‘આપણે બે થિયરી પર કામ કરવાનું છે. પહેલી એ કે આરોપી મુંબઈનો છે અને મુંબઈમાંથી જ તેને શોધવાનો છે. થિયરી-નંબર બે, આરોપી મુંબઈનો છે જ નહીં, મુંબઈમાં તેણે આ કામ કર્યું અને પછી તે નીકળી ગયો છે.’
ઇલસ્ટ્રેશન
‘બધું જોઈ લીધું પણ ક્યાંય કોઈ એવાં પ્રૂફ નથી મળતાં જેના થકી આરોપી સુધી પહોંચી શકાય...’
ઇન્સ્પેક્ટર ખાંડેકરે દીપ્તિ જોષી મર્ડર કેસની ફાઇલ ટેબલ પર મૂકી. ઘટનાને બે દિવસ થઈ ગયા હતા અને એક પણ જાતની દિશા મળતી નહોતી.
ADVERTISEMENT
‘સોમચંદ, કેસની મોટામાં મોટી વિચિત્રતા એ છે કે એક પણ જગ્યાએ આરોપી દેખાયો નથી. કોઈએ તેને જોયો નથી, કોઈને તેના વિશે ખબર નથી. એવું કહી શકાય કે તે હવામાંથી આવ્યો ને હવામાં ગાયબ થઈ ગયો.’
‘ડૉગ સ્ક્વૉડ...’ ફાઇલમાં નજર કરતાં ડિટેક્ટિવ સોમચંદે પૂછ્યું, ‘એ પણ રિસ્પૉન્સ નથી કરતી?’
‘ના, બિલકુલ નહીં.’ ખાંડેકરે જવાબ આપ્યો, ‘મહત્ત્વની વાત એ છે કે એ માણસે પરફ્યુમનો પણ ઉપયોગ કર્યો નહોતો જેને લીધે ડૉગ સ્ક્વૉડ રસ્તો ભટકે.’
‘હંમ.’ ફાઇલમાં રહેલો ફોટો જોઈને સોમચંદે સવાલ કર્યો, ‘લાશ પાસેથી જે બૅગ મળી એ બૅગ...’
‘એમાં જે કપડાં હતાં એ પણ સુંઘાડ્યાં પણ ડૉગ સ્ક્વૉડ એમાં પણ ફેલ છે.’
‘હંમ... એ બૅગ અહીં છે?’
‘હા છેને...’ ખાંડેકરે ત્વરા સાથે કહ્યું, ‘મગાવું...’
ખાંડેકર રાડ પાડે એ પહેલાં ડિટેક્ટિવ સોમચંદે તેને અટકાવ્યા અને કહ્યુંઃ ‘આપણે એક કામ કરીએ. પહેલાં રેલવે-સ્ટેશન જઈએ. મારે ફરી એક વાર CCTV ફુટેજ જોવાં છે. બને કે કદાચ એમાંથી આપણને કોઈ ક્લુ મળી જાય.’
‘ચાલો... પણ મને લાગતું નથી કે ત્યાંથી કંઈ મળે.’
lll
‘આપણે બે થિયરી પર કામ કરવાનું છે. પહેલી એ કે આરોપી મુંબઈનો છે અને મુંબઈમાંથી જ તેને શોધવાનો છે. થિયરી-નંબર બે, આરોપી મુંબઈનો છે જ નહીં, મુંબઈમાં તેણે આ કામ કર્યું અને પછી તે નીકળી ગયો છે.’
CCTV ફુટેજ જોયા પછી સોમચંદે સામે બેઠેલા આઠ કૉન્સ્ટેબલને સૂચના આપવાનું શરૂ કર્યું.
‘ચાર-ચારની બે ટીમ બનશે. એક ટીમ પહેલી થિયરી પર કામ કરશે અને બીજી ટીમ સેકન્ડ થિયરી પર વર્ક કરશે.’ સોમચંદે પોતાનું અનુમાન બાંધ્યું, ‘મારું માનવું છે કે આરોપી મુંબઈનો નહીં હોય. બીજું કે આરોપી સાઇકોલૉજિકલી ડિસ્ટર્બ્ડ હોઈ શકે છે. એવું હોય તો જ એ લાશને નેકેડ મૂકીને ત્યાંથી નીકળે. ચાન્સ એવો પણ ખરો કે તેણે લાશ પર જ રેપ કર્યો છે. અફકોર્સ, આ અનુમાન માત્ર છે પણ એની શક્યતા વધારે છે. છોકરીએ પ્રતિકાર કર્યો હોય, વિરોધ કર્યો હોય એવું બને પણ એમાં એવી કોઈ ઝપાઝપી નથી થઈ. ’
‘સોમચંદ, આખી ઘટના કેવી રીતે બની હોઈ શકે એનું કોઈ અનુમાન...’
સોમચંદે આંખો બંધ કરી ઊંડો
શ્વાસ લીધો.
‘દીપ્તિને મોડું થઈ ગયું એટલે તે ઉતાવળમાં ઘર તરફ જવા માટે ટ્રૅકના રસ્તે આગળ વધી હશે. વેસ્ટમાંથી ઈસ્ટમાં જવા માટે કાં તો તેણે બ્રિજ લેવો પડે અને એ માટે તેણે ખાસ્સું ચાલવું પડે, પણ જો ટ્રૅક પરથી તે ઈસ્ટમાં આવી જાય તો તેનો સમય બચી જાય અને ચાલવાની કડાકૂટ પણ ઓછી થઈ જાય.’
સોમચંદની આંખો સામે આખી ઘટના રીટેલિકાસ્ટ થતી હતી.
‘એકલી છોકરી, પગમાં ખોડ એટલે ભાગવાની ક્ષમતા નહીં અને ટ્રૅક વચ્ચે લાઇટની વ્યવસ્થા નહીં હોવાને લીધે અંધારાનો ગેરફાયદો...’
lll
‘પ્રિયાંક આપણે પછી વાત કરીએ.’ ઉતાવળે ચાલતી દીપ્તિએ કહ્યું, ‘મને બહુ મોડું થઈ ગયું છે. જો પપ્પાનો ફરી ફોન આવશે તો તે ખિજાશે. પ્લીઝ...’
‘અરે એમાં પ્લીઝ શું? આપણે પછી વાત કરીએ. તું એક વાર ઘરે પહોંચી જા.’ સાથે જૉબ કરતા હોવાના કારણે ઇમોશનલ અટૅચમેન્ટ ધરાવતા પ્રિયાંકના શબ્દોમાં કૅર હતી, ‘તું અત્યારે ટ્રૅકવાળા રસ્તા પર નથીને...’
‘ત્યાં જ છું.’ પ્રિયાંકની ચિંતાએ દીપ્તિને મનોમન ખુશી આપી હતી, ‘પણ ચિંતા નહીં કર. બસ, હમણાં ઘર આવી જશે.’
‘એવું હોય તો થોડી વાર ફોન ચાલુ રાખું. આપણે વાત નહીં કરીએ...’ પ્રિયાંકે કહ્યું, ‘ઍક્ચ્યુઅલી એ જગ્યાએ થોડા દિવસ પહેલાં જ એક વડીલને લૂંટી લીધા હતા. થોડી અવાવરુ જગ્યા છે એટલે મને થાય છે...’
‘થૅન્ક્સ પ્રિયાંક... પણ ફોન ચાલુ હશે તો પપ્પાને બિઝી મળશે.’ દીપ્તિએ તરત જ કહ્યું, ‘ચિંતા નહીં કર, હું પહોંચીને તને મેસેજ કરી દઈશ.’
દીપ્તિએ ફોન કટ કર્યો કે બીજી જ સેકન્ડે સ્પૉટિફાઇ પર સૉન્ગ્સ ફરીથી શરૂ થઈ ગયાં. પહેલાં વાતમાં અને પછી મ્યુઝિક સાંભળવામાં બિઝી દીપ્તિએ જો જરાક ધ્યાન આપ્યું હોત તો તેને સમજાયું હોત કે એક માણસ સતત તેની પાછળ ચાલતો આવે છે. બિલકુલ દીપ્તિની જેમ જ તેનો પણ પગ ખોડંગાતો હતો.
દીપ્તિએ ફોન કટ કર્યો એટલે તેનો અવાજ સંભળાવાનો બંધ થયો. હવે પેલાએ પાછળ નજર કરી. બોરીવલી સ્ટેશન ખાસ્સું પાછળ રહી ગયું હતું. સ્ટેશનની લાઇટ્સનો પ્રકાશ પણ હવે તેમના સુધી પહોંચતો નહોતો.
પેલી વ્યક્તિએ પગમાં ઝડપ ઉમેરી અને આગળ જતી દીપ્તિની પીઠ પર લટકતી ફાસ્ટટ્રૅક કંપનીની બૅકપૅક પકડી દીપ્તિને ઝાટકાભેર પાછળ ખેંચી. અચાનક પાછળથી આવેલા ઝાટકાને કારણે દીપ્તિની આંખો પહોળી થઈ અને તેનું બૅલૅન્સ ગયું. દીપ્તિ એવી રીતે પાછળ પડી કે સીધી પેલી વ્યક્તિ પર ઝૂકી અને પેલી વ્યક્તિએ કંઈ વિચાર્યા વિના દીપ્તિના ગળા પર દાંત બેસાડી દીધા. દીપ્તિ રાડ પાડે એ પહેલાં તેના હાથ દીપ્તિના મોઢા પર મુકાઈ ગયા હતા.
lll
‘બૅગ...’ ઘટનાનું અનુમાન પૂરું કરી સોમચંદ ઝાટકા સાથે ઊભા થઈ ગયા, ‘ઘટનાસ્થળેથી જે બૅગ મળી એ ક્યાં?’
‘બૅગમાંથી જે સામાન મળ્યો એનું લિસ્ટ આ રહ્યું.’
‘બૅગ... મને બૅગ જોઈએ છે... ફાસ્ટ.’ લિસ્ટ હાથમાં લેતાં સોમચંદે કહ્યું, ‘બધેબધું તાત્કાલિક લઈ આવો.’
કૉન્સ્ટેબલ રવાના થયો કે તરત ડિટેક્ટિવ સોમચંદે બૅગમાંથી નીકળેલા સામાન પર નજર કરવાનું શરૂ કર્યું.
lll
બે શર્ટ, એક પૅન્ટ, પાણીની એક બૉટલ, એક ટુવાલ, એક અન્ડરગાર્મેન્ટ, એક ન્યુઝપેપર, કુરકુરેનું એક પૅકેટ, સેવમમરાનું એક પૅકેટ અને ખારી સીંગનું ખુલ્લું પૅકેટ.
‘આમાંથી કોઈ વસ્તુમાંથી આરોપીની ઓળખ મળી શકે એમ નથી.’
‘હંમ... એવું જ લાગે છે પણ લેટ્સ ટ્રાય. ચાન્સ લઈએ. કદાચ કંઈ મળી જાય.’
lll
બૅગ આવી અને બૅગની સાથે કૉન્સ્ટેબલે ટ્રેમાં રબરનાં ગ્લવ્ઝ પણ મૂક્યાં.
હૅન્ડ-ગ્લવ્ઝ પહેરી સોમચંદે બૅગનું
નિરીક્ષણ કર્યું.
બૅગની કન્ડિશન
જોતાં લાગતું હતું કે એ ચાર-પાંચ વર્ષ જૂની હશે. બૅગ પર કંપનીનું નામ નહોતું, જેના પરથી અનુમાન લગાવી શકાય કે આ કોઈ ચીલાચાલુ કંપનીની બૅગ હશે. સોમચંદે આખી બૅગ ૩૬૦ ડિગ્રીએ ફેરવી અને ઝીણવટ સાથે એના પર નજર ફેરવી. તેના મોઢામાંથી શબ્દો નીકળી રહ્યા હતા.
‘ઘણી કો-ઑપરેટિવ બૅન્ક પોતાની વાર્ષિક ગિફ્ટમાં આ પ્રકારની રોજબરોજના ઉપયોગમાં લઈ શકાય એવી ચીજવસ્તુ આપતી હોય છે.’ ખાંડેકર સામે જોઈ સોમચંદે સૂચના આપી, ‘આ બૅગને ફૉરેન્સિકમાં મોકલી દો. આપણે જાણવું છે કે આ બૅગ પર અગાઉ ક્યારેય કોઈ સ્ક્રીન પ્રિન્ટિંગ થયું હતું કે નહીં?’
‘સ્ક્રીન પ્રિન્ટિંગ?’
‘જો ગિફ્ટમાં બૅગ આવી હશે તો સંસ્થા, ટ્રસ્ટ, મંડળી કે કો-ઑપરેટિવ બૅન્કે એના પર સ્ક્રીન પ્રિન્ટિંગ કરાવ્યું હોય. મોટા ભાગના લોકોને હવે ખબર છે કે સ્ક્રીન પ્રિન્ટિંગની ઇન્ક નેઇલપૉલિશ રિમૂવરથી નીકળી જાય છે.’ સોમચંદે ખુલાસો કર્યો, ‘જો નામ હશે તો બૅગ આપનારી એ સંસ્થા અને સંસ્થા થ્રૂ આરોપી સુધી પહોંચવાનો રસ્તો મળશે.’
પોલીસ-સ્ટેશનના રાઇટરે સૂચના ટપકાવી લીધી એટલે ડિટેક્ટિવ સોમચંદે સાવચેતી સાથે બૅગની ઝિપ ખોલી.
‘અંદરનો સામાન હતો એ જ રીતે પાછો મૂકવામાં આવ્યો છે.’
ઇન્સ્પેક્ટર ખાંડેકરે કહ્યું પણ સોમચંદનું ધ્યાન હવે માત્ર સામાન
પર હતું.
સાવધાની સાથે એક પછી એક વસ્તુ સોમચંદે હારબંધ રીતે ટેબલ પર ગોઠવી અને પછી બે ડગલાં પાછળ જઈ તેણે તમામ વસ્તુ ધ્યાનથી જોઈ. થોડી વાર સુધી એને જોયા પછી સોમચંદે બૅગમાંથી નીકળેલી ખારી સીંગનું પૅકેટ હાથમાં લીધું. એ પૅકટ અડધું ખવાઈ ગયું હતું. ખુલ્લા પૅકેટને હવા ન લાગી જાય એટલે પૅકેટ પર રબર ચડાવ્યું હતું.
‘રબર જોયું ખાંડેકર?’ સોમચંદની આંખો હજી પણ એ રબર પર હતી, ‘છોકરીઓ વાળમાં નાખે એવું રબર છે. મતલબ કે આરોપી એક કે એકથી વધારે છોકરીઓના સંપર્કમાં હોઈ શકે છે. બાકી આવું રબર વાપરવાનું પુરુષ ટાળે.’
સોમચંદે સીંગના પૅકેટ પરથી રબર કાઢી આખું પૅકેટ સીધું કર્યું અને પછી નિસાસો નાખ્યો.
‘શું થયું સોમચંદ?’
‘સામાન્ય રીતે આ પ્રકારની પ્રોડક્ટની પ્લાસ્ટિકની બૅગ પર એ બનાવતી કંપની કે પેઢીએ પોતાનું નામ પ્રિન્ટ કરાવ્યું હોય અને જો એ ન કરાવ્યું હોય તો સીંગ-ચણા ભરતાં પહેલાં અંદર પોતાનું નાનું કાર્ડ કે પછી નાનકડું પતાકડું મૂકી દે જેમાં એ ગૃહઉદ્યોગનું નામ લખેલું હોય.’ સોમચંદે નિરાશા સાથે કહ્યું, ‘આ ખારી સીંગના પૅકેટમાં નામ તો હશે જ પણ આ હરામખોરે એ કાગળ ફેંકી દીધો છે.’
સોમચંદનું નિરીક્ષણ ચાલુ જ હતું.
હવે તેણે એ પૅકેટમાંથી ખારી સીંગના બેત્રણ દાણા હાથમાં લીધા અને પછી એ દાણા પર હાથ ફેરવીને એના પરના આછા બ્રાઉન કલરનાં ફોતરાં દૂર કર્યાં.
બધા સોમચંદને ધ્યાનથી જોતા રહ્યા.
સોમચંદનું ધ્યાન માત્ર સીંગના દાણા તરફ હતું. એક દાણો તેણે હાથમાં લઈને એવી રીતે ચેક કરવાનું શરૂ કર્યું જાણે કે હાથમાં ડાયમન્ડ હોય.
‘ખાંડેકર... આ સીંગ ગુજરાતમાંથી લેવામાં આવી છે. જુઓ...’ સીંગનો દાણો ખાંડેકરની આંખ સામે ધરતાં સોમચંદે કહ્યું, ‘સૌરાષ્ટ્રથી ભરૂચ સુધીના એરિયામાં આ સ્તરની મગફળી થાય છે. આપણે ત્યાં તો આટલા મોટા દાણાવાળી ખારી સીંગ જોવા સુધ્ધાં નથી મળતી.’
સીંગના દાણા ફરીથી પૅકેટમાં નાખી, પૅકેટને રબર ચડાવી સોમચંદે સેવ-મમરાનું પૅકેટ હાથમાં લઈ એના પર નજર કરી અને સોમચંદના ચહેરા પર અફસોસ પ્રસરી ગયો.
‘શું થયું સોમચંદ?’
‘બાલાજીના સેવ-મમરા.’ સોમચંદે અફસોસ વ્યક્ત કર્યો, ‘મોટા ભાગનાં ગામોમાં ત્યાંની લોકલ પ્રોડક્ટ વેચાતી હોય છે. આપણે ત્યાં આપણી આ પ્રકારની સ્નૅક્સ પ્રોડક્ટ મળે છે જેને જોઈને કહી શકાય કે અચ્છા, આ તો મુંબઈથી જ લેવાઈ હોય કે આ તો સુરતથી જ લીધી હોય. પણ આ બાલાજી, લેયઝ ને ગોપાલ હવે બધી જગ્યાએ પહોંચી ગયા છે એમાં ખબર નથી પડતી કે પૅકેટ ખરીદાયું ક્યાંથી છે?’
‘ના સોમચંદ, જોઈ શકાયને? કયા શહેરના પ્લાન્ટમાં એ પ્રોડક્ટ બની છે એ તો બૅક સાઇડમાં લખ્યું હોય.’
નકારમાં માથું ધુણાવતાં સોમચંદે સેવ-મમરાનું પૅકેટ હાથમાં લઈ ખાંડેકર સામે લંબાવ્યું.
‘હવે માત્ર પ્લાન્ટની વિગતો આપવાની હોય છે કે એ ક્યાં-ક્યાં છે. તમારી પાસે કયા પ્લાન્ટનો માલ આવ્યો એ લખવું હવે જરૂરી નથી. જુઓ, નહીં લખ્યું હોય.’
કહ્યાગરા વિદ્યાર્થીની જેમ ઇન્સ્પેક્ટર ખાંડેકરે પૅકેટની પાછળ જોયું અને સોમચંદની વાત સાચી હતી. પૅકેટની પાછળ ફૅક્ટરીઓના ઍડ્રેસ હતાં પણ પ્રોક્ડટ કયા શહેરની ફૅક્ટરીમાં બની એની સ્પષ્ટતા નહોતી.
‘હવે એક જ આશા છે.’ સોમચંદે શર્ટ હાથમાં લીધું, ‘કપડાં પરથી કંઈ ખબર પડે.’
(ક્રમશ:)


