Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધનકુબેર બનવા કોઈ મહેનત કરે, કોઈ સપનાં જુએ, તો કોઈ કરે ભોપાળાં, કરે કોઈ, ભરે કોઈ

ધનકુબેર બનવા કોઈ મહેનત કરે, કોઈ સપનાં જુએ, તો કોઈ કરે ભોપાળાં, કરે કોઈ, ભરે કોઈ

13 June, 2021 03:36 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

ચાર વર્ષથી ભારતમાંથી ભાગેડુ જાહેર થયેલા મેહુલ ચોકસીને ભારત લાવવાનું સપનું ફરી એક વાર રોળાઈ ગયું છે ત્યારે જાણીએ વૈશ્વિક ડાયમન્ડ-કિંગ બનવાના ધખારામાં અનેક બૅન્કોનું ફુલેકું ફેરવી જનારા આ માણસે ડાયમન્ડ-ઇન્ડસ્ટ્રીની કેટલી મુશ્કેલીઓ વધારી દીધી છે

મેહુલ ચોકસી

મેહુલ ચોકસી


છેલ્લાં બે અઠવાડિયાંથી આપણા દેશમાં જેટલી વાતો કોરોના, વૅક્સિન અને વરસાદી ઋતુ વિશેની નથી ચાલી એટલી મેહુલ ચોકસી આણિ ફૅમિલી યા કહો ચોકસી આણિ ગર્લફ્રેન્ડની ચાલી રહી છે. ગુજરાતી પ્રજાનું આખાય વિશ્વમાં નાક નીચું કરનારા, હીરાના વેપારીઓની વિશ્વકક્ષાએ રાજમુકુટમાં શોભતા મોરપિચ્છ સમી શાખને એકઝાટકે માથેથી ઉતારી મૂકનારા આ સ્થૂળકાય નબીરાની વાતો હમણાં વાતાવરણમાં કોરોના કરતાંય વધુ ઝડપથી ચાલી રહી છે.
એક સમયે જેની કંપની ‘ગીતાંજલિ જેમ્સ’ના શૅરના ભાવ ૬૦૦ રૂપિયાથીય વધુ ઊંચાઈને આંબી ગયા હતા એવા મેહુલ ચોકસી આણિ નીરવ કંપની છેલ્લાં લગભગ ચાર વર્ષથી ભાગેડુ છે. દેશમાં તેમના નામની રેડ કૉર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. એવા બે નમૂનાઓમાંનો એક મેહુલ ચોકસી ૨૪ મેની રાતે ૧૧.૩૦ વાગ્યે ટાઉકેરી બે નજીક સંદિગ્ધ હાલતમાં બેઠેલો મળી આવ્યો હતો, એવું ડૉમિનિકા પોલીસે પોતાના ઍફિડેવિટમાં ઈસ્ટર્ન કૅરિબિયન કોર્ટને જણાવ્યું હતું. 
ગુજરાતી પ્રજાને કેટલીક મૂળભૂત બાબતો જાણે જન્મથી જ આશીર્વાદ તરીકે મળતી આવી છે; જેમાં મુખ્યત્વે મીઠી વાણી, વ્યાપાર-ધંધો, શૅરમાર્કેટ અને નાણાં કમાવા માટેના બીજા જુગાડ. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, વાત કડવી લાગે કે મીઠી, પણ આ એક હકીકત છે. ફરક માત્ર એટલો કે સામાન્ય ગુજરાતી એનો ઉપયોગ કરે અને હર્ષદ મહેતા, કેતન પારેખ, મેહુલ ચોકસી, નીરવ મોદી જેવા માંધાતાઓ એનો દુરુપયોગ કરે. મેહુલ ચોક્સીનાં કારસ્તાનો વિશે તો આપણને બધાને ખબર જ છે, પણ એ કારસ્તાનો પહેલાંના એનાથી જૂના ભૂતકાળ પર પણ થોડી નજર કરી લઈએ. 
પારિવારિક ધંધાથી શરૂઆત...
૧૯૫૯ની પાંચમી મેએ મુંબઈમાં હીરાનો નાનો-મોટો ધંધો કરનારા ચીનુભાઈ ચોકસી (ડાયમન્ડ ટ્રેડર)ને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે. શાળાનું ભણતર પૂર્ણ કરી ચૂકેલા દીકરાને ચીનુભાઈ પાલનપુરની જી. ડી. મોદી કૉલેજમાં આગળ ભણવા માટે મોકલે છે. દીકરો નાનો હતો ત્યારથી જ ભણતર પૂર્ણ કર્યા બાદ તે પરિવારના ધંધામાં જોડાઈ જશે એ વાત નક્કી જ હતી. દીકરો પરિવારના બિઝનેસમાં જોડાઈ જાય છે અને તેના ધંધા પ્રત્યેના ડેડિકેશન અને પ્રગતિની ઝંખના જોઈ ખુશીથી ગદ્ગદ થયેલાં મા-બાપ તેનાં પ્રીતિ નામની છોકરી સાથે લગ્ન પણ કરાવી દે છે, પણ ત્રણ સંતાનના પિતા બનેલા આ ચીનુભાઈના દીકરાનાં સપનાં માત્ર પોતાના પારિવારિક ધંધાને પ્રગતિના પંથે લઈ જવાનાં જ નહોતાં. તેને તો આકાશ આંબી લેવું હતું, પોતાની કંપનીનું નામ માત્ર ભારતમાં જ નહીં, આખાય વિશ્વમાં જાણીતું, માનીતું અને વખણાતું કરી લેવું હતું. ચીનુભાઈનો આ અતિમહત્ત્વાકાંક્ષી અને ધનરાક્ષસ બનવા માગતો દીકરો એટલે મેહુલ ચોકસી. ભારતીય શૅરબજારમાં ક્યારેક લિસ્ટેડ હતી એવી ‘ગીતાંજલિ જેમ્સ’ કંપનીનો માલિક. 
૧૯૭૫માં મેહુલ ચોકસી જેમ્સ ઍન્ડ જ્વેરીના ધંધામાં પ્રવેશ્યો અને ૧૦ વર્ષમાં-૧૯૮૫માં તો તેણે પિતા ચીનુભાઈએ ઊભી કરેલી કંપની ગીતાંજલિ જેમ્સનો આખોય કારભાર સંભાળી લીધો. આ સમય સુધી હજી મેહુલની કંપની રફ અને પૉલિશ્ડ ડાયમન્ડનું જ કામ કરતી હતી, પરંતુ ધનરાક્ષસ બનવા માગતા મેહુલને આટલાથી સંતોષ નહોતો. તેણે પોતાની કંપનીને જ્વેલરી ડિઝાઇનથી શરૂ કરી લોકલ બ્રૅન્ડ અને ત્યાંથી ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ સુધી લઈ જવી હતી. લિસ્ટેડ કંપની હોવામાત્રથી તેનું સપનું પૂર્ણ થઈ જાય એમ નહોતું. મેહુલની મહેચ્છા તો હતી વિશ્વના ડાયમન્ડ-કિંગ બનવાની. હવે વિચાર કરો કે આવું સુંદર સપનું સેવતો માણસ, અચાનક એક દિવસ ક્યાંક ભારતથી જોજનો દૂર દરિયાની રેતમાં બેઠો છે અને પોતાની પ્રિયતમાને કહી રહ્યો છે કે ‘આવતા વખતે હવે તું મને ક્યુબામાં મળજે.’ ગર્લફ્રેન્ડ પ્રશ્ન કરે છે કે ‘કેમ અહીં નહીં અને ક્યુબા?’ ત્યારે એ ગર્લફ્રેન્ડને જવાબ નહીં, પણ એક આખેઆખો એક્ઝિટ પ્લાન જાણવા મળે છે કે તેનો પ્રેમી ડૉમિનિકા થઈને ક્યુબા ભાગી જવાનો પ્લાન બનાવી રહ્યો છે.
 ભારતના આશરે ૧૩,૫૦૦ કરોડ રૂપિયા ખાઈને ઓડકાર ખાવા વિદેશ ભાગી જાય એવા ૬૨ વર્ષના મેહુલ ચોકસી એટલે આ ૨૯ વર્ષની ગર્લફ્રેન્ડનો પ્રેમી અને તેની ગર્લફ્રેન્ડ એટલે બાર્બરા, જે રાતોરાત આખા ભારતમાં જાણે ખૂબ મોટી સ્ટાર બની ગઈ. 
કેમ, શા માટે, શું થયું? 
જેમને ડાયમન્ડ માર્કેટ અને ડાયમન્ડ જ્વેલરીની ખાસ ખબર નથી એવા વાચકમિત્રોને જણાવી દઈએ કે હીરાબજારમાં BG (બૅન્ક ગૅરન્ટી) અને LC (લેટર ઑફ ક્રેડિટ) વ્યાપાર માટે આ બે ખૂબ મહત્ત્વનાં પરિબળો છે. જ્યારે મેહુલે ગીતાંજલિનો કારભાર સંભાળ્યો ત્યારે ગીતાંજલિ જેમ્સનું ટર્નઓવર આશરે ૫૦ કરોડનું હતું, પણ મેહુલનું સપનું હતું કે ‘ગીતાંજલિ જેમ્સ’ને વિશ્વની સૌથી મોટી લક્ઝરી ડાયમન્ડ જ્વેલરી બ્રૅન્ડ બનાવવામાં આવે. એથી તેણે પોતાની કંપનીનું યુદ્ધના ધોરણે એક્સ્પાન્શન કરવા માંડ્યું. જોતજોતામાં તો મેહુલ આખા ભારતનો સૌથી મોટો રફ ડાયમન્ડ એક્સપોર્ટર બની ગયો. મેહુલને લાગ્યું કે આ પર્ફેક્ટ સમય છે ડાયમન્ડ જ્વેલરી ક્ષેત્રે ઝંપલાવવાનો. તેણે પોતાની કંપનીના નામથી જ્વેલરી બ્રૅન્ડ શરૂ કરી. ૧૯૯૦થી ૨૦૦૦ના દસકામાં તેને ખૂબ સારી સફળતા પણ મળી અને ૨૦૦૫ની સાલ આવતા સુધીમાં તો મેહુલની બ્રૅન્ડ ‘ગીતાંજલિ જેમ્સ’ ભારતનાં લગભગ ૪૦૦૦ જેટલાં સેલિંગ કાઉન્ટર્સ પરથી વેચાતી બ્રૅન્ડ બની ગઈ. ૨૦૦૬ની સાલમાં તેણે ૧૧૧ હાઇએન્ડ બ્રૅન્ડેડ જ્વેલરી સ્ટોર્સની ચેઇન ધરાવતા વિદેશી જ્વેલર્સ સૅમ્યુઅલ જ્વેલર્સને ખરીદી લીધું. એને કારણે તે હવે પોતાનો બિઝનેસ અમેરિકા સુધી લઈ જઈ શકવાનો હતો. આ તબક્કાએ પહોંચવા સુધી આખાય ભારતના હીરા વેપારીઓ માટે મેહુલ એક દૃષ્ટાંત હતો. રફ ડાયમન્ડથી લઈને પૉલિશ્ડ ડાયમન્ડ અને જેમ્સ ઍન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં કામ કરતા યુવાનો માટે ઇન્સ્પિરેશન હતો. મેહુલની સફળતા એટલી ઝળહળતી હતી કે તેની ચમક છેક એન્ટવર્પ સુધી પહોંચી ગઈ. મેહુલનો ભાણેજ નીરવ પણ કાકા પાસે ભારત આવી ગયો. હીરા અને હીરાનાં ઘરેણાંનું કામકાજ શીખવા માગતો નીરવ પછી મામાને કંપનીની બ્રૅન્ડ-ઇમેજ ઊભી કરવામાં પણ મદદ કરવા માંડ્યો. 
વળતાં પાણીની શરૂઆત
સાચી શાખ અને સાચું કામ એ બે વચ્ચેની દીવાલમાં તિરાડ ત્યારે પડી જ્યારે મેહુલે નીરવ સાથે મળીને ખરાબ ક્વૉલિટીના હીરા પણ પોતાની બ્રૅન્ડની શાખના બલ્લે સાચા હીરા તરીકે વેચવા માંડ્યા. સૂરત અને મુંબઈના જૂના અને લીલીસૂકી જોઈ ચૂકેલા ઘણા વેપારીઓ હજી આજેય કહે છે કે અમને તો પહેલેથી ખબર જ હતી કે મેહુલ અને નીરવ એક દિવસ પોતાનું અને બૅન્કનું દેવાળું કાઢશે. ખેર, ખોટા કે ખરાબ ક્વૉલિટીના હીરા સાચા ઠરાવીને વેચતા રહેવા છતાં હજીય કાંઈ બગડ્યું નહોતું, કારણ કે આ હકીકતની ખબર માત્ર હીરાના જાણકાર એટલે કે ડાયમન્ડ માર્કેટમાં કામ કરનારાને જ હતી. જેમને આના વિશે ખબર નહોતી તેઓ આપણા જેવા સામાન્ય માણસો અને સરકારી બૅન્કના ભલાભોળા અધિકારીઓ તો મેહુલ અને નીરવને ડાયમન્ડ માર્કેટ અને જ્વેલરીના કિંગ જ સમજતા હતા. આથી જ તેમને ધિરાણ કરવા માટે અનેક બૅન્કોની લાઇન લાગવા માંડી. બસ દિવાસ્વપ્નને પૂર્ણ કરવા માટે આ જ તો જોઈતું હતું. પોતાની પાસે સાચી કે ખોટી ઊભી કરેલી એક બ્રૅન્ડ હોય, બજારમાં માલ વેચનારા અને ખરીદનારા વેપારીઓ હાજર હોય અને ‘રામ કી ચીડિયા, રામ કા ખેત’ની જેમ બૅન્કની તિજોરી સુધી લઈ જતા દરવાજા ઉઘાડાધડંગ મૂકી દેવામાં આવ્યા હોય પછી બીજું શું જોઈએ?
ત્યાર બાદ ૨૦૦૬ની સાલમાં મેહુલ ચોકસી ભારતીય શૅરબજારની પ્રાઇમરી માર્કેટમાં પોતાની કંપનીનો આઇપીઓ લઈને આવે છે. કંપની શૅરમાર્કેટમાં લિસ્ટ પણ થઈ જાય છે અને આ લિસ્ટિંગ દ્વારા મેહુલભાઈ એક ઇજ્જતદાર ડાયમન્ડ મર્ચન્ટ તરીકેની પોતાની શાખમાં એક મોંઘેરું મોરપિચ્છ આમેજ કરી લે છે.
પીએનબી અને ચોકસી 
૨૦૧૬-’૧૭ની સાલમાં મેહુલની કંપની પોતાના ઍન્યુઅલ રિપોર્ટમાં ૨.૫ બિલ્યન ડૉલરના ટર્નઓવર સાથે પોતાને વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઇન્ટિગ્રેટેડ બ્રૅન્ડેડ જ્વેલરી મૅન્યુફૅક્ચરર ઍન્ડ રીટેલર હોવાનો દાવો કરે છે. એ જ કંપની ૨૦૧૬માં જ પોતાની બૅલૅન્સશીટમાં ૩.૨૬ કરોડનું નુકસાન અને ૨૦૧૭ની સાલમાં ૧૫.૪૦ કરોડનું નુકસાન થયું હોવાની જાહેરાત કરે છે! 
૨૦૧૮ની સાલનો એ માર્ચ મહિનો જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા મેહુલ ચોકસી અને નીરવ મોદીના નામનો નૉન-બેલેબલ વૉરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યો. કારણ? તેમણે પીએનબીની ફોર્ટ બ્રાન્ચ સાથે ઠગાઈ કરી હતી અને ઠગાઈ ૨-૫ રૂપિયાની નહીં, અધધ ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની. ભારતના બૅન્કિંગ ઇતિહાસમાં આ સૌથી મોટું ભોપાળું માનવામાં આવે છે. 
૨૦૧૮માં વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ મર્ચન્ટ અને બિગેસ્ટ જ્વેલરી બ્રૅન્ડના માલિક એવા ભારતના પનોતા પુત્ર મેહુલ ચોકસી મેડિકલ સારવાર લેવા જવાના બહાને અચાનક દેશમાંથી રફુચક્કર થઈ જાય છે અને છેક ૨૦૨૧ની સાલમાં ભોળા ભારતને ખબર પડે છે કે ‘હવે નેક્સ્ટ ટાઇમ મને ક્યુબામાં મળજે’ એમ ગર્લફ્રેન્ડને કહી રહેલો મેહુલ વાસ્તવમાં તો ડિનર માટે જૉલી હાર્બર જઈ રહ્યો હતો. અચ્છા, પછી તો તેની પત્ની અને વકીલ દ્વારા કહેવાયેલી આ વાત પણ ખોટી હતી એમ જણાવાયું અને નવી વાત એમ કહેવામાં આવી કે હું મારી ગર્લફ્રેન્ડ બાર્બરાને મળવા જતો હતો ત્યારે ૮-૧૦ માણસોએ મારા પર હુમલો કર્યો અને મારું અપહરણ કરવામાં આવ્યું છે જેમાં મારી ગર્લફ્રેન્ડ બાર્બરાનો પણ હાથ છે.    
વાસ્તવમાં બન્યું શું હતું? 
આપણા દેશની પંજાબ નૅશનલ બૅન્કે ૨૦૧૭ના ડિસેમ્બર ક્વૉર્ટર એન્ડિંગમાં જેટલો નફો નોંધાવ્યો હતો એની ૪૯ ગણી રકમ જેટલું મેહુલ અને નીરવ બૅન્ક સાથે ભોપાળું કરી ગયા હતા. પીએનબીને રીકૅપિટલાઇઝેશન તરીકે કેન્દ્ર સરકાર દ્વારા જેટલી રકમ મળી હતી એના કરતાં બમણી રકમ આ બન્ને ચાંઉ કરી ગયા હતા.
ઓકે, સમજો. બનતું કંઈક એવું હતું કે મેહુલ અને નીરવે પીએનબીની ફોર્ટ બ્રાન્ચના એક કર્મચારી સાથે સેટિંગ કરી લીધું હતું. એ કર્મચારી પોતે ઑથોરાઇઝ્‍ડ ન હોવા છતાં મેહુલ અને નીરવને પીએનબીના ‘લેટર ઑફ અન્ડરટેકિંગ’ ઇશ્યુ કરી આપતો હતો. ‘લેટર ઑફ અન્ડરટેકિંગ’ એટલે ટૂંકા ગાળાની ક્રેડિટ એમ સમજી લો. આ લેટર તમારી પાસે હોય તો એને લીધે તમે કોઈ બીજી બૅન્ક પાસેથી કે ઇશ્યુ કરનાર બૅન્કની જ ઓવરસીઝ બ્રાન્ચ પાસે ક્રેડિટ મેળવી શકો. મેહુલ અને નીરવે આ ‘લેટર ઑફ અન્ડરટેકિંગ’ બીજી બૅન્કો અને પ્રાઇવેટ લૅન્ડર્સને દેખાડીને નાણાં ઉપાડી લીધાં અને પછી થઈ ગયા છૂમંતર.   
૨૦૧૮ની સાલના ફેબ્રુઆરી મહિનામાં પંજાબ નૅશનલ બૅન્કે આખાય દેશની બધી બૅન્કોને પત્ર લખવો પડ્યો હતો કે આ પ્રકારનું કોઈ સ્કૅમ ચાલી રહ્યું છે અને તમે સાવધાન રહેજો. અમારી સાથે આ પ્રકારનું સ્કૅમ થયું હોવાનો અમને શક છે.
ખાય કોઈક, ખંડાય બીજું
ખબર છે સૌથી મોટી મુશ્કેલી શું છે? મેહુલ, નીરવ, સુબ્રતો, વિજય જેવા અનેક ધનરાક્ષસ બનવાની લાલસા રાખવાવાળા ખેલાડીઓ, આ રીતે બૅન્કો સાથે રમત તો રમી જાય છે, પરંતુ છેતરામણી પછી બૅન્કો બીજા જેન્યુન ગ્રાહકો માટે વધુ કડક થઈ જતી હોય છે. જેમ કે મેહુલ અને નીરવના કિસ્સા બાદ હીરાબજારમાં જાણે ‘વિશ્વાસ’ નામના શબ્દ પરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગયો હતો. બૅન્કો આસાનીથી લેટર ઑફ ક્રેડિટ, લોન, ઓવરડ્રાફટ ફૅસિલિટી વગેરે આપવા તૈયાર નહોતી થઈ રહી. આ ઘટના બાદ ૨૦૧૮ની ૧૩ માર્ચે આરબીઆઇ દ્વારા પણ બૅન્કો માટે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી. કોઈ પણ બૅન્ક હવેથી ‘લેટર ઑફ અન્ડરટેકિંગ’ (LoUs) અને ‘લેટર ઑફ કમ્ફર્ટ’ (LoCs) ઇશ્યુ કરી શકશે નહીં. મતલબ કે દેશની સેન્ટ્રલ બૅન્કે આખીય બૅન્કિંગ સિસ્ટમમાંથી LoUs અને LoCs જ હટાવી દીંધા. કોને કારણે? મેહુલ અને નીરવને કારણે. ભોગવવાનું કોણે? બીજા હીરાના વેપારીઓએ અથવા ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરતા વેપારીઓએ. સુરત હીરાના વેપારીઓનું હબ ગણાય છે. છેલ્લાં ૩૨ વર્ષથી ડાયમન્ડ મર્ચન્ટ તરીકે કામ કરતા જયસુખભાઈ કહે છે, ‘મેહુલ ચોકસી અને નીરવ મોદીને કારણે વિશ્વના બીજા દેશો અમને પણ અવિશ્વાસની દૃષ્ટિએ જોવા માંડ્યા હતા. જે વેપારીઓ સાથે હું ૧૫-૧૫ વર્ષથી ધંધો કરતો હતો અને માત્ર એક ફોન પર કામ થઈ જતું હતું એ પણ અમારો માલ ઝીણવટપૂર્વક ચકાસીને, ખાતરી થયા પછી જ લેતા થઈ ગયા હતા. ભારતના મોટા ભાગના ડાયમન્ડ મર્ચન્ટ્સને ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રેડિટ મળતી બંધ થઈ ગઈ હતી. ‘એક તરફ માલ અને બીજી તરફ રોકડા પૈસા હોય તો જ ધંધો થશે’ એમ લોકો એકબીજાને મોઢામોઢ કહેવા માંડ્યા હતા. બૅન્કો અમારા ખાતામાં પૈસા પડ્યા હોય તો પણ ‘લેટર ઑફ ક્રેડિટ’ આપતાં ગભરાતી હતી. અમારે અમારા જ નાણાં સામે લેટર ઑફ ક્રેડિટ લેવાનો હોય તો પણ જાણે બૅન્કને આજીજી કરવી પડતી, કારણ કે આરબીઆઇએ કહી દીધું હતું કે લેટર ઑફ ક્રેડિટ (LCs) ત્યારે જ ઇશ્યુ થશે જ્યારે બૅન્ક દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી બધી શરતો પૂર્ણ જણાતી હશે અને લેટર ઑફ ક્રેડિટની ઍપ્લિકેશન બધા નક્કી થયેલા માપદંડ અનુસાર હશે.’
બૅન્કને છેતરવાનું કાવતરું
‘હીરાવાળા તો જાણતા જ હતા કે આ મેહુલ અને નીરવ દેવાળિયા છે, પણ આ ફ્રૉડની રીત અમારા માટે પણ નવી હતી. લેટર ઑફ અન્ડરટેકિંગ દ્વારા બૅન્કને જ છેતરવાનું કાવતરું કરવામાં આવે એ અમારે માટે સાવ નવું હતું. અમારા હીરાબજારમાં ઓવર ઇન્વૉઇસિંગ, અન્ડર ઇન્વૉઇસિંગ, દાણચોરીના માલનું ખરીદ-વેચાણ અને ટૅક્સની ચોરી એ બધાં ફ્રૉડ જાણીતાં છે, નવા નથી, પરંતુ નીરવ અને મેહુલે તો બૅન્કોને જ નવડાવી મૂકી...’ મુંબઈના હીરાબજારનો એક ડાયમન્ડ મર્ચન્ટ નામ ન આપવાની શરતે હકીકત બયાં કરતાં ઉમેરે છે, ‘સાહેબ, આખા મુંબઈમાં તમે કોઈ પણ બૅન્કની કોઈ પણ બ્રાન્ચમાં જઈને પૂછો તો કોઈ પણ બૅન્ક-કર્મચારી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કહી દેશે કે કોઈ હીરાનો વેપારી ક્યારેય રુશવત કે દગો નહીં જ આપે.’ 
જ્યારે હીરાબજારમાં કામ કરતા બીજા એક કર્મચારીનું કહેવું છે કે ‘બુક્સ ઑફ અકાઉન્ટ્સમાં ગરબડી, બૅન્કો અને ગ્રાહકો સાથે ચીટિંગ આ બધી વાતો હવે એટલી કૉમન થઈ ગઈ છે કે એ વિશે લોકો હવે વાત સુધ્ધાં નથી કરતા છતાં મુંબઈ અને સૂરતના હીરાના વેપારીઓને આજ સુધી એ નથી સમજાયું કે નીરવ અને મેહુલને બૅન્કની ખાતાવહીમાં એન્ટ્રી કર્યા વિના જ કઈ રીતે લેટર ઑફ અન્ડરટેકિંગ મળતા રહ્યા. અમારા બજારમાં જે વર્ષોથી કામ કરે છે તેમને ખબર છે કે નાનાં-મોટાં સ્કૅમ્સ અહીં રોજ જ થતાં રહેતાં હોય છે, એની કોઈને નવાઈ પણ નથી, પરંતુ નીરવ અને મેહુલ? એ લોકોએ આખેઆખી બૅન્કની જ ઘોર ખોદી નાખી.’
ઇન્ડસ્ટ્રીની શાખ પર બટ્ટો 
‘છેલ્લી અડધી સદીથીય વધુ સમયથી હીરા કે હીરાનાં ઘરેણાંનો ૯૦ ટકા વેપાર કાળાં નાણાં દ્વારા થતો આવ્યો છે. એ વાત કાંઈ નવી નથી, કારણ કે હીરો એ અમીરોના શોખની વસ્તુ છે, ગરીબ કે સામાન્ય વર્ગની નહીં. આજે એક હીરાની જોડ પણ તમે લેવા જાઓ તો ૮થી ૧૦ લાખ રૂપિયાની આવે. હવે જ્યારે કોઈક વેપાર રોકડાં નાણાં પર વધુ અને કાગદી નાણાં પર નહીંવત્ નભતો હોય ત્યારે સ્વાભાવિક છે માણસની દાનત, શાખ અને વચનમાં પ્રામાણિકતા જ મહત્ત્વનાં થઈ પડે. નીરવ અને મેહુલ આ વાત બરાબર સમજતા હતા અને એ જ વાતનો તેમણે ફાયદો ઉઠાવ્યો.’ હીરા ઘસવાનું કામ કરતી ફૅક્ટરીના માલિક કરસન પટેલ આમ કહેતાં ઉમેરે છે, ‘મેહુલ કે નીરવના કારસ્તાનથી આમ જુઓ તો હીરાબજારને કોઈ ફરક નથી પડ્યો અને નહીં પડશે, પણ હા, અમને હવે એ સમજાઈ ગયું છે કે બૅન્કો અમારા પર વધુ સખત બનવાની. અમને પગથિયે ચડવા દેતાં પહેલાં જ ચોર ગણી લેવાની.’
આરકે જ્વેલર્સના રોહન શર્મા કહે છે, ‘તેમના (મેહુલ અને નીરવ) ભોપાળાની સૌથી માઠી અસર નાના અને અનઑર્ગેનાઇઝ્‍ડ પ્લેયર્સ પર પડી છે, કારણ કે બૅન્કો હવે વધુ સતર્ક થઈ ગઈ છે આથી તરત લોન કે બીજી સુવિધા આપતી નથી અને આવા નાના પ્લેયરોએ તેમનું રોજેરોજનું ઑપરેશન સરળતાથી ચાલતું રહે એ માટે મહદંશે બૅન્કો પર જ આધાર રાખવો પડે છે. આથી મોટા ભાગના જ્વેલર્સ ગોલ્ડ લોન તરફ વળ્યા છે જેને કારણે તેમને સસ્તા વ્યાજના દરે નાણાં તો મળી રહે છે, પરંતુ સોનાનો સતત વધતો ભાવ અને આ ક્ષેત્રો સાથે ડીલ કરવા બાબતે બૅન્કોની અનિચ્છાને કારણે તેમણે ખૂબ કપરા દિવસોનો સામનો કરવો પડે છે.’
શીતલ ગ્રુપ ઑફ કંપનીઝના ગોવિંદ કાકરિયા જે ઇન્ડસ્ટ્રીમાં ગોવિંદભાઈ તરીકે વધુ જાણીતા છે તેઓ સાચું જ કહે છે, ‘જો વેપારી એક શબ્દનો માણસ છે અને તેની શાખ સારી છે તો તે વ્યક્તિગતરૂપે વ્યાપારીઓ પાસે પણ ઉધાર લઈ શકે છે. આ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી અને સારી વાત એ છે કે અહીં લોકો પોતાનું વચન, પોતાના બોલાયેલા શબ્દો પાળે છે. અમારી ઇન્ડસ્ટ્રીમાં કરોડોનું ઉધાર માત્ર શબ્દો પર મળી જતું હોય છે, કોઈ પણ જાતના ડોક્યુમેન્ટેશન વિના!’
પણ નવા નિશાળિયાઓ ઝડપથી મોટા ભાઈ બની જવાનાં સપનાં લઈને આવે અને એને સાકાર કરવા માટે ઉદ્યમ નહીં, પણ ઊંબાડિયાં કરી નાખે ત્યારે ખરા અર્થમાં મહેનત કરી રહેલા વેપારીઓને પણ તકલીફમાં મૂકી દે છે. આમ બને ત્યારે કોઈ એક વ્યક્તિની નહીં, પણ આખા બજારની, ઇન્ડસ્ટ્રીની શાખ પર વર્ષોનું ગ્રહણ લાગી જાય છે.

ડાયમન્ડ માર્કેટની બૅન્કોની ઉધારી
ક્રેડિટ રેટિંગ કંપની કેરા રેટિંગના રિપોર્ટ અનુસાર ૨૦૧૮ની ૩૦ માર્ચ સુધીના આંકડા જણાવે છે કે બૅન્કોના કુલ ૭૨૭૦૦ કરોડ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં બાકી લોન તરીકે બોલે છે. ૨૦૧૯માં આ આંકડામાં ૬૦૦ કરોડનો ઘટાડો થયો અને ૨૦૨૦માં ૧૨૫૦૦ કરોડનો ઘટાડો નોંધાયો હતો. ૨૦૨૦ની ૨૭ માર્ચના આંકડા અનુસાર ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં બૅન્કોનાં બાકી લેણાં આશરે ૫૯૫૦૦ કરોડ જેટલાં છે.

હાઇલાઇટર
દુનિયામાં સૌથી વધુ સોનાની માગ કે વપરાશ કરનારા દેશોમાં ભારત બીજા ક્રમાંકે આવે છે છતાં આ વર્ષના મે મહિનામાં માત્ર ૧.૪ ટન સોનાની આયાત થઈ હતી, જ્યારે ગયા વર્ષમાં આ જ આંકડો ૧૩૩.૬ ટન જેટલો હતો.    

પેજ થ્રી પર છવાવાની સ્ટ્રૅટેજી
મેહુલ ચોકસીના પરિચિતોમાંના એકે એ સમયે કહ્યું હતું કે મેહુલ અખબારના પેજ થ્રી પર રહેવા માટે બૉલીવુડની હિરોઇનો પર પૈસા ખર્ચવા માંડ્યો હતો, જેથી બૅન્કવાળા તેને પેપરના પાને જુએ અને તેના પરનો ભરોસો જળવાઈ રહે, પણ બજાર જાણતું હતું કે તે છેલ્લાં ત્રણ વર્ષથી ‘ડિફૉલ્ટર’ છે. તેના પાલનપુરી જૈન સમુદાય અને સાથીવેપારીઓએ તેને પૈસા આપવાનું પણ બંધ કરી દીધા હતા. સુરત અને મુંબઈના દરેક વેપારીઓ આ બન્ને મામા-ભાણેજને માત્ર રોકડેથી જ માલ આપતા, કારણ કે તેઓ ક્યારેય સમયસર પૈસા ચૂકવતા નહોતા છતાં બૅન્કોએ તેમને પૈસા આપવાનું ચાલુ રાખ્યું. જેનો સીધો અર્થ છે કે અંદરથી જ કોઈ તેમની સાથે મળેલું હતું આ ભોપાળામાં અને તેઓ બરાબરના ભાગીદાર હતા. જો એમ ન હોત તો મેહુલ કે નીરવ બન્નેમાંથી એકેય એક દિવસ પણ કામ કરી શકે એમ નહોતા.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2021 03:36 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK