Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પીએફઆઇ : રાતે બે વાગ્યે મોદી જપાનથી આવ્યા, સવારે ૬ વાગ્યે પ્રતિબંધ લાગ્યો

પીએફઆઇ : રાતે બે વાગ્યે મોદી જપાનથી આવ્યા, સવારે ૬ વાગ્યે પ્રતિબંધ લાગ્યો

03 October, 2022 12:12 AM IST | Mumbai
Raj Goswami

પીએફઆઇ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે. ૨૦૧૨માં કેરલા સરકારે દાવો કર્યો હતો કે આ સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના બગલબચ્ચા સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (સિમી)નું જ નવું સ્વરૂપ છે

પીએફઆઇ : રાતે બે વાગ્યે મોદી જપાનથી આવ્યા, સવારે ૬ વાગ્યે પ્રતિબંધ લાગ્યો

ક્રૉસલાઇન

પીએફઆઇ : રાતે બે વાગ્યે મોદી જપાનથી આવ્યા, સવારે ૬ વાગ્યે પ્રતિબંધ લાગ્યો


પીએફઆઇ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે. ૨૦૧૨માં કેરલા સરકારે દાવો કર્યો હતો કે આ સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના બગલબચ્ચા સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (સિમી)નું જ નવું સ્વરૂપ છે. પીએફઆઇ કેરલા અને કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સાથે પણ અથડામણોમાં સંડોવાયેલું છે. એનો સંબંધ તાલિબાન અને અલ-કાયદા સાથે હોવાના પણ આરોપ છે

પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા અથવા પીએફઆઇ એક આતંકી સંગઠન છે એવા મત સાથે, એના પર પ્રતિબંધ લગાવવાનો મુદ્દો દેશની સુરક્ષા એજન્સીઓ વચ્ચે છેક ૨૦૧૦થી ચર્ચાનો વિષય બન્યો હતો. ૨૦૧૦માં, કેરલાના એક પ્રોફેસર ટી. જે. જોસેફનો હાથ કાપી નાખવાની ઘટનામાં પીએફઆઇનું નામ ચર્ચામાં આવ્યું હતું. એર્નાકુલમ જિલ્લાના મુવ્ત્તુપુઝાની નિર્મલા કૉલેજમાં મલયાલમ ભાષા ભણાવતા આ પ્રોફેસરે બીજા વર્ષના બીકૉમના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાપત્રમાં એક પાત્ર અને ઈશ્વર વચ્ચે સંવાદને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. એ પાત્ર એક ફિલ્મમાંથી લેવાયું હતું, જેનું નામ નસીરુદ્દીન હતું. તે સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે અને જાત સાથે બડબડ કરે છે. પ્રોફેસર જોસેફે પ્રશ્નપત્રમાં તેનું નામ કુંજુ મોહમ્મદ કરી નાખ્યું હતું. સંવાદ એ રીતનો હતો કે કોઈને તે ઈશ્વર અને મોહમ્મદ પયગંબર વચ્ચેની વાતચીત લાગે.



‘મધ્યમમ’ નામના એક સ્થાનિક અખબારમાં આ પ્રશ્નપત્રના સમાચાર છપાયા પછી વિવાદ શરૂ થયો હતો અને કેરલાના મુસ્લિમોમાં એવો ભાવ ઘર કરી ગયો કે પ્રોફેસરે પયગંબરની મજાક ઉડાવી છે. અનેક મુસ્લિમ સંગઠનોએ એનો વિરોધ કર્યો હતો. એમાં પીએફઆઇની વિદ્યર્થી પાંખ, કૅમ્પસ ફ્રન્ટે પ્રોફેસર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. કેરલાનાં અન્ય રાજકીય સંગઠનોએ પણ પ્રોફેસરની હરકતની નિંદા કરી હતી. જિલ્લા કલેક્ટરે સર્વપક્ષીય બેઠકમાં પ્રોફેસર સામે પગલાં ભરવાનું પણ નક્કી કર્યું હતું


એમાં, ૪ જુલાઈ ૨૦૧૦ના રોજ આઠ લોકોએ પ્રોફેસરને તેમના ઘર નજીક ઘેરી લીધા હતા અને તેમની પર તલવારો અને ચાકુઓથી હુમલો કર્યો હતો. એમાં તેમનો જમણો હાથ કપાઈ ગયો હતો અને સાથળમાં ઘા વાગ્યા હતા. પ્રોફેસરને સારવાર માટે કોચી લઈ જવાયા હતા, જ્યાં ૧૬ કલાકના ઑપરેશન બાદ તેમનો હાથ જોડવામાં આવ્યો હતો. પોલીસે એ જ દિવસે પીએફઆઇના બે કાર્યકરોની ધરપકડ કરી હતી. એ પછી પીએફઆઇ એજન્સીઓની નજરમાં આવી ગયું હતું. એમાં ઘણા દરોડા પડ્યા હતા અને અન્ય કાર્યકરોની પણ ધરપકડ થઈ હતી. દરોડામાં પીએફઆઇનાં આંતરરાષ્ટ્રીય સંગઠનો અને મુસ્લિમ દેશો સાથેના સંબંધો ઉજાગર થયા હતા.

પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની રચના ૨૦૦૬માં પ્રતિબંધિત મુસ્લિમ સંગઠન સિમીમાંથી ઊભા થયેલા કર્ણાટક ફોરમ ફૉર ડિગ્નિટી અને સુન્ની સંગઠન નૅશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટના જોડાણમાંથી થઈ હતી. પીએફઆઇ પોતાને ‘નવી-સામાજિક’ ચળવળ ગણાવે છે, જેનો ઉદ્દેશ્ય લઘુમતી વર્ગને ન્યાય, સ્વતંત્રતા અને સલામતીનો છે. એણે મુસ્લિમો માટે આરક્ષણની માગણી કરી છે. એણે યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટી પ્રિવેન્શન ઍક્ટ) હેઠળ નિર્દોષ નાગરિકોની ધરપકડોનો પણ વિરોધ કર્યો હતો. વિડંબના એ છે કે પીએફઆઇ એ જ કાનૂન હેઠળ પાંચ વર્ષ માટે પ્રતિબંધિત થયું છે.


સુરક્ષા એજન્સીઓ કહેતી આવી છે કે પીએફઆઇ રાષ્ટ્રવિરોધી અને સમાજવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે. ૨૦૧૨માં, કેરલા સરકારે દાવો કર્યો હતો કે આ સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના બગલબચ્ચા સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (સિમી)નું જ નવું સ્વરૂપ છે. પીએફઆઇ કેરલા અને કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સાથે પણ અથડામણોમાં સંડોવાયેલું છે. એના કાર્યકરો ઘાતક હથિયારો, બૉમ્બ, ગનપાઉડર અને તલવારો સાથે પકડાયા છે. એનો સંબંધ તાલિબાન અને અલ-કાયદા સાથે હોવાના પણ આરોપ છે. 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએફઆઇના ૫૦ હજારથી વધુ નિયમિત સભ્યો છે અને માત્ર કેરલામાં જ એના સમર્થકો દોઢ લાખથી વધુ છે. સંગઠનમાં દર વર્ષે પાંચ ટકાનો વધારો થઈ રહ્યો હતો. એની કૅડર લોકોને કટ્ટરપંથી બનાવવા માટે કામ કરતી હતી. એવું કહેવાય છે કે ૨૨ રાજ્યોમાં સંગઠનની પહોંચ હતી.

અમિત શાહ ગૃહપ્રધાન બન્યા ત્યારથી પીએફઆઇ પર તલવાર લટકતી હતી, એટલે એના નેતાઓને એજન્સીઓના દરોડા અને પ્રતિબંધની નવાઈ લાગવી ન જોઈએ. ૨૨મી સપ્ટેમ્બરે, નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને અન્ય તપાસકર્તા એજન્સીઓએ અડધી રાતે આખા દેશમાં પીએફઆઇનાં ઠેકાણાંઓ પર દરોડાઓ હાથ ધર્યા અને ૧૦૦ જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરી. દેશવ્યાપી દરોડાનો બીજો સિલસિલો ૨૭મીએ થયો. ૧૫ રાજ્યોમાં પીએફઆઈનાં ૯૯ ઠેકાણાંઓ પર દરોડામાં કુલ મળીને ૨૪૭ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. બુધવારે વહેલી સવારે (૫.૩૦ કલાકે) ગૃહમંત્રાલયે યુએપીએ હેઠળ આતંકી ફંડિંગ અને હવાલાસંબંધી અપરાધ હેઠળ પીએફઆઇને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કર્યું.

એની સાથે પીએફઆઇ ‘સંલગ્ન’ આઠ અન્ય સંગઠનોને પણ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યાં; રેહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કૅમ્પસ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા, ઑલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ, નૅશનલ કૉન્ફેડરેશન ઑફ હ્યુમન રાઇટ ઑર્ગેનાઇઝેશન, નૅશનલ વીમેન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન અને રેહેબ ફાઉન્ડેશન-કેરલા. આ પ્રતિબંધની માગણી ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતે કરી હતી (ગુજરાતમાંથી ૧૫ ‘પીએફઆઇ સમર્થકો’ની ધરપકડ કરવામાં આવી છે).

સરકારના પ્રતિબંધ પછી હવે પીએફઆઇ વિરોધ પ્રદર્શનો, સંમેલનો, કૉન્ફરન્સ, ડોનેશન ગતિવિધિ કે કોઈ પ્રકાશનમાં ભાગ લઈ નહીં શકે. એ સંગઠનની કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદે ગણવામાં આવશે. કોઈ વ્યક્તિ એની સાથે સંલગ્ન છે એવી ખબર પડે તો તેની સામે પોલીસ તત્કાળ કાર્યવાહી કરી શકશે. એ ઉપરાંત, સંગઠન સાથે જોડાયેલા લોકો પર વિદેશયાત્રા-બંધી લાગશે, તેમનાં બૅન્કખાતાં અને સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે.

દરોડાથી લઈને પ્રતિબંધ સુધીની પૂરી કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહસચિવ અજય ભલ્લા અને ગુપ્તચર તેમ જ એન્ફોર્સમેન્ટ વિભાગના વડાઓએ પાર પાડી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જપાનના ભૂતપૂર્વ વડા શિન્ઝો આબેના અંતિમસંસ્કારમાં ભાગ લેવા રવાના થાય એ પહેલાં પીએફઆઇ પર પ્રતિબંધનો નિર્ણય તેમની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ઇન ફૅક્ટ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સામાન્ય રીતે વડા પ્રધાનની વિદેશયાત્રાઓમાં સામેલ હોય છે, પરંતુ આ કિસ્સામાં ડોભાલને પીએફઆઇ સામેની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે દિલ્હીમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. ૨૭મીની રાતે ૨ વાગ્યે મોદી દિલ્હી પાછા આવ્યા, અને વહેલી સવારે ૬ વાગ્યે સંગઠન પર પ્રતિબંધનું જાહેરનામું જારી થઈ ગયું.

આ સંગઠન ૧૫ વર્ષથી સક્રિય હતું, પણ એની સામેની કાર્યવાહીમાં કોઈ ઉતાવળ કરવામાં આવી નહોતી. હકીકતમાં, એજન્સીઓ પીએફઆઇ-સંબંધી માહિતીઓ અને પુરાવાઓ ઘણા સમયથી એકઠી કરતી હતી. પૂરા દેશમાં રાતના અંધારામાં એકસાથે દરોડા પાડીને પીએફઆઇને ‘ઊંઘતું ઝડપી’ લેવામાં આવ્યું એ એજન્સીઓનું કાબિલે દાદ કામ કહેવાય, પરંતુ દરોડામાં (આતંકી ફંડિંગના સૌથી મજબૂત પુરાવા) પૈસા કે હથિયારો નથી મળ્યાં એ બતાવે છે કે સંગઠન સાવ જ ઊંઘતું નહોતું.

અપેક્ષા પ્રમાણે જ, પીએફઆઇ સામેની કાર્યવાહીને સ્વાભાવિક રીતે જ ભાજપશાસિત રાજ્યોએ આવકાર આપ્યો છે, પણ વિપક્ષોએ બીજા મુદ્દા પણ ઉઠાવ્યા છે. કૉન્ગ્રેસના નેતા રશીદ અલીએ કાર્યવાહીના સમયને લઈને પ્રશ્ન કર્યો છે. તેમણે પૂછ્યું છે કે પીએફઆઇ જો આતંકી સંગઠન હતું, તો સરકાર પાંચ વર્ષથી શું કરતી હતી? તેમના મતે આ કાર્યવાહી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સમાજવાદી નેતા અમીક જામેઈએ કહ્યું છે સરકારે એની આર્થિક નિષ્ફળતાને ઢાંકવા આ કાર્યવાહી કરી છે.

કૉન્ગ્રેસના રણદીપ સુરજેવાલાએ કાર્યવાહીને આવકાર આપતાં કહ્યું છે કે હવે આરએસએસ સામે ક્યારે પગલાં ભરાશે? આરજેડીના લાલુ પ્રસાદ યાદવે પણ કહ્યું હતું, પીએફઆઇની જેમ આરએસએસ પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ. ડાબેરી સીપીએમ પક્ષે કહ્યું છે પીએફઆઇ અને આરએસએસ બંને કેરલા અને કર્ણાટકમાં હુમલાઓ કરીને ધ્રુવીકરણ કરે છે. એઆઇએમઆઇએમના અસદુદ્દીન ઓવેસીએ કહ્યું છે કે તેઓ પીએફઆઇની રીત-રસમ સાથે સંમત નથી, પણ આ રીતે પ્રતિબંધ યોગ્ય નથી, કારણ કે કોઈ પણ મુસ્લિમ હવે સરકાર સામે મોઢું ખોલશે એને પીએફઆઇનું ચોપાનિયું પકડાવી દઈને અંદર કરી દેવામાં આવશે.

અલબત, પીએફઆઇ સામેની કાર્યવાહીને ભારતીય જનતા પાર્ટી કર્ણાટક અને કેરલામાં આતંકવાદ સામેના નિર્ણાયક યુદ્ધ તરીકે પેશ કરીને મતો મેળવવા માટે ચોક્કસ કવાયત કરશે, કારણ કે એને ખબર છે કે કોઈ પક્ષમાં આ કાર્યવાહી સામે બોલવાની રાજકીય હિંમત નથી, પણ એક વાત છે. પ્રતિબંધિત સંગઠનો એમ મરતાં નથી. એ નવા નામકરણ સાથે પુનઃ જીવિત થાય છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે પ્રતિબંધ ઘોષિત કર્યો એના કલાકોની અંદર પીએફઆઇના રાજ્ય મહામંત્રી અબ્દુલ સત્તારે જાહેરાત કરી છે કે, ‘પીએફઆઇના સભ્યો અને જાહેર જનતાને જણાવવાનું કે પીએફઆઇનું વિસર્જન કરવામાં આવ્યું છે. ગૃહમંત્રાલયે એના પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. કાનૂનના પાબંદ નાગરિકો તરીકે અમારું સંગઠન આ નિર્ણયનો સ્વીકાર કરે છે.

લાસ્ટ લાઇન
‘બંદૂકોથી તમે આતંકવાદીઓને મારી શકો, શિક્ષણથી તમે આતંકવાદને મારી કરી શકો.’
- મલાલા યોસફ્ઝાઈ, નોબેલ શાંતિ પુરસ્કારવિજેતા પાકિસ્તાની કાર્યકર

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 12:12 AM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK