Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અક્કલ બડી કે એઆઇ?

અક્કલ બડી કે એઆઇ?

29 January, 2023 03:35 PM IST | Mumbai
Kana Bantwa

માણસની બુદ્ધિ શબ્દવિહીન પણ વિચારી શકે. કળાને એઆઇ સમજી નથી શકતું એનું કારણ એ છે કે કળા શબ્દથી પર છે, શબ્દાતીત છે અને એઆઇ માત્ર શબ્દને જ સમજી શકે છે

પ્રતીકાત્મક તસવીર

કમ ઑન જિંદગી

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતી ભાષામાં બુદ્ધિ માટે એક શબ્દ છે, અકલ. મૂળ શબ્દ અરબી અક્લ છે, અ આખો, ક અડધો અને લ આખો. અરબસ્તાનમાં ઊંટને બાંધવા માટેની રસ્સીને પણ અકલ કહેવામાં આવે છે. અકલ અર્થાત્ બુદ્ધિ, જે મનને બાંધી રાખે છે. એના પરથી બાંધી રાખનાર એટલે અકલ અથવા અક્કલ. અરબીમાં અકલ શબ્દનો એક અર્થ ‘તે ડાહ્યો હતો’ એવો થાય છે.

પોતાની પાસે ધન ઓછું છે એવું માણસ સ્વીકારી લઈ શકે, આવડત ઓછી છે એવું પણ કબૂલ કરી લે, પોતે બહુ દેખાવડા નથી એ પણ માની લઈ શકે; પરંતુ પોતાનામાં બુદ્ધિ ઓછી છે એવું કોઈ માણસ માનતો નથી. દરેક માણસ પોતાને બુદ્ધિમાન, સૌથી બુદ્ધિશાળી માનતો હોય છે. આપણે જેને અક્કલમઠ્ઠો કહીએ એવા નમૂના પણ પોતાની જાતને બુદ્ધિશાળી જ માનતા હોય છે. આ જગતમાં બુદ્ધિ જ એકમાત્ર એવી ચીજ છે જે પોતાના ભરપૂર હોય એવું દરેક દૃઢપણે માને જ.



આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ માણસના છેલ્લા કિલ્લાને પણ તોડી પાડશે એવા ગયા સપ્તાહના આર્ટિકલના અનુસંધાને કેટલાય વાચકો તરફથી પ્રતિભાવ અને પ્રશ્નો આવ્યા. એમાં બે પ્રશ્ન મહત્ત્વના હતા : આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જો આટલું શક્તિશાળી હોય અને એના દ્વારા માનવ ઇતિહાસ બદલી જવાનો હોય, માનવી પર સૌથી મોટા ખતરા તરીકે એને જોવામાં આવતું હોય તો એનો કોઈ ઉલ્લેખ આપણાં શાસ્ત્રોમાં, આપણા ધર્મગ્રંથોમાં છે ખરો? બીજો, માનવ બુદ્ધિ અને કૃત્રિમ બુદ્ધિમાં એવો તે શું ફરક છે કે મશીનની બુદ્ધિ એને પહોંચી શકતી નથી? પ્રથમ પ્રશ્નનો સીધો જવાબ એ છે કે કૃત્રિમ બુદ્ધિનો કોઈ જ સ્પેસિફિક ઉલ્લેખ કોઈ ધર્મગ્રંથમાં, કોઈ શાસ્ત્રમાં નથી. બુદ્ધિનો ઉલ્લેખ બધા જ ધર્મગ્રંથોમાં, શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કરવામાં આવ્યો છે. એમાં યાંત્રિક બુદ્ધિનો આડકતરો ઉલ્લેખ છે, પણ, એ અલગ જ સંદર્ભમાં છે. આપણે જેને એઆઇ કહીએ છીએ એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. બુદ્ધિ વિશે દુનિયાના દરેક ધર્મમાં અને દર્શનમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ભારતીય દર્શનમાં બુદ્ધિ, પ્રજ્ઞા બાબતે કદાચ સૌથી વધુ વિચાર કરવામાં આવ્યો છે. મન, બુદ્ધિ, અહંકાર અને અંત:કરણ એવા ભાગ પણ ભારતીય દર્શનમાં, ખાસ કરીને વેદાંતમાં પાડવામાં આવ્યા છે. આટલું ઝીણું અન્ય દર્શનમાં કાંતવામાં આવ્યું નથી.


કૃત્રિમ બુદ્ધિ, એઆઇ જગત પર પ્રભુત્વ જમાવવાની તૈયારીમાં છે એવું કહેવાય છે તો માણસની બુદ્ધિ અને કૃત્રિમ બુદ્ધિમાં ફરક શું છે એ ભેદ સમજી લેવામાં આવે તો એ આશ્વાસન મળે કે હજી તો એઆઇ માણસની બુદ્ધિને પાછળ રાખી દે એવો સમય આવ્યો નથી અને એવો સમય આવવામાં વાર પણ લાગશે. માણસની બુદ્ધિ માત્ર માહિતી કે યાદશક્તિ કે તર્કશક્તિ કે અનુભવોને જોડીને જોવાની શક્તિ માત્ર નથી. લાગણી, ભાવ, વૃત્તિ, અનુભૂતિ, વિચાર, ચેતના, સજાગતા, જાગૃતતા અને આત્મભાન બુદ્ધિને અસર કરનાર મહત્ત્વનાં પરિબળો છે. આ બધું ભળવાને કારણે માણસની બુદ્ધિ એકદમ કૉમ્પ્લેક્સ, ગૂંચવાડાભરી ચીજ બની જાય છે, એને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. આવું થવાનું કારણ પણ વૈજ્ઞાનિક આધાર ધરાવે છે. બુદ્ધિ માણસના અનુભવો, તેને મળેલું શિક્ષણ, તેને મળેલું એક્સપોઝર, તેને થયેલા અનુભવો, તેણે જોયેલું, તેણે સાંભળેલું અને સમજેલું જેટલું હોય એ મુજબ વિકસે છે.

માણસનું મન ધારણા, તર્ક, યાદશક્તિ અને સમજણના આધારે પોતાને મળેલી માહિતીનું પૃથક્કરણ કરવાની શક્તિ કેળવે એને બુદ્ધિ કહેવામાં આવે છે. માણસની બુદ્ધિને કૌશલ્યો મુજબ વહેંચવામાં આવી છે. ભાષાકીય બુદ્ધિ : મનુષ્યમાં ભાષાનો વિનિમય કરવાની, એને શીખવાની, એને સમજવાની ક્ષમતા હોય છે એટલે જે માણસમાં લિન્ગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ હોય તે સારો લેખક, સારો વક્તા, સારો કવિ, સારો અનુવાદક બની શકે. તર્ક–ગણિત બુદ્ધિ : ગણિતનાં સમીકરણો સમજવાં એટલું જ નહીં, એના કરતાં અલગ પણ કંઈક હોઈ શકે એવું વિચારવાની ક્ષમતા માનવબુદ્ધિ ધરાવે છે. મુશ્કેલ સ્થિતિમાંથી માર્ગ કાઢવામાં આ બુદ્ધિ કામમાં આવે છે. ભૌગોલિક બુદ્ધિ : કોઈ પણ વસ્તુ કે સ્થળને જોઈને ઓળખી, સમજી જવાની ક્ષમતા છે. આર્કિટેક્ટ, ડિઝાઇનરમાં આવી બુદ્ધિ હોય છે. મ્યુઝિકલ બુદ્ધિ : સંગીતની રચના કરવી, સંગીતને સમજવું એ માણસની એક વિશિષ્ટ ક્ષમતા છે. જોકે હમણાં એઆઇ સંગીત કમ્પોઝ કરવામાં સફળ રહ્યું હોવાના સમાચાર છે. આવી જ રીતે કળાઓ માણસ સિવાય અન્ય કોઈ પાસે નથી. મશીન કળાને માણી કે સમજી શકે નહીં. એઆઇ પાસે ચિત્રો દોરાવવામાં આવ્યાં છે અને કવિતાઓ લખાવી છે, પણ એમાં ગાલિબ કે શેક્સપિયર જેવી મજા નથી. માણસની બુદ્ધિ શબ્દવિહીન પણ વિચારી શકે. કળાને એઆઇ સમજી નથી શકતું એનું કારણ એ છે કે કળા શબ્દથી પર છે, શબ્દાતીત છે અને એઆઇ માત્ર શબ્દને જ સમજી શકે છે. એ શબ્દોના આધારે જ વિચારી શકે છે એ એની સહુથી મોટી નબળાઈ છે. પારસ્પરિક બુદ્ધિ ધરાવતી વ્યક્તિ સામેની વ્યક્તિને સારી રીતે સમજી શકે છે, લોકો સાથે સંબંધો બનાવી શકે છે. વ્યક્તિગત બુદ્ધિ ધરાવનારાઓ પોતાના વિચારો, પોતાના ભાવને સારી રીતે સમજી શકતા હોય છે. આવા લોકો થોડા અંતર્મુખી હોય છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ અર્થાત્ ભાવનાત્મક બુદ્ધિ ધરાવનારા લોકો પોતાની લાગણીઓને સમજી શકતા હોય છે, એને નિયંત્રણમાં રાખી શકતા હોય છે અને સાથે જ સામેની વ્યક્તિની લાગણીને, ભાવનાને સમજીને એને યોગ્ય પ્રતિભાવ આપી શકતા હોય છે. આવા લોકો સંવેદનશીલ અને સહાનુભૂતિપૂર્ણ હોય છે. ક્રીએટિવ બુદ્ધિ ધરાવનારાઓ નવા જ મૌલિક આઇડિયા આપનાર, નવું વિચારનારા આઉટ ઑફ ધ બૉક્સ વિચારનાર હોય છે. પ્રૅક્ટિકલ બુદ્ધિવાળા માણસો ભલે ઓછા ભણેલા હોય તો પણ સ્માર્ટ હોય છે. તેઓ પ્રૅક્ટિકલ હોય છે એટલે ગમે તેવી સ્થિતિમાં રસ્તો કાઢી લેવાનું તેમનામાં કૌશલ્ય હોય છે. આ બધા વિભાગ પાડ્યા એ સિવાયનાં પણ અનેક પ્રકારનાં ઇન્ટેલિજન્સ ગણાવી શકાય.


ભારતીય દર્શનમાં બુદ્ધિનું એક અલગ જ ચિત્રણ થયું છે. એને મનની શક્તિ નહીં, મનથી અલગ જ અસ્તિત્વ ધરાવનાર ગણવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં કહ્યું છે કે ‘મનસસ્તુ પરા બુદ્ધિ.’ મન કરતાં બુદ્ધિ વધુ શ્રેષ્ઠ છે. બુદ્ધિથી શ્રેષ્ઠ માત્ર આત્મા જ છે. કૃષ્ણ બુદ્ધિને મનનો ભાગ નહીં, મન કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ કહે છે એનું કારણ એ છે કે બુદ્ધિ મનને પણ કાબૂમાં રાખી શકે છે. માણસની બુદ્ધિની એ જ વિશિષ્ટતા છે કે એ પોતાના પર જ શંકા કરી શકે છે. પોતે જે વિચાર્યું એનાથી વધુ, અલગ કંઈક હોઈ શકે એવું બુદ્ધિ વિચારી શકે. પોતાને વધુને વધુ સક્ષમ બનાવવા માટેનો આ ઉપાય છે. આ ક્ષમતાને લીધે જ માનવ બુદ્ધિ વિકસી છે. માણસની બુદ્ધિ માત્ર તેને મળતા વાતાવરણ, શિક્ષણ, અનુભવો, અનુભૂતિઓ, ઘટનાઓ અને માહિતીના આધારે જ વિકસતી નથી; એમાં બહુ મોટો ભાગ વારસાગત હોય છે. કોનામાં કેટલી બુદ્ધિ હોય એનો મોટો આધાર જિનેટિક્સ પર છે. બુદ્ધિ વારસાગત પણ હોય છે અને વિજ્ઞાનીઓએ એવા જિન પણ શોધી કાઢ્યા છે જે બુદ્ધિ માટે જવાબદાર હોય.

બુદ્ધિ મનુષ્યને જન્મથી મળતી હોય છે એવું માત્ર વિજ્ઞાન જ નથી કહેતું, અધ્યાત્મ પણ કહે છે. ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, માણસ મૃત્યુ પામે ત્યારે આત્મા એકલો જતો નથી, એ મન અને ઇન્દ્રિયોના અનુભવોની છાપને સાથે લઈ જાય છે અને નવા જન્મમાં એ મનુષ્યને મળે છે. કેટલાંક બાળકો જન્મતાં જ અત્યંત મેધાવી હોય છે એનું કારણ આ છે. 
એઆઇની સરખામણીમાં માણસની બુદ્ધિના આ બધા એવા ગુણ છે જે એને વધુ ચડિયાતી બનાવે છે. એઆઇ સામે ચૅલેન્જ છે માનવીની બુદ્ધિની હરીફાઈ કરવાની.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 03:35 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK