બાળપણમાં પતંગિયાં પ્રત્યે એક અનોખું આકર્ષણ ધરાવતાં ૪૯ વર્ષનાં નેહા વોરાએ તેમની સોસાયટીમાં એક આખું બટરફ્લાય ગાર્ડન ઊભું કરી દીધું છે. તેમના ગાર્ડનમાં પચાસથી વધુ પ્રજાતિનાં પતંગિયાંઓ જોવા મળ્યાં છે, જ્યારે તેમણે ૪૦૦ જેટલાં પતંગિયાંનો ઉછેર કર્યો છે
નેહા વોરા
આજકાલ આપણે બધા લાઇફની ભાગદોડમાં એટલા વ્યસ્ત છીએ કે આપણી આસપાસ જે પણ પ્રકૃતિ છે એને અનુભવવાનો, એને નિહાળવાનો, એના સાંનિધ્યમાં રહેવાનો આપણી પાસે સમય નથી. જોકે માટુંગા-વેસ્ટમાં રહેતાં પ્રકૃતિપ્રેમી નેહા વોરાએ તો તેમની W54 કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આખું બટરફ્લાય ગાર્ડન ઊભું કરી દીધું છે. આ ગાર્ડનમાં દરરોજ અલગ-અલગ પ્રજાતિનાં રંગબેરંગી પતંગિયાંઓ મહેમાન બને છે એટલું જ નહીં, નેહા વોરા આ પતંગિયાઓનાં ઈંડાંને ઘરે લઈ જઈને એનો ઉછેર પણ કરે છે. નેચર માટે કંઈક કરવાની ભાવના સાથે તેઓ એક નાનકડા પ્રયાસરૂપે બટરફ્લાય ગાર્ડન થકી પોતાનું યોગદાન આપી રહ્યાં છે. આને લઈને કોઈને માર્ગદર્શન પણ જોઈતું હોય તો તેઓ ફ્રી ઑફ કૉસ્ટ કન્સલ્ટેશન પણ આપે છે.
બટરફ્લાય ગાર્ડનની શરૂઆત
ADVERTISEMENT
બટરફ્લાય ગાર્ડન કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે વાત કરતાં ૪૯ વર્ષનાં નેહાબહેન કહે છે, ‘આમ તો હું છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી ગાર્ડનિંગ કરું જ છું. જોકે ૨૦૨૧માં મને નૅચરલિસ્ટ ધારા ઠક્કર પાસેથી બટરફ્લાય ગાર્ડનિંગ વિશે ખબર પડી. બાળપણથી જ પતંગિયાં પ્રત્યે મને એક અનેરું આકર્ષણ રહ્યું જ છે. અમારી સોસાયટીમાં પણ સારીએવી સ્પેસ હતી જ્યાં બટરફ્લાય ગાર્ડન બની શકે. એટલે મેં એને લાગતી ઘણીબધી માહિતી મેળવવાની શરૂઆત કરી. સૌથી પહેલાં તો મેં એવા છોડ ઉગાડવાની શરૂઆત કરી જે પતંગિયાંઓને આકર્ષે અને આ છોડનાં ફૂલોનો રસ એ ખોરાક તરીકે પીએ છે. મારા ગાર્ડનમાં બટરફ્લાય આવવા લાગ્યાં એ પછીથી મેં કડીપત્તા, લીંબુ, પાનફૂટી, રૂએલિયા વગેરે જેવા અલગ-અલગ હોસ્ટ પ્લાન્ટ લગાવ્યા. હોસ્ટ પ્લાન્ટ એ હોય જેના પર પતંગિયું ઈંડું મૂકે અને એ ઈંડામાંથી નીકળેલી ઈયળ (કૅટરપિલર) આ છોડનાં પત્તાં ખાય. કૅટરપિલર આ હોસ્ટ પ્લાન્ટ પર વધે છે, થોડા દિવસો પછી એમાંથી પ્યૂબા બને છે અને આગળ જઈને પતંગિયાં બનીને ઊડી જાય.’
પતંગિયાંનો ઉછેર
પતંગિયાંના ઉછેર વિશે માહિતી આપતાં નેહા વોરા કહે છે, ‘કૅટરપિલરને જો ગાર્ડનમાં જ રહેવા દઈએ તો એને પક્ષી, કીડાઓ ખાઈ જવાનો ડર હોય. એટલે હું જે પાન પર ઈયળ હોય એ ડાળને ઘરે લાવીને એને કૂંડાની માટીમાં વાવી દઉ છું જેથી એને એક સુરક્ષિત અને પ્રાકૃતિક માહોલ મળી શકે. એ પછી ગાર્ડનમાંથી એ પ્લાન્ટનાં તાજાં, કૂણાં પાન લાવીને એને ખાવા માટે આપ્યા કરું જેથી એને પોષણ મળતું રહે. કૅટરપિલર જેમ મોટું થાય એમ એમની ખાવાની કૅપેસિટી પણ વધતી જાય. જ્યારે કૅટરપિલર પ્યૂબા બને છે ત્યારે એ ખાવાનું બંધ કરી દે છે. આ સ્ટેજમાં એનું આખું શરીર ટ્રાન્સફૉર્મ થાય છે અને પતંગિયું બનીને બહાર આવે છે. આ સમયગાળામાં એ તે એનર્જી યુઝ કરે છે જે એણે કૅટરપિલર સ્ટેજમાં ખાઈ-ખાઈને જમા કરી હોય. ખાવાની સાથે એ લોકો ફ્રાસ (પૂપ) પણ છોડે છે જેને સાફ કરવું પડે. જેમ-જેમ કૅટરપિલર મોટું થાય અને પ્યૂબા બનવાની તૈયારી કરે છે ત્યારે એને શાંત, સુરક્ષિત અને સ્થિર જગ્યા જોઈતી હોય છે. એ સમયે હું એને ખૂબ જાળવીને લૉન્ડ્રી બાસ્કેટમાં રાખી દઉં છું. બાસ્કેટને હું જાળીદાર કપડાંથી ઢાંકી દઉં છું. એ પછી જ્યારે પ્યૂબા બની જાય ત્યારે કેટલાક દિવસોમાં અંદરથી સુંદર પતંગિયું બહાર આવે છે. એને હું ગાર્ડનમાં છોડી દઉં છું. મને આજે પણ યાદ છે ૨૦૨૨ના જાન્યુઆરીમાં મેં પહેલા પતંગિયાને ઉછેરીને એને ગાર્ડનમાં છોડ્યું હતું. ઈંડાથી પતંગિયા બનવા સુધીની પ્રક્રિયામાં ૨૪થી ૩૦ દિવસ સુધીનો સમય લાગે. એમનું જીવન માંડ ૩૦ દિવસનું હોય. કોઈક જ પ્રજાતિ હોય જે બે-ત્રણ મહિના સુધી જીવે.’
મારા માટે થેરપી
પતંગિયાંનો ઉછેર નેહાબહેન માટે એક થેરપી જેવું કામ કરે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ઈંડાંમાંથી પતંગિયા બનવાની આખી પ્રક્રિયા મારા માટે મનને ખૂબ શાંતિ આપનારી છે. જ્યારે તમે કોઈ જીવને રોજ ખવડાવો, એનું ધ્યાન રાખો, એની સાથે વાત કરો એ એક ઇમોશનલ થેરપી જેવું છે. કૅટરપિલર પોતાને મળેલી પૉઝિટિવ વાઇબ્સ, નર્ચરિંગ કૅર અને શાંત એન્વાયર્નમેન્ટ એક પ્રકારની મેમરી તરીકે સ્ટોર કરે છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે એ પતંગિયું બની જાય છે ત્યારે આ સંવેદનાત્મક યાદો એની અંદર રહે છે. એટલે હું એને ગાર્ડનમાં છોડી મૂકું એ પછી પણ મારા હાથ, ચહેરા પર બેસવા માટે આવે છે. એમ કહેવાય કે ચેન્જ ઇઝ બ્યુટિફુલ એટલે કે બદલાવ સારો હોય છે. જોકે આપણે જીવનમાં બદલાવથી ડરીએ છીએ, પણ બદલાવ જ આપણા અંદર છુપાયેલા સૌંદર્યને બહાર લાવે છે. પતંગિયાનો જન્મ એનું સૌથી સુંદર ઉદાહરણ છે.’
પતંગિયાં વિશે રસપ્રદ વાતો
પતંગિયાંની પ્રજાતિઓ અને એમના બિહેવિયર વિશે રસપ્રદ વાતો કરતાં નેહા વોરા કહે છે, ‘મારા ગાર્ડનમાં મેં પતંગિયાંની આશરે બાવન જેટલી પ્રજાતિઓ જોઈ છે. મેં બ્લુ મોર્મોનને પણ ઉછેર્યું છે જે મહારાષ્ટ્રનું સ્ટેટ બટરફ્લાય છે અને રૅર જોવા મળે છે. ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે સ્ટેટ એનિમલ કે સ્ટેટ બર્ડની જેમ સ્ટેટ બટરફ્લાય પણ હોય છે. પતંગિયાંઓમાં ટેરિટોરિયલ બિહેવિયર જોવા મળે છે. એટલે કે નર પતંગિયાંઓ એક નિશ્ચિત વિસ્તારમાં પોતાનો અધિકાર દર્શાવતા હોય છે. માદા પતંગિયાંઓને આકર્ષિત કરવા માટે, પોતાનો ખોરાક સુરક્ષિત કરવા માટે આવું કરતાં હોય છે. મેં પોતે બે પતંગિયાંઓને ટેરિટરી માટે ઝઘડતાં કે પછી માદા પતંગિયાને આકર્ષિત કરવા ડાન્સ કરતાં જોયા છે. એવું પણ જોયું છે કે માદા પતંગિયું એક હોય અને એની પાછળ ત્રણ નર પતંગિયાં પડ્યાં હોય. એમને એવું હોય કે હું માદા પતંગિયા સાથે મેટિંગ કરું અને મારા જીન્સ આગામી જનરેશનમાં જાય. તમે જોશો તો માદા પતંગિયુ હંમેશાં કૂણા પાંદડા પર જ ઈંડાં મૂકે છે. જ્યારે ઈંડું ફૂટે છે ત્યારે કૅટરપિલર ખૂબ નાની અને નાજુક હોય છે. પાંદડું કડક હશે તો એ નહીં ખાઈ શકે અને ખોરાકના અભાવે એ મરી પણ શકે છે. એ નવાં પાંદડાં ખાઈને વૃદ્ધિ શરૂ કરે છે અને પછી ધીમે-ધીમે ક્રૉલ કરીને નવા, તાજા પાન તરફ આગળ વધતું રહે છે. પતંગિયાંની દુનિયા ખરેખર આશ્ચર્ય પમાડે એવી છે.’
ગાર્ડનિંગનો શોખ
નેહાબહેન તેમના ઘરે પણ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ ઉગાડે છે. આ વિશે તેઓ કહે છે, ‘મેં મારી ઘરની બાલ્કનીમાં ટમેટાં, મરચાં, કૅપ્સિકમ જેવાં વેજિટેબલ્સ ઉગાડ્યાં છે. એ સિવાય સનફ્લાવર, મોગરો, રાતરાણી, બ્રહ્મકમળ, ગોકર્ણા જેવાં ઘણાં ફ્લાવર્સ પણ છે. બેસિલ, રોઝમેરી, મિન્ટ, થાઇમ જેવાં હર્બ્સ પણ ઉગાડ્યાં છે. મને અમુક પ્લાન્ટ્સ ઉગાડવામાં તકલીફ પણ થાય છે. ભીંડા, વટાણા ટ્રાય કરેલા પણ એ થયા નહીં. અમારી સોસાયટીમાં પણ જેટલી હરિયાળી છે એની કાળજી હું જ રાખું છું. એની જાળવણી માટે એક ગાર્ડનરની ટીમ કામ કરે છે. તેમને માર્ગદર્શન આપવાનું કામ મારું હોય છે. મને પૅશન છે એટલે હું આ બધી વસ્તુ કરું છું. એ સિવાય કોઈને ગાર્ડનિંગ કે બટરફ્લાય ગાર્ડનને લઈને કન્સલ્ટેશન જોઈતું હોય તો હું આપું છું. એ માટે હું કોઈ ચાર્જ લેતી નથી. હું પોતે પણ સતત નવું-નવું શીખતી રહું છું.’


