આ સ્થળો પરના આકાશમાંથી કોઈ પણ કમર્શિયલ ફ્લાઇટ ક્યારેય ઊડી શકે નહીં. આ જ રીતે દરેક દેશ પોતાનાં મહત્ત્વનાં સ્થળો કે વિસ્તારોને નો ફ્લાય ઝોનમાં નાખી ત્યાંની ઍરસ્પેસ બંધ કરી દેતા હોય છે.

