Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એકરાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૪)

એકરાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૪)

30 December, 2021 02:57 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘મરતો માણસ...’ લાવણ્યાને હવે ઝબકારો થયો કે અમે કબ્રસ્તાનમાં આવ્યાં ત્યારે એલ્વિસ દારૂ નહીં, ઝેર જેવું કંઈક પ્રવાહી ગળ્યો હતો!

એકરાર

એકરાર


‘હું એકરાર કરું છું મિસ લાવણ્યા કે...’
લાવણ્યા એલ્વિસને ટાંપી રહી. જાત પર ગુસ્સો પણ ચડતો હતો : ‘શા માટે મારે આમ કોઈ અજાણ્યાના ફોને દોડી આવવું જોઈએ! પાછું તેના કહ્યા મુજબ મા-એરનથી છાનું રાખીને આવી. 
એમ કોઈ અજાણી વ્યક્તિ મૃત પિતાના સોગંદ આપે એટલે એ પાળવા હું બંધાયેલી થોડી ગણાઉં!’
જોકે આ દલીલથી મન માન્યું નહોતું. ખરેખર તો ફોન કરનારે પિતાના અકસ્માત બાબત કશુંક કહેવું છે એનું કુતૂહલ પોતાને અહીં તાણી લાવ્યું હતું.
પિતાનો ઍક્સિડન્ટ લાવણ્યા માટે માનવો મુશ્કેલ હતો. તેણે ઘણી દલીલો કરેલી : ‘મારા પપ્પા  સ્ટ્રિક્ટલી ટ્રાફિક રૂલ્સ ફૉલો કરનારા અને ઈગતપુરી તો દર મહિનાની પહેલી તારીખે તેમણે જવાનું થતું. તેમણે ઢાળ ચડવામાં ગફલત કરી હોવાનું હું માનતી નથી!’
‘આપણા માનવા-ન માનવાથી નિયતિ બદલાતી નથી, લાવણ્યા.’ લાવણ્યાને સંભાળવાની સાથે તેને સમજાવવાની જવાબદારી પણ એરને નિભાવી હતી, ‘મોત મતિ ભુલાવે એ બહુ જાણીતી ઉક્તિ છે. ઍક્સિડન્ટ ઇઝ ઍક્સિડન્ટ. અરે, તેમની કોઈ સાથે દુશ્મનાવટ નહોતી, તેમની સાથે બૂરું કરીને કોઈને શું મળવાનું?’
આ તર્કે મને-કમને પોતે કુદરતનો ફેંસલો માનવો પડ્યો. આજે એક અજાણ્યાએ એ જ અકસ્માતનો હવાલો દઈને વમળ સર્જી દીધાં. બપોરની વેળા હતી એટલે કબ્રસ્તાનમાં જવાની ભીતિ નહોતી, પોતે ગ્રેવયાર્ડ પહોંચી ત્યારે તે ગેટ પર જ ઊભો હતો.
‘તમે આવી ગયાં લાવણ્યા. થૅન્ક યુ. માયસેલ્ફ એલ્વિસ.’
હાથ જોડીને પોતાને આવકારતા આદમીનાં નેત્રોમાં કરુણા હતી અને વર્તનમાં સદ્ગૃહસ્થતા. 
‘આપણે અંદર જવાનું છે.’
કબ્રસ્તાન સાવ સૂમસામ હતું. તેની પાછળ પગ ઉપાડતાં ખચકાટ નહોતો થયો. આગળ ચાલતા એલ્વિસે ગજવામાંથી બૉટલ કાઢીને ગળે ઘૂંટ ઉતાર્યો એ જોયું, ‘કદાચ તેને દારૂની ટેવ હશે. 
કદાચ તે આ કબ્રસ્તાનનો રખેવાળ હશે. કબરોની વચ્ચે જીવતો માણસ કઈ રીતે 
રહી શકતો હશે! એટલે પણ બિચારાને  દારૂની લત હશે...’ 
‘બસ, અહીં...’ છેવટની કબર આગળ તે ઊભો રહ્યો. ત્યાં લખેલાં નામ વાંચતાં લાવણ્યાનાં નેત્રો સહેજ પહોળાં થયેલાં.
‘લિલિયન મારી પત્ની, મૅરી 
મારી દીકરી.’
ત્યારે લાવણ્યાએ જાણ્યું કે અચ્છા મોટર મેકૅનિક ગણાતા એલ્વિસની પત્ની-પુત્રી કેવું અરેરાટીભર્યું મોત પામ્યાં.
‘તેમની સાક્ષીમાં હું જૂઠ નહીં બોલું એટલું તો તમે માનશોને?’
‘પણ તમારે કહેવું શું છે, એલ્વિસ?’  
‘મારું જે પાપ મારા આત્મીયજનોને ડસી ગયું એનો ‘એકરાર’ કરવો છે...’
‘પાપ.’ અત્યારે પણ લાવણ્યાના બદનમાં કંપારી પ્રસરી ગઈ. એલ્વિસનો એકરાર સાંભળવા એકકાન થઈ.
 ‘હું એકરાર કરું છું મિસ લાવણ્યા કે તમારા પિતાના મૃત્યુમાં હું નિમિત્ત બન્યો હતો.  ઈગતપુરીના રસ્તે તેમની કારની બ્રેક્સ મેં ફેલ કરી હતી.’
‘હેં...’ લાવણ્યા ખળભળી ઊઠી. ઘડી પહેલાં એલ્વિસ માટે જાગેલી સહાનુભૂતિ વરાળ થઈ ગઈ.
‘આ કામ કરવાના મને પૈસા મળ્યા હતા, જે આજે પણ બૅન્કમાં પડ્યા હશે.’  
‘હેં.’ લાવણ્યા પૂતળા જેવી થઈ ગઈ. ‘પપ્પાની કારની બ્રેક ફેલ કરાવનારનો આશય તેમની હત્યાનો જ હોય... મારા પિતાને મારવાની કિંમત ચૂકવનાર એ નરાધમ છે કોણ?
‘એરન ગોન્ઝાલ્વિસ.’
લાવણ્યા પડતાં-પડતાં રહી ગઈ. એરન! ત્રણ દિવસ પછી જેને હું પરણવાની છું તેણે મારા પપ્પાનું કાસળ કઢાવ્યું? વાય?’
મેં નક્કી કરી લીધું છે લાવણ્યા હાઉ ટુ હૅન્ડલ ધ હર્ડલ! દૂરના ભૂતકાળમાંથી તેના જ શબ્ડો પડઘાયા.
મારા પિતાને પ્રણયપ્રાપ્તિના માર્ગની હર્ડલ સમજનાર એરને તેમને આ રીતે હટાવી દઈને અમારો એક થવાનો રસ્તો સાફ કરી નાખ્યો! 
‘શું કહેવું પ્રેમીની આ સમજને? બેશક, પોતાની મનમરજીથી પરણવા માગતાં સંતાનોને મા-બાપે માર્યાંના પેરન્ટ-કિલિંગના કિસ્સા બનતા હોય છે અને એ પણ વખોડવાને પાત્ર જ છે, પણ સામે પોતાનો પ્રેમ પામવા માવતરને માર્ગમાંથી હટાવવાનું કૃત્ય આદરી એરને વરવો દાખલો બેસાડ્યો કે બીજું કંઈ!’
‘યુ હેવ ટુ ટ્રસ્ટ મી, લાવણ્યા. મારી પાસે આનો કોઈ પુરાવો નથી.’
પુરાવો. લાવણ્યા હાંફી ગઈ : ‘કોઈ પણ સબૂત વિના આ આદમીએ જે કહ્યું એ મેં માની કેમ લીધું! બની શકે કે તેને આવું કહેવાના પૈસા અમારા કોઈક વિઘ્નસંતોષીએ આપ્યા હોય!’
‘હું તો જાણતોય નહોતો કે મને કામ આપનાર કોણ છે...’
એલ્વિસે માંડીને વાત કરી. છેલ્લે-છેલ્લે તેના પગ લથડતા હોય એમ તે કબર પર બેસી પડ્યો.
‘ના, તેના બયાનમાં બનાવટ નથી. એક બાજુ તેને કન્ફેશનનું સૂઝ્‍યું ને બીજી બાજુ મને પિતાનો સંકેત મળ્યો. પરિણામે એલ્વિસ-એરન ચર્ચમાં ભેગા થયા એ ઇશારો ખરેખર તો કુદરતે મને ચેતવવા માટે આપ્યો!
‘સ્ટીલ... હું એક ચાન્સ લઈ જોઉં. તમારા એરનનો નંબર છે મારી પાસે...’ એલ્વિસે મોબાઇલમાંથી નંબર લગાવ્યો, સામે તરત કૉલ રિસીવ થયો, ‘હેલો’
એરનનો અવાજ લાવણ્યા ઓળખી ગઈ.
‘સાહેબ, ડિસિલ્વાનું ગૅરેજ યાદ 
છે! ત્યાંનો મેકૅનિક એલ્વિસ સાંભરે છે? જેને તમે...’
એલ્વિસ આટલું બોલે છે ત્યાં તો સામેથી ફોન કટ થઈ ગયો, ફરી કૉલ જોડ્યો તો ફોન સ્વિચ્ડ-ઑફ આવ્યો! 
આ હરકત જ એરનના પાપના પુરાવા જેવી હતી.
‘છતાં તમને ભરોસો ન આવતો હોય લાવણ્યા તો...’ એલ્વિસને આંચકી આવી. લિલિયન-મૅરીને વળગતો હોય એમ કબર પર હાથ પસવારીને માથું ટેકવ્યું, ‘મરતો માણસ જૂઠ નહીં બોલે એટલું તો માનશોને!’
‘મરતો માણસ...’ લાવણ્યાને હવે ઝબકારો થયો કે અમે કબ્રસ્તાનમાં આવ્યાં ત્યારે એલ્વિસ દારૂ નહીં, ઝેર જેવું કંઈક પ્રવાહી ગળ્યો હતો! 
‘મારું કામ પૂરું થયું, હવે જીવનનો અર્થ શો! કરી શકો તો મને ક્ષમા કરજો, લાવણ્યા...’ ‘જુઓ, શ્વેત વસ્ત્રોમાં સજ્જ મારી લિલી, મારી પ્રિન્સેસ મૅરી મને બોલાવે છે... હું આવ્યો હોં!’
અને ડચકાં ખાતી જીભે એલ્વિસે ડોક ઢાળી દીધી. સન્નાટાને વીંધતો પવન જોરથી ફૂંકાયો ને નજીકના વૃક્ષ પરથી ફૂલ કબર પર ખર્યાં.
લાવણ્યાના ચિત્તમાં ત્યારે ઝંઝાવાત ફૂંકાતો હતો ‘ ‘તમે તો પાપ કબૂલ કરી, પસ્તાવામાં જીવ દઈ મુક્તિ મેળવી લીધી એલ્વિસ, પણ હવે મારે શું કરવું?’
lll
‘હું શું કરું?’ 
એક તરફ લાવણ્યાની ભીતર વેર વળ ખાતું હતું. ‘જેને બેફામ ચાહ્યો એ જ પુરુષે મારા પિતાનું નિકંદન કાઢ્યું! સ્મગલરના પૌત્રને જાન લેવાનું જ સૂઝ્યું! એનો બદલો ન લઉં તો દુનિયાભરની દીકરીઓની ગુનેગાર ઠરી જાઉં, પિતાઓ દીકરીને વહાલનો દરિયો ગણવાનું બંધ કરી દે... વહાલસોયા પિતાને મારનારના ગળામાં પુત્રી વરમાળા પહેરાવતી હશે! અને મારા પિતાનો વાંક શો? ‘અમારાં લગ્ન માટે તેઓ નહીં જ માને’ એવી અમારી કેવળ માન્યતા? એક વાર તેમણે જાણ્યું હોત, જાણીને અમને જુદાં પાડવા મથ્યા હોત તો એરનની પ્રતિક્રિયા થોડીઘણી સમજાત પણ ખરી... પિતાના પ્રતિભાવની કલ્પનાથી હું ફફડતી રહેતી, તેને હર્ડલ મારી આ રીતે દૂર કરવાનો તમને હક ન હોય, એરન, સૉરી.’
‘પાછો એરનમાં પસ્તાવાનો સદંતર અભાવ. અમારા ઘરમાં પિતાની છબિ જોઈને પણ તેમને થડકારો નહીં થતો હોય! નહીં, એરનને તેમના ગુનાની સજા તો મળવી જ જોઈએ...’ લાવણ્યા નિર્ધાર કરતી અને ભીતરથી ચીંટિયો જેવો ભરાતો : ‘એરને ગુનો કર્યો, કબૂલ, પણ આખરે તો તેણે જે કર્યું એ તને પામવા માટે કર્યું! તેને બીજો કોઈ સ્વાર્થ નહોતો, મોહ નહોતો, ખેવના નહોતી... તારા પિતાને મારવા પાછળની એરનની બદનિયતનું નિમિત્ત તો તું જ હતી લાવણ્યા, પછી એ ગુનાની ભાગીદાર તું પણ ખરી કે નહીં!’
થાકીહારીને લાવણ્યાએ પિતાની તસવીર સમક્ષ શીશ ઝુકાવ્યું : ‘એરન તમારો ગુનેગાર છે પપ્પા, પણ તેના આ અંતિમે જવા પાછળ જવાબદાર હું છું,  મારો પ્રેમ છે! બોલો, તેનો ગુનો ચડે કે મારા પ્રત્યેનો તેનો પ્રેમ? આની સજા તેને એટલી જ મને હોય...’  
અને લાવણ્યાએ નિર્ણય લઈ લીધો.
lll
અને એ ઘડી આવી પહોંચી.
સવારે ચર્ચમાં વિધિવત્ લગ્ન, સાંજે ચોપાટીની ક્લબમાં આલીશાન રિસેપ્શન અને હવે રિનોવેટ થયેલા નવા બંગલામાં નવદંપતીની સુહાગરાત... 
‘અંહ!’ સુહાગસેજ પર ઘૂમટો તાણીને બેઠેલી પત્નીને અડવા જતા એરનને તેણે રોક્યો, ઇશારો આપ્યો : ‘પહેલાં કેસરમઢ્યું દૂધ તો પી લો!’
આછું મલકી એરને એક ઘૂંટમાં ગ્લાસ ગટગટાવ્યો. પછી પડખે બેસી લાવણ્યાનો ઘૂંઘટ ઉઠાવ્યો.
‘આઇ લવ યુ, લાવણ્યા!’ અનાયાસ એરનથી બોલી જવાયું, ‘તમે મારી કરવા હું કઈ હદે ગયો એની તને જાણ ક્યાં છે!’ 
લાવણ્યાએ નિ:શ્વાસ દબાવી રાખ્યો. એલ્વિસના ફોન પછી પણ એરને જરાય ગંધ આવવા નહોતી દીધી. તેમણે તેના મૃત્યુની ભાળ કાઢી જ હશે, તો જ આટલા નચિંત રહેને! ધારો કે એલ્વિસ જીવ્યો હોત તો તે મને બ્લૅકમેઇલ કરવા માગે છે એમ વિચારીને એરને તેનું પણ કાસળ કાઢ્યું હોત?
‘ક્યાં ખોવાણી!’ એરનનો શ્વાસ દહેકવા લાગ્યો.
અને આ શું? લાવણ્યાનાં આભૂષણ ઉતારતા એરનના હૈયે કળતર ક્યાં થઈ! શરીરની નસેનસ ખેંચાતી હોય એવી પીડા ક્યાં થઈ?
ક્ષણાર્ધમાં તો એરન જમીન પર ફસડાઈ તરફડવા લાગ્યો. લાવણ્યાએ બૂમાબૂમ કરી મૂકી : ‘કોઈ આવો! જુઓ તો, એરનને આ શું થઈ ગયું...’
lll
‘પૅરૅલિસિસ.’
ડૉક્ટરના અંતિમ નિદાને સગાંસ્નેહીઓમાં સોપો સર્જાયો. વીરમતીબહેનની આંખો વરસી પડી : ‘હજી તો દીકરીએ સંસારનું સુખ ન માણ્યું ત્યાં...’ 
‘ગરદન નીચેનું તેમનું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે. પેશન્ટ કેવળ આંખોથી જોઈ શકશે, કાનોથી સાંભળી શકશે, દિમાગથી સમજી શકશે, એ સિવાય કોઈ પ્રતિક્રિયા ક્યારેય કરી નહીં શકે!’
સાંભળીને એરન ચિત્કારી ઊઠ્યો. 
‘ન રડો એરન, હું છુંને તમારી સંભાળ રાખનારી!’
લાવણ્યાના સંકલ્પે સૌ આભા બન્યાં. 
lll
‘આજે સજોડે આપણી પહેલી નાતાલ!’
અઠવાડિયા અગાઉ એરનને ઘરે શિફ્ટ કરાયેલો. નળી વાટે તેને ખાવાનું આપવાનું લાવણ્યાએ શીખી લીધું. એરનના સ્પંજથી માંડી મળમૂત્ર સાફ કરવાનાં કામ તે જાતે કરતી. તેની સૂગ દાખવતી નહીં, અનુભવતી પણ નહીં. બીજા કામ માટે સ્ટાફ હતો ખરો. એરનના કઝિન્સની મદદથી તેણે બિઝનેસ સમેટવા માંડેલો.
એરનને જરાય ઓછું ન આવે એની કાળજી રાખતી લાવણ્યા આજે નાતાલના દિને બોલી ગઈ,
‘જાણો છો એરન, આજના મુબારક દિને એલ્વિસે તેનાં પત્ની-પુત્રીને 
ગુમાવ્યાં હતાં..’ 
‘એલ્વિસ...’ એરનની કીકી પહોળી થઈ. ‘લગ્નના ત્રણ દિવસ અગાઉ એલ્વિસનો ફોન આવેલો. તેને મારો છેડો ક્યાંથી પકડાયો એની નવાઈ લાગેલી, પણ પછી કબ્રસ્તાનમાં તેના આપઘાતના ખબર જાણીને રાહત થયેલી.. લાવણ્યાની કથા પરથી હવે બધું સ્પષ્ટ છે. મરતાં અગાઉ લાવણ્યાને મળી એલ્વિસ ભેદ ખોલી ચૂકેલો અને એ જાણી લાવણ્યા મને અને પોતાને સજા આપવા માગતી હતી એ સાંભળી કડાકો બોલ્યો. 
‘તમે સાચું સમજ્યા એરન’ લાવણ્યા કોર્ટમાં જુબાની આપવાની ઢબે કહી ગઈ, ‘તમારા માથે હાથ મૂકીને હું લાવણ્યા એરન ગોન્ઝાલ્વિસ એકરાર કરું છું કે સુહાગરાતે તમારા દૂધમાં તમને પૅરૅલાઇઝ કરતી દવા મેં ભેળવી હતી!’
‘હેં.’
‘તમને પરવશ કરનારી બીમારી એ તમારી સજા અને એને કારણે હું સંસારસુખથી, માતૃત્વથી વંચિત રહું એ મારી સજા.’
લાવણ્યાના રણકારમાં કરુણા હતી. જેકંઈ બન્યું એ પછી પિતાના વહાલ અને પ્રેમીના પ્યારનું પલડું કદાચ આ જ રીતે સમતોલ રહે એમ હતું. અલબત્ત, ત્રીજા કોઈને આની જાણ ક્યારેય થવાની નહીં. 
ધીરે-ધીરે એરનનો પ્રત્યાઘાત અશ્રુરૂપે વહ્યો. એમાં પોતાના ઉતાવળિયા પગલાનો પસ્તાવો હતો, પ્રિયતમાને દાદ હતી એમ પરિસ્થિતિનો સ્વીકાર પણ હતો.  
એનાં અશ્રુ લૂંછતી લાવણ્યાએ સાદ ખંખેર્યો, ‘કદાચ આ જ નિયતિ હતી, હશે. આપણા ઓરતા આવતા જન્મે પૂરા કરીશું. પપ્પાને મેં કહી દીધું છે ત્યારે તેઓ આપણા સંબંધ નકારશે નહીં અને તમે પણ તેમને હાનિ નહીં પહોંચાડો, ખરુંને?’
ધ્રૂસકું નાખતા એરને આંખોથી હકાર દર્શાવ્યો. તેના આ એકરારે સર્વ કંઈ સમથળ બન્યું હોય એવી પરિતૃપ્તિ અનુભવી લાવણ્યાએ. 
‘બસ તો, આપણા સહજીવનની ખરી શરૂઆત આજથી થાય છે.’ અને પથારીવશ પતિ સાથેનું એ દીર્ઘ સહજીવન દરેક દંપતી માટે ઉદાહરણરૂપ રહ્યું એટલું વિશેષ.
 
સંપૂર્ણ


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2021 02:57 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK