Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ખન્નાનો ‘અંદાઝ’ અને કિશોરનું યોડલિંગ

ખન્નાનો ‘અંદાઝ’ અને કિશોરનું યોડલિંગ

23 October, 2021 05:32 PM IST | Mumbai
Raj Goswami

ખન્નાનો એ ગેસ્ટ રોલ ચમત્કાર જેવો હતો. એમાં વાર્તા‌‌તત્ત્વ કશું જ નહોતું. તે ફક્ત એક ગીત ગાવા પૂરતો આવે છે, પરંતુ તેની હાજરી અંધારા આકાશમાં ચમકતી વીજળી જેવી હતી

ખન્નાનો ‘અંદાઝ’ અને કિશોરનું યોડલિંગ

ખન્નાનો ‘અંદાઝ’ અને કિશોરનું યોડલિંગ


‘અંદાઝ’ની તાકાત વધારવા માટે નિર્માતા જી. પી. સિપ્પીએ રાજેશ ખન્નાને મહેમાન કલાકાર તરીકે લેવાનું નક્કી કર્યું. ખન્નાનો એ ગેસ્ટ રોલ ચમત્કાર જેવો હતો. એમાં વાર્તા‌‌તત્ત્વ કશું જ નહોતું. તે ફક્ત એક ગીત ગાવા પૂરતો આવે છે, પરંતુ તેની હાજરી અંધારા આકાશમાં ચમકતી વીજળી જેવી હતી

ગયા અઠવાડિયે ઍક્ટ્રેસ હેમા માલિની ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર તેના પહેલા નિર્દેશક રમેશ સિપ્પી સાથે આવી હતી. હોસ્ટ અમિતાભ બચ્ચને રમેશ સિપ્પીને પૂછ્યું હતું કે ‘તમને કેવી રીતે ‘શોલે’માં બસંતીની ભૂમિકા માટે હેમાજીનો વિચાર આવ્યો હતો.’ ત્યારે સિપ્પીએ કહ્યું કે તેમની પહેલી જ ફિલ્મ ‘અંદાઝ’ અને બીજા જ વર્ષે આવેલી ‘સીતા ઔર ગીતા’ બન્નેમાં હેમાજી હતાં અને હું તેમનાથી સારી રીતે વાકેફ હતો. ત્રણ અઠવાડિયાં પહેલાં, ‘સુપર ડાન્સર’ના સેટ પર પણ હેમાજી હતાં અને ત્યાં પણ તેમણે સિપ્પીની ‘અંદાઝ’ ફિલ્મને, ખાસ તો તેના બ્લૉકબસ્ટર ગીત માટે યાદ કરી હતી. 
૧૯૭૧માં રિલીઝ થયેલી ‘અંદાઝ’ ઘણી બધી રીતે સીમાચિહ્‍નરૂપ ફિલ્મ હતી. એક તો રમેશ સિપ્પીની નિર્દેશક તરીકેની આ પહેલી જ સફળ ફિલ્મ હતી. બીજું, હેમા માલિનીની કારકિર્દી આ ફિલ્મથી પરવાન ચડી હતી. ત્રીજું, સલીમ-જાવેદની જોડીની આ પહેલી ફિલ્મ હતી. ચોથું, આ ફિલ્મમાં રાજેશ ખન્નાની ભૂમિકા એક ગીત પૂરતી જ હતી, પણ ‘ઝિંદગી એક સફર હૈ સુહાના’ એટલું જબરદસ્ત લોકપ્રિય થયું કે લોકો ભૂલી ગયા કે ફિલ્મનો હીરો શમ્મી કપૂર હતો. પાંચમું, કિશોરકુમારની યોડલિંગ કળાનું આ ગીત સર્વોત્તમ ઉદાહરણ છે. છઠ્ઠું, શંકર-જયકિશને રેકૉર્ડ કરેલું આ ગીત છેલ્લું હતું. ૧૯૭૧ની ૧૨ સપ્ટેમ્બરે જયકિશનનું ૪૨ વર્ષની ઉંમરે લિવર-સ્પાયરોસિસના રોગમાં અવસાન થયું હતું. 
‘અંદાઝ’ ફિલ્મનું ડબિંગ ચાલતું હતું ત્યારે જ સિપ્પીએ હેમાજીને પૂછ્યું હતું કે ‘સીતા ઔર ગીતા’ કરશો? સિપ્પી એમાં મુમતાઝને લેવા માગતા હતા, પણ મુમતાઝ મોટી સ્ટાર હતી અને તેની પાસે ઘણી બધી ફિલ્મો હતી એટલે સિપ્પીએ હેમાજી પાસે દાણો દબાવી જોયો. હેમાજીએ કહ્યું, ‘વૉટ? કયો રોલ?’ સિપ્પીએ કહ્યું કે ‘બન્ને.’ અને ‘સીતા ઔર ગીતા’થી હેમાજીનો સિક્કો બેસી ગયો.
‘અંદાઝ’ એ સમયની હિન્દી ફિલ્મોમાં અસાધારણ હતી. એમાં હીરો-હિરોઇન બન્ને વિધુર અને વિધવા છે. રમેશ સિપ્પીના પિતા જી. પી. સિપ્પીની ફિલ્મ ‘બ્રહ્મચારી’માં શમ્મી હીરો હતા એટલે એ સંબંધના નાતે સિપ્પીએ શમ્મીને ‘અંદાઝ’ની વાર્તા સંભળાવી તો શમ્મી પણ થોડા દ્વિધામાં પડી ગયા. તેમણે કહ્યું, ‘મારી ઇમેજ વિદ્રોહી અને ડાન્સિંગ સ્ટારની છે. લોકો મને ડાન્સ અને સૉન્ગના કારણે ઓળખે છે. તને સાચે મારી સાથે આવી ફિલ્મ કરવી છે?’
સિપ્પીએ કહ્યું, ‘તમને વાર્તા ગમી? તમને લાગે છે કે એક સારી ફિલ્મ બનશે? તમે એ કરશો?’ શમ્મીએ કહ્યું, ‘વાર્તા તો સારી છે, પણ તું સાચે જ તારી પહેલી જ ફિલ્મ આવી વાર્તાથી કરવા માગે છે? એમાં તારી કારકિર્દીનો સવાલ છે.’
 સિપ્પીએ કહ્યું, ‘મને એ વાતનો ખ્યાલ છે, પણ મારે કંઈક જુદી જ ફિલ્મ કરવી છે.’ 
ફિલ્મમાં શીતલ (હેમા) તેના પતિ રાજ (રાજેશ ખન્ના)ના અવસાન પછી તેના દીકરાને એકલા હાથે મોટો કરી રહી છે. તેની સાસરીમાંથી તેને જાકારો મળે છે એટલે તે શિક્ષક બની જાય છે. તેના વિદ્યાર્થીઓમાં રવિ (શમ્મી) નામના એક વિધુરની દીકરી ભણતી હોય છે. રવિની પત્ની પ્રસવ વેળા અવસાન પામી હતી. બન્ને બાળકો એકબીજાનાં ફ્રેન્ડ બને છે અને એકબીજાના પેરન્ટ્સને નજીક લાવે છે તથા તેઓ એકબીજાને પ્રેમ કરવા માંડે છે. પછી, ખાધું-પીધું ને રાજ કર્યું. 
સલીમ ખાન અને જાવેદ અખ્તર ત્યારે મામૂલી પગારે જી. પી. સિપ્પીના સ્ટોરી-ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. તેમનું નસીબ હજી ચમક્યું નહોતું. સિપ્પી ફિલ્મ્સની ફિલ્મોમાં વાર્તાની ક્રેડિટમાં ‘સ્ટોરી - સિપ્પી ફિલ્મ સ્ટોરી ડિપાર્ટમેન્ટ’ આવતું હતું, લેખકનું નામ નહીં. 
‘અંદાઝ’ ફિલ્મની વાર્તા સલીમ-જાવેદે લખી હતી. હીરો શમ્મી કપૂર હતા, પણ તેમની એક મુશ્કેલી હતી. શમ્મીનો એ દોર નબળો હતો. તેમની પાછલી ફિલ્મો બહુ ઉકાળી શકી નહોતી. હીરો તરીકેની શમ્મીની આ છેલ્લી ફિલ્મ. પછી તેમનું શરીર એટલું વધી ગયું કે તેમને ચરિત્રભૂમિકાઓ જ મળતી હતી. ‘અંદાઝ’ની તાકાત વધારવા માટે નિર્માતા જી. પી. સિપ્પીએ રાજેશ ખન્નાને મહેમાન કલાકાર તરીકે લેવાનું નક્કી કર્યું. એ વખતે ચારે તરફ રાજેશ ખન્નાની બોલબાલા હતી. સિપ્પી પ્રત્યે આદર હોવાથી ખન્નાએ હા પાડી હતી. 
સલીમ-જાવેદે તેમને માટે ૧૫ મિનિટનો એક રોલ લખ્યો. તમે જો ફિલ્મ જોઈ હશે તો ખ્યાલ આવશે કે ફિલ્મમાં હિરોઇન શીતલના પતિનું કોઈ કામ જ નથી, કારણ કે તેનું તો મૃત્યુ થયું છે. સલીમ ખાન એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘અમે તેને માટે ગેસ્ટ રોલ લખ્યો હતો. મને એ દિવસો યાદ છે. સાચું કહું તો એ દિવસોમાં ફિલ્મો સફળ થતી નહોતી, રાજેશ ખન્ના સફળ થતો હતો.’ 
એ નાનકડા રોલની એટલી મોટી અસર થઈ કે ખન્નાએ બીજા જ વર્ષે તેની દક્ષિણની રીમેક ‘હાથી મેરે સાથી’ની સ્ક્રિપ્ટ સલીમ-જાવેદ પાસે લખાવી. ખન્નાએ ક્રેડિટ અને ઘણા બધા પૈસા આપવાની ખાતરી આપી હતી. ‘હાથી મેરે સાથી’ એટલી મોટી હિટ સાબિત થઈ કે એ પછી સલીમ-જાવેદની કારકિર્દી રૉકેટગતિએ ઊપડી. 
હિન્દી ફિલ્મોમાં મહેમાન કલાકાર અથવા ગેસ્ટ રોલની પરંપરા અનોખી છે. કદાચ દુનિયામાં કોઈ સિનેમામાં આવી રીતે રોલ નથી લખાતા. વાર્તામાં દરેક પાત્રની કોઈ નિશ્ચિત અને અનિવાર્ય ભૂમિકા હોય છે, પરંતુ હિન્દી ફિલ્મોમાં જ દર્શકોને સુખદ આંચકો આપવા માટે અથવા સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે કોઈ જાણીતા કલાકારને એકાદ દૃશ્ય પૂરતો બતાવવામાં આવે. 
મનમોહન દેસાઈએ અમિતાબ બચ્ચનની ‘નસીબ’ ફિલ્મ (અને પછીથી ફારાહ ખાને શાહરુખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મમાં) ફિલ્મમાં ૧૩ ફિલ્મસ્ટાર્સને આવી રીતે ચમકાવ્યાં હતાં. એને માટે તેમણે ‘જૉન, જાની, જનાર્દન’ નામનું વિશેષ ગીત ગોઠવ્યું હતું; જેમાં રાજ કપૂર, શમ્મી કપૂર, રણધીર કપૂર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, રાકેશ રોશન, વિજય અરોરા, વહીદા રહેમાન, શર્મિલા ટાગોર, માલા સિંહા, બિંદુ, સિમી ગરેવાલ અને સિમ્પલ કાપડિયાને પડદા પર આવતાં જોઈને ભારતભરનાં થિયેટરોમાં દર્શકો ચિચિયારી પાડી ઊઠ્યાં હતાં.
 ‘અંદાઝ’માં રાજેશ ખન્નાનો ગેસ્ટ રોલ ચમત્કાર જેવો હતો. એમાં વાર્તાતત્ત્વ કશું જ નહોતું. તે ફક્ત એક ગીત ગાવા પૂરતો આવે છે, પરંતુ તેની હાજરી અંધારા આકાશમાં ચમકતી વીજળી જેવી હતી. રાજેશ ખન્નાને તેના ચાહકો કેમ ‘ભગવાન’ માનતા હતા અને ખન્ના પોતે પણ પોતાની ભક્તિનો કેમ શિકાર થઈ ગયો હતો એ સમજવું હોય તો ‘અંદાઝ’ ફિલ્મના આ ૧૫ મિનિટના રોલના પ્રભાવને જોવો જોઈએ. ખન્નાનો ગમેતેવો ટીકાકાર પણ તેને અને તેના દર્શકો એ પાગલપન માટે માફ કરી દે. 
એક આખી ફિલ્મ ૧૫ મિનિટના રોલ પર અથવા એક ગીત પર ઊંચકાઈ જાય એવું માત્ર ‘અંદાઝ’ના કિસ્સામાં જ બન્યું છે અને એ પણ પાછું એ રોલની વાર્તામાં કોઈ જરૂર પણ ન હોય! ‘ઝિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના’ એ ગીત એટલું સરસ કમ્પોઝ થયું હતું અને એના બોલ એટલા સુંદર હતા કે રમેશ સિપ્પીએ એને માટે ત્રણ અલગ સિચુએશન ઊભી કરી અને ત્રણ ગાયકોના અવાજમાં એને રિપીટ કર્યું. 
શીતલ માટે એ ગીત તેના પતિ રાજની યાદગીરીરૂપ હતું. કિશોરકુમારે રાજના પાત્ર માટે એ ગાયું હતું. શીતલ એ ગીતને આશા ભોસલેના અવાજમાં યાદ કરે છે અને છેલ્લે રવિ (શમ્મી) પ્રેમની આશાના ઇજહારરૂપે મોહમ્મદ રફીના અવાજમાં તેને ગુનગુનાવે છે. 
સંગીતકાર શંકર-જયકિશનને તમે સામાન્ય રીતે શાસ્ત્રીય રાગ આધારિત ગીતો માટે યાદ કરો છો. આ પ્રકારનું ધમાલિયું ગીત તેમની ‘લાઇન’નું ન કહેવાય. ફિલ્મમાં ‘દિલ ઉસે દો, જો જાં ભી દે’ જેવું ગંભીર અને ખૂબસૂરત ગીત પણ હતું, પરંતુ ‘ઝિંદગી એક સફર હૈ સુહાના’ની લોકપ્રિયતાને જોઈને કદાચ શંકર-જયકિશનને પણ આશ્ચર્ય થયું હશે. 
અલબત્ત, કમાલ રાજેશ ખન્નાની અને કિશોરકુમારની હતી. સિંદૂરી રંગનાં સ્વીટ શર્ટ, ગૉગલ્સ અને રૉયલ એનફીલ્ડ-350 બાઇક પર હેમાને બેસાડીને મરીનડ્રાઇવ અને ગેટવે ઑફ ઇન્ડિયાની સડકો પર ઝૂમતા-ગાતા ખન્નાને જોઈને દર્શકો ભૂલી ગયા કે ‘અંદાઝ’ શમ્મી કપૂરની ફિલ્મ છે. હિન્દી સિનેમાના હીરો જે-તે સમયની પેઢીનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. ૭૦ના દાયકામાં એ ડ્યુટી ખન્નાએ બજાવી હતી.
એમાં બીજી વિશેષતા એ હતી કે ખન્નાએ સાચે જ બાઇક ચલાવી હતી. મોટા ભાગે આવાં દૃશ્યો એક ટ્રોલી પર શૂટ કરવામાં આવે છે. ટ્રોલી ચાલતી હોય અને બાઇક એમાં સ્થિર હોય, પણ કૅમેરા એવી રીતે ગોઠવવામાં આવે કે બાઇક ચાલતી દેખાય. ‘મુકદ્દર કા સિકંદર’ ફિલ્મમાં મરીનડ્રાઇવ પર બાઇક ચાલવતા અમિતાભ પર ફિલ્માવાયેલા ‘રોતે હુએ આતે હૈં સબ’ ગીત જોશો તો ખ્યાલ આવશે કે બાઇક બીજા વાહન સાથે જોડાયેલી છે. 
 ખેર, બાઇક પર રાજેશ ખન્નાની છટામાં કિશોરકુમારે યોડલિંગના મોર મૂક્યા એ છોગામાં. યોડલિંગ યુરોપના દેહાતી સંગીતની વિશેષતા છે. યોડલે શબ્દ મૂળ જર્મન શબ્દ ‘જોડેન’ પરથી આવે છે, જેનો અર્થ થાય છે ‘જો શબ્દનો ઉચ્ચાર’ (ઇંગ્લિશમાં એ ‘યો’ કહેવાય છે). જિમી રૉજર્સ નામનો અમેરિકન ગાયક-સંગીતકાર યોડલિંગ બહુ કરતો હતો. 
કિશોરકુમારના ભાઈ અનુપકુમાર ગાંગુલી યુરોપિયન સંગીતના ચાહક હતા અને તેમની પાસે ઘણી મ્યુઝિક રેકૉર્ડ્સ હતી. કિશોરકુમારે એમાંથી આ યોડેલ કરવાની કળા હાંસલ કરી હતી. કહેવાય છે કે કિશોરકુમાર આવી રેકૉર્ડ સાંભળીને બાથરૂમમાં જઈને યોડેલ કરતા હતા. ગાંગુલીબંધુઓની  ૧૯૫૮ની ફિલ્મ ‘ચાલતી કા નામ ગાડી’માં કિશોરે ‘પાંચ રૂપૈયા બારા આના’ ગીતમાં પહેલી વાર યોડલિંગનો સફળ પ્રયોગ કર્યો હતો. ‘અંદાઝ’ ફિલ્મ સુધીમાં તો એ કિશોરની વિશેષતા બની ગયું હતું. 
ગીત લખાયું હતું સરસ. ગીતકાર હસરત જયપુરીને એને માટે બેસ્ટ ગીતકારનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. ગીત ફિલોસૉફિકલ હતું. એમાં તેઓ લખે છે ઃ
મૌત આની હૈ આયેગી એક દિન
જાન જાની હૈ જાયેગી એક દિન
ઐસી બાતોં સે ક્યા ઘબરાના
યહાં કલ ક્યા હો કિસને જાના
‘મુકદ્દર કા સિકંદર’માં ગીતકાર અન્જાને એ જ મરીનડ્રાઇવ પર બાઇક ચલાવતા, ખન્ના પછીના સુપરસ્ટાર માટે અમિતાભ માટે આવો જ ભાવ લખ્યો હતો અને એ ગીત પણ કિશોરકુમારે જ ગાયું હતું ઃ
‘ઝિંદગી તો બેવફા હૈ 
એક દિન ઠુકરાયેગી
મૌત મેહબૂબા હૈ અપને સાથ 
લેકર જાએગી
મર કે જીને કી અદા જો દુનિયા 
કો સિખલાયેગા
વો મુકદ્દર કા સિકંદર જાનેમન કહેલાયેગા’



જાણ્યું-અજાણ્યું....
 આ ફિલ્મ મુમતાઝને ઑફર થઈ હતી, પણ શમ્મી કપૂર સાથે માથાકૂટ થઈ હતી એટલે તેમણે ના પાડી દીધી હતી
 હેમા માલિની સાથેની રાજેશ ખન્નાની આ પહેલી ફિલ્મ હતી
 હેમાએ કહ્યું હતું કે ખન્ના બહુ મિજાજી હતો અને બહુ મોડો સેટ પર આવતો હતો
 શમ્મીની પત્ની માટે સાધનાની વિચારણા થઈ હતી, પણ છેવટે સિમી ગરેવાલે એ રોલ કર્યો હતો
 ‘અંદાઝ’ પછી રમેશ સિપ્પીએ તેમની ફિલ્મોમાં બાઇક પર એક ગીત હોય એવી પ્રથા પાડી હતી


હેમા માલિનીને જ્યારે ડર લાગ્યો હતો...

તાજેતરમાં ‘સુપર ડાન્સર’ના સેટ પર ‘અંદાઝ’ ફિલ્મના ગીતની વાત નીકળી ત્યારે હેમા માલિનીએ એ દિવસોને યાદ કરતાં કહ્યું હતું, ‘એક દિવસ નિર્દેશક રમેશ સિપ્પીજીએ કહ્યું કે આખું ગીત મોટરબાઇક પર શૂટ કરવામાં આવશે. હું થોડી ગભરાઈ ગઈ અને થયું કે આ કેવી રીતે થશે? પહેલી વાર હું રાજેશ ખન્નાજીની પાછળ બાઇક પર બેઠી તો મેં તેમને પૂછ્યું કે તમને બાઇક ચલાવતાં આવડે છે? ગીત શરૂ થયું તો તેમણે તો કૂદવાનું ચાલુ કર્યું. તેમણે બાઇક પર ઊભા થવાનું જ બાકી રાખ્યું હતું, પણ એ તો તેમને એવું કહેવામાં આવ્યું હતું અને તેમણે બહુ સરસ રીતે એ કર્યું હતું.’


આખી ફિલ્મ ૧૫ મિનિટના રોલ પર કે એક ગીત પર ઊંચકાઈ જાય એવું માત્ર ‘અંદાઝ’ના કિસ્સામાં જ બન્યું છે પાછું એ રોલની વાર્તામાં કોઈ જરૂર પણ ન હોય!

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2021 05:32 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK