Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંતાનોને પ્રેમ કરો, પણ લાડ ન કરો

સંતાનોને પ્રેમ કરો, પણ લાડ ન કરો

29 May, 2022 08:03 AM IST | Mumbai
Kana Bantwa

સંતાનનો ઉછેર માત્ર એક જવાબદારી જ નથી, સૃજનની અલૌકિક તક પણ છે

સંતાનોને પ્રેમ કરો, પણ લાડ ન કરો

Come On જિંદગી!

સંતાનોને પ્રેમ કરો, પણ લાડ ન કરો


કુંભારને માટીનો ઘડો બનાવતાં જોયો છે ક્યારેય? કાચી માટીના ઘડાને ચાકડા પરથી ઉતાર્યા પછી તે કુંભાર એને થોડો સુકાઈ જાય એ માટે તડકે મૂકે. અગાઉ સૂકવવા મૂકેલા ઘડામાંથી કોઈને ઉપાડીને તે નાના ધોકા જેવા ટપલા વડે મારીને ઘાને મજબૂત બનાવે, ઘાટ આપે. જોકે ટપલું મારતી વખતે ઘડાની અંદર હાથનો સપોર્ટ આપે જેથી ઘડો તૂટે નહીં અને બરાબર ઘડાય. એ કાચા ઘડાને નીંભાડામાં મૂકે. ચારે બાજુ છાણાં ગોઠવીને આગમાં પકાવે, પણ પકાવતી વખતે ધ્યાન રાખે કે આગ એટલી ઓછી ન રહે કે ઘડો પાકે નહીં અને એટલી બધી પણ ન જાય કે ઘડામાં દાઝ ન પડી જાય. કુંભાર ટપલું ન મારે તો પણ ઘડો ન બને અને મારતી વખતે અંદર હાથનો ટેકો ન આપે તો પણ ઘડો બની શકે નહીં. ઘડાને આગમાં ઓછો પકાવે તો પણ આદર્શ ઘડો ન બને અને વધુ પકાવે તો પણ ન બને.
આંધળી લાગણી ન હોવી
માતા-પિતાની ભૂમિકા આ કુંભાર જેવી છે. બાળકને વધુ લાડ લડાવે, આળપંપાળ કરે તો પણ નુકસાન અને કડકાઈથી જ વર્તે, દબાણમાં જ રાખે તો પણ નુકસાન. સંતાનને ઘડવા માટે કડકાઈરૂપી ટપલાં મારતી વખતે વહાલના હાથનો ટેકો પણ આપવો પડે અને પ્રેમ કરતી વખતે એ પણ ધ્યાન રાખવું પડે કે સંતાનને પાકું કરવા માટે, તેને સક્ષમ બનાવવા માટે ઘડાની જેમ આગમાં તપાવવું પણ પડે. એમાં ઓછી આગ ન ચાલે. સંતાનને પ્રેમ કરો, પણ તેને લાડ કે ચાગ ન કરો. દરેક માબાપને પોતાનું સંતાન શ્રેષ્ઠ જ લાગે, વહાલું જ લાગે. એ તો માનવસ્વભાવ છે, પણ એ લાગણી આંધળી ન હોવી જોઈએ.
જૂના જમાનામાં રાજા-રજવાડાંઓ આફ્રિકન હબસીઓને ગુલામ તરીકે રાખતા. સીદી તરીકે ઓળખાતા આ ગુલામો ઘણી વખત રાજાના અત્યંત વિશ્વાસુ હોવાથી દીવાન જેવા મોટા પદ પર પહોંચી જતા. એક રાજાના દરબારમાં આવો જ એક સીદી દીવાન બન્યો. રાજાને એક વખત તુક્કો સૂઝ્યો કે રાજ્યમાં સૌથી સુંદર બાળક કયું છે એ જોવું છે. એટલે તેમણે સીદી દીવાનને આજ્ઞા કરી કે આખા રાજ્યમાંથી સૌથી સુંદર બાળકને શોધી કાઢો. સીદી દીવાને તો ચારેકોર માણસો મોકલીને સુંદર બાળકોને શોધવા માંડ્યાં. એક-એકથી ચડિયાતાં બાળકોને બોલાવીને દીવાનની સામે હાજર કરવાનો સિલસિલો ચાલુ થયો. ખિલખિલાટ હસતાં, ગોરાં, ફૂલગુલાબી ગાલવાળાં, ઘૂંઘરાળાં ઝુલ્ફોવાળાં, પરાણે વહાલાં લાગે એવાં, કૃષ્ણ કનૈયા જેવાં બાળકો આવ્યાં. સીદીભાઈને કોઈ બાળક ગમ્યું નહીં. તેને તો પોતાનો કાળો, કદરૂપો છોકરો જ સૌથી વધુ સુંદર લાગતો હતો. એટલે પોતાના દીકરાને સજાવી-શણગારીને રાજા સામે રજૂ કર્યો કે મહારાજ, આ છે આપણા રાજ્યનું સૌથી સુંદર બાળક.
સીદીને સીદકાં વહાલાં
મોટા ભાગનાં માતા-પિતા લાડ અને પ્રેમ વચ્ચેનો ભેદ સમજી શકતાં નથી અને પસ્તાય છે. બાળકના જન્મથી લઈને તે પગભર થઈને સ્વતંત્ર જિંદગી જીવવા માંડે ત્યાં સુધીનો પચ્ચીસેક વર્ષનો ગાળો માતા-પિતા માટે જીવનની સૌથી મોટી કસોટીનો હોય છે. બાળકના જન્મની સાથે જ એક માતા અને એક પિતાનો જ જન્મ નથી થતો, એક વ્યક્તિનું ઘડતર કરવાની જવાબદારીનો પણ જન્મ થાય છે. પોતાના બાળકને કેવી વ્યક્તિ, કેવો નાગરિક, કેવો માનવી બનાવવો એ મા-બાપના હાથમાં હોય છે. આ માત્ર એક જવાબદારી જ નથી, સૃજનની અલૌકિક તક પણ છે. માણસને પોતાના ઘડતર માટેની તક તો દસ કે પંદર વર્ષની ઉંમર પછી જ મળે છે. ત્યાં સુધીમાં તો મગ-ચોખા ભળી ગયા હોય, પિંડ લગભગ બંધાઈ ગયો હોય. જોકે સંતાનને ઘડવા માટે, એક માનવીનું સર્જન કરવા માટે માણસ પાસે બાળકના જન્મ પહેલાંથી જ સમય હોય છે. એ સમયમાં સર્જનનો આનંદ પણ હોય છે અને સર્જનની પીડા પણ હોય છે. કોઈ સર્જન પીડા વગર અવતરતું નથી. માનસિક, આત્મિક મથામણ પછી સર્જન મૂર્તિમંત બને છે. એ સમય ખુશીનો પણ હોય છે અને જવાબદારીનો પણ.
લાડ અને ચાગ 
માણસના જીવનમાં પૈસા કમાવા, પ્રતિષ્ઠા અને પદ મેળવવાં, સફળ થવું એટલું મુશ્કેલ નથી જેટલું સંતાનને ઉછેરીને માનવી બનાવવું; કારણ કે સફળ થવા માટે પણ તેણે પોતાની જાતનું ઘડતર કરવાનું હોય છે જે પોતાના મનોબળથી, આત્મવિશ્વાસથી,  સમજણથી,  ક્ષમતાથી,  આવડતથી થઈ શકે. સફળતા મેળવવા માટે એંસી-વીસનો સિદ્ધાંત લાગુ પડે છે. એંસી ટકા આંતરિક પરિબળો અને વીસ ટકા બાહ્ય પરિબળો સફળતા પર અસર પાડે છે. સંતાનના ઘડતરમાં મા-બાપનો પચાસ ટકા હિસ્સો અને સંતાનનો અડધો હિસ્સો હોય. ક્યારેક આ રેશિયો થોડા આઘો-પાછો થાય, પણ માતા-પિતાનો ભાગ વધુ પડતો મોટો ન જ હોય અને સંતાનનો ભાગ સાવ ઓછો ન હોય. એટલે મા-બાપે અડધોઅડધ પ્રતિકારને સહન કરવો પડે, સામા પૂરે તરવું પડે. બાળકને સ્વતંત્રતા આપતી વખતે એ ધ્યાન રાખવું પડે કે સ્વચ્છંદ ન બની જાય અને એ પણ ધ્યાન રાખવું પડે કે બંધન તેનો વિકાસ પણ થવા ન દે. એક માણસમાંથી માનવીનું સર્જન કરવું નાનીસૂની વાત નથી.
સંતાનને લાડ લડાવવાના કોડ બધાને હોય, હોવા જ જોઈએ; પણ એ લાડ પ્રેમ હોવો જોઈએ, નહીં કે આળપંપાળ, ચાગ. ગુજરાતી ભાષામાં લાડ માટે સૌથી ઉપયુકત પર્યાય ચાગ છે. જે સંતાનને મા-બાપે વધુ પડતા લાડથી ઉછેરીને બગાડી નાખ્યું હોય એને ચાગનો ઘૂઘરો કહેવામાં આવે છે. લાડ, ચાગ કરીને સંતાનને મોઢે ચડાવવાથી માત્ર માતા-પિતાને જ નુકસાન નથી થતું, સંતાનને પોતાને પણ નુકસાન થાય છે. 
નુકસાન બાળકને છે...
પ્રેમ કરતાં-કરતાં ક્યારે ચાગ કરવા માંડ્યાં, લાડ કરવા માંડ્યાં એ ઘણાં મા-બાપના ધ્યાનમાં રહેતું જ નથી. તેમનો અપત્યપ્રેમ એટલો હોય છે કે તેઓ આંધળા થઈ જાય છે. બાળકની ભૂલો તેમને દેખાતી નથી. ભૂલો દેખાડવામાં આવે તો પણ તેઓ ઢાંકે છે. અગાઉ એવું બનતું કે એકનો એક દીકરો હોય તો મોઢે ચડાવેલો જ હોય. એકનો એક કંધોતર નહીં રહે તો આપણું શું થશે એ ડરે મા-બાપ તેને અછોવાનાં કરતાં. અત્યારે તો મોટા ભાગનાને ત્યાં બે કે એક જ સંતાન હોય છે એટલે ચાગથી ઉછેર થાય એવી સંભાવના વધી જાય છે અને એટલે જ આજના ટીનેજરને લાગે છે કે માબાપ તેમને સમજી શકતાં નથી અને માબાપને લાગે છે કે સંતાનો તેમને સમજી શકતાં નથી. લાડકોડમાં ઊછરેલું સંતાન જ્યારે આ ક્રૂર જગતમાં પ્રવેશ કરે છે ત્યારે તેની કઠોરતાને સહન કરી શકતું નથી. તેના માટે આ નિર્મમ વિશ્વમાં ઍડ્જસ્ટ થવું મુશ્કેલ થઈ પડે છે. એ જ સંતાનને જો ચાગને બદલે પ્રેમ આપ્યો હોત, તેને ઘડ્યું હોત તો પરિસ્થિતિ જુદી હોત. ચાગ સંતાનને નબળું, ડિપેન્ડન્ટ બનાવે છે; પ્રેમ તેને મજબૂત અને આત્મનિર્ભર બનાવે છે.

અગાઉ એવું બનતું કે એકનો એક દીકરો હોય તો મોઢે ચડાવેલો જ હોય. એકનો એક કંધોતર નહીં રહે તો આપણું શું થશે એ ડરે મા-બાપ તેને અછોવાનાં કરતાં. અત્યારે તો મોટા ભાગનાને ત્યાં બે કે એક જ સંતાન હોય છે એટલે ચાગથી ઉછેર થાય એવી સંભાવના વધી જાય છે અને એટલે જ આજના ટીનેજરને લાગે છે કે માબાપ તેમને સમજી શકતાં નથી અને માબાપને લાગે છે કે સંતાનો તેમને સમજી શકતાં નથી



પ્રેમ અને સ્વતંત્રતાનું સંતુલન


પ્રેમ તેની શક્તિઓને વિકસાવે છે, તેનામાં આત્મવિશ્વાસ જગાવે છે. ચાગ, લાડ તેની શક્તિઓને વિકસવાની તક જ નથી આપતાં. સંતાનને માત્ર બાળપણમાં જ ઉછેરવાનું નથી હોતું. તે યુવાન થાય, પોતાના પગ પર ઊભું રહેવા અને દુનિયા સામે બાથ ભીડવા માટે તૈયાર થાય ત્યાં સુધી ઉછેરવાનું હોય છે અને અહીં જ મોટા ભાગનાં મા-બાપ થાપ ખાઈ જાય છે. તરુણ વય પછી સ્વાતંત્ર્યના નામે પોતાની નિષ્કાળજી છુપાવવા માટે અથવા પોતાની અક્ષમતાને ઢાંકવા માટે સંતાનને છૂટો દોર આપી દે છે. સ્વાતંત્ર્ય આપવું જ જોઈએ એમાં બે મત નથી, પણ સ્વાતંત્ર્યના નામે તેને એકલું છોડી દેવું યોગ્ય નથી. મોટા ભાગના ટીનેજર એવી માનસિકતામાંથી પસાર થતા હોય છે કે પેરન્ટ્સને તેની પડી નથી, પેરન્ટ્સ ધ્યાન આપતા નથી, તેને સમજવાની કોશિશ કરતા નથી, ધરારી કરે છે, નિયમો ઠોકી બેસાડે છે, જમાનાની સાથે ચાલી શકતા નથી, જુનવાણી વિચારના છે, પારંપરિક છે વગેરે... વગેરે... સંતાન જો આવું વિચારતું હોય તો એના માટે સંતાન કરતાં તમે પોતે વધુ જવાબદાર છો એટલું યાદ રાખજો.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2022 08:03 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK