Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સફરજન કાશ્મીરની બરફીલી ઠંડીમાં જ ઊગે એવું કોણે કહ્યું? એક JCB આૅપરેટરે મહારાષ્ટ્રમાં ઉગાડ્યો સફરજનનો બગીચો

સફરજન કાશ્મીરની બરફીલી ઠંડીમાં જ ઊગે એવું કોણે કહ્યું? એક JCB આૅપરેટરે મહારાષ્ટ્રમાં ઉગાડ્યો સફરજનનો બગીચો

Published : 24 May, 2026 01:18 PM | IST | Mumbai
Laxmi Vanita

મહારાષ્ટ્ર દ્રાક્ષ, દાડમ, કેરી, શેરડી અને શાકભાજી માટે તો ઓળખાય જ છે. તો શું ભવિષ્યમાં મહારાષ્ટ્ર સફરજન માટે પણ જાણીતું બની શકે? જાણીએ આ સાહસિક કૃષિપ્રેમીના પ્રયોગને

બગીચામાંથી એક વૃક્ષદીઠ આશરે દસથી ૧૫ કિલો ઉત્પાદન મળવાનું નોંધાયું છે. વર્ષમાં બે વખત પાક ઊતરે છે : નવેમ્બર, ડિસેમ્બર અને એપ્રિલ-મે મહિનામાં.

બગીચામાંથી એક વૃક્ષદીઠ આશરે દસથી ૧૫ કિલો ઉત્પાદન મળવાનું નોંધાયું છે. વર્ષમાં બે વખત પાક ઊતરે છે : નવેમ્બર, ડિસેમ્બર અને એપ્રિલ-મે મહિનામાં.


સાતારાના પસરણી ગામમાં રાજુ ભિલારે નામના કૃષિપ્રેમીએ ખેતીના કોઈ અનુભવ વિના બે એકરમાં ખાસ પ્રકારનાં સફરજન વાવવામાં સફળતા મેળવીને લોકોને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ઍપલ ઠંડા પ્રદેશમાં થાય છે એવી માન્યતા છે, પરંતુ મહારાષ્ટ્રમાં આ સફળ પ્રયોગે કૃષિજગતમાં ચર્ચા જગાવી છે. મહારાષ્ટ્ર દ્રાક્ષ, દાડમ, કેરી, શેરડી અને શાકભાજી માટે તો ઓળખાય જ છે. તો શું ભવિષ્યમાં મહારાષ્ટ્ર સફરજન માટે પણ જાણીતું બની શકે? જાણીએ આ સાહસિક કૃષિપ્રેમીના પ્રયોગને

સામાન્ય રીતે ભારતમાં સફરજનનું નામ આવે ત્યારે લોકોના મનમાં હિમાચલ પ્રદેશ, કાશ્મીર અથવા ઉત્તરાખંડ જેવા ઠંડા પ્રદેશ આવી જાય છે, કારણ કે સફરજનને પરંપરાગત રીતે ઠંડા હવામાન અને લાંબા શિયાળાની જરૂરિયાતવાળો પાક માનવામાં આવે છે. પણ શું સફરજન મહારાષ્ટ્રની ૪૦ ડિગ્રી ગરમીમાં ઊગી શકે ખરા? યસ, મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં સફરજનના એક બગીચાએ હાલમાં લોકોમાં ખાસ ચર્ચા જગાવી છે. સાતારા જિલ્લાના વાઈ તાલુકાના પસરણી ગામનો રહેવાસી રાજુ ભિલારે આમ તો વ્યવસાયે JCB ઑપરેટર છે. જોકે એ માત્ર અર્થમૂવર ચલાવવાનું જ કામ નથી કરતો. જ્યાં આ મશીન ચલાવે એની આસપાસની ટેક્નિકલ બાબતોને પણ સમજવાનો રસ અને ધગશ તેનામાં કૂટી-કૂટીને ભર્યા છે. કોઈ વૈજ્ઞાનિક કે ખેતીકામના બૅકગ્રાઉન્ડ વિના જ માત્ર કોઠાસૂઝ અને જે જોયું અને સમજ્યું એના આધારે રાજુ ભિલારેએ એક નવતર પ્રયોગ આરંભ્યો હતો અને એમાં સફળતા મેળવી છે. ઠંડા પ્રદેશોમાં થતા સફરજનના પાકને સાતારામાં ઉગાડીને નવું કુતૂહલ સરજ્યું છે. ખાસ કરીને એપ્રિલ-મેના સમયગાળા દરમ્યાન પાક મળવો એ આ પ્રયોગને વધુ રસપ્રદ બનાવે છે. કેવી રીતે આ પ્રયોગની શરૂઆત થઈ અને ભવિષ્ય શું કહેશે એના પર વાત કરીએ.



સાતારામાં સફરજનનો વિચાર આવ્યો કેવી રીતે?


રાજુ ભિલારે અર્થમૂવર ઑપરેટર છે અને એ કામ માટે તે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, ભારતના વિવિધ ગામો અને રાજ્યોમાં ભ્રમણ કરી ચૂક્યો છે. થોડાંક વર્ષો પહેલાં તેને કાશ્મીરમાં કામ કરવા જવાનું થયું. ત્યાંની ઠંડક તેને પોતાના ઘર જેવી લાગી. પસરણી ગામ પંચગની અને મહાબળેશ્વરના ડુંગરાળ વિસ્તારમાં આવે છે. આ જગ્યા મિની કાશ્મીર તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રના સામાન્ય ગરમ વિસ્તારો કરતાં અહીં વાતાવરણ અલગ હોય છે. આ વિસ્તાર ઊંચાઈ, ઠંડક, સવારનો ભેજ, ધુમ્મસ અને ખાસ માઇક્રો-ક્લાઇમેટ માટે જાણીતો છે. મોટા ભાગના લોકો આ વિસ્તારને પ્રવાસન અને સ્ટ્રૉબેરીના પાક માટે ઓળખે છે. અહીંના ખેડૂતો મોટા ભાગે પરંપરાગત પાક પર નિર્ભર રહે છે ત્યાં રાજુ ભિલારેએ વિચાર્યું કે જો આ વિસ્તારની આબોહવાને અનુકૂળ જાત પસંદ કરવામાં આવે તો સફરજન જેવા ફળની ખેતી પણ શક્ય બની શકે ખરી. આ વિચાર આવી તો ગયો, પણ એને અમલમાં મૂકવો અને સફળ બનાવવાનું સહેલું નહોતું. કારણકે રાજુ પાસે પોતાનો ખેતીનો અનુભવ ખાસ હતો નહીં અને મહારાષ્ટ્રમાં સફરજનની વ્યાવસાયિક ખેતીનો વિચાર મોટા ભાગના લોકો અશક્ય માનતા હોવાથી તેને કોઈ પ્રૉપર ગાઇડન્સ પણ મળે એમ નહોતું. એમ છતાં તેણે પોતાની રીતે રિસર્ચ કરી. તબક્કાવાર રીતે આખો પ્રયોગ કરવા માટે પ્લાનિંગ કર્યું. કોરી સ્લેટ હોવાથી તેણે દરેક પગલું ભરતી વખતે સમજીવિચારીને કદમ મૂક્યું.

બે વર્ષ પહેલાં પ્રયોગ શરૂ થયો


રાજુ ભિલારે પરંપરાગત ખેડૂત નથી પરંતુ તેને કૃષિ પ્રત્યે લગાવ છે. સાતારામાં સફરજન વાવવા માટે સૌથી મહત્ત્વનો મુદ્દો હતો બીજની પસંદગી કઈ રીતે કરવી? પરંપરાગત સફરજનની જાતોને લાંબા સમય સુધી ભારે ઠંડીની જરૂર પડે છે જે મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં મળતી નથી, પરંતુ રાજુ ભિલારેએ લો-ચિલ (low-chill) એટલે જેને ઓછી ઠંડીની જરૂર પડે છે એવી જાત પસંદ કરી, જે ઓછા શિયાળામાં પણ ફૂલ અને ફળ આપી શકે. એ માટે તેણે લગભગ બે એકર વિસ્તારમાં સફરજનના આશરે ૬૦૦ છોડ રોપ્યા. આ બગીચાની શરૂઆત ૨૦૨૪ના મે મહિનામાં કરી હતી. બગીચામાં અન્ના (Anna) અને ડૉર્સેટ ગોલ્ડન (Dorsett Golden) જેવી ગરમ પ્રદેશમાં અનુકૂળ આવે એવી જાતનો ઉપયોગ થયો હતો. છોડને યોગ્ય વૈજ્ઞાનિક અંતરે રોપવામાં આવ્યા હતા જેથી વૃક્ષોના વિકાસ, હવાની અવરજવર અને સૂર્યપ્રકાશનું યોગ્ય સંચાલન થઈ શકે. આ પ્રયોગ કંઈ એમ જ શોખખાતર શરૂ થઈ જાય એમ નહોતો, કેમ કે આ માટે તેણે આર્થિક રોકાણ પણ કરવું પડે એમ હતું. બે એકરના એક બગીચા માટે લગભગ ૪ લાખ રૂપિયાનો પ્રારંભિક ખર્ચ થયો હતો એટલે આ એક ગંભીર અને આયોજનબદ્ધ કૃષિપ્રયોગ હતો.

એક ભૂલ અને બધું ડૂલ

સફરજનની ખેતી સામાન્ય પાક જેવી નથી. ખેડૂત આજે વાવેતર કરે અને થોડા મહિનામાં આવક મળી જાય એવું અહીં શક્ય નથી. બગીચો ઊભો કરવા માટે જમીનની તૈયારી, જાતની પસંદગી, પાણીનું આયોજન, છટણી, જીવાત નિયંત્રણની સમજ જરૂરી બને છે. જે-તે જાતનો કઈ સીઝનમાં પાક ઊતરશે અને એ દરમ્યાન બજારની સ્થિતિ શું હશે એનો અભ્યાસ પણ ખેતીની સફળતા માટે બહુ મહત્ત્વનો છે. આ બધું ધ્યાનમાં રાખીને રાજુ ભિલારેએ બગીચાનું સંચાલન કર્યું. ફળના બગીચામાં એક વાર ભૂલ થાય તો ખેડૂત એક સીઝન નહીં પરંતુ વર્ષો ગુમાવી શકે છે એટલે આ પ્રકારનો પ્રયોગ ખેડૂત માટે નાણાકીય અને ટેક્નિકલ બન્ને રીતે જોખમી હતો.

મહેનતનું સફરજન મળ્યું

સફરજનના પાકનું સૌથી રસપ્રદ પાસું એ છે કે આ બગીચામાં વર્ષમાં બે વખત ઉત્પાદન મળવાનું નોંધાયું. એક પાક એપ્રિલ-મે દરમ્યાન મળે છે અને બીજો પાક નવેમ્બર-ડિસેમ્બર દરમ્યાન આવે છે. ખાસ કરીને એપ્રિલ-મે દરમ્યાન પાક મળવો ભારતીય બજારના દૃષ્ટિકોણથી ખૂબ જ રસપ્રદ છે, કારણ કે આ સમયગાળામાં ઉત્તર ભારતના પરંપરાગત સફરજન પાકના બજાર સમયથી અલગ સ્થિતિ સર્જાઈ શકે છે. જો કોઈ ખેડૂત બજારમાં અલગ સમય પર ગુણવત્તાવાળો પાક લાવી શકે તો તેને વધુ સારો ભાવ મળવાની શક્યતા રહે છે. આથી આ બગીચો માત્ર ખેતીનો પ્રયોગ નથી પરંતુ હૉર્ટિકલ્ચર માર્કેટિંગની દૃષ્ટિએ પણ રસપ્રદ કેસ બની જાય છે.

મહારાષ્ટ્રમાં બધે જ સફરજન ઊગી જાય એવું બનવાનું નથી

રાજુ ભિલારેના આ પ્રયોગની સફળતા જોઈને એવો અર્થ કાઢવો ખોટો રહેશે કે મહારાષ્ટ્રના દરેક વિસ્તારમાં હવે સફરજનની ખેતી થઈ શકે. રાજુ ભિલારેનો આ પ્રયોગ એક ખાસ માઇક્રો-ક્લાઇમેટ પર આધારિત સફળતા છે. સફરજનની ખેતી માટે માત્ર રાજ્યનું નામ મહત્ત્વનું નથી; પરંતુ ચોક્કસ વિસ્તારની ઊંચાઈ, તાપમાન, ભેજ, શિયાળાની સ્થિતિ, માટી, પાણી અને વૈજ્ઞાનિક સંચાલન બધું સાથે મળીને કામ કરે છે. સાતારાના ડુંગરાળ વિસ્તારનું હવામાન મહારાષ્ટ્રના સમતલ અને ગરમ વિસ્તારો કરતાં જુદું છે. તેથી એક ખેડૂતની સફળતા આખા રાજ્ય માટે સામાન્ય સૂત્ર બની શકે એમ નથી, પરંતુ અહીંના ખેડૂતો એક નવો પાક લઈને તેમની ઇકૉનૉમીમાં વૃદ્ધિ જરૂર કરી શકે. 

આવક પણ સારીએવી

બગીચામાંથી એક વૃક્ષદીઠ આશરે દસથી ૧૫ કિલો ઉત્પાદન મળવાનું નોંધાયું હતું. આશરે ૨૦૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવથી કુલ ઉત્પાદનનું મૂલ્ય લગભગ ૧૨ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. ખર્ચ બાદ આશરે ૬ લાખ રૂપિયા જેટલો નફો મળવાનો અંદાજ પણ ચર્ચામાં રહ્યો હતો. આ આંકડાઓએ ઘણા ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું, કારણ કે નાના વિસ્તારમાં ઊંચા મૂલ્યવાળો પાક મેળવવાની સંભાવના એ હૉર્ટિકલ્ચરમાં મહત્ત્વની બાબત છે.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 01:18 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK