Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવરાત્રિમાં તમારાં પેટ્સ કેમ રહી જાય?

નવરાત્રિમાં તમારાં પેટ્સ કેમ રહી જાય?

02 October, 2022 11:01 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ભલે તમારું પાળતુ પ્રાણી ગરબા નથી રમવાનું, પણ તમે જ્યારે રમતા હો ત્યારે રંગબેરંગી કેડિયું કે ઘેરદાર ઘાઘરો પહેરીને લટકમટક ચાલથી આસપાસના લોકોનું ધ્યાન જરૂર ખેંચે છે

પેટ ડૉગ મર્ફી સાથે રોનક, રિયા અને તેની કઝિન શ્રેયા.

પેટ ડૉગ મર્ફી સાથે રોનક, રિયા અને તેની કઝિન શ્રેયા.


ભલે તમારું પાળતુ પ્રાણી ગરબા નથી રમવાનું, પણ તમે જ્યારે રમતા હો ત્યારે રંગબેરંગી કેડિયું કે ઘેરદાર ઘાઘરો પહેરીને લટકમટક ચાલથી આસપાસના લોકોનું ધ્યાન જરૂર ખેંચે છે. મુંબઈમાં હવે ધીમે-ધીમે પેટ પેરન્ટ્સ તેમનાં પાળતુ પ્રાણીઓ માટે ડિઝાઇનર ગરબા કૉસ્ચ્યુમ્સ બનાવવા તૈયાર થઈ ગયા છે ત્યારે જાણીએ તેમનો એક્સ્પીરિયન્સ કેવો રહ્યો

નવરાત્રિનો માહોલ જામ્યો હોય. ઘરના તમામ મેમ્બર ડિઝાઇનર એથ્નિક વેઅરમાં તૈયાર થઈને ગરબા રમવા થનગની રહ્યા હોય ત્યારે ઘરનું એક સદસ્ય સાદા ટી-શર્ટમાં આમતેમ દોડાદોડી કે ઊછળકૂદ કરતું હોય તો ગમે? ન જ ગમે, પરંતુ ફૅમિલીના આ મેમ્બર એટલે કે પેટ માટે કેડિયું અને ઘાઘરો ક્યાંથી લાવવાં? તમારા પ્યારા ડૉગી માટે તમે પણ નવરાત્રિ અપૅરલ્સની શોધખોળ કરતા હોય તો આવતા વર્ષ સુધીમાં કદાચ અઢળક ડિઝાઇન માર્કેટમાં આવી જશે. ટ્રેડિશનલ ડ્રેસિસમાં જાણીતું નામ અજય અરવિંદ ખત્રી પેટ્સ અપૅરલ્સ માટે જુદો ડિવિઝન સ્ટાર્ટ કરે એવી શક્યતા નકારી ન શકાય. જોકે, હજુ સ્પષ્ટતા નથી, પણ પ્રાયોગિક ધોરણે તેમણે ત્રણ ડ્રેસ ડિઝાઇન કર્યા છે. નવરાત્રિ દરમ્યાન બે ડૉગી અને એક કૅટ તેમનાં બનાવેલાં આઉટફિટ્સ પહેરીને નીકળે છે ત્યારે પબ્લિકમાં પેટ્સ સાથે ફોટો પડાવવા રીતસરની પડાપડી જામે છે. હ્યુમન અપૅરલ ડિઝાઇન કરતાં-કરતાં તેમને પેટ્સના ડ્રેસ ડિઝાઇન કરવાનો વિચાર કઈ રીતે આવ્યો અને લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો એ જાણીએ.



આ તો ટ્રેલર છે


વારતહેવારે આપણે બનીઠનીને નીકળીએ છીએ એમ પેટને પણ તૈયાર થવું ગમતું જ હોયને! આવો વિચાર ક્યારેક આવતો. અજય અરવિંદ ખત્રી સ્ટોરના ડિઝાઇનર સંજય ખત્રી આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં કહે છે, ‘પેટ્સ માટે થોડો લગાવ ખરો એટલે સોશ્યલ મીડિયા પર જાત-જાતના વિડિયો જોતા રહીએ. છેલ્લા કેટલાક સમયથી પેટ્સ માટે ડિઝાઇનર ક્લોથ્સ સિવડાવવાનો ટ્રેન્ડ છે એનો આઇડિયા હતો જ. એક દિવસ અમસ્તા વાતો કરતાં નક્કી થયું કે ટ્રાય કરીએ. જોકે, નામ ક્લિક નહોતું થતું. એવામાં અમારા એક ફૅમિલી ફ્રેન્ડ અને જૂના ક્લાયન્ટ મનીષ જોશી કે જેઓ પોતે સિંગર છે અને નવરાત્રિમાં જુદા-જુદા ડ્રેસિસ સિવડાવતા હોય છે તેઓ અમારી દુકાનમાં આવ્યા. તેમની પાસે ફીમેલ ડૉગી છે. મનીષભાઈને વિચાર ગમી જતાં હા પાડી. તેમના ડૉગી માટે ઘાઘરો ડિઝાઇન કર્યો છે. ત્યાર બાદ જોગાનુજોગ એવું થયું કે અમારા બીજા એક ફૅમિલી ફ્રેન્ડ રિયા સોની તેના ફિઆન્સી રોનક શાહ અને રિયાની કઝિન સિસ્ટર શ્રેયા સોની નવરાત્રિની ખરીદી કરવા આવ્યા. આઇડિયા ગમી જતાં તેમના મેલ ડૉગી માટે કેડિયું ડિઝાઇન કરી આપ્યું. આ પહેલાં ક્યારેય પેટ્સના આઉટફિટ્સ બનાવ્યાં નહોતાં એથી પેટ પેરન્ટ્સ પાસેથી તેમના ડૉગીના માપના ડ્રેસિસ મગાવ્યા અને એ માપ પ્રમાણે કામ કર્યું. ડૉગીને ડ્રેસ ઉપરથી પહેરાવી પગ પાસે વેલ્ક્રોથી ટાઇટ કરી દઈએ એટલે ફિટિંગ આવી જાય. ફર્સ્ટ એક્સપિરિયન્સ સુપર્બ રહ્યો. એક ડ્રેસ બનાવતાં અમને ત્રણ દિવસ લાગ્યા હતા.’

પિકચર અભી બાકી હૈ


આ ફીલ્ડમાં આગળ શું વિચાર છે? સંજયભાઈ કહે છે, ‘જાણીતા ક્લાયન્ટ્સ હતા તેથી દોસ્તીમાં ડિઝાઇન કરી આપ્યા છે. વિડિયોઝ અને રીલ્સને ઘણા વ્યુ મળ્યા છે. લોકોને કન્સેપ્ટ પસંદ પડ્યો છે. સોશ્યલ મીડિયાના કારણે ઇન્ક્વાયરી પણ ખૂબ આવી છે. હાલમાં જ કૅટ માટે ડ્રેસ ડિઝાઇન કર્યો છે. બે જુદાં પેટ્સના ડ્રેસ ડિઝાઇન કરવાની અમને સાઇઝનો આઇડિયા આવ્યો અને ટ્રાયલ એક સ્ટેપ આગળ વધ્યું. જોકે, વધુ વિચાર નથી કર્યો. અમારા સ્ટોરમાં આખું વર્ષ કસ્ટમરની ભીડ હોય છે. એમાંય નવરાત્રિ-દિવાળીમાં તો શ્વાસ લેવાની ફુરસદ ન હોય. ત્યાર બાદ વેડિંગ સીઝન સ્ટાર્ટ થઈ જાય. પેટ્સ ડિઝાઇનિંગના ફીલ્ડમાં સ્કોપ ઘણો છે, પરંતુ જુદો ડિવિઝન ખોલવાનો હાલમાં કોઈ પ્લાન નથી. નવી-નવી ડિઝાઇન ડ્રૉ કરવી, ફૅબ્રિકની પસંદગી, પેટ્સનું માપ લઈ શકે એવા માણસો, પેટ્સના ડ્રેસિસ ડિઝાઇન કરતા હોય એવા ફૅશન ડિઝાઇનરો સાથે ટાઇ-અપ વગેરે ઘણું બધું કામ કરવું પડે. પૂરતી તૈયારી વગર અમે ઝંપલાવવા નથી માગતા, પણ જૂના અને જાણીતા ક્લાયન્ટ્સ માટે કામ કરવાની ઇચ્છા છે. આ દિશામાં વધુ ખણખોદ જારી છે.’

પેટ પેરન્ટ્સનો રિસ્પૉન્સ

જે લોકોના ઘરમાં પાલતુ પ્રાણી નથી હોતાં તેમને અજુગતું લાગશે, પરંતુ પેટ્સ ધરાવતી ફૅમિલી માટે આ સંવેદનશીલ વિષય છે. કાંદિવલીની શિત્ઝુ બ્રીડની સાડાચાર વર્ષની ડૉગી મીશુ જોશીનાં મમ્મી ઝરણા જોશી કહે છે, ‘અમને બે દીકરી છે, એક હાયર સ્ટડીઝ માટે લંડન ગઈ છે અને બીજી મીશુ. એ ૪૫ દિવસની હતી ત્યારથી એને ઉછેરી છે. ઘરમાં બધાને એના માટે એટલો લગાવ કે મારી કઝિન સિસ્ટરે પોતાનાં લગ્નમાં મીશુ સાથે માંડવામાં એન્ટ્રી લીધી હતી. બ્રાઇડલ ડિઝાઇનરે બન્નેના સેમ કૉસ્ચ્યુમ તૈયાર કરી આપ્યા હતા. મનીષ માટે ટ્રેડિશનલ ડ્રેસિસ લેવા ગયા ત્યારે સંજયભાઈએ નવરાત્રિ અપૅરલની વાત કરતાં અમે એક્સાઇટ થઈ ગયા. વાસ્તવમાં મીશુ માટે ટ્રેડિશનલ ડ્રેસની શોધમાં હતા તેથી ભાવતું હતું ને વૈદે કહ્યું જેવો તાલ થયો. ઘાઘરો બનીને આવ્યો ત્યારે એને મેં કહ્યું, જો તારા માટે નવું વાવા આવ્યું તો પૂંછડી પટપટાવીને ઊછળકૂદ કરવા લાગી. પેટ્સને પણ બધી ખબર પડે છે. શૉપમાં ટ્રાયલ લેતાં હતાં ત્યારે ઘણા કસ્ટમરોએ ફોટા પાડ્યા. ડાહીડમરી થઈને એણે પોતે પણ સેલિબ્રિટી હોય એવી રીતે બધા સાથે ફોટા પડાવ્યા. અમારી નાની દીકરીએ નવરાત્રિનો ડ્રેસ પહેલી વાર પહેર્યો એ જોઈને અમને પણ ખૂબ આનંદ થયો. એના ઘેરદાર ડ્રેસમાં સરસ મજાની ઍક્સેસરીઝ ઍડ કરવામાં આવી છે. આપણે ત્યાં પેટ્સને દરેક જગ્યાએ લઈ જવાની પરવાનગી નથી તેથી ઘણી વાર દુખ થાય. હકીકતમાં તો એ લોકોમાં આપણા કરતાં વધારે સેન્સ હોય છે. સોસાયટીમાં બધા એને ઓળખે અને એના માટે પણ ચહેરા ઓળખીતા હોવાથી ઘાઘરો પહેરાવીને નીચે લઈ ગઈ હતી. અમે ગરબા રમતાં હોઈએ ત્યારે મંડપમાં વચ્ચે વચ્ચે આંટા માર્યા કરે.’

બોરીવલીના ગોલ્ડન રિટ્રિવર બ્રીડના છ વર્ષના મરફીને ટ્રેડિશનલ કૉસ્ચ્યુમ ખૂબ જ સુંદર લાગે છે. મરફી માટે નવરાત્રિનાં કપડાં બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો એની વાત કરતાં રોનક કહે છે, ‘અમને ગરબા રમવાનો જબરો ક્રેઝ છે. એમાંય બે વર્ષ પછી નવરાત્રિ રમવાની હોવાથી ફુલ ફ્લેજ્ડ ખરીદી ચાલતી હતી. આ વખતના અમારા કૉસ્ચ્યુમ ઍક્સટ્રીમ છે તો મરફી કેમ રહી જાય. મરફીને શૉપમાં લઈ ગયાં અને ડિઝાઇનરને સૅમ્પલ ડ્રેસ પણ આપ્યો હતો. મરફી માટે સમયાંતરે જુદા જુદા ડ્રેસિસ સીવડાવીએ છીએ તેથી એને નવાં કપડાંની ખબર પડે છે. જોકે, એની પોતાની ચૉઇસ છે. ડ્રેસ ન ગમે તો કાઢી નાખે એટલે અમને ડાઉટ હતો. રેડ કલરના એના ડ્રેસમાં કોડી અને ઘૂઘરી લગાવેલી છે. ઊછળકૂદ કરતી વખતે અવાજ આવતો હતો એટલે એને ડ્રેસ ગમી ગયો. પેટ્સ માટે કેડિયાનો આખો સેટ ડિઝાઇન ન થાય, માત્ર ઉપર પહેરવાનો ડ્રેસ હોય. લુક કેડિયાનો જ આવે. મરફીને લઈને મેદાનમાં નથી જવાનું, પરંતુ ઘરમાં આરતી થાય ત્યારે પહેરાવીએ. મરફી ટીવીમાં ગરબા જુએ કે સોસાયટીની નવરાત્રિમાં સાઉન્ડ સિસ્ટમ શરૂ થાય કે તરત જ ઊછળવા લાગે. કેડિયું પહેરાવીને એકાદ વાર રાઉન્ડ મારવા લઈ ગયા ત્યારે ઘણા લોકોએ એની સાથે ફોટા પડાવ્યા. નેક્સ્ટ યર મરફી માટે વધુ આઉટફિટ્સ સિવડાવવાનો પ્લાન છે. પેટ્સ માટે ડ્રેસ સીવતાં ડિઝાઇનરોની સંખ્યા ઓછી હોવાથી આ પ્રયોગ આવકાર્ય છે.’

કપડાં જ નહીં, ઍક્સેસરીઝ પણ....

પાંચ વર્ષથી પેટ્સ માટેના અપૅરલ ડિઝાઇન કરતાં અને ત્રણ વર્ષ પહેલાં પોતાની બૅન્ડ શરૂ કરનારા પંખ પેટ ક્લોધિંગનાં ડિઝાઇનર ખ્યાતિ શાહ ઉત્સાહ સાથે કહે છે, ‘ડૉગી માટે બર્થડે સૂટ, ફૅમિલીમાં કોઈનાં લગ્ન હોય તો શેરવાની તેમ જ પ્રસંગને અનુરૂપ ડિઝાઇનર વસ્ત્રો સિવડાવવાનો ટ્રેન્ડ ઘણા વખતથી પૉપ્યુલર છે. હવે નવરાત્રિમાં પણ આ ટ્રેન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. આ વર્ષે પાંચ ક્લાયન્ટ્સના પેટ્સ માટે નવરાત્રિ અપૅરલ્સ સીવ્યા છે અને એક ક્લાયન્ટના ડૉગી માટે સાડી સીવીને આપી છે. અપૅરલ્સ ઉપરાંત ગળામાં પહેરવાનો ચોકર, પટ્ટો વગેરે જ્વેલરી પણ ડિઝાઇન કર્યાં છે. ઍક્સેસરીઝમાં અઢળક એક્સપરિમેન્ટ્સ કરી શકાય. નવરાત્રિમાં પેટ્સને ગ્રાઉન્ડ પર નથી લઈ જવાના તો પહેરાવવાનો શું મતલબ છે? દોઢ વર્ષનું તમારું બાળક પણ ગરબા નથી રમતું તોય તમે તેના માટે ધોતિયું અને કેડિયું ખરીદો છો ને! બસ આ જ કન્સેપ્ટ કામ કરે છે. આપણા દેશમાં ફૅશન-ડિઝાઇનરોની કમી નથી, પરંતુ પેટ્સના ડ્રેસિસ સેલ કરતા સ્ટોરમાં ડિઝાઇનર વસ્ત્રો નથી મળતાં. જોકે, પેટ્સના ડ્રેસ સીવવાના કોઈ કોર્સ નથી હોતા, એ જાતે જ શીખવું પડે. રેગ્યુલર ક્લાયન્ટ્સ માટે ડ્રેસ ડિઝાઇન કરનારા ફૅશન ડિઝાઇનરો તેમના પેટ્સ માટે પણ મૅચિંગ ડ્રેસ સીવવા લાગશે તો આવનારા સમયમાં આ માર્કેટ બૂમ થઈ જશે.’

પેટ્સના અપૅરલ્સ ડિઝાઇન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે વાત કરતાં ખ્યાતિ કહે છે, ‘પેટનો સ્કિન કલર, એની સાઇઝ, સીઝન, ઓકેશન અને હેરની માત્રા જોવી પડે. વધુ રુવાંટીવાળા ડૉગી માટે વેલ્વેટ ફૅબ્રિક ન ચાલે. એનાથી એ ઇરિટેટ થઈ જાય છે. માર્કેટ્સમાં અવેલેબલ મોટા ભાગનાં આઉટફિટ્સમાં માઇક્રો ફૅબ્રિકનો ઉપયોગ થાય છે, જ્યારે અમે કૉટન, સિલ્ક અને ડેનિમ વાપરીએ છીએ. ફૅમિલી મેમ્બર સાથે ડૉગીનાં આઉટફિટ્સ મૅચ થાય એવો આગ્રહ પણ ક્લાયન્ટ્સ રાખતા હોય છે. પેટ્સના અપૅરેલ ડિઝાઇન કરતી વખતે સૌથી ચૅલેન્જિંગ પાર્ટ છે એનું માપ લેવું. બહારગામ રહેતા ક્લાયન્ટ્સને અમે વિડિયો કૉલિંગથી માપ લેતાં શીખવીએ છીએ. જર્મન શેફર્ડ અને લૅબ્રૅડોર ડૉગીનું માપ લેતી વખતે માલિકની હાજરી અને સુપરવિઝન અત્યંત જરૂરી છે.’

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2022 11:01 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK