Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હૈયાનો હાર

હૈયાનો હાર

27 June, 2022 10:51 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘ફૅમિલીમાં તેમના એકના એક દીકરા અજિંક્યભાઈ પરિણીત છે. સાધનાભાભી બહુ સાલસ સ્વભાવનાં છે. અરે, શેઠજીને સિનિયર કેજીમાં ભણતો પૌત્ર પણ છે’

 હૈયાનો હાર

વાર્તા-સપ્તાહ

હૈયાનો હાર


‘ઝિંદગી કી ન તૂટે લડી...’
દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે તેના હોઠ મલકી પડ્યા, ‘આ તો આકાર સરનું પ્રિય ગીત!’
પ્રિય પુરુષના સ્મરણે તાનિયા મહોરી ઊઠી. આજે રવિની રજાની ફુરસદમાં વરસેક અગાઉ પોતે ‘ચંદનહાર’ જ્વેલર્સમાં ઇન્ટરવ્યુ આપવા ગઈ ત્યારે પહેલી વાર આકારને મળવાનું થયેલું એ સાંભરી આવ્યું તાનિયાને.
તાનિયા ભણવામાં હોશિયાર ખરી, પણ મા-બાપની એવી સ્થિતિ ન મળે કે દીકરીને વધુ ભણાવી શકે અને સાચું પૂછો તો તાનિયાને એનો ખાસ વસવસો પણ નહોતો.
તે ખુશ હતી પોતાની નાનકડી દુનિયામાં. બોરીવલીની ચાલની રૂમ ભલે નાની, પણ માલિકીની હતી. એકની એક દીકરી પ્રત્યે પપ્પા-મમ્મીનું બિનશરતી વહાલ અગાધ હતું. સ્વમાન, સંતોષના ગુણે તેના રૂપને નિખાર્યું, આત્મવિશ્વાસ પ્રબળ બન્યો. ઘરકામમાં કેળવાયેલી તાનિયાએ બીકૉમ થતાં નોકરી ખોળવા માંડી અને પહેલો જ ઇન્ટરવ્યુ ‘ચંદનહાર’માં નીકળ્યો. ત્યાંના અકાઉન્ટ સેક્શનમાં ફ્રેશરની જરૂર હતી.
ઘરથી દસેક મિનિટના અંતરે આવેલો શોરૂમ ઠીક-ઠીક જાણીતો હતો. સોના-ચાંદી ઉપરાંત હીરાનો કારોબાર પણ ખરો. ઇન્ટરવ્યુ માટે બીજા માળે મૅનેજરની કાચની કૅબિનમાં પ્રવેશતી તાનિયા પળવાર તો આકારને નિહાળી રહી.
‘કોઈ જુવાન આટલો સોહામણો હોઈ શકે! ૨૮-૩૦ની વય, મોહક મુખડું, ઘૂંટાયેલો સ્વર. શોરૂમના બ્લુ યુનિફૉર્મના પરિધાનમાં આકારનો કસાયેલો દેહ વધુ કામણગારો છે.’ તાનિયા પોતે કમ ખૂબસૂરત નહોતી, પણ પુરુષમાં પણ આકર્ષણનો તણખો હોય એનો સાક્ષાત્કાર તેને તો એ પળે જ થયો.
‘તમે જ તાનિયા શાહને?’
આકારના પ્રશ્ને તાનિયા સચેત થઈ. પછી તો ઇન્ટરવ્યુ સડસડાટ ચાલ્યો. તાનિયા આકારની એક્સપર્ટાઇઝ અનુભવી શકી. આકારે તાનિયાનું હીર પારખ્યું. તેણે ત્યાં જ જૉબ કન્ફર્મ કરતાં તાનિયા ખુશીથી ઊછળેલી. આકારથી બોલી જવાયું, ‘તમારી ખુશીમાં દંભ નથી, તાનિયા, ગમ્યું.’
આકારને પોતાનું કંઈક ગમ્યું એ મીઠી ગલીપચી જેવું લાગ્યું હતું તાનિયાને.
‘સ્ટાફ માટે શોરૂમનો સમય સવારે ૧૦થી રાતે સાડાઆઠનો છે. અમુકતમુક ચોઘડિયાં સિવાય રવિવારે શોરૂમ બંધ રહેશે...’ કહીને આકાર તેને પહેલા માળે શેઠિયાઓની કૅબિન તરફ દોરી ગયો,
‘આપણા આ શોરૂમના ઓનર છે, સિદ્ધાર્થભાઈ ઝવેરી. પાંસઠેક વર્ષના શેઠજીનું વ્યક્તિત્વ ગરવાઈભર્યું છે. સ્ટાફને સાચવવામાં તેમનો જોટો નથી. ગયા વર્ષે સુભદ્રા શેઠાણીજીના દેહાંત બાદ ધાર્મિક વૃત્તિ તરફ વળતા જાય છે.’
આકારના શબ્દોમાં શેઠજી પ્રત્યેની મમતા છૂપી નથી રહેતી. 
‘ફૅમિલીમાં તેમના એકના એક દીકરા અજિંક્યભાઈ પરિણીત છે. સાધનાભાભી બહુ સાલસ સ્વભાવનાં છે. અરે, શેઠજીને સિનિયર કેજીમાં ભણતો પૌત્ર પણ છે.’
આકાર શેઠજીના પરિવાર સાથે ક્લોઝ હોવાનું તાનિયાને પરખાયું.
જોકે આકારને અનુસરી શેઠજીની કૅબિનમાં દાખલ થતી તાનિયા કૅબિનમાં ત્રણ બેઠક જોઈને જરાતરા નવાઈ પામી. વિશાળ અદ્યતન કૅબિનમાં પાંત્રીસેક વર્ષનો જુવાન અજિંક્ય જ હોય. વચ્ચેનું મોટું ટેબલ શોભાવતા શેઠશ્રી સિદ્ધાર્થભાઈ જ હોય, તો પછી તેમની ડાબી બાજુની બેઠકની પ્રૌઢ વ્યક્તિ કોણ છે? 
‘શેઠજી, આ તાનિયા છે. અકાઉન્ટમાં ન્યુ જૉઇનિંગ, અને તાનિયા, આ આપણા શેઠશ્રી, આ અજિંક્ય સર અને આ છે મામાસાહેબ.’ આકાર મલક્યો, ‘અજિંક્યભાઈના નવરંગમામાને અમે સૌ મામાસાહેબનું માન આપીએ છીએ.’
‘ઓહ!’ તાનિયાએ ત્રણે સમક્ષ હાથ જોડ્યા, ‘નમસ્તે, સર.’
‘વેલકમ ટુ ચંદનહાર, તાનિયા...’ શેઠજીએ ખુરસી ચીંધતાં તાનિયા-આકાર તેમની સામે ગોઠવાયાં, ‘તાનિયા, અમને ત્રણને તું મળી, પણ અમારા આ શોરૂમનો જે મુખ્ય પાયો છે તેની ઓળખ હું આપીશ અને એ અમારા મૅનેજર આકાર સોની.’
શેઠે મૅનેજરને મેઇન પિલર કહ્યો એ તેમની ઉદારતા કહેવાય અને મૅનેજરની કાબેલિયત પણ.
‘હું તો અજિંક્યને પણ કહું છું કે આકાર પાસે મલ્ટિટાસ્કિંગ શીખવા જેવું છે... ઝવેરાત પારખવામાં હી ઇઝ ધ અલ્ટિમેટ.’
‘સર્વગુણસંપન્ન.’ મામાસાહેબ મર્માળુ મલક્યા, ‘અને મૅનેજર તો કહેવાનો, બનેવીલાલને તો આકાર દીકરા જેવો વહાલો છે.’
‘એ ખરું.’ છેવટે આકાર ઊભો થયો. શેઠિયાઓનો આભાર માનીને તાનિયા આકાર સાથે નીકળી. પૂછી લીધુ, ‘મામાસાહેબ શેઠજીના પાર્ટનર છે?’
‘ના...’ આકારે વિસ્તારથી સમજાવેલું, ‘આપણાં શેઠાણીનું પિયર જામનગર. ત્યાં જોકે કેરીની વાડીઓ. મામાસાહેબ નિ:સંતાન છે, પણ અજિંક્યભાઈને દીકરા જેવું વહાલ કરે છે. થોડાં વર્ષો અગાઉ શેઠાણીનાં ભાભીનો દેહાંત થતાં તેમણે ભાઈને અહીં તેડાવી લીધો, બસ, ત્યારથી, સમજને, ચારેક વર્ષથી મામાસાહેબ ઑફિસમાં બેસે છે એટલું જ...’ કહેતાં આકારે રિસ્ટવૉચ જોઈ, ‘તાનિયા, આ સમયે મારે શોરૂમનો રાઉન્ડ લેવાનો હોય છે, ચલ, તને પણ ફેરવી લાવું.’
ત્રણ માળની વિઝિટ દરમ્યાન આકાર કહેતો રહ્યો, ‘પાર્કિંગ બેઝમેન્ટમાં છે એ તેં જોયું હશે... ભોંયતળિયે આપણા સ્ટાફ માટેનો ચેન્જરૂમ છે. પહેલા માળે ચાંદી, બીજા ફ્લોર પર ગોલ્ડ અને ત્રીજા માળે ડાયમન્ડ્સ એ રીતે વહેંચણી છે. આવતી-જતી વેળા સ્ટાફનું ચેકિંગ થાય છે એનું ખોટું ન લગાડીશ. મુખ્ય એન્ટ્રન્સ પર બે સશસ્ત્ર ચોકીદારની સિક્યૉરિટી છે, સીસીટીવી છે... ટેરેસ પર સ્ટાફ કૅન્ટીન છે, જ્યારે શેઠજી વગેરે માટે તેમની કૅબિનને અડીને રિફ્રેશમેન્ટ-રૂમ છે.’
તાનિયાએ પૂછી લીધું, ‘તમે અહીં કેટલા વખતથી છો, સર?’ 
‘સાત વર્ષ થયાં. મૂળ હું નવસારીનો. પપ્પાનું સોના-ચાંદીનું કામકાજ. ઘરના આગલા હિસ્સામાં જ દુકાન એટલે નાનપણથી મને આમાં રસ પણ ખરો ને હું ઘડાતો ગયેલો. જ્વેલરી ડિઝાઇનિંગનું ભણ્યો એમાં આ ક્ષેત્રનાં ટેક્નિકલ પાસાં ઊંડાણથી જાણ્યાં... અહી ગોઠી ગયું છે. શેઠજીની નિશ્રામાં ઘર જેવું જ લાગે છે. અજિંક્યભાઈ-સાધનાભાભીનો પણ એટલો જ સ્નેહ અને વિશ્વાસ.’ 
‘હું એટલું કહીશ આકાર... સર કે તમારા ચારિત્ર્યમાં તેજ હોય તો જ સામાને વિશ્વાસ બેસે.’
પળ પૂરતો આકાર તાનિયાને નિહાળી રહ્યો, પછી મલક્યો,
‘તારી વાણીમાં પણ પારદર્શિતા છે તાનિયા, એટલે જ તારાં વખાણ સ્વીકારવાનું મન થાય છે.’
એ જ ઘડીએ આકારનો મોબાઇલ રણક્યો.
સ્ક્રીન પર ‘માય હાર્ટ’ ઝબૂકતું જોઈને તાનિયાએ હોઠ કરડ્યો : ‘આકાર કોઈના પ્રેમમાં છે! તો જ તેનો નંબર હાર્ટના નામે સેવ કર્યો હોયને!’
‘એક્સક્યુઝ મી, મારી વાઇફનો ફોન છે.’
વા...ઇ...ફ.
- અત્યારે પણ તાનિયાથી નિ:સાસો નંખાઈ ગયો, ‘જીવનમાં પહેલી વાર એક જ નજરમાં ગમી ગયેલો જુવાન પરણેલો નીકળ્યો!’
‘ના, કેવળ આકારના દેખાવનું વયસહજ આકર્ષણ હોત તો તો આ ખબરે જ છૂટી ગયું હોત, પણ મારા મનને તેના ગુણોનો મોહ લાગ્યો હતો એ કેમ છૂટે?’
‘વીત્યા આ વર્ષમાં આકારની અસર ગાઢી થતી ગઈ છે.’
‘નવી નોકરીમાં સેટ થતાં વાર નહોતી લાગી. કલીગ મિતાલી-વીરેન હેલ્પફુલ હતાં, છતાં નવરી પડું કે પહેલા માળના મારા ડેસ્ક પરથી નજર સીધી બીજા માળની આકારની કૅબિન પર અટકે. તેમના રાઉન્ડ પર નીકળવાના સમયે સ્મિત સાથે તૈયાર રહું. ‘હાય, તાનિયા!’ કરતાં તે બે-પાંચ મિનિટ રોકાય એ ક્ષણ શાશ્વત બની રહે અને કદી જોયા વિના પસાર થઈ જાય તો હૈયે ઉદાસી છવાઈ જાય. તેમના વિના તો રવિની રજા પણ ખટકે અને બિઝનેસ માટે તેઓ બહારગામ ગયા હોય ત્યારે કામમાંય ચિત્ત ન ચોંટે. જેવા તેઓ પાછા ફરે કે હું ખીલી ઊઠું! આ અંગત કોઈને પરખાય નહીં, માબાપને પણ આનો અણસાર ન આવે એ માટે સાવધ રહી છું હું.’ 
‘તાનિયા, મીટ માય વાઇફ રિયા.’
દર દિવાળીએ મુરતે શોરૂમમાં પૂજા થતી, બોનસ-મીઠાઈ વહેંચાતાં એ ટાણે શેઠજીનો પરિવાર હાજર રહેતો. 
દરેક નજરમાં શેઠજી માટે આદર ટપકતો. અજિંક્યભાઈ-મામાસાહેબ માટે પણ સૌને માન. સાધનાભાભી પણ કેવાં મળતાવડાં! આ પ્રસંગે આકાર પણ સજોડે હાજરી પુરાવતો. તેમની સાથે શેઠજીના પરિવારની આત્મીયતા દેખીતી હતી. તેની પત્નીને ત્યારે પહેલી વાર રૂબરૂ મળવાનું બનેલું. દેખાવમાં અત્યંત રૂપાળી રિયા શેઠજીના કુટુંબમાં મીઠાશથી ભળતી, એટલી સહજતાથી જોકે સ્ટાફને મળતી નહીં. આકારે ઇન્ટ્રો કરાવ્યો ત્યારે પણ ઉપરછલ્લું ‘હાય’ કહીને તે સાધનાભાભી તરફ આગળ વધી ગયેલી..
‘મૅડમ થોડાં ઍટિટ્યુડવાળાં છે.’ મિતાલી કાનમાં બબડેલી, ‘સુરતની છે. ત્રણેક વરસ અગાઉ તેમનાં લગ્ન થયાં પણ આકાર સર જેવા મિલનસાર છે, રિયા એટલી જ અતડી. મે બી, સ્ટાફ સાથે હસવા-બોલવામાં તેને નાનમ લાગતી હોય!’
‘એ કેવું! હું આકારને ચાહતી હોઉં તો તેમને ગમતો પથ્થર પણ મારા માટે તો દેવ બની જાય, રિયાને એવું નહીં થતું હોય?’
‘રિયા, યુ લુક પ્રેટી.’ સાધનાભાભીએ વખાણ કરતાં રિયાનો પ્રત્યુત્તર તાનિયાએ કાનોકાન સાંભળેલો, ‘થૅન્ક્સ ભાભી. આકારની તો ઇચ્છા હતી હું બાંધણીને એવું કંઈક પહેરું - યુ નો હાઉ ઓલ્ડ ફૅશન્ડ હી ઇઝ! બટ આઇ ઑપ્ટેડ ફૉર ધિસ ચોલી સૂટ. ટ્રેડિશનલ યેટ મૉડર્ન.’
‘આકારે મને બાંધણી પહેરવાનું કહ્યું હોય તો તો હું બીજું કંઈ સૂંઘુંય નહીં! રિયાને એવું નહીં થતું હોય?’
ના, ના, કાને પડેલાં બે-ચાર વાક્યો પરથી મારે કશું પણ તારવવાનું ન હોય. પતિ-પત્ની વચ્ચે ઘણું બધું સાવ અંગત રહેતું હોય છે, એમાં ત્રીજાનો પ્રવેશ ધૃષ્ટતા જ ગણાય. આકાર રિયા સાથે સુખી છે, ને મને એ સુખ સાથે જ નિસ્બત હોવી જોઈએ! પરણેલા પુરુષને હું હૈયાનો હાર બનાવી ચૂકી છું એની જાણ તો એ પુરુષને પણ ન થવી જોઈએ!’
- ‘હું તો કોઈને જાણ નહીં થવા દઉં, પણ છ-આઠ મહિને, વરસે મમ્મી મારાં લગ્નની વાત ઉખેળવાની... ત્યારે હું આકારને મારા હૈયેથી ઉતારી શકીશ ખરી?’
તાનિયા પાસે અત્યારે પણ આનો જવાબ નહોતો!
lll
‘શાબાશ આકાર.’
સોમની સવારે સિદ્ધાર્થભાઈએ આકારને કૅબિનમાં તેડાવી વારાણસીની ડીલ બાબતે શાબાશી આપતાં મામાસાહેબ-અજિંક્યની નજર મળી - છૂટી પડી.
મામાસાહેબ સંતાનવિહોણા હતા એટલે પણ અજિંક્ય તેમનો ખૂબ વહાલો હતો. પત્નીની વિદાય બાદ બેન-બનેવીના આગ્રહથી મામાસાહેબ મુંબઈ શિફ્ટ થયા, બોરીવલીના શેઠજીના બંગલાના પરિસરમાં જ તેમને માટે આલીશાન કૉટેજ બનાવાયું. તેમની ઝવેરાતના વેપારમાં ઝાઝી ગતાગમ નહીં, પણ પુરુષ માણસ ઘરબેઠો કંટાળી જાય એટલે સિદ્ધાર્થ શેઠે શોરૂમની કૅબિનમાં તેમનું ટેબલ પણ મુકાવી દીધું. તેમના સંબંધમાં પૈસો ગૌણ હતો. મામાસાહેબનો જ આગ્રહ કે ધંધામાં મારો ભાગ કે નામ ગણતા જ નહીં. મારુંય જે છે એ અજિંક્યનું જને! એકંદરે મામાસાહેબ અહીં ખુશ હતા.
સોનાની થાળીમાં તેમને એક જ લોઢાની મેખ દેખાઈ : આકાર!
નિ:શંક શોરૂમનો મૅનેજર આકાર હોશિયાર હતો, ઝવેરાતનો પારખુ હતો ને કરોડોના સોદામાં પોતાની નિયત પુરવાર કરી શેઠજીનો વિશ્વાસ અને વહાલ બેઉ જીતી શકેલો, ત્યાં સુધી બરાબર. શેઠજીના પરિવાર માટે આકારનુ મમત્વ, તેની વફાદારી પણ સાચી, પણ કોઈક વાર બનેવીલાલ અજિંક્યના નિર્ણયમાં પણ આકારનો અભિપ્રાય લે એ મામાસાહેબને ખટકતું. એમાંય આકારનું મંતવ્ય જુદું ઠરે તો અજિંક્યને બાયપાસ કરી બનેવીલાલ તેના નિર્ણય પર મહોર મારે એ તો અસહ્ય હતું. મામાસાહેબે બે-ત્રણ વાર બનેવીલાલ સમક્ષ એનો ખુલ્લો વિરોધ પણ નોંધાવેલો જવાબમાં શેઠજીએ કહેલું, 
‘આકાર પ્રત્યેનું પુત્રવત્ વહાલ બનાવટી નથી મામાસાહેબ, એ ધંધાકીય પણ નથી, પણ એથી અજિંક્ય માટે મારી લાગણી ઓછી એવું સમીકરણ ન બાંધશો. અજિંક્ય તો મારું લોહી, મામાસાહેબ, તેને સાચી શીખ મળે એ માટે વેપારમાં અમુક નિર્ણય મારે લેવા પડે, એનો ઊંધો અર્થ ન કાઢશો. આકુ અજિંક્યને મોટા ભાઈ જેવો માને છે... સુભદ્રાના દેહાંત સમયે તેણે અજિંક્યને રડવા માટે ખભો આપ્યો હતો, યાદ છેને?’ 
ત્યારે શાંત થઈ જતા મામાસાહેબ વળી આકારના વખાણનો પ્રસંગ બનતો ત્યારે અકળાઈ ઊઠતા.  બનેવીને કહેવાનો અર્થ નહોતો એટલે ભાણિયા સમક્ષ ચણભણ કરી દેતા. કારણ તેમને ભાણિયાનું દાઝતું.  બાકી મામાનો ચડામણીનો આશય નહોતો, અજિંક્યને આકાર પ્રત્યે ભાવ પણ ખરો, છતાં એકની એક વાત ચૂંથાતી રહે એમાં વતેસર થયા વિના ન રહે એમ શરૂ શરૂમાં મામાને હળવાશથી લેતા અજિંક્યમાં ધીરે-ધીરે જાણ્યે-અજાણ્યે આકાર બાબત જુદા જ દૃષ્ટિકોણની રોપણી થવા માંડી.  આકારને વધાવવાનું પિતાનું ચલણ ક્યારેક ખટકી જતું. અને એ ઉકળાટ અજિંક્ય ક્વચિત મામાસાહેબ સમક્ષ ઠાલવી દેતો. પરિણામે મામાસાહેબ હમણાંના બોલી જતા, ‘આકારની પતંગ બહુ હવામાં ઊડી, હવે એની દોર કાપવી પડશે.’ 
- ‘એમાં હવે આજે પાછું પિતાશ્રીએ આકારપુરાણ શરૂ કરી દીધું!’ 
અજિંક્યને અણખટ થઈ. 

વધુ આવતી કાલે


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2022 10:51 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK