Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં છે?

આવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં છે?

15 May, 2022 07:48 AM IST | Mumbai
Kana Bantwa

કેટલી વ્યક્તિ હોય જે તમે તમામ પદ, પાવર કે પ્રતિષ્ઠા છોડી દો એ પછી પણ તમારી સાથે એ જ આત્મીયતાથી જોડાયેલી રહી શકશે?

પ્રતીકાત્મક તસવીર

Come On જિંદગી!

પ્રતીકાત્મક તસવીર


મહાભારત વાસ્તવનો ગ્રંથ છે. એમાં સુફિયાણી સલાહો નથી. એ તો આ જગતમાં કેમ જીવવું, કેમ સફળ થવું, કેમ ટકી રહેવું એ સમજાવે છે. સમૃદ્ધિ, પદ, પ્રતિષ્ઠા, સત્તા જરાય ખરાબ નથી. એ જીવનમાં અનિવાર્ય છે અને એ મેળવવા માટે તમામ પ્રકારના સંબંધો પણ જરૂરી છે. 

આપણા માટે તે સાવ જ ઘર કી મુર્ગી જેવા હોય છે. ઘણી વાર એ સંબંધ આપણી અપેક્ષાના વિશાળ પડછાયા પાછળ ઢંકાઈ ગયો હોય છે. એવું લાગતું હોય કે આ વ્યક્તિએ તો આવો વ્યવહાર કરવો જ પડે, તેણે તો આવું કરવાનું જ હોય. એ વ્યક્તિ તમારી તમામ નબળાઈઓને કોરાણે મૂકીને તમને ચાહતી હોય એટલે ક્યારેય એવું જતાવતી પણ નથી કે એ સંબંધ કેટલો ઉદાત્ત અને મહત્ત્વનો છે.



તમારી પોતાની અંગત દુનિયામાં એવા કેટલા લોકો છે જે તમને તમે જેવા છો એવા જ સ્વીકારી શકે છે? જે તમને તમારી તમામ નબળાઈઓ અને તમામ મર્યાદાઓ સાથે પોતાના અંતરમાં સ્થાન આપે છે? જે તમને અંદર-બહારથી ઓળખે છે, જેની સામે તમે સાવ અનાવૃત છો. જેને તમારાં નબળાં પાસાંની પણ જાણ છે અને નબળી પળોની પણ. છતાં તે તમને અપનાવે છે, જે કોઈ લેબલ કે દેખાડાને અતિક્રમીને તમને ચાહે છે. જેના માટે તમારા હોવાપણાનું મહત્ત્વ છે; તમારાં વ્યક્તિત્વનું, તમારા પવારનું, તમારા પર્ફોર્મન્સનું, તમારા સ્ટેટસનું, તમારી સમૃદ્ધિનું નહીં.
કેટલા લોકો એવા હોય છે જે આપણને આ રીતે સ્વીકારતા હોય? કેટલી વ્યક્તિ હોય જે તમે તમામ પદ, પાવર કે પ્રતિષ્ઠા છોડી દો એ પછી પણ તમારી સાથે એ જ આત્મીયતાથી જોડાયેલી રહી શકશે? ગણવા બેસશો તો બહુ જ જૂજ વ્યક્તિ મળશે. કદાચ એક પણ ન મળે એવું પણ બને. એક વખત આ લિસ્ટ બનાવી જોવું. પોતાનાં મા-બાપ કે સંતાનો કે પતિ કે પત્ની કે એકાદ કોઈ અંગત દોસ્ત સિવાય કોઈ આ લિસ્ટમાં ન આવે એવું પણ બની શકે. નિરાંતે યાદી બનાવશો તો તમને એ પણ સમજાશે કે તમે જેને તમારા ગણો છો તેમને તમારી પાસે કેવી અને કેટલી અપેક્ષા છે. તમે એ પણ જાણી શકશો કે તેમના અવલંબન પાછળ મૂળ કારણ શું છે.


તમને જો કોઈ એવો સંબંધ મળી જાય જે તમને તમે જેવા છો એવા જ સ્વીકારી લે છે તો એ સંબંધની પૂજા કરજો. એ સંબંધને સિંહાસન પર બેસાડીને તેનાં ચરણ પખાળજો. એ સંબંધને સાચવવા માટે બનતું બધું કરી છૂટજો, કારણ કે આવા નિર્વ્યાજ સંબંધ ભાગ્યશાળીને જ મળે છે. એટલે આવા સંબંધોને નિરાંતે શોધો. એના માટે સમય ફાળવીને એને ખોળી કાઢો. પછી એ પણ વિચારજો કે એ વ્યક્તિને, એ સ્વજનને તમે એ જ રીતે, તેની બધી જ નબળાઈઓ સાથે સ્વીકારો છો ખરા? ઘણી વાર એવું હોતું નથી. આપણે આવા સ્વજનોને ખૂબ જ હળવાશથી લઈ લેતા હોઈએ છીએ. એને મહત્ત્વ આપતા નથી. એને સામાન્ય ગણી લઈએ છીએ. એનું ખરું મૂલ્ય કરતા નથી, તેની યોગ્ય કદર કરતા નથી. ઘણી વખત તો આપણને જાણ જ નથી હોતી આ સંબંધની કે એની ભવ્યતાની કે એની મહાનતાની. આપણા માટે એ સાવ જ ઘર કી મુર્ગી જેવા હોય છે. ઘણી વાર એ સંબંધ આપણી અપેક્ષાના વિશાળ પડછાયા પાછળ ઢંકાઈ ગયો હોય છે. એવું લાગતું હોય કે આ વ્યક્તિએ તો આવો વ્યવહાર કરવો જ પડે, તેણે તો આવું કરવાનું જ હોય. અને એ વ્યક્તિ તમારી તમામ નબળાઈઓને કોરાણે મૂકીને તમને ચાહતી હોય એટલે કયારેય એવું જતાવતી પણ નથી કે એ સંબંધ કેટલો ઉદાત્ત અને મહત્ત્વનો છે. કહ્યા વગર આપણી આંખ ઊઘડતી નથી. તે ક્યારેય કહેશે નહીં. એવી કેટલીયે પત્નીઓ ગુમનામીની ગર્તામાં ખોવાઈ ગઈ હશે જેમણે પોતાના સફળ પતિને એ ઊંચાઈ સુધી પહોંચવા માટે જાત ઘસી નાખી હશે અને પતિને ક્યારેય એ જતાવ્યું નહીં હોય, પતિએ ક્યારેય એ જાણવાની દરકાર પણ કરી નહીં હોય. તેના માટે તો પતનની એ જવાબદારી જ હશે. કેટલાંય એવાં મા-બાપ હશે જેમણે સંતાનો માટે પેટે પાટા બાંધીને જીવન વિતાવ્યું હશે અને સંતાનો તેમને ઘરડાઘરમાં મૂકી આવ્યા હશે. એવા કેટલાય મિત્રો હશે જે દોસ્ત માટે ફના થઈ જવાની હદ સુધી પહોંચ્યા હશે અને દોસ્તે તેને મૂર્ખ કે ગાલાવેલો માની લીધો હશે

જીવનમાં સફળ થવા માટે સંબંધો, નેટવર્કિંગ, ઓળખાણો જરૂરી છે. આપણે જે સમાજમાં જીવી રહ્યા છીએ એમાં આગળ વધવા માટે, સમૃદ્ધ થવા માટે આ બધું અનિવાર્ય છે. તમારે ઉપયોગના સંબંધો પણ રાખવા પડે, વ્યાવહારિક સંબંધો રાખવા પડે, વ્યાવસાયિક રિલેશન્સ રાખવા પડે. આ બધું જ અનિવાર્ય છે અને સફળ થવું, સમૃદ્ધ થવું, શ્રીમાન થવું પણ અનિવાર્ય જ છે. આ બાબત આજની આધુનિક દુનિયાની દેન છે એવું નથી. પુરાતન સમયથી આ જ સોનેરી નિયમ છે. આ તો અમુક લેભાગુઓએ સમગ્ર હિન્દુસ્તાનને કંઈક અવળા જ પાઠ પઢાવી દીધા હતા. મહાભારતમાં યુધિષ્ઠિર જુગારમાં હારીને વનમાં જાય છે એ પછી એક સંવાદ શ્રી અને સત્તા વિશે પણ છે. લક્ષ્મીવિહીન, કંગાળ માણસની શી અવદશા થાય છે એ એમાં વર્ણવવામાં આવ્યું છે. મહાભારત વાસ્તવનો ગ્રંથ છે. એમાં સુફિયાણી સલાહો નથી. એ તો આ જગતમાં કેમ જીવવું, કેમ સફળ થવું, કેમ ટકી રહેવું એ સમજાવે છે. સમૃદ્ધિ, પદ, પ્રતિષ્ઠા, સત્તા જરાય ખરાબ નથી. એ જીવનમાં અનિવાર્ય છે અને એ મેળવવા માટે તમામ પ્રકારના સંબંધો પણ જરૂરી છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત માત્ર એટલી જ છે કે એ બધાની હાયવોયમાં જે વ્યક્તિ કશી જ અપેક્ષા વગર તમને અછોવાનાં કરતી હોય તેને ચૂકી ન જવાય, તે ભુલાઈ ન જાય, તેની અવગણના ન થઈ જાય; કારણ કે જીવનમાં ઐશ્વર્ય, હોદ્દો, શક્તિ વગેરે બધું જ આવશ્યક હોવા છતાં એ સુખ કે આનંદ નથી આપી શકતાં. સુખ, સુકૂન, આનંદ તો સ્નેહ, સન્માન, લાગણી વગેરે જ આપી શકે અને એટલે આવા સંબંધોની જરૂર પડે છે જ્યાં તમે છો એવા રજૂ થઈ શકો છો, જ્યાં કોઈ આડંબરની આવશ્યકતા હોતી નથી, જેની પાસે બેસવાથી ભાર ન લાગે, તમારે છુપાવીને કે વિચારીને ન બોલવું પડે, જ્યાં અંતરના ઘા ઉઘાડા કરી શકાય અને ખાતરી હોય કે એ જાણકારીનો ક્યારેય કોઈ મિસયુઝ નહીં થાય.


એવું નથી કે જતી જિંદગીએ કે બુઢાપામાં જ તમારે આવા સંબંધોની, સુખની, શાંતિની કે સહૃદયતાની જરૂર પડે છે. સૌથી વધુ જરૂર તો યુવાનીમાં અને જિંદગીની શરૂઆતમાં પડે છે જ્યારે તમે નિર્દય જગતમાં સંઘર્ષ કરતા હો, જ્યારે અંતરના સંબંધોની શરૂઆત હોય, જ્યારે કોઈની સાથે જોડાઈ ગયા હોઈએ; જ્યારે સ્વજનો, સ્નેહીઓ, મિત્રો અને શત્રુઓની ફોજની વચ્ચે હોઈએ; જ્યારે જીવન દાવ પર હોય, જ્યારે લાગણી દાવ પર હોય ત્યારે હોય, જ્યારે પીઠમાં ખંજર ભોંકાતાં જ રહેતાં હોય અને જ્યારે કોઈ પોતાનો હાથ લંબાઈને બેઠો કરતો હોય ત્યારે, જ્યારે જેને પોતાના માન્યા હોય તે પારકા બનીને સામે પડતા હોય અને પારકા પોતાના થઈને કુરબાની આપી દેતા હોય, જ્યારે મઝધારે હલેસાં મારવાની તાકાત ન રહી હોય ત્યારે કોઈ કિનારે પહોંચાડનાર પણ આવી પહોંચતા હોય અને ક્યારેક ગમે એટલો ઇન્તેજાર કરવા છતાં કોઈ ન આવતું હોય. આવી જીવનની શરૂઆતમાં આવા સંબંધ સૌથી વધુ અગત્યના હોય છે. બાકી બુઢ્ઢા થઈ ગયા પછી તો મોટા ભાગે બાંધછોડ જ કરવાની હોય, ચલાવી લેવાનું હોય, અપેક્ષાઓને તિલાંજલિ આપીને અનુકૂલન સાધી લેવાનું હોય. ત્યારે તો ગરજના સંબંધો એની મેળે જ ખતમ થઈ ગયા હોય અને અંતરના કે વ્યાવહારિક સંબંધો જ બચ્યા હોય એટલે એને અલગ પાડવામાં અગવડ પડતી નથી. ત્યારે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હોય. એ પછી પણ જે પૃથક ન કરી શકતા હોય તેને તો કહેવું પણ શું? જેમ-જેમ માણસની ઉંમર વધતી જાય તેમ-તેમ નવા સંબંધ વિકસાવવાની શક્તિ ઘટતી જાય છે, જૂના સાચવી રાખવાની સહનશીલતા અને સામર્થ્ય પણ ઘટતું જાય છે.

 

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2022 07:48 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK