Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શક (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૨)

શક (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૨)

12 October, 2021 12:40 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

પ્રભાતને મળવા પોલીસ-સ્ટેશન આવતાં પહેલાં ડિટેક્ટિવ સોમચંદ મનોજ મહેતાના ઘરે ગયા હતા

ડાયરીમાં પ્રભાતના નામ સાથે તેનો મોબાઇલ-નંબર અને એ જ મોબાઇલ-નંબરની નીચે બીજો નંબર મનોજે સેવ કર્યો હતો.

ડાયરીમાં પ્રભાતના નામ સાથે તેનો મોબાઇલ-નંબર અને એ જ મોબાઇલ-નંબરની નીચે બીજો નંબર મનોજે સેવ કર્યો હતો.


‘કાં તો આ કામ જેણે કર્યું છે એ તારી ઓળખાણમાં છે અને કાં તો તને સાચા આરોપીને ઓળખી લેવાની તક જોઈતી નથી.’

‘પ્રભાત, આઇ ઍમ આસ્કિંગ યુ...’



પોલીસ કમિશનર અભય તલવળકરે પ્રભાત સામે જોયું. એક ને એક સવાલ તે ચોથી વખત પ્રભાતને પૂછતા હતા અને પ્રભાતની નજર નીચી જ રહી હતી.


‘યુ વૉન્ટ ટુ ક્લૅરિફાય ઍનીથિંગ...’

‘યસ, યસ સર...’


‘તો જવાબ આપ દરેક

વાતનો...’ કમિશનરની આંખોમાં ગુસ્સો હતો, ‘કાલે તું ચેતન અપાર્ટમેન્ટ ગયો હતો?’

‘હા...’

‘તું મનોજને ઓળખે છે?’

‘હા...’

‘તને ભાન છે, તું શું કહે છે?!’

‘યસ સર...’

‘મીન્સ, તુ અપના ગુના માન રહે હો?’

‘નહીં, મેં કોઈ ગુનો કર્યો નથી.’ પ્રભાતે મક્કમ સ્વરે કહ્યું, ‘કાલે હું ચેતન અપાર્ટમેન્ટમાં ગયો, મનોજને મળ્યો, પણ મેં મનોજનું મર્ડર

નથી કર્યું.’

‘આઇ ડોન્ટ  બીલિવ...’

‘હું જેકંઈ સાચું છે એ કહું છું.’

‘તો પછી મનોજના કૅમેરામાં જે ફોટો છે એ...’

‘આઇ ઍમ સૉરી, એના વિશે હું વાત કરવા નથી માગતો.’ પ્રભાતે કમિશનર સામે જોયું, ‘હું તમને કેસમાં કોઈ ફેવર કરવા નથી કહેતો. બસ, એટલું કરી આપો, આ છોકરીની કોઈ ઇન્ક્વાયરી ન થાય...’

‘આર યુ મેડ...’ તલવળકર ચિલ્લાયા, ‘છોકરીને બચાવવાની લાયમાં તું તારી કરીઅર ખતમ

કરે છે.’

પ્રભાત ચૂપ રહ્યો.

‘હજી પણ તને કહું છું, હું તને કેસમાંથી બહાર કાઢી લઈશ.

છોકરીનું નામ...’

‘છોકરીની વાત નહીં સર, પ્લીઝ...’

‘પ્રભાત, શું કામ આવી ભૂલ કરે છે દોસ્ત...’

‘જુઓ સર, કોઈ ભૂલ નથી કરી મેં. મર્ડર મેં નથી કર્યું. હા, હું મનોજના ઘરે ગયો અને આ જ ફોટો માટે ગયો. મનોજને મેં માર માર્યો એ પણ હું કબૂલીશ. મનોજના કમ્પ્યુટરમાંથી ફોટોગ્રાફ ડિલીટ કરાવીને હું ત્યાંથી નીકળી ગયો.

મને ખબર નહોતી કે ફોટોગ્રાફ્સનું બૅક-અપ તેની પાસે હશે.’

‘હા, પણ એ પછીનું તું કશું કહેતો નથી...’ કમિશનરે તાળો મેળવ્યો, ‘પછી તું ફરી મનોજને ત્યાં ગયો. મનોજ તને નીચે મળી ગયો, તારી અને મનોજ વચ્ચે બોલાચાલી થઈ. ઍઝ યુઝ્‍વલ, ગુસ્સો કન્ટ્રોલ થયો નહીં તારાથી અને તેં મનોજને મારી...’

‘ના, બિલકુલ નહીં. મનોજને ત્યાંથી નીકળીને હું બહાર ગયો અને પછી રાતે બે વાગ્યે ઘરે ગયો. તમે મારી વાઇફને પૂછી શકો છો.’

‘હા, પણ મનોજના ઘરેથી નીકળીને બહાર ક્યાં ગયો હતો તું?’

‘સૉરી સર, એ તમને નહીં

કહીં શકું...’

‘ધેન પ્રભાત, હું પણ તને હેલ્પ નહીં કરી શકું...’

અભય તલવળકરે બેલ વગાડી એટલે બહાર ઊભેલા ઇન્સ્પેક્ટર જોષી અંદર આવ્યા.

‘જોષી, તમે પ્રોસીજર આગળ વધારી શકો છો...’ કમિશનરે તાકીદ પણ કરી, ‘ઍન્ડ યા, બી કૅર ફુલ. કેસ બહુ ગાજે નહીં...’

‘જી...’ પ્રવીણને સમજાયું નહીં કે સિનિયર ઇન્સ્પેક્ટર પ્રભાત શુંગ્લુ સામે કઈ ઍક્શન લેવાના છે. અડધી મિનિટની ચુપકીદી પછી તેણે પૂછ્યું.

‘સર, પ્રભાતસર કે સાથ...’

‘હી ઇઝ સસ્પેન્ડ...’ તલવળકરે પ્રભાત અને પેલી છોકરીના ફોટો પરથી નજર ઊંચી કર્યા વિના કહી દીધું, ‘યુ કૅન અરેસ્ટ  હ િમ...’

lll

મિત્રની હત્યાના કેસમાં

જાણીતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રભાત શુંગ્લુની અરેસ્ટ.

મોટા ભાગનાં ન્યુઝપેપરની હેડલાઇન સમાન હતી. મોટા ભાગની હકીકત યથાવત્ રહેવા દેવામાં આવી હતી, પણ યુવતી અને તસવીરોને લગતી વાતોની બ્રીફ કોઈને આપવામાં નહોતી આવી. મર્ડરનું કારણ મતભેદ અને પૈસાની લેવડ-દેવડ દેખાડવામાં આવી. જોકે એ કારણ પણ પત્રકારોએ અનુમાન સાથે દર્શાવ્યું હતું.

 

‘હેલો...’

‘હંઅઅઅ...’ વૉલ્યુમ મ્યુટ ર્ક્યા વિના જ ડિટેક્ટિવ સોમચંદે મોબાઇલ રિસીવ કર્યો, ‘હું, હું સીમા વાત

કરું છું...’

‘હંઅઅઅ...’

‘ઇન્સ્પેક્ટર પ્રભાત શુંગ્લુની

વાઇફ સીમા...’

‘ઓહ...’ સોમચંદે તરત ટીવી મ્યુટ કર્યું, ‘આઇ ઍમ સૉરી, ઍક્ચ્યુઅલી...’

‘ઇટ’સ ઓકે.’ સીમાના અવાજમાં નરમાશ હતી, ‘હું તમને મળવા

માગું છું.’

‘પ્રભાતના કેસ માટે?’

‘હા...’

‘મળીએ પણ...’ સોમચંદ સહેજ અટક્યા, ‘ટુ બી વેરી ઓનેસ્ટ વિથ યુ, મને કોઈ શક્યતા નથી દેખાતી, ઓનેસ્ટલી.’

‘હા, પણ સોમચંદ પ્રભાત બધું કબૂલે છે, પણ મર્ડરની વાત માનવા તૈયાર નથી.’

‘કેસમાં મર્ડર સિવાય કંઈ એવું છે નહીં જે સ્વીકારવાથી પ્રભાતને તકલીફ પડે.’

‘ઠીક છે...’ સીમાના અવાજમાં ફરીથી માયુસી આવી ગઈ, ‘સૉરી, તમને ડિસ્ટર્બ કર્યા.’

‘અરે, નો ઇશ્યુ, પ્રભાત બહુ મજાનો માણસ છે. પ્રભાતને કામ સિવાય કશું દેખાય નહીં અને કામ સિવાય એ...’ સોમચંદ એકાએક અટકી ગયા અને તેણે એકઝાટકે સીમાને પૂછ્યું, ‘સીમા, પ્રભાત એ માણસના ઘરે શું કામ ગયો એ વિશે તને કંઈ કહ્યું?’

‘ના, તે મારી સાથે વાત નથી કરતા અને, અને બહુ પૂછું તો તે રડવા માંડે છે...’

‘વૉટ...’ ડિટેક્ટિવ સોમચંદ કહ્યું, ‘ડોન્ટ વરી, આપણે હમણાં જ મળીએ...’

lll

‘તમે શું કામ મારી પાછળ પડ્યા છો, મારે કોઈ વાત નથી કરવી.’

પ્રભાત બરાબર અકળાયો હતો. એક કલાકથી સોમચંદ તેને સમજાવી રહ્યા હતા.

‘પ્રભાત, આઇ ઍગ્રી વિથ યુ...’ કામ પર થતી તોછડાઈને સોમચંદ ક્યારેય ગણકારતા નહીં, ‘તારે  વાત  નથી કરવીને, ઓકે. મારે વાત કરવી છે.  તું મને સાંભળ...’

‘ફટાફટ ભસો...’

‘રવિવારની રાતે તું ચેતન અપાર્ટમેન્ટ ગયો, પણ મર્ડર તેં કર્યું નથી એવું તું કહે છે અને તારે ચેતન અપાર્ટમેન્ટ શું કામ જવું પડ્યું એ કહેવા તું તૈયાર નથી.’

‘મારી મરજી...’

‘તારી મરજી, ઍગ્રી...’ સોમચંદના અવાજમાં નરમાશ હતી, ‘પ્રભાત, તને એવું નથી લાગતું કે તું ચૂપ રહીને ગુનેગારને સપોર્ટ કરે છે.’

‘... ...’

‘કાં તો આ કામ જેણે કર્યું છે એ તારી ઓળખાણમાં છે અને કાં તો તને સાચા આરોપીને ઓળખી લેવાની તક જોઈતી નથી.’

‘પણ...’

પ્રભાત સહેજ અટક્યો. તેના ચહેરા પરથી સ્પષ્ટ થતું હતું કે તે સોમચંદની વાત સાથે સહમત છે.

‘મને આ વાતને ઉછાળવામાં

રસ નથી.’

‘લિસન, પ્રભાત. મને તારી અંગત ઘટનાઓમાં રસ નથી. મને રસ નથી મીન્સ મને, કોઈ ત્રીજો આ ઘટનાઓમાં રસ લે એ વાત પણ પસંદ નથી આવવાની.’

‘હું કેવી રીતે તમારો ભરોસો કરું?’

‘હું હનુમાન નથી કે છાતી ફાડીને તને અંદરનો રામ દેખાડું...’

‘મને જ્યારે રામ દેખાશે ત્યારે વાત કરીશું આપણે.’

‘રામ કે રિચા...’

રિચા...

પ્રભાતના શરીરમાં કરન્ટ પસાર થઈ ગયો. આ માણસ રિચાને કઈ રીતે ઓળખે?

‘ત... તમે રિચાને...’

‘ભાઈ, કંઈ એમ ને એમ ડિટેક્ટિવની દુકાન નથી ખોલી.’

સોમચંદને મનોમન પોતાની જ પીઠ થાબડવાની ઇચ્છા થતી હતી.

lll

પ્રભાતને મળવા પોલીસ-સ્ટેશન આવતાં પહેલાં ડિટેક્ટિવ સોમચંદ મનોજ મહેતાના ઘરે ગયા હતા. મનોજ મુંબઈમાં એકલો રહેતો, પણ મનોજની હત્યા પછી તેના પેરન્ટ્સ ગુજરાતથી મુંબઈ આવી ગયા હતા. મનોજનાં બા-બાપુજી આવ્યાં એ પછી પોલીસ ડિપાર્ટમેન્ટે ફ્લૅટનું સીલ ખોલી આપ્યું હતું.

સોમચંદ મનોજના ઘરે પહોંચ્યા ત્યારે તેનાં બા-બાપુજી ઘરે જ હતાં. ઔપચારિક વાતો કરીને સોમચંદે મનોજના બેડરૂમ અને સ્ટડીરૂમની તલાશી લીધી હતી. મનોજનાં બા-બાપુજીએ પોલીસનો માણસ ધારીને સોમચંદને કોઈ રોકટોક નહોતી કરી. સોમચંદને મનોજના બેડરૂમ કરતાં સ્ટડીરૂમમાં વધુ રસ પડ્યો હતો. સ્ટડીરૂમની તલાશી લેતાં ડિટેક્ટિવ સોમચંદનું ધ્યાન મનોજના કબાટમાં પડેલી ડિજિટલ ડાયરી પર ગયું હતું. મોબાઇલયુગમાં ૯૦ના દસકાની મનોજ ડિજિટલ ડાયરી વાપરે એ જોઈને સોમચંદને નવાઈ લાગી હતી.

જ્યાં અને જ્યારે નવાઈ લાગે ત્યારે ધારવું કે તમે સાચી દિશામાં આગળ વધો છો. ડિટેક્ટિવ સોમચંદ આ વાત દૃઢપણે માનતા.

મનોજની ડિજિટલ ડાયરીનો ડેટા સોમચંદે રસ્તામાં ચેક કર્યો હતો.

ડાયરીમાં પ્રભાતના નામ સાથે તેનો મોબાઇલ-નંબર અને એ જ મોબાઇલ-નંબરની નીચે બીજો નંબર મનોજે સેવ કર્યો હતો.

૦૦૧-૬૩૦૯-૬૪૧ર૯૯.

અમેરિકામાં કોઈક સાથે ઇન્સ્પેક્ટર શુંગ્લુને કૉન્ટૅક્ટ હોય એવું માનવા સોમચંદનું મન તૈયાર નહોતું. તો શું મનોજે કોઈ બીજા કારણસર અમેરિકાનો એ નંબર પ્રભાતના નામ સાથે સેવ કર્યો હતો?

ડિટેક્ટિવ સોમચંદે ૦૦૧-૬૩૦૯-૬૪૧ર૯૯ ડાયલ કર્યો.

ટ્રિન... ટ્રિન...

ટ્રિન... ટ્રિન...

બધી રિંગ પૂરી થઈ, પણ સામેથી કોઈએ ફોન ઉપાડ્યો નહીં.

સોમચંદે ઘડિયાળમાં જોયું.

મુંબઈમાં સવારે ૧૧ વાગ્યા હતા. ભારત અને અમેરિકા વચ્ચે બારેક કલાકનું અંતર હતું. મુંબઈમાં સવારના ૧૧ થયા હોય તો અમેરિકામાં રાતના ૧૧ વાગ્યા હોય. કોઈ રાતે ૧૧ વાગ્યે સૂઈ જાય અને એ પણ અમેરિકામાં એ વાતમાં માલ નથી.

સોમચંદે નંબર રીડાયલ કર્યો.

ટ્રિન... ટ્રિન...

ટ્રિન... ટ્રિન...

‘હેલો...’

સામેથી એક યુવતીનો અવાજ સંભળાયો.

‘હાય...’

સોમચંદ સહેજ મૂંઝાયા.

શું કહેવું હવે એ લેડીને? મનોજના નામના ઉલ્લેખથી ફાયદો થશે કે પછી પ્રભાતના નામથી વાતચીત

આગળ વધશે?

‘હૂ ઇઝ ઑન ધ લાઇન...’

‘પ્રભાત’સ ફ્રેન્ડ...’ સોમચંદે પ્રભાતનું નામ વાપર્યું.

‘ઓહ...’ સામેથી આવતા અવાજમાં થોડી નિરાશા ઉમેરાઈ, ‘નાઉ, હાઉ ઇઝ હી?’

‘નથિંગ ટુ વરી.’ સોમચંદને અંદાજ આવી ગયો કે સામે છેડે રહેલી વ્યક્તિને પ્રભાતના વર્તમાન વિશે ખબર છે.

lll

‘પણ...’

પ્રભાતના અવાજમાં સહેજ થોથવાટ આવી ગયો.

‘ડોન્ટ વરી, પ્રભાત.’ સોમચંદે પ્રભાતના ખભા પર હાથ મૂક્યો,

‘જે કંઈ છે એ આપણા બે વચ્ચે

રહેશે. પ્રૉમિસ.’

પ્રભાત કશું બોલ્યા વિના નીચું જોઈ ગયો.

‘પ્રભાત, હું હનુમાન નથી કે

છાતી ફાડીને...’

‘હું અને રિચા કૉલેજમાં સાથે હતાં...’

પ્રભાતે વાત કરવાની શરૂ કરી. પ્રભાતની આંખો જમીન પર ખોડાયેલી હતી અને સોમચંદની, પ્રભાત પર. હવે માત્ર ભૂતકાળ ઉલેચાવાનો નહોતો, પણ એક એવા કેસ પરથી પણ પડદો ઊપડવાનો હતો, જેણે મુંબઈના હોનહાર પોલીસ-ઇન્સ્પેક્ટરને આરોપી બનાવી દીધા હતા.

 

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2021 12:40 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK