Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બચુભાઈ બમ્બાટ Returns અલ્ટિમેટ ઍક્શન (પ્રકરણ ૨)

બચુભાઈ બમ્બાટ Returns અલ્ટિમેટ ઍક્શન (પ્રકરણ ૨)

Published : 09 June, 2026 12:57 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

રાતના સાડાનવ થયા હતા અને ડાઇનિંગ ટેબલ પર બચુભાઈ અને પાયલ જમવા બેઠાં હતાં. પાયલે હજી હમણાં જ સવારનો ઇન્સ‌િડન્ટ બચુભાઈને સંભળાવ્યો અને મમ્મીના ફેસ પર ચિંતા પ્રસરી ગઈ.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


કડાક...

ચંદુના નાકનું હાડકું તૂટવાનો અવાજ દુકાનમાં ગુંજ્યો અને તેના નાકમાંથી લોહીની ધાર વહેવા લાગી. ચંદુ નાક દબાવીને જમીન પર બેસી ગયો અને જમીન પર પડેલા ચપ્પુને લાત મારીને પાયલ તેની પાસે આવી...



‘મેં કહ્યું હતુંને, પ્રિસ્ક્રિપ્શન વગર દવા નહીં મળે...’


પાયલનો અવાજ હજી પણ એટલો જ શાંત હતો, જાણે કંઈ બન્યું જ ન હોય. દુકાનમાં થયેલી મારામારી અને મારામારીને કારણે થયેલા દેકારાને લીધે આજુબાજુની દુકાનવાળાઓ પણ આવી ગયા હતા. એક દુકાનદારે પોલીસમાં ફોન કરી દીધો. ૧૦ મિનિટમાં બોરીવલી-વેસ્ટ પોલીસની વૅન આવી ગઈ અને ચંદુને લોહીલુહાણ હાલતમાં ઉપાડી ગઈ. પોલીસના વૅનમાં બેસતા ચંદુની આંખો પાયલ પર જ હતી, ચંદુની આંખોમાં રહેલું ખુન્નસ પાયલે જોયું, પણ પાયલને ખબર નહોતી કે તે હવે કઈ નવી મુસીબતમાં ફસાવાની છે.

lll


‘ઍન્થની તું...’ સિંઘાનિયાની આંખો ફાટી ગઈ હતી, ‘તું તો હૉસ્પિટલમાં પોલીસ-પ્રોટેક્શન વચ્ચે હતો તો અત્યારે અહીં...’

‘ભાગ કર આયા...’

ઍન્થનીના પગમાં પીડા થતી હતી, તેની સારવાર હજી ચાલુ હતી પણ હૉસ્પિટલમાં ભાનમાં આવ્યાના અડધા જ કલાકમાં તે સમજી ગયો હતો કે જો પોતે અહીંથી નીકળશે નહીં તો આ કેસ લાંબો થઈ જશે એટલે તે હૉસ્પિટલથી ભાગી ગયો.

‘પેલી ૧૦૦ની નોટ... બ્રીફકેસ...’

‘એ ઇન્સ્પેક્ટર સાવંતના કબજામાં છે.’ ઍન્થનીએ કહ્યું, ‘એનાથી મોટું ટેન્શન હમણાં આવ્યું છે. મેં મારાં ઇન્જેક્શન અને દવા લેવા ચંદુને મોકલ્યો હતો. ચંદુને ત્યાં કોઈ બવાલ થઈ અને મેડિકલ સ્ટોર પરથી પોલીસ તેને પકડી ગઈ.’

‘ઇડિયટ... હવે તારા એ ચંદુ પાસેથી પોલીસને ખબર પડી જશે...’

‘એ ટેન્શન તમે નહીં કરો... ચંદુ મારો ખાસ માણસ છે. ચંદુ મોઢામાંથી કંઈ નહીં બોલે; પણ હા, મને એક ટેન્શન છે...’ પગમાં થતું પેઇન ઍન્થનીના ફેસ પર પણ દેખાતું હતું, ‘જો ઇન્સ્પેક્ટર સાવંતને ખબર પડી કે ચંદુ જે દવા લેવા ગયો એ મારા પગ માટે હતી તો સાવંત સીધો બોરીવલી જશે.’

‘હવે શું કરવાનું?’

‘મેં તપાસ કરાવી છે. એ મેડિકલ સ્ટોર પર કોઈ છોકરી હતી જેણે ચંદુની ધોલાઈ કરી. તે છોકરી ત્યાં બોરીવલીમાં જ રહે છે...’

‘ઍન્થની, તારે જે કરવું હોય એ કર... પણ તે છોકરી મોઢામાંથી ફાટવી ન જોઈએ કે તારો ચંદુ કઈ દવા લેવા માટે ત્યાં ગયો હતો...’ સિંઘાનિયાએ ટેબલ પર હાથ પછાડ્યો, ‘મને કોઈ રિસ્ક નથી જોઈતું. જો ઍન્થની, એક ભૂલ થઈ એટલે મારો ૭૦૦૦ કરોડનો પ્રોજેક્ટ અટવાઈ જશે.’

‘તમે ચિંતા ન કરો... હું તે છોકરીને હૅન્ડલ કરી લઈશ...’ ઍન્થનીએ મોબાઇલ હાથમાં લીધો, ‘આજે રાતે તે છોકરીના ઘરે મારા લોકો પહોંચી જશે... તે મોઢામાંથી એક શબ્દ પણ નહીં બોલે...’

lll

‘બચુભાઈ, તમે આ છોકરીને આવી છૂટ ન આપો... આજે તે એક મવાલીને મારીને આવી. કાલે સવારે તે મવાલી પાયલને રસ્તા પર રોકશે તો...’

રાતના સાડાનવ થયા હતા અને ડાઇનિંગ ટેબલ પર બચુભાઈ અને પાયલ જમવા બેઠાં હતાં. પાયલે હજી હમણાં જ સવારનો ઇન્સ‌િડન્ટ બચુભાઈને સંભળાવ્યો અને મમ્મીના ફેસ પર ચિંતા પ્રસરી ગઈ. જોકે બચુભાઈને કોઈ અસર નહોતી થઈ. જ્યોતિનું બોલવાનું પૂરું થાય એ પહેલાં જ બચુભાઈએ પાયલની સામે જોયું.

‘તેં જ્યારે તેના પર અટૅક કર્યો ત્યારે તેં બૅલૅન્સ બનાવ્યું હતુંને?’

‘હા બચુભાઈ, મેં કાઉન્ટરનો સપોર્ટ લઈને બૉડી-વેઇટ શિફ્ટ કર્યું અને પછી પગ હવામાં લીધો...’

‘તમે લોકો મારી વાત સાંભળશો જ નહીં...’

‘તમને એ ખબર જ છે તો પછી શું કામ તકલીફ લો છો...’

બચુભાઈએ જ્યોતિની સામે જોયું અને પાયલના ફેસ પર સ્માઇલ આવી ગયું. બચુભાઈ બમ્બાટમાં રહેલા સેલ્ફ-ડિફેન્સ ગુરુ હજી અકબંધ હતા. તેમણે ફરી પાયલ તરફ નજર કરી.

‘ગુડ, પણ એક વાત યાદ રાખજે. દેખાવે જે મવાલી લાગતા હોય છે તેમની પાછળ મોટાં માથાં હોય અને જે કેસમાં મોટાં માથાં હોય એ વાત તરત પૂરી થાય નહીં.’ બચુભાઈએ જમવાનું પૂરું કર્યું, ‘આ કેસમાં પોલીસ ઇન્વૉલ્વ થઈ છે એટલે કદાચ વાત આગળ વધશે. હજી બે દિવસ મેડિકલ સ્ટોર સંભાળવાનો છે એટલે તારે બધી રીતે સાવચેત રહેવાનું છે’

એ રાત્રે બચુભાઈએ લિવિંગરૂમની બારીના પડદા પાડી દીધા અને મેઇન ડોરનું લૉક પણ બરાબર ચેક કર્યું.

lll

રાતે અઢી વાગ્યે બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ પર શાંતિ પ્રસરી ગઈ હતી. અજાણ્યા સામે ભસવાને બદલે કૂતરાઓ પણ સૂઈ ગયા હતા અને એ સમયે સોસાયટીની બહાર સફેદ રંગની સ્કૉર્પિયો આવીને ઊભી રહી. ગાડીની હેડલાઇટ્સ બંધ હતી. અંદર પાંચ માણસ બેઠા હતા. બધાના હાથમાં કાળા કપડામાં ધારદાર ચૉપર્સ અને સાઇલેન્સર લગાવેલી પિસ્તોલ હતી.

‘ઍન્થનીભાઈનો ઑર્ડર છે...’ ડ્રાઇવિંગ-સીટ પર બેઠેલી વ્યક્ત‌િએ પાછળ જોયું, ‘બચુભાઈ બમ્બાટ તેનું નામ છે. બુઢ્ઢો ફિલ્મવાળો છે, હવે નિવૃત્ત છે. ઘરમાં તે છે અને તેની બાયડી અને તેની દીકરી પાયલ એમ ત્રણ જણ છે. પાયલને ઉપાડવાની છે અને પછી મજા કરવી હોય તો મજા કરીને કાયમ માટે ઉપર...’

‘કોઈ વચ્ચે આવે તો...’

‘ત્રણેયને ઉપર પહોંચાડવાની છૂટ...’ દરવાજો ખોલતાં ડ્રાઇવિંગ-સીટવાળી વ્યક્તિએ કહી દીધું, ‘બાકીનું બધું ઍન્થનીભાઈ સંભાળી લેશે...’

પાંચેય જણ ગાડીમાંથી ઊતર્યા. સોસાયટીનો વૉચમૅન ખુરસી પર સૂઈ ગયો હતો. અવાજ ન થાય એની ચીવટ સાથે દાદરથી પાંચેય છઠ્ઠા ફ્લોર પર આગળ વધ્યા.

lll

બચુભાઈને ઊંઘ નહોતી આવતી. ઍક્શન માસ્ટરના ૩૦ વર્ષના અનુભવે તેમનામાં અવાજ પારખવાની અદ્ભુત શક્તિ કેળવી દીધી હતી. દાદર પર થતા હળવા પણ વજનદાર શૂઝના અવાજથી તેમની આંખો ચમકી ગઈ. તેમણે ઘડિયાળ સામે જોયું. રાતના બે વાગીને ૩૨ મિનિટ થઈ હતી.

રૂમની બહાર નીકળીને બચુભાઈએ પાયલની રૂમનો દરવાજો ખોલ્યો. દરવાજો ખૂલતાં જ પાયલની આંખો પણ ખૂલી ગઈ. બચુભાઈએ અને પાયલે અંધારામાં એકબીજાની આંખોમાં જોયું. કોઈ શબ્દોની જરૂર નહોતી. સાવચેતી સાથે પાયલ રૂમના દરવાજા પાસે આવી.

‘પાંચ જણ છે. પગલાંનો અવાજ ભારે છે એટલે બને કે સાથે હથિયાર હશે...’ બચુભાઈએ દબાયેલા અવાજે કહ્યું, ‘તું રૂમ બદલીને જ્યોતિની રૂમની બહાર ઊભી રહે...’

પાયલે અંધારામાં જ ડોકું હલાવ્યું અને બચુભાઈએ કહ્યું એ રીતે તે જ્યોતિની રૂમ પાસે જવા લાગી. બચુભાઈના મનમાં ઍક્શન સીક્વન્સના ડાયાગ્રામ્સ રમતા હતા.

ખટ...

એ જ સમયે મેઇન ડોરના લૉકને બહારથી તોડવાનો પ્રયત્ન શરૂ થયો અને બચુભાઈએ દીવાલ પાછળ પોતાની પોઝિશન લીધી. તેમની નજર ડાઇનિંગ ટેબલ પર પડેલા લાકડાના ભારે બૉલ પર ગઈ, જે તેમણે પોતાની એક ઍક્શન સીક્વન્સમાં વાપર્યો હતો અને હવે યાદ તરીકે ઘરમાં રાખ્યો હતો.

ટક...

દરવાજો ધીમેથી ખૂલ્યો. અંધારામાં પાંચ આકૃતિઓ અંદર આવી. તેમના હાથમાં સાઇલેન્સર લગાવેલી પિસ્તોલ અને ચમકતા કટાર જેવાં ચૉપર્સ હતાં. આગળ ચાલતો ગુંડો લિવિંગરૂમના સોફા તરફ વધ્યો. તેને હતું કે બધા ઊંઘે છે, પણ એ તેની ભૂલ હતી.

અંધારાનો લાભ લઈને બચુભાઈએ ટેબલ પાછળથી સ્પ્રિંગની જેમ ડાઇવ મારી અને આગળ ચાલતા ગુંડાના ગળાના પાછળના ભાગે હાથની કોણીનો એવો જોરદાર પ્રહાર કર્યો કે તે અવાજ કર્યા વિના જ જમીન પર ઢળી પડ્યો. બાકીના ૪ ગુંડા ચમકી ગયા. બીજા ગુંડાએ પિસ્તોલ તાકી, પણ પાયલે અંધારામાંથી આવીને તેના કાંડા પર લાત મારી. પિસ્તોલ છટકીને સોફા નીચે જતી રહી.

‘કોણ છે?’

ત્રીજા ગુંડાએ ચૉપર હવામાં વીંઝ્યું અને બચુભાઈએ તેનો હાથ પકડીને એને મોહરાની જેમ વાપર્યો અને ચોથા ગુંડા સાથે અથડાવ્યો, જેમાં એ ગુંડાનું ચૉપર સીધું તેની ગરદન પર લાગ્યું અને લોહીનો ફુવારો છૂટ્યો.

પાંચમા ગુંડા પર પાયલ હાવી થઈ ગઈ હતી. પાયલે એ ગુંડાને દીવાલ સાથે લૉક કરીને તેની શ્વાસનળી પર વાર કર્યો, જે બચુભાઈએ તેને હજી હમણાં જ શીખવ્યો હતો.

આ આખી અથડામણમાં હાડકાં તૂટવાના, શ્વાસ રૂંધાવાના અને શરીર જમીન પર પછાડાવાના ધીમા અવાજો સિવાય કોઈ અવાજ નહોતો આવતો.

lll

પાંચ મિનિટમાં ખેલ ખતમ થઈ ગયો.

લિવિંગરૂમના ફ્લોર પર પાંચેય ગુંડાની લાશ પડી હતી અને એ જ વખતે મમ્મી રૂમમાંથી બહાર આવી. લોહીનાં ખાબોચિયાં અને લાશો જોઈને તેના મોઢામાંથી ચીસ નીકળવા જતી હતી, પણ બચુભાઈએ તરત જ તેનું મોઢું દબાવી દીધું.

‘અવાજ નહીં.’ બચુભાઈનો અવાજ પથ્થર જેવો ઠંડો હતો. ‘જો વાત બહાર ગઈ તો પોલીસકેસ થશે અને પાયલની જિંદગી બગડશે. પાર્થ ગયો છે જ્યોતિ, હવે હું પાયલને ગુમાવવા નથી માગતો.’

બચુભાઈએ પાયલ સામે જોયું.

‘પાયલ, બિલ્ડિંગની પાછળ ડ્રેનેજ લાઇનનું રિનોવેશન ચાલે છે. ત્યાં ઊંડો ખાડો ખોદેલો છે. આપણે ગાડી પાછળ લાવવી પડશે.’

પાયલે હા પાડી અને તે રવાના થઈ કે તરત બચુભાઈ પાંચેય ગુંડાઓની લાશને પૅક કરવામાં લાગી ગયા. પાંચેય લાશ ચાદરમાં લપેટવામાં આવી અને એક પણ પુરાવો છોડ્યા વિના એ લાશને બચુભાઈએ એક પછી એક નીચે ઉતારીને ગાડીમાં ગોઠવી.

થોડી જ મિનિટોમાં લાશ ડ્રેનેજ લાઇનના ખાડામાં હોમી દેવામાં આવી અને બચુભાઈ-પાયલ બન્ને પાછાં ઘરે આવી ગયાં. ઘરે હજી પણ જ્યોતિ હતપ્રભ અવસ્થામાં જ બેઠી હતી.

lll

‘ઍન્થની, રાતે તેં જે પાંચ માણસો બોરીવલી મોકલ્યા હતા તેમનો કોઈ રિપોર્ટ?’

‘રાતથી પાંચેયના ફોન સ્વિચ્ડ-ઑફ છે... પણ કામ થઈ ગયું હોય સર એટલે જ એ લોકો મોબાઇલ સ્વિચ-ઑફ કરે...’

‘ઍન્થની, તને ખબર છેને, કાલે રાતે એ લોકો પોલીસ-સ્ટેશનમાંથી તારી બ્ર‌ીફકેસવાળી ૧૦૦ની નોટ ચોરવાના હતા...’ સિંઘા‌નિયાનો અવાજ તરડાઈ ગયો હતો, ‘મને... મને કોઈ પણ ભોગે એ નોટ પાછી જોઈએ. મારા ૧૦૦૦ કરોડ રૂપિયા એમ ને એમ અત્યારે અધ્ધર લટકી ગયા છે. જો કંઈ આડુંઅવળું થયું તો એ પૈસા મારી પાસે પાછા પણ નહીં આવે અને મિનિસ્ટરને એ પૈસા નહીં મળે તો તે મારા પ્રોજેક્ટને... હું... હું તને નહીં છોડું ઍન્થની.’

‘તમે ટેન્શન ન કરો સર, બધું પતી જશે. મને... મને શુક્રવાર સુધીનો ટાઇમ આપો, તમારું બધું કામ પતી જશે.’

ઍન્થનીએ ફોન કટ કર્યો અને ફોન લગાડ્યો સીધો ચંદુના ભાઈ ગણેશને.

‘ગણેશ, કાં તો તેં આપેલા માણસો પાસે મારી ૧૦૦ની નોટ છે અને કાં તો ઇન્સ્પેક્ટર સાવંત પાસે...’ ઍન્થનીને પગનો દુખાવો સાવ ભુલાઈ ગયો હતો, ‘મને એ નોટ તાત્કાલ‌િક જોઈએ... તારે જે કરવું હોય એ કર, તને બધી છૂટ; પણ જો શુક્રવાર સુધીમાં મને નોટ મળી નહીં તો... તને જીવવાની પણ છૂટ નહીં આપું.’

lll

બચુભાઈએ પર્સ ખોલ્યું. અંદર પ્લાસ્ટિકના પાઉચમાં કડકડતી ૧૦૦ની નોટ હતી. એના પર લાલ પેનથી એક નંબર લખ્યો હતો અને એના પર કોઈની સિગ્નેચર હતી. ગુંડાઓનાં ખિસ્સાંમાંથી મળેલી આ નોટ જોઈને બચુભાઈની અનુભવી આંખો રાતે જ સમજી ગઈ હતી કે ૧૦૦ની એ નોટ કોઈ બહુ મોટી રમતની કડી છે.

બસ, હવે બચુભાઈ બમ્બાટે જોવાનું હતું કે આગળ શું થાય છે?

 

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 12:57 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK