Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઘમંડ (પ્રકરણ ૩)

ઘમંડ (પ્રકરણ ૩)

01 February, 2023 10:28 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

વીત્યાં આ વરસોમાં સૌમ્યાને કદી રૂબરૂ મળવાનું નથી બન્યું, પણ અમીરી આવતાં પોતાનું સર્કલ અપગ્રેડ થતું ગયું એમ તેના ફાધરના સ્ટેટસથી માહિતગાર રહેવાતું. મૅડમ હજી પરણ્યાં નથી. ક્યાંથી પરણે? બાઈનો મણમણનો ઘમંડ જોયો! એનો ભાર ઊંચકવાનું કોઈનું ગજું નહીં.

ઘમંડ (પ્રકરણ ૩) વાર્તા-સપ્તાહ

ઘમંડ (પ્રકરણ ૩)


આજે હિસાબ ચૂકતે થવાનો! 
ઊંડો શ્વાસ લેતાં આદર્શે વાગોળ્યું. 
ઘમંડી સૌમ્યાએ માના કરેલા અપમાનનું વેર વાળવામાં મુદત પાડવી હોય એમ માએ પહેલાં અમીરી મેળવવાનો લક્ષ્યાંક આપતાં એ દિશામાં મન દોડવા લાગ્યું. બિઝનેસ મૅનેજમેન્ટમાં માસ્ટરી હતી, પાકકળામાં હથોટી હતી. બેના સમન્વયથી તેના ફૂડ-સ્ટૉલનું સ્ટાર્ટઅપ એવું જામ્યું કે આજે નરીમાન પૉઇન્ટથી વિરાર સુધી ‘વિદ્યા ફાસ્ટ-ફૂડ’ના ચેઇન સ્ટોર્સ ધમધમે છે. ગયા મહિને બૅન્ક-લોન પણ ચૂકતે થતાં હવે વેરનું જ લક્ષ્યાંક હોય!
‘વેર... વેર! નકારાત્મક લાગણી તને પીંજતી રહે એ મારાથી નથી ખમાતું આદર્શ. સૌમ્યાએ મારું અપમાન કર્યું એ હું ભૂલી પણ ગઈ. તુંય વિસારે પાડ.’ 

માની આ એકમાત્ર વાત સાથે કદી સંમત ન થયેલા આદર્શને ક્યારેક નવાઈ પણ લાગતી. આટલું થવા છતાં મા કદી સૌમ્યા વિશે ઘસાતું બોલી નથી. ત્રણ વરસ અગાઉ મલબાર હિલ ખાતે પોતાનો બંગલો કર્યો - પિતાશ્રી. બંગલાના શાંતિઓમ ટાણે પણ વિદ્યામાથી બોલાઈ ગયેલું : કાશ, તારી જોડે સૌમ્યા હોત તો તમે સજોડે ગૃહપ્રવેશ કર્યો હોત!
લો બોલો! હું વેર સાંભરું તો હંમેશાં મને વારે છે...



અફકોર્સ, એ સૌમ્યાના હિતમાં નહીં, બલકે હું મારું અહિત ન કરી પાડું એની માને ધાસ્તી રહેતી હશે એટલે જ.
વીત્યાં આ વરસોમાં સૌમ્યાને કદી રૂબરૂ મળવાનું નથી બન્યું, પણ અમીરી આવતાં પોતાનું સર્કલ અપગ્રેડ થતું ગયું એમ તેના ફાધરના સ્ટેટસથી માહિતગાર રહેવાતું. મૅડમ હજી પરણ્યાં નથી. ક્યાંથી પરણે? બાઈનો મણમણનો ઘમંડ જોયો! એનો ભાર ઊંચકવાનું કોઈનું ગજું નહીં.


બસ, એ ઘમંડ ઘવાય એવું કંઈક કરવું જોઈએ! અલબત્ત, પડદા પાછળ રહીને. મારી સંડોવણી જાહેર થાય તો મારા બિઝનેસને ઘસારો પહોંચે એ તો ઠીક, મા-પિતાજીની કેળવણી વગોવાય એવું તો થવું જ ન જોઈએ. મુંબઈમાં દરેક કામ માટે ભાડૂતી આદમી મળી રહે, પરંતુ તેની પાસે કરાવવું શું?
- અને ઍસિડ અટૅકથી માંડીને ડ્રગ્સ કેસમાં સપડાવી દેવાનો વિચાર પંપાળતા આદર્શની આંખે સમાચાર ચડ્યા: 
‘ઍરફ્લાઇટના પ્રવાસીનું નિંદનીય કૃત્ય! સહપ્રવાસી મહિલા પર યુરિન કર્યો!’
વાંચતાં જ અરુચિ જાગે એવા વાઇરલ થયેલા ન્યુઝે આદર્શમાં જુદો જ સળવળાટ પ્રેર્યો : ધીસ ઇઝ સમથિંગ!
આજકાલ ઍરવેઝમાં અશોભનીય બનાવો બનતા રહે છે. પૅસેન્જર ઍરહોસ્ટેસને અપમાનિત કરે, શર્ટ ઉતારીને બીભત્સ હરકતો કરે એવા ન્યુઝ તો હતા જ. એમાં આ ભાઈએ તો દારૂના નશામાં ધુત થઈને સાવ જ વિનીપાત વહોર્યો! 
ધારો કે આવી જ ઘટના પ્લાન કરી હોય તો?

ધારી લો કે ઘમંડ જેના શ્વાસોમાં છે એ કુમારી સૌમ્યા નરોત્તમ મહેતા આવી જ એક ઍરફ્લાઇટમાં બિરાજમાન છે. એ સફરની અધવચાળે અચાનક એક પુરુષ આવીને તેના પર સૂ-સૂ કરી દે એ ઘટના તેના અહમને પાણી-પાણી કરી દેવા પૂરતી ગણાય કે નહીં! અરે, પણ મૂંગાં પશુઓ પ્રત્યે દયા દાખવનારીનો ઘમંડ વીંધવાની આદમી જાતને પણ ક્રેડિટ શું કામ આપવી? આ કામ તો પેટ દ્વારા થવું જોઈએ! દાખલા તરીકે ઍરફ્લાઇટની અધવચાળે કોઈનો પાલતુ ડૉગી આવીને તેના મોં પર શૌચ કરી જાય એથી સૌમ્યા હેબતાશે, આજુબાજુવાળા વિડિયો ઉતારવાની મઝા લેશે અને એ વાઇરલ થઈ શકનારો વિડિયો બાઈના ઘમંડને તમાચારૂપ જ રહે કે બીજું કંઈ! સૌમ્યા માટે એટલું આઘાતજનક રહે કે ઍનિમલના નામે તે ભડકે. એનજીઓનો તેનો દેખાડો પણ બંધ થઈ જાય એ આડકતરો લાભ! 
બસ, તો-તો આ જ થવું જોઈએ!


નક્કી થઈ ગયું. હવે મારે કોઈ ગરજવાનને હાયર કરવો રહ્યો જે ઍનિમલ પાસે ધાર્યું કરાવવામાં પણ માહેર હોય!
આદર્શે આ દિશામાં ખાંખાંખોળા કરવા માંડ્યા. એમાં અણધાર્યું નામ આંખે ચડ્યું : નારંગ!
ન હોય. અમીર બાપનો એ એકનો એક દીકરો પ્રાણીઓને ટ્રેઇન કરવા જેવું કામ કરે?
તપાસ કરતાં લક્ષ્મીને ચંચળ કેમ કહી છે એનો અંદાજ આવ્યો. તેના ફાધરે વેપારમાં નુકસાની વેઠતાં હૃદયરોગ તેમને ભરખી ગયો. રસ્તા પર આવી જવાના આઘાતે માતાએ આપઘાત કર્યો! નારંગે કૉલેજ છોડ્યાનાં ચાર જ વરસમાં આ બધું બન્યું ને સર્વકાંઈ ગુમાવી બેઠેલો નારંગ પાછલાં બે વરસથી પેટ્સને ટ્રેઇનિંગ આપવાનું કામ કરીને પેટિયું રળે છે!
આ પણ કુદરતનું જ કરવુંને. કદી સ્ટ્રીટ ડૉગને ફટકારનારો આજે એ જ પ્રાણી થકી ગુજારો કરે છે! તેને સૌમ્યા સાથે અંટસ હતી. ‘તને જોઈ લઈશ’ એવી ધમકી પણ તેણે આપેલી. મીતાના કેસમાં તેણે સૌમ્યાને માફી માટે મજબૂર કરવાની મથામણ પણ કરેલી. કૉલેજમાં તે ફાવ્યો નહીં, પણ હવે...
હવે તેને એ તક મળે એમ છે! રસ્તા પર આવેલી ગયેલા ઉમરાવને હજીયે અમીરીમાં આળોટતા સમકાલીનોની ઈર્ષા રહેતી જ હોય છે. એ દાઝમાં જૂની અદાવત વસૂલ કરવાનો ચાન્સ, છોગામાં આ બધું કરવાના હૅન્ડસમ પૈસા પણ ભળે તો નારંગ પાસે ના પાડવાનું કારણ જ નથી. વળી તે ખુદ ઍનિમલ ટ્રેઇનર છે એટલે મારા પ્લાનમાં એકદમ ફિટ બેસે છે...
તેનો નંબર મેળવીને ગયા પખવાડિયે અમે મળી પણ લીધું.

આદર્શે ઝડપભેર વાગોળ્યું:
ધોબીતળાવની ઈરાની હોટેલમાં આદર્શને ભાળીને નારંગ ડઘાયેલો. ના, આદર્શે ફોન પર ઓળખ આપી જ દીધેલી, પણ કૉલેજમાં બાઇક પર આવનારો મર્સિડીઝમાંથી ઊતરશે એવું નારંગે ધાર્યું નહોતું! 
‘તને સૌમ્યા યાદ છે?’
વટથી ઑર્ડર દઈને આદર્શે સીધી શરૂઆત કરી. તેના દમામથી અંજાયેલો નારંગ સૌમ્યાના ઉલ્લેખે ઢીલો પડી ગયેલો - તે બ્યુટી-ક્વીન!
‘યાદ છે, તેણે તને કેટલો હ્યુમિલિયેટ કરેલો! તેં પણ તેને બતાવી આપવાની ચીમકી આપેલી...’
નારંગની કીકીમાં શંકા સળવળી, ‘ગોળ-ગોળ શું કામ ઘુમાવે છે આદર્શ. સીધેસીધું કહી દે કે...’ 
તેનું વાક્ય અડધેથી આદર્શે ઊંચકી લીધું, ‘...કે તે સૌમ્યા સામે તારે મારું પણ વેર લેવાનું છે!’
હેં! અણધાર્યું સાંભળીને નારંગ ગૂંચવાયો - તારે કેવું વેર! 
‘મારી માતાના અપમાનનું વેર...’ નારંગને ભરોસો બેસે એ માટેય આદર્શે ઘટનાક્રમ કહેવો પડ્યો.
નારંગના હાવભાવ પલટાયા, ‘તમે બેઉ એકમેકને ચા...હ...તાં હતાં, ઓહ! આઇ મીન, તું એવું માનતો હતો એટલે તેં તારાં મધરને કહેણ લઈને મોકલ્યાં. સૌમ્યાએ ઇનકાર કર્યો કેમ કે...’
અને તે હસ્યો, ખડખડાટ હસ્યો.

આ પણ વાંચો : ઘમંડ (પ્રકરણ ૧)

‘પત્યું?’ આદર્શે ટાઢકથી કહેતાં તે ઓછપાયો. પોતાના મોં પર આંગળી મૂકી, ‘શિશ, એકદમ ચૂપ. બોલ, સૌમ્યાના વિડિયોનાં છ વરસે તું કઈ રીતે વેર લેવા માગે છે?’
જવાબમાં આદર્શે કહેલો પ્લાન સાંભળીને તેની કીકીમાં ચમક ઊપસી હતી. વેર વસૂલવાની આટલી વિકૃત રીત કોઈને સૂઝી નહીં હોય!
‘મેં એટલી ભાળ કઢાવી છે કે પખવાડિયા પછી એનજીઓની મીટિંગ અટેન્ડ કરવા સૌમ્યા ફ્લાય ઇન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હી જાય છે...’
‘બસ, તો માની લે કે એ ફ્લાઇટમાં તારું કામ થઈ ગયું... મારા શેરુ (ડૉગી)ને ટ્રેઇન કરવા આટલા દહાડા પૂરતા છે...’
મારું નામ ક્યાંય આવવું ન જોઈએ એ શરતે થયેલી છ લાખની ડીલનો અડધો હિસ્સો ચૂકવી દીધો છે. નારંગે પોતાની ટિકિટ સાથે પેટ માટેની પરવાનગી પણ લઈ લીધી છે અને આટલા દિવસોમાં નારંગે આપેલી ટ્રેઇનિંગનો નમૂનો પોતે બે દિવસ અગાઉ નિહાળ્યો પણ છે...
નારંગના ભાડાના ઘરમાં તેણે એક મૅનિકિન પર સૌમ્યાનો ચહેરો ચિપકાવ્યો છે. ધોબીને ત્યાંથી સૌમ્યાનો ડ્રેસ સરકાવીને શેરુને તેની ગંધથી માહિતગાર કર્યો છે. એ વસ્ત્ર મૅનિકિનના ખભે નાખતાં શેરુ પૂતળાના ખભે ગોઠવાઈને મોં પર શૌચ કરે એ દૃશ્ય વાસ્તવમાં ભજવાશે ત્યારે બિચારી સૌમ્યાની શું હાલત થશે! 
મનમાં જ અટ્ટહાસ્ય વેરતા આદર્શે નારંગને ફોન જોડીને કન્ફર્મ કર્યું કે તે ઍરપોર્ટ જવા નીકળી ચૂક્યો છે... ગ્રેટ! 
ખુશી મમળાવતા આદર્શને જાણ નહોતી કે ક્યારનાં તેની રૂમના ઉંબરે આવીને ઊભાં રહેલાં વિદ્યામા બધું સાંભળી-જાણી ચૂક્યાં છે! 
દિલ્હી જતી સૌમ્યાને ટ્રેઇન્ડ ડૉગી દ્વારા અપમાનિત કરવાનો પ્લાન જાણીને સમય સરતો હોય એવા આવેશભેર રૂમમાં જઈને વિદ્યામાએ આદર્શને ચોંકાવી દીધો, ‘તેં જે કરવા ધાર્યું છે આદર્શ એ કોઈ સંજોગોમાં થવું ન જોઈએ...’

હેં! મા જાણી ગઈ છે એનો ખ્યાલ આવતાં આદર્શ ઊલટો હરખાયો, ‘તું ચિંતા ન કર મા. આમાં તારા દીકરાને કંઈ નહીં થાય...’
મા-દીકરા વચ્ચે લાંબી દલીલોમાં સમય વહેતો રહ્યો. 
‘તને કેમ સમજાવું...’ કોઈ પણ ભોગે અનર્થ ટાળવા માગતાં વિદ્યાબહેને છેવટે કહેવું પડ્યું... ‘આદર્શ, મને તારી નહીં, સૌમ્યાની ચિંતા છે...’
હેં! આદર્શ ઘવાયો. વિદ્યાબહેને તેની પીઠ પસવારી, ‘હા બેટા. હું સૌમ્યાને દોષી નથી માનતી આદર્શ, કેમ કે તેં કેવળ તેણે મને મારેલો ધક્કો જોયો છે. એ ધક્કા પાછળનું સત્ય હું જાણું છું.’ 
આદર્શ ફાટી આંખે માને તાકી રહ્યો. સ...ત્ય!
lll
ચેક-ઇન વિધિ પતાવીને ઍરપોર્ટની લાઉન્જમાં બસ માટે વેઇટ કરતી સૌમ્યાની નજર સામા બાંકડે વરસના બાળકને ગોદમાં લઈને બેઠેલી મા પર પડી. તેના ચહેરા પર મુસ્કાન ફરકી.
‘આઇ ઍમ સૉરી, પણ તું મા નહીં બની શકે.’
ડૉ. સ્મિતાબહેનના શબ્દો પડઘાતાં સ્મિત સુકાઈ ગયું. વિધાતાએ આટલું વસમું દુ:ખ મારા ભાગ્યમાં કેમ લખ્યું!
અન્ટિલ ધૅટ મોમેન્ટ કિસ્મત હંમેશાં મહેરબાન જ રહેલી. પ્રેમાળ માતા-પિતા, સૌંદર્ય-બુદ્ધિમત્તાનો દુર્લભ સંગમ અને શિરમોર સમો આદર્શનો પ્યાર... જાણે કોની નજર લાગી મારા નસીબને!
હળવા નિ:શ્વાસભેર સૌમ્યાએ વાગોળ્યું.
ફાઇનલ યરની ફાઇનલ એક્ઝામ પત્યા પછી નવરાશ જ નવરાશ હતી... આદર્શની પરીક્ષામાં હજી મહિનાની વાર હતી ને તેના રીડિંગ-ટાઇમમાં ખલેલ પાડવાથી દૂર રહીને સૌમ્યા મા સાથે ઘરનું કામકાજ શીખતી. આદર્શ માબાપને એક મુલાકાતમાં ગમી ગયેલા. તેમની પરીક્ષા પત્યે મા-પિતાજી કહેણ લઈને જવાનાં જ હતાં એટલે પણ દીકરીને સાસરે વળાવવાના ભાવથી વીણાબહેન શીખવાડતાં. 

આ પણ વાંચો :  ઘમંડ (પ્રકરણ ૨)

ચોથા દહાડે વીણામાને જ સાંભર્યું : ચલ, આપણે તને ડૉક્ટરને દેખાડી આવીએે!
સૌમ્યાને માસિકના અમુકતમુક ઇશ્યુઝ હતા જ. ફૅમિલી ડૉક્ટરને પૂછતાં તેમણે વરલીના ડૉ. સ્મિતાબહેનનું નામ સજેસ્ટ કર્યું : સૌમ્યાને મેજર ઇલનેસ હોય એવું લાગતું નથી. બટ એક વાર સ્મિતાબહેન જેવાં એક્સપર્ટ ચકાસી લે તો આપણનેય નિરાંત.
અપૉઇન્ટમેન્ટ નોંધાવીને મા-દીકરી ક્લિનિક પર પહોંચ્યાં. પાંત્રીસેક વરસનાં ડૉ. સ્મિતાબહેન મળતાવડા લાગ્યાં. સૌમ્યાની ઝીણવટભરી તપાસ બાદ નિખાલસપણે બોલી ગયાં : સૌમ્યાને કશું જ નથી એવું હું નહીં કહું... અમુક ટેસ્ટ્સ લખું છું. અહીં જ થઈ જશે... કાલ સુધીમાં રિપોર્ટ્સ આવી જશે. તમે પરમ દિવસે આવો ત્યારે હું સોનોગ્રાફી પણ કરી લઈશ... ડોન્ટ વરી, કંઈ હશે તો પણ ઇલાજ કરનારી હું છુંને.’
તેમના સધિયારાએ મા-દીકરીમાં નિરાંત પ્રેરી, પણ બીજી મુલાકાતમાં દીર્ઘ તપાસના અંતે ડૉક્ટરે વજ્રાઘાત કર્યો હતો : સૉરી ટુ સે સૌમ્યા, પણ તું કદી મા નહીં બની શકે. સરોગસીથી પણ નહીં!

એકઝાટકે સ્ત્રીરોગનિષ્ણાતે મારું માતૃત્વ છીનવી લીધું! નરોત્તમભાઈએ દેશવિદેશના નામાંકિત ડૉક્ટરોને રિપોર્ટ્સ મોકલાવી જોયા, પણ નિદાન એ જ રહ્યું. હૈયે પથ્થર મૂકીને માબાપે દીકરીને સંભાળી જાણી. આદર્શની પરીક્ષા સુધીમાં સૌમ્યા આઘાત પચાવીને પ્રીતમથી પીછેહઠનો રસ્તો વિચારી ચૂકેલી : મા નહીં બની શકનારી હું આદર્શ માટે લાયક ન ગણાઉં... મારા ઍટિટ્યુડને કારણે ઘણાને હું ઘમંડી લાગું છું. એને જ હથિયાર બનાવીને આદર્શ સમક્ષ એવું ચિત્ર દેખાડીશ કે તે મારા નામ સુધ્ધાંથી નફરત કરે! 
એવું ગોઠવાય એ પહેલાં તો વિદ્યામા કહેણ લઈ આવી ઊભાં. તેમની સમક્ષ ડોળ ન થયો. નહીં ધારેલું વિઘ્ન સાંભળીને વિદ્યામા પણ ડઘાયાં. સૌમ્યાના નિર્ણયે તેમનું તેજ રણઝણ્યું, ‘બે હૈયે પ્રીત હોય સૌમ્યા તો એના ભાવિનો નિર્ણય પણ સહિયારો હોવો ઘટે... એકની ઊણપે બીજો સાથ છોડે એવું હલકું લોહી મારા આદર્શનું ન હોય.’
‘જાણું છું મા. એટલે તો આદર્શની પ્રીતને નફરતમાં પલટાવવા માગું છું...’
મારા માવતરની જેમ વિદ્યામાને સોગંદથી બાંધીને મને સાથ દેવા તૈયાર કર્યાં... અને તુચ્છકારના ભાવ સાથે માને ધક્કો દીધાનો વિડિયો જોયા પછી આદર્શે તેને ચાહવાનું રહ્યું નહીં! માના અપમાનનો બદલો લેવાના આદર્શના ઝનૂનને માએ આજ સુધી નાથી રાખ્યું છે, પણ મને તો આદર્શનું વેર વાળવું પણ વહાલું લાગશે... 
આવું વિચારતી સૌમ્યાને હવે પછી શું થવાનું એની ક્યાં ખબર હતી?

આવતી કાલે સમાપ્ત 

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 10:28 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK