Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇશ્ક-એ-ઇરેઝર

ઇશ્ક-એ-ઇરેઝર

09 June, 2021 01:36 PM IST | Mumbai
Bhavini Lodaya

અનોખો શોખ ધરાવતાં ઘાટકોપરનાં પૂર્ણિમાબહેન શાહનંદ પાસે સાત હજારથી પણ વધુ ઇરેઝર્સ (રબર)નું કલેક્શન છે.

ઇશ્ક-એ-ઇરેઝર

ઇશ્ક-એ-ઇરેઝર


અનોખો શોખ ધરાવતાં ઘાટકોપરનાં પૂર્ણિમાબહેન શાહનંદ પાસે સાત હજારથી પણ વધુ ઇરેઝર્સ (રબર)નું કલેક્શન છે. આ કલેક્શનને વેજિટેબલ, ચૉકલેટ, ડ્રિન્ક, નટ્સ, શૂઝ એમ અલગ-અલગ ૩૫ થીમમાં કૅટેગરાઇઝ કરીને ૭૫ બૉક્સમાં ખૂબ જતનથી જાળવી રાખ્યું છે. ૬૦ વર્ષની ઉંમરે એકલા ફરવા નીકળી પડવું, મૅરથૉન દોડવી તેમ જ સંગીત-આર્ટની પ્રવૃત્તિઓથી સભર તેમની સેકન્ડ ઇનિંગ્સ લાજવાબ છે

કેટલાક શોખ ક્યારે, કેમ અને કેવી રીતે જન્મે છે એની ખબર નથી પડતી. બસ, અમુક ચીજ ગમી જાય છે અને પછી એટલી ગમી જાય છે કે એને જાળવીને અનાયાસ એનું એકત્રીકરણ થવા લાગે છે. ઘાટકોપરનાં ૬૦ વર્ષનાં પૂર્ણિમાબહેન કાન્તિલાલ શાહનંદનો શોખ પણ કંઈક એમ જ ઊગી નીકળ્યો છે. તેમને ઇરેઝર્સ ભેગાં કરવાનો અનોખો શોખ છે. યસ, પેન્સિલથી લખીને ભૂંસવા માટે વપરાતાં આપણાં રબર અને દેશી ભાષામાં કહીએ તો ભૂંસણિયાં.  
આનંદ, ઉત્સાહ અને નિજાનંદમાં રહેતાં પૂર્ણિમાબહેનને ઇરેઝર એકઠાં કરવાનો શોખ એની વિશિષ્ટ સુગંધને કારણે જાગેલો. કઈ રીતે એ બન્યું એની વાત કરતાં તેઓ કહે છે, ‘૧૯૯૮માં મારા નાના દીકરા પાર્થના જન્મદિવસે ગિફ્ટમાં પાંચ ઇરેઝર આવ્યાં જે મને ખૂબ ગમી ગયાં એટલે ડબ્બામાં ભરી દીધાં હતાં. બાળકો નાનાં હોય તો ગિફ્ટમાં ઇરેઝર મળે અને હું તેમને જરૂર પૂરતાં આપી બાકીનાં રાખી દેતી. આમ ક્રેઝ ખૂબ વધતો ગયો. શરૂઆતમાં તો મને ઇરેઝર સાચવવાનો અને રાખવાનો શોખ છે એવું બીજાને કહેતાં શરમાતી હતી. મને એમ કે લોકો મારા પર હસશે, પરંતુ જેવું કલેક્શન થોડુંક સારુંએવું થયું પછી એ ખુશી શૅર કરવાની મજા આવવા લાગી અને ઇરેઝર્સનું કલેક્શન મારું પૅશન બની ગયું.’
મહેનતથી કલેક્શન કર્યું
ઇરેઝર્સ એકઠાં કરવા તેમણે ખાસ્સી જહેમત પણ ઉઠાવી છે. તેઓ કહે છે, ‘દર એક-બે મહિને ખાસ ઘાટકોપરથી મુંબઈ સ્ટેશનરી માર્કેટ જઈને ઇરેઝર ખરીદવાનો મારો નિત્યક્રમ હતો. મુંબઈમાં મેં ખાસ ઇરેઝર બનાવતાં કારખાનાંઓની મુલાકાત પણ લીધી હતી. ત્યાંથી પણ અનોખાં પીસ ખરીદ્યાં હતાં. હવે તો મારી પાસે એવાં રબર પણ છે જે માર્કેટમાં ઉપલબ્ધ નથી. જેમ કે ‘કૌન બનેગા કરોડપતિ’ની થીમવાળા ઇરેઝરનો માર્કેટમાં એક જ સ્ટૉક આવ્યા પછી કંપનીએ નહીં ચાલે એમ વિચારીને બંધ કરી દીધું હતું. ‘સે નો ટુ સ્મોકિંગ’ અને ‘સે નો ટુ સ્ટ્રેન્જર’ એવા મેસેજવાળું રબર પણ છે. આમ અલગ-અલગ કલર અને થીમના બધા જ પ્રકાર છે. કલેક્શન વધતાં કૅટેગરી વાઇઝ ખાસ બૉક્સ બનાવડાવ્યાં. હવે તો ૭૫ બૉક્સમાં ૩૫ જેટલી કૅટેગરી છે. એમાં વેજિટેબલ, ચૉકલેટ, વર્લ્ડ મૅપ, શૂઝ, કરન્સી, ઍનિમલ્સ, પ્રિન્સેસ, બેડરૂમ વગેરે મળીને દોઢ કબાટ ભરીને ઇરેઝરનાં બૉક્સ છે. મારા આ સુંદર કલેક્શનનું ૨૦૧૦માં એક્ઝિબિશન પણ 
રાખ્યું હતું.’
જાળવણી પણ જરૂરી 
માત્ર કલેક્શન કરીએ એટલે ન ચાલે. એ ચીજોની જાળવણી પણ જરૂરી છે. વર્ષો જૂનાં ઇરેઝર્સ ખરાબ ન થઈ જાય એ માટે કેવી જાળવણીની જરૂર પડે છે એ વિશે તેઓ કહે છે, ‘જેમ કબાટમાં રહેલાં કપડાંને આપણે અવારનવાર વ્યવસ્થિત ગોઠવીએ છીએ એમ હું મારા ઇરેઝરો ભરેલા કબાટને પણ અવારનવાર વ્યવસ્થિત કરું છું. એના પર વાતાવરણની અસર પણ પડે. જેમ કે ઉનાળામાં ઇરેઝર પીગળી જાય એટલે જાળવણી કરું તો એ સ્વચ્છ અને એવાં ને એવાં જ રહે. દરેકને બૉક્સમાંથી કાઢીને સાફ કરું, પાઉડર લગાડું અને ત્યાર બાદ ફેવિકૉલ લગાડીને બૉક્સમાં ચીટકાડીને રાખું. મારી પાસે ૨૪ વર્ષથી સાચવેલાં ઇરેઝર્સ પણ એમ ને એમ બરાબર છે.’
કલેક્શન જોરદાર 
પૂર્ણિમાબહેનના આ શોખને પૂરો કરવામાં હવે તો ફૅમિલી પણ ખૂબ ઉત્સાહ દેખાડે છે. તેઓ કહે છે, ‘મોટો દીકરો વિરલ લાઇટિંગના બિઝનેસમાં છે અને ભત્રીજો મલય જ્યારે પણ ચાઇના કે યુરોપ ફેરમાં જાય ત્યારે ત્યાંથી વૉટ્સઍપ પર ફોટોગ્રાફ મોકલીને કન્ફર્મ કરે કે આ ઇરેઝર આપણી પાસે છે કે નહીં અને પછી જે ન હોય એ લઈને આવે. મારી નાનકડી પૌત્રી પહલ પણ દાદીના શોખને જાણી ગઈ છે એટલે તે પણ પોતાને મળતાં ઇરેઝર લાવીને પહેલાં મને આપે કે દાદી, તમને આ આમાંથી કયું જોઈએ છે? તમારી પાસે કયું નથી? તેણે મને ડોનટ, યુનિકૉર્ન વગેરે શેપનાં ઇરેઝરો આપ્યાં છે. મારા હસબન્ડ પણ મારા શોખ માટે મને રોકતા નથી. હું જ્યાં પણ ફરવા જાઉં ત્યાં શૉપિંગમાં સૌથી પહેલાં સ્ટેશનરીની શૉપની મુલાકાત લઉં અને નવું કયું ઇરેઝર માર્કેટમાં છે અને જે મારી પાસે નથી એની ખરીદી કરું અને પછી બીજી ખરીદી કરું.’
સંગીત, આર્ટ અને ફિટનેસ
આનંદમાં રહેવા માટે સંગીત પણ શ્રેષ્ઠ માધ્યમ છે એમ જણાવીને તેઓ કહે છે, ‘૩૫ વર્ષની ઉંમરે શ્યામાનંદજી ગુરુ પાસેથી ક્લાસિકલ સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. કંઈક નવું કરવાનું મન થયું એટલે હાલમાં ઑનલાઇન વાંસળી વગાડવાનું અને સિતાર વગાડવાનું શીખું છું.’
બધા જ શોખ માટે ફિટનેસ સૌથી જરૂરી છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘હું નિયમિત વ્યાયામ કરું છું. આપણે ફિટ તો કુટુંબ અને સમાજ ટકી રહેશે. પાછલી ઉંમરે બેસી ન જવું પડે એના માટે નાની ઉંમરથી જ વ્યાયામ કરીને ફિટ રહેવું બહુ જરૂરી છે, કારણ કે તમારા માટે જીવવાનો સમય આવે ત્યારે જો તમે ફિટ નહીં હો તો કેવી રીતે જીવનને માણી શકાશે? મેં ૫૦ વર્ષ પછી મૅરથૉનમાં ભાગ લેવાનું શરૂ કરેલું. મુંબઈ, વસઈ-વિરાર, કચ્છી મૅરથૉનમાં મેડલ મેળવ્યા છે. હાલમાં રન ઇન્ડિયા રન ગ્રુપમાં સૌથી મોટી ઉંમરની હું છું. રોજ થોડી વાર મોબાઇલ છોડીને ચાંદ-તારા જુઓ, આકાશમાં ફરતાં વાદળો જુઓ. પ્રકૃતિનો પ્રેમ તમને સ્વ સાથે પ્રેમ કરતાં શીખવશે.’ 



એકલાં જ કૈલાસ માનસરોવર જઈ આવ્યાં


ત્રણ વર્ષથી તેમને કૈલાસ માનસરોવર જવાની ઇચ્છા હતી. દીકરાનાં લગ્ન પછી વહુ પ્રિયંકાએ બધી જવાબદારીઓ સંભાળી લીધી હતી અને તેણે કહ્યું કે તમે નચિંત થઈને જાવ મમ્મી. પૂર્ણિમાબહેન કહે છે, ‘બધા જાણે છે કે આ યાત્રા પરથી પાછા આવશો કે નહીં એની ખબર નથી હોતી. મેં સાથે આવવા હસબન્ડને પૂછ્યું તો તેમણે ના પાડી. ફ્રેન્ડ્સ, સગાંસંબંધીઓ બધાએ ના પાડી. પરંતુ મારું જુનૂન હતું કે કોઈ આવે કે ના આવે, હું એકલી જઈશ. હું એક ટૂર્સ અને ટ્રાવેલ્સમાં કોઈ કંપની વગર ઊપડી ગઈ. હિમાલય પહોંચ્યા એ વખતે પ્લેનમાંથી ઊતર્યા પછી મને સતત ઊલટીઓ શરૂ થઈ ગઈ અને દવાની પણ અસર ન થતાં હૉસ્પિટલમાં જવું પડ્યું. મેં ડૉક્ટરોને કહ્યું કે જે ટ્રીટમેન્ટ કરવી હોય એ કરો પણ રાતે ડિસ્ચાર્જ આપી દેજો, કારણ કે બીજા દિવસે માનસરોવરની યાત્રા માટે નીકળવાનું હતું. ડૉક્ટરોએ સલાઇનના બે બાટલા લગાડ્યા. રાતના સાડાબાર વાગ્યે મને ડિસ્ચાર્જ મળ્યો અને બીજા દિવસે માનસરોવરનો અદ્ભુત નજારો મને જોવા મળ્યો. કૈલાસની પરિક્રમા વખતે  પણ ઑક્સિજન ઘટી જવાને કારણે શ્વાસમાં તકલીફ થઈ ગઈ હતી, પરંતુ મન મક્કમ હતું કે પરિક્રમા કરવી છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2021 01:36 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK