Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હડતાળ (પ્રકરણ ૪)

હડતાળ (પ્રકરણ ૪)

23 June, 2022 08:32 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

મનસુખભાઈને થયું કે લાવ જરા ઉઠાડું તેને. ‘જરાક વાત થશે તો મન હળવું થશે. કાલે સવારે આંખ ન ખૂલે તો મંજુલાને અત્યારની આ વાતો છેલ્લી યાદ તરીકે કામ લાગશે.’

હડતાળ

વાર્તા-સપ્તાહ

હડતાળ


‘દુનિયા આપણા નિયમો પર ન ચાલે, આપણે દુનિયાની નીતિરીતિને ધ્યાનમાં રાખીને ચાલવું પડે.’
મંજુલાએ મનસુખભાઈને ઉપદેશાત્મક વાક્ય તો સંભળાવી દીધું, પણ આ ગોલ્ડન વર્ડ્સ કયા સંદર્ભમાં મનસુખભાઈને લાગુ પડતો હતો એ તો મંજુલાને પણ નહોતું સમજાયું. 
‘હું પણ એ જ કહેવા માગું છું...’ મનસુખભાઈએ મંજુલાના જ શબ્દો પકડીને સંભળાવ્યું, ‘દુનિયાને આપણા નિયમ સમજાવવા ન બેસવાનું હોય, પણ દુનિયાએ જે રીત-રિવાજ બનાવ્યા હોય એ આપણે અપનાવવાના હોય.’ 
મંજુલા ચૂપ રહી એટલે મનસુખભાઈને બે શબ્દો વધુ બોલવાનો મોકો મળ્યો,
‘બીજલ ને પ્રતીક ગયા જન્મનાં લૈલા-મજનુ હોયને તો પણ એ 
બન્નેએ ભૂલવાનું ન હોય કે આ ભવે તો ઠાકોરજીએ તેમને ભાઈ-બહેન બનાવ્યાં છે.’ 
‘એ બેયને શું સમજવાનું હોય ને કેટલું સમજવાનું હોય એ મારે જોવું છેને, તમે ચિંતા મૂકી દ્યો.’ 
મંજુલા ઊભી થઈ ગઈ. મનસુખભાઈને હજી સુધી સમજાયું નહોતું કે તેમણે કરેલી વાતની મંજુલા પર કેવી અસર થઈ છે. 
‘ભાઈ-બહેન, આમ, આ રીતે, શારીરિક...
‘પણ એ દિવસે વાત ઊડી ગઈ અને મંજુલાએ ક્યારેય વાત ફરી કાઢી પણ નહીં.
lll
‘મનસુખ, તેં પૂજા સાથે વાત કરી?’ 
ત્રણેક દિવસ તો રમણીકભાઈએ પૂજાની વાત ઉચ્ચારી નહીં, પણ પછી તેમનાથી રહેવાયું નહીં એટલે ચા પીવા બેઠા ત્યારે મનસુખભાઈને તેમનાથી પુછાઈ ગયું.
‘ના... પણ તેની મા સાથે વાત કરી, એ હા પાડે છે, કહે છે એવું 
કાંઈ નથી.’
રમણીકભાઈએ જોયું કે મનસુખભાઈની નજર નીચી હતી. 
‘બને હોં... છોકરીની વાત માને સૌથી વધારે ખબર હોય.’ 
રમણીકભાઈ સમજી ગયા કે ઘરમાં વાત કર્યા પછી ચર્ચા વણસી ગઈ હશે. તેમને એ પણ ખબર હતી કે દોસ્ત મનસુખનું ઘરમાં ઊપજે છે પણ કેટલું. મનસુખભાઈએ જ એક વાર હસતાં-હસતાં કહ્યું હતું કે ૫૫-૬૦ વર્ષ પછી છોકરાં આપણને ઘરમાં રાખે એ તેમનો ઉપકાર જ કહેવાય. 
મનસુખભાઈની આંખના ખૂણે પાણીનું એક ટીપું ઊભરાઈ આવ્યું હતું. 
૩૬ કલાક સુધી તો તેઓ ગડમથલમાં રહ્યા કે બાપ થઈને દીકરી સાથે આવી વાત કરવી કેમ અને પછી હિંમત કરીને તેમણે પૂજા પાસે ઑફિસનું ઍડ્રેસ માગ્યું હતું. પૂજાએ તરત જ ઑફિસનું ઍડ્રેસ આપી દીધું એટલે મનસુખભાઈને રમણીકભાઈની આંખ પર શંકા જાગી, પણ પછી તરત વિચાર પણ આવ્યો કે ડાન્સબાર બંધ છે અને પાર્ટી મળે તો જ જવાનું હોય એવા સમયે બને પણ ખરરું કે પૂજા પાર્ટટાઇમ આ કામ કરતી હોય.
બહુ વિચારવિમર્શ કર્યા પછી મનસુખભાઈએ મન મનાવીને નક્કી કર્યું કે એક બાપ તરીકે તેમણે દીકરીનું ધ્યાન રાખવું જોઈએ અને મનસુખભાઈ પૂજાની ઑફિસે સરપ્રાઇઝ ચેકિંગ કરતા હોય એમ પહોંચી ગયા.
પપ્પાને ઑફિસમાં જોઈને પૂજાએ આગતા-સ્વાગતા તો બહુ કરી, પણ રાતે ઘરમાં ધમાલ મચાવી દીધી,
‘મમ્મી, તું પપ્પાને કહી દે કે મારી જાસૂસી કરવાનું છોડી દે.’ 
‘તારા બાપની બુદ્ધિ હવે ગઈ 
છે, બેટા.’ 
‘પહેલાં હતી?!’
મોકો જોઈને પ્રતીકે બૅટ ફેરવી લીધું. મનસુખભાઈ સમજી ગયા હતા કે હવે મંજુલા બધેબધું બોલશે અને બન્યું પણ એવું જ. 
‘બેટા, આ તારો બાપ એવું માને છે કે તું ધંધો કરવા જાય છે.’ 
‘હેં?!’ 
પૂજાનું મોઢું ખુલ્લું રહી ગયું. મંજુલાના શબ્દો સાંભળીને તો મનસુખભાઈ પણ હેબતાઈ ગયા હતા. એ દિવસથી ઘરમાં મનસુખભાઈનો બહિષ્કાર શરૂ થઈ ગયો. પૂજા અને પ્રતીક તો એવું બોલતાં પણ ખચકાતાં નહોતાં કે પપ્પા ગાંડા થઈ ગયા છે. કોઈ સાઇકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે. 
મનસુખભાઈને કહેવાનું મન થતું કે તમે લોકો ગમે તે કહો, પણ હવે હું દૃઢતાપૂર્વક માનવા માંડ્યો છું કે મંજુલાને પૈસા સિવાય કોઈ વાત સાથે નિસબત નથી. આજે સવારે ઘરેથી નીકળતી વખતે જ તેમણે મંજુલાને કહ્યું હતું, 
‘હું હવે ગુજરાતમાં સ્થાયી થવાનું વિચારું છું...’
‘તો?’ 
પુછાયેલા સવાલમાં મંજુલાનો સૂર તેની ઇચ્છા પણ દર્શાવતો હતો. 
‘સુરત કે અમદાવાદમાં વાંધો 
નહીં આવે.’ 
‘કોને?’ 
‘કામધંધાને...’ મનસુખભાઈએ હજીય મુઠ્ઠી બાંધેલી રાખી હતી, ‘સુરત તો આપણા એક ઓળખીતાની ડાયમન્ડની ફૅક્ટરી પણ છે. મારે વાત થઈ તેમની સાથે, તેમને તો ઘરના માણસમાં બહુ રસ છે.’
‘એટલે તમે બધું નક્કી કરી લીધું એમ જને?’ 
‘ના, બધું વિચારી લીધું એમ...’ 
‘અમે ના પાડીએ તો...’ 
‘જેવી તમારી મરજી ને 
ઠાકોરજીની ઇચ્છા.’ 
‘અમારી મરજી મુજબ બધું થવાનું હોય તો વહેલી તકે બધું ફાઇનલ કરી નાખો.’ મંજુલાના પાછળના શબ્દો મનસુખભાઈએ સાંભળ્યા નહોતા, ‘એટલે અમને અહીં કાયમી નિરાંત...’
જો પત્નીના આ છેલ્લા શબ્દો મનસુખભાઈએ સાંભળી લીધા હોત તો તેઓ અત્યારે જ પોતાનો સામાન બાંધવા બેસી ગયા હોત. 
કાલે રાતે જ્યારે તેમણે પૂજાનું પર્સ ચેક કર્યું ત્યારે જ મનસુખભાઈએ ઘર છોડીને નીકળી જવાનું વિચાર્યું હતું. કુંવારી દીકરીના પર્સમાંથી કૉન્ડોમનું પૅકેટ નીકળે ને એ પછી પણ બાપ કશું બોલી ન શકે એનાથી મોટી લાચાર બીજી કઈ હોય.
lll
ગરોળી પાછી ક્યાં ખોવાઈ? 
મનસુખભાઈની આંખો ફરી ગરોળીને શોધવામાં લાગી. 
થોડી વાર પહેલાં તો છત પર હતી. એક્ઝૅકટ માથા પર અને હવે એકાએક ફરી ગુમ...
મનસુખભાઈ ચત્તાપાટ સૂતા હતા. હવે તેમનો જમણો હાથ ભારે થઈ ગયો હતો. હાથમાં ખાલી ચડે અને પછી બોલે એવાં તમરાં પણ બોલતાં હતાં. તીણા અવાજમાં અને કાન ફાડી નાખે એવી ચચરાટી સાથે. 
‘આ એકાએક ઠંડી કેમ લાગવા માંડી?’ 
મનસુખભાઈએ ડાબા હાથની હથેળી કપાળ પર મૂકી. 
‘ના, તાવ તો નથી, આખું શરીર ઠંડુંગાર છે.’
મનસુખભાઈએ પગ પર ઓઢેલી ચાદર જરાઅમસ્તી તાણીને ગળા સુધી લીધી. ચાદર જમણા પગના અંગૂઠામાં ફસાઈ એટલે મનસુખભાઈએ ડાબા હાથનું બધું જોર વાપરીને ચાદર ખેંચી, ચાદરની સાથે પગ પણ ખેંચાયો. જમણા હાથની જેમ જમણા પગમાં પણ છેક સાથળ સુધી તમરાં બોલતાં હતાં. 
‘આવું અગાઉ તો ક્યારેય 
નથી બન્યું. હાથમાં ખાલી ચડે 
ત્યારે જ પગમાં ખાલી ચડે એવું તો બીજા પાસે પણ નથી સાંભળ્યું અને અત્યારે આમ...’ 
ગળું સુકાતું હતું, જીભ સૂજી ગઈ હોય એવું લાગતું હતું.
- ‘પાણી પીવું છે...’ 
મનસુખભાઈએ મંજુલા સામે જોયું. મંજુલા ઘસઘસાટ ઊંઘતી હતી. 
જે મનસુખભાઈની ઊંઘનાં ઉદાહરણ અપાતાં એ મનસુખભાઈને આજે પહેલી વાર કોઈની નિંદરની ઈર્ષ્યા આવતી હતી. 
‘પાણી, પાણીનું શું કરવું?’ 
મનસુખભાઈએ ધ્યાન બીજી દિશામાં ખેંચ્યું.
‘બે-ચાર મિનિટ ખેંચાઈ જશે...’
મનસુખભાઈની આંખ ફરીથી ગરોળીને શોધવામાં લાગી ગઈ. 
‘હાથ-પગમાં સહેજ સારું લાગે પછી પાણી પીવા ઊભો થઈશ...’
‘કેટલા વાગ્યા હશે? 
મનસુખભાઈએ ઘડિયાળ સામે જોયું. ઘડિયાળનો નાનો કાંટો ચારને વટાવીને પાંચને સ્પર્શ કરવાની તૈયારીમાં હતો અને મોટો કાંટો ૯ અને ૧૦ની વચ્ચે હતો. આટલાં વર્ષોમાં પહેલી વાર મનસુખભાઈનું ધ્યાન ઘડિયાળના કાંટાના રેડિયમ પર ગયું. રેડિયમ ખરી ગયું હતું. હવે તો ઘડિયાળની પણ ઉંમર થઈ. કોણ જાણે બાપુજીએ કેટલાં વર્ષો પહેલાં ઘડિયાળ લીધી હશે?
મનસુખભાઈએ યાદ કરવાની કોશિશ કરી, પણ તેમને યાદ નહોતું આવતું. જોકે યાદ આવી ગયો નાનપણનો એ રૂટીનનો પ્રસંગ, જે તેમની લાઇફમાં વારંવાર બનતો.
બા ફળિયામાં છે અને જોરથી રાડ પાડે છે.
‘મનુ, આવ... ડંકા વાગશે.’
મનસુખભાઈની આંખ સામે બાનો ચહેરો આવી ગયો. કાન લચી પડે એવડી મોટી બુટ્ટી અને બે નેણ વચ્ચે મોટો એક ઇંચનો ચાંદલો. 
મનસુખભાઈથી અનાયસપણે મંજુલાના કપાળ તરફ જોવાઈ ગયું. 
ના, આજે તો તેના કપાળે ચાંદલો જ નથી. 
‘મંજુલા ચાંદલો કરે નહીં એવું 
બને નહીં.’
મનસુખભાઈએ પથારી તરફ 
નજર કરી. 
‘પથારીમાં જ ક્યાંક ચાંદલો ખરી ગયો હશે.’ 
મનસુખભાઈએ ફરી ડોક ફેરવી. 
ડોક ફેરવતી વખતે તેમને લાગ્યું કે ગરદન ફેરવવામાં તકલીફ પડે છે. સ્કૂટરના હૅન્ડલનું બેરિંગ તૂટી જાય અને હૅન્ડલ ભારે થઈ જાય એવો ભાર ગરદન પર વર્તાતો હતો.
‘કેમ, આજે બા યાદ આવી ગઈ ને એય અચાનક?’
- ‘મુંબઈ સાથે અન્નજળ ખૂટી ગયાં હશે એટલે?’
મનસુખભાઈએ આંખો બંધ 
કરી દીધી. 
- ‘મંજુલા અને છોકરાંઓ પણ માની જાય, ગુજરાત આવવા રાજી થઈ જાય તો ખરેખર શાંતિ થઈ જાય. ગુજરાત જઈને સૌથી પહેલું કામ પૂજાનાં મૅરેજનું કરવું. દીકરી પારકી અમાનત છે, થાપણ તેના માલિકને સોંપી દઈએ એટલે બસ. દીકરીની જવાબદારીમાંથી પરવારું એટલે 
તરત પ્રતીકને...’
મનસુખભાઈને પ્રતીક યાદ 
આવી ગયો. 
‘હરામી... હજી સુધી ઘરમાં 
નથી આવ્યો.’ 
- ‘દરરોજ તો તેની મા નીચે મીટરના ખૂણામાં ચાવી મૂકી આવે છે એટલે ભાઈને ઘરમાં આવવામાં તકલીફ નથી પડતી, પણ આજે, આજે તો તેણે આવીને ડોરબેલ વગાડવી જ પડશે, ચાવી હું નીચેથી લેતો આવ્યો છું એટલે જખ મારીને પણ તેણે...’
‘ટનનન...’
ઘડિયાળમાં પાંચ ડંકા પડ્યા. 
- ‘ડંકા કેમ ધીમા વાગ્યા?’ 
‘થોડી વાર પહેલાં બધા ડંકા સરખી રીતે સંભળાતા હતા, પણ હવે એકાએક એ ધીમા કેમ થઈ ગયા?’ 
અચાનક જ મનસુખભાઈનનો જમણો કાન ગરમ થવા માંડ્યો. 
‘ના, આ ગરમાટો નથી, 
દુખાવો છે.’ 
મનસુખભાઈ શરીરમાં ચાલી રહેલી ઊથલપાથલને અનુભવી શકતા હતા. કાનનો દુખાવો ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતો હતો. હવે એ દુખાવો માથાની બરાબર પાછળના ભાગમાં આવી ગયો છે, ગરદન અને મસ્તકની બરાબર વચ્ચે. છાતીમાં ભરાયેલાં વાદળો ઓગળી રહ્યાં હોય એમ મનસુખભાઈના આખા શરીરે પરસેવો વળી રહ્યો છે. 
‘આ શિયાળો છે કે ઉનાળો? થોડી વાર પહેલાં ચાદર ઓઢવી પડી ને હવે? હવે થાય છે કે પૂજાની આવકમાંથી એસી આવી જાય તો ખરેખર રાહત થઈ જાય.’ 
‘પૂજા, પ્રતીક, મંજુલા...’
મનસુખભાઈને થયું કે લાવ જરા ઉઠાડું તેને. ‘જરાક વાત થશે તો મન હળવું થશે. કાલે સવારે આંખ ન ખૂલે તો મંજુલાને અત્યારની આ વાતો છેલ્લી યાદ તરીકે કામ લાગશે.’ 
મનસુખભાઈની ડોક જમણી બાજુએ હતી. તેમણે ગરદન ડાબી બાજુએ વાળવાની કોશિશ કરી, પણ ડોકે દિશા બદલવામાં સાથ ન આપ્યો. હાથ પણ સાથ નથી આપતા અને પગ પણ કહ્યામાં નથી. 
- ‘અરે ભાઈ, મને આ શું 
થાય છે?’ 
મનસુખભાઈને બેઠા થવું છે, પણ હવે તેમના શરીરનો જમણો ભાગ હડતાળ પર ચાલ્યો ગયું હોય એવું લાગે છે.
મનસુખભાઈને ચીસ પાડવી છે. તેઓ મોઢું ખોલે છે, પણ મોઢામાંથી અવાજને બદલે થૂંક બહાર સરી 
આવે છે, 
હોઠના જમણા ખૂણેથી. 
મનસુખભાઈના અડધા શરીરે હડતાળ આરંભી દીધી છે. 
 
સંપૂર્ણ


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2022 08:32 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK